આવું ય થાય... કાચબાભાઈ

    ૨૧-ડિસેમ્બર-૨૦૧૭
 
કાચબો જીત્યો... કાચબો જીત્યો...
મંદ ગતિનો કાચબો જીત્યો
કાચબાએ સસલાને પછાડ્યો
જો જીતા... વો હી સિકંદર...
હવેથી કાચબો આપણો આગેવાન. એની દોરવણી હેઠળ ચાલવાનું. આવાં માન-પાન કાચબાને મળવા લાગ્યાં. ઠેર-ઠેર મિટિંગો ભરાય, ઠેર-ઠેર મેળાવડા થાય. ઠેર-ઠેર સમારંભો યોજાય અને કાચબાભાઈનું માન-પાન સચવાય. કાચબાનાં ગુણગાન ગવાય. કાચબાના હાથે જે-તે ઉદ્ઘાટનો કરાવે. પ્રવચનો ગોઠવે, ઇનામો અપાવે, ને એવા કંઈક કારણોસર કાચબો અભિમાની થઈ ગયો.
કોઈને ગમે કે ન ગમે, કોઈ સાંભળે કે ન સાંભળે, કોઈની વાત પોતે ન સાંભળે, પણ... બીજાને સંભળાવે. આવા કાચબાભાઈ હવે લપલપિયા બની ગયા હતા. તમે જે લપલપિયા કાચબાભાઈ કહો છો ને તે એક જ કાચબો.
જેને ને તેને એ ઉતારી પાડે. કોઈની વાત ન સાંભળે, ને પોતાનું હાંકે રાખે. આવા કાચબાભાઈ રોફ કરતા ચાલે. એક સાંજે એક સૂરણની ગાંઠ જોઈ એની પાસે જઈ કાચબાભાઈએ માંડી વાત.
‘જો... આમ એક જ જગ્યાએ ઊભા ન રહેવાય, આપણે પણ ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ. હરીફાઈમાં ભાગ લઈ શકીએ છીએ. આમ બેસી રહેવાથી તારું કંઈ નહીં વળે. બેઠેલાનું નસીબ બેઠેલું જ રહે છે. સમજે છે મારી વાત ?’ પણ... સૂરણ કંઈ બોલ્યું નહીં, કે ન તો એ ચાલ્યું. એટલે કાચબાએ વાત આગળ વધારી. ‘કાન ખુલ્લા છે કે બંધ ? કાન ખુલ્લા રાખવા હંમેશા... વાતો સાંભળવી સઘળી, નાના-નાના પગ છે તો શું થયું ? એ પગે ખૂંદી વળીએ જગ, ગભરાવાનું સહેજે નહીં. ડહાપણનો ભંડાર છીએ. જો મારી સામે જો...’ પણ પેલું સૂરણ ચૂપ જ હતું.
‘અલ્યા.... તને કહું છું. ડોકું તો કાઢ, હા કે ના જેવું કશુંય ભસતાં તને નથી આવડતું ? કોઈ મોટું શિખામણ આપે ત્યારે હોંકારો ભરતાં તો આવડવો જોઈએ. લાગે છે કે એ પણ તું શીખ્યો નથી.’
કાચબો હવે ગુસ્સે ભરાયો - આને હું અક્કલ આપું છું તે ય નથી લેતો ઉછીની. બાકી છે તો મારા જેવો જ ગોળ-મટોળ ને ભારે. મોં કંઈ બાજુ છે એ સમજાતું નથી, પણ પગ દબાવીને બેઠો છે. કદાચ મૂંગો હશે? બહેરો હશે? દેખતો નહીં હોય ? બોલતાં સંકોચ થતો હશે ? એમ વિચારી કાચબો સૂરણની ગાંઠ પાસેથી પસાર થયો. પેલી ગાંઠ થોડી ખસી એટલે કાચબાને લાગ્યું કે પોતે જેટલો હોશિયાર છે એટલો આ નથી. મારે એને તૈયાર કરવો પડશે. પોતાના પગ પેલાને અડકાડી એ બોલ્યો, બતાવ તારા પગ, ક્યાં છે ? તું મારી વાત સાંભળે છે ? બોલ કંઈક કે મોંમાં મગ ભર્યા છે ?
