તંત્રી સ્થાનેથી : વિજય વર્તે સાવધાન...!

    ૨૧-ડિસેમ્બર-૨૦૧૭

 
ઘીના ઠામમાં ઘી ઠરી ગયું. ૧૦૦% મતદાન ન થવાથી ૩૨% વહી ગયું. ભાજપા સરકાર ફરી ગુજરાત સરકારનાં સૂત્રો સંભાળશે. અત્યંત રસાકસીભરી ચૂંટણીમાં કોંગ્રેસ બેઠી થઈ, આંદોલનકારીઓ જીગ્નેશ, અલ્પેશ, હાર્દિક પ્રકાશિત થયા. ગુજરાતે જાણે સૌને આદરથી જ આવકાર્યા. છતાંય ‘વિજયી’ ભાજપા સુધ્ધાં બધાને થતું હશે, ‘અજીબ દાસ્તા હૈ યે, કહાં શુ‚ કહાં ખતમ, યે મંઝિલે હૈ કોન સી, ન વો સમજ સકે ન હમ.’ આનાથી ઉપરવટ જઈને બધા જ કહેશે, ‘અમે બધું સમજી ગયા છીએ.’
નરેન્દ્ર મોદીનો જાદુ બરકરાર. ‘જીતના જાદુગર’ની પદવીએ અડીખમ. છેલ્લી પાંચ ચૂંટણીઓમાં ગુજરાતીઓએ વિપક્ષના પ્રહારો સામે પડકારો ઝીલ્યા હતા. નરેન્દ્રભાઈ મોદીને તાકતવર ટેકો. આ વખતનો ટેકો જાણે ભાજપાને બચાવવા પૂરતી જ મદદ. ગુજરાત કે ગુજરાતીઓ taken for granted નહીં જ. કમળ ખીલ્યું શહેરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં જાણે ભરશિયાળે તડકાની મોસમ, કોંગ્રેસની આગેકૂચ.
૪.૩૫ કરોડમાંથી માત્ર ૬૮%, ૨.૯૭ કરોડ જાગ્રત મતદારોએ ‘મતદાન’ કર્યું. ભાજપાને ૪૯.૧% મત મળ્યા. કોંગ્રેસને માત્ર ૪૧.૪% અન્ય અને NOTAની સંખ્યાય નાની નહીં. ૧.૩૮ કરોડ મતદાતાઓની ઉદાસીનતા ગુજરાતને પોસાય નહીં. ધીરેથી દ્વિપક્ષ પદ્ધતિમાં સરકતી લોકશાહીને ૭.૭% થયેલા મતદાનનું વિભાજને ય જાણે ખટકે જ. આ વાસ્તવિકતા સ્વીકારતી વખતે વિવિધ પક્ષોએ અને જતનાએ મંથન કરવું રહ્યું. નબળી સરકાર આપી, કમજોર વિરોધ પક્ષ આપ્યો કે પછી અસમંજસમાં ‘ચલતી કા નામ ગાડી’ જેવી પરિસ્થિતિ ઊભી કરી ? દેશ તો જાણે મિલી-જુલી સરકારોમાં ય ટેવાયેલો છે, પરંતુ વિચક્ષણ મતદારો વધુ નિર્ણાયક જરૂર થઈ શકે.
વિચક્ષણતા યે ખૂબ ઓછી છે તેમ કહેવું અયોગ્ય જ. ભાજપાના ૫ મંત્રીઓ તથા સ્પીકર સહિત કોંગ્રેસના મોવડીઓ શક્તિસિંહ, મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલને જાકારો અને અલ્પેશ, જીગ્નેશ તથા હાર્દિકની અપીલની સ્વીકૃતિ. આ વાતાવરણેય જાણે નવસર્જનનાં બી રોપતું હોય તેવું છતાં સત્તામાં તો ભાજપા જ. રાહુલની મહેનતનો રંગ કોંગ્રેસ માટે ત્રીરંગો. સરકારને સવાલો ય યોગ્ય છતાં કહેવાતો ગાંડો કે રઘવાયો વિકાસ તો છેવટે ઊભો રહ્યો. ‘હું છું ગુજરાત, હું છું વિકાસ’ સુત્ર લઈને જ. જાતિવાદે ય ખૂબ ઊછળ્યો છતાં SC/ST બેઠકો, વનવાસી વિસ્તારો. મુસ્લિમ બહુમૂલ વિસ્તારો કે પટેલ જ્ઞાતિથી પ્રભાવિત સીટોમાં બધે જ ભાજપા-કોંગ્રેસને લગભગ સરખી બેઠકો મળી છે. મણિશંકર ઐય્યરની નીચી કક્ષાની વાતો કે પૂર્વ પાકિસ્તાની વિદેશમંત્રી કસ્તૂરીની કોંગ્રેસ માંધાતાઓ સાથેની ચર્ચાને પાછળ છોડીએ તો પણ પ્રધાનમંત્રીને ઘર સાચવવા ૪૨૦૦૦ કિ.મી.નો પ્રયાસ કરવો પડે, PM મટી CM બની દોડવું પડે તે ભારતનાં ૧૯ રાજ્યોમાં ભાજપાની સરકાર છતાં સૌથી વધુ માવજત શ્રમ તેમના જ શીરે, તેમાં ‘મોદી’ની શોભા જરૂર વધે છે. ચૂંટણીના માઈક્રો મેનેજમેન્ટ ક્ષેત્રે શ્રી અમિત શાહની યે ચાણક્ય નીતિની પ્રશંસા થાય છે તો બીજી તરફ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાનો બહુમતીથી થયેલ વિજય પણ સૂચક છે. આ સંદર્ભમાં હવે પછીની મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટકાની ચૂંટણીઓમાં પ્રધાનમંત્રી દેશ-વિદેશમાં વધુ ઝઝૂમી ભારતના ૭૫ વર્ષની સ્વતંત્રતાની સિદ્ધિઓ પર વધારે સમય ફાળવે અને ચૂંટણીઓ જીતાડવામાં ઓછો, તે ય ભાજપા માટે તો યોગ્ય આયોજનનો જ એક ભાગ હોઈ શકે.
વિકાસનો વિજય, આર્થિક નીતિઓનો વિજય, નોટબંધી અને GSTના સમર્થનનો વિજય, જાતિવાદના ઝેરથી પિંખાયેલી ચૂંટણીસભાઓને જમીનદોસ્ત કરી ભાજપાની સ્વીકૃતિનો વિજય, મશરૂમવાલા-ચાયવાલા-પાડી દો. સવારે ૧૧ પહેલાં વાળી ઉદ્દંડ વાતોને દંડિત કરી, ગુજરાતની અસ્મિતાનો વિજય, છેલ્લાં ૨૦ વર્ષમાં એકંદરે ૧૦%થી વધારે GDPથી આગળ વધી રહેલ ગુજરાતની પ્રજાનો વિજય આ બધાની સ્વીકૃતિ અને આનંદ સાથે હવે ગુજરાત વિધાનસભામાં મતદારોએ મજબૂત વિરોધપક્ષ ઊભો કર્યો છે. સરકારની લોકસંગ્રહની નીતિઓ બાબતે વધારે સાવચેતી અને વિરોધપક્ષે રચનાત્મક ટીકાથી ગુજરાતને પ્રગતિનું નવું મૉડલ આપવું પડશે. સરકાર પક્ષેય મુખીયો તો ખેપાની જ જોઈએ.