ઝાડ ઉપર બેઠેલાં પંખીઓ અને વાંદરાઓ આ તમાશો જોઈ રહ્યાં હતાં. બધાં મનોમન હસતા હતા. કાચબાભાઈ ખીજાણા ને પેલા સૂરણને લાતો મારવા લાગ્યા. ઘડીકમાં ધક્કા મારે તો કોઈવાર પાટું... ક્યારેક મોંથી ધક્કો મારે. આમ ચાલતું હતું ત્યાં જ પેલું સસલું કાચબા પાસે આવી પહોંચ્યું.
‘કાચબાભાઈ... કાચબાભાઈ... આમ શું કરો છો ?’
‘અરે, સસલાજી, ક્યાં નીકળ્યા ?’
‘ખોરાકની શોધમાં.’
‘મારે તો લીલાલ્હેર છે, જે-તે સમારંભોમાં જલસા જ જલસા છે. હવે મારે તમારી જેમ ખોરાકની શોધમાં ભટકવું પડતું નથી એટલે શાંતિ છે. વળી ખોરાકની શોધમાં ટાઈમ બગાડે કોણ ? તમારા જેવા, હું નહીં...’ કાચબો ઘમંડમાં બોલતો હતો. ‘અરે ! ખોરાકની શોધમાં તો સહુએ જવું પડે, સમારંભો કેટલા ચાલશે ?’ આજે-કાલે, પરમદહાડે... પછી... પછી શું ?’ સસલો પૂછતો હતો. કાચબો વાત કરતાં કરતાં હજુ પેલા સૂરણને હડસેલાં મારતો હતો.
‘પછી...પછી.. એવો પ્રશ્ર્ન મને નહીં નડે સમજ્યો ? ખોરાકને હું નહીં શોધું. ખોરાક મને શોધતો આવશે... સમજણ પડી ?’ તાનમાં કાચબો બોલતો જ રહ્યો. સસલો તો હતો શાણો... એણે તો પેલા સૂરણને બીજા છેડેથી ખાવા માંડ્યું. કાચબો તો જોઈ જ રહ્યો.. ‘અરે...! અરે ! સસલાજી, આ શું?’ તમે તો સંપૂર્ણ શાકાહારી છો. મારા જાતિભાઈને આમ...’ કાચબો આમ બોલતો હતો, ત્યાં તો બધા પંખીઓ ને વાંદરાઓ હસવા લાગ્યા.
કાચબો આવ્યો. સસલાની બાજુએ, પછી જોયું તો ત્યાં કેટલાંક છોડિયાં પડ્યાં હતાં, ને અંદર હતું સૂરણનું દળ... કાચબો તો શરમાઈ ગયો. છોભીલો પડ્યો. એ જોઈ સસલાએ કહ્યું, ‘થાય... થાય... કાચબાભાઈ, આવું ય થાય. આંખો બંધ કરી ભાષણ આપવા માંડીએ ને તો ઓડિયન્સ ખાલી થઈ જાય, ને નિર્જીવ ખુરશીઓ પણ ઊંઘી જાય.. એવુંય થાય...’ કાચબો બોલે તો શું બોલે ?
‘ભેંશ આગળ ભાગવત સંભળાવ્યું’... ભેંશ તો જીવંત હોય, અને આ છેતરામણું..’ કહેતો કાચબો ત્યાંથી નાઠો... જતાં-જતાં બોલ્યો, ‘કરવા ગયો કંસાર, ને થઈ ગઈ થૂલી... આ છેતરામણો ભૂલ્યો સંસાર ને બોલવા લાગી લૂલી..’ પણ હવેથી આવી ભૂલ ક્યારેય નહીં થાય, એની ખાતરી -
બસ, ત્યાર પછી કાચબો સમાધિમાં ઊતરી ગયો. કશુંય બોલતો નથી.