આસપાસ : ૪૦૦ વર્ષ જૂનો શાપ આખરે મૈસૂર રાજ પરિવારમાંથી હટ્યો, રાણીએ ઉત્તરાધિકારીને જન્મ આપ્યો

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૭


 

મૈસૂરના રજવાડાને આખરે ૪૦૦ વર્ષ બાદ શાપમાંથી મુક્તિ મળી ગઈ છે. મૈસૂરના રાજાના ઘરે ૪૦૦ વર્ષ બાદ પહેલીવાર પોતાના ઉત્તરાધિકારીનો કુદરતી રીતે જન્મ થયો છે. મૈસૂરના ૨૭મા રાજા યદુવીર વાડિયારનાં પત્ની તૃષિકા સિંહે તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, બાળકનું સ્વાસ્થ્ય એકદમ સારું છે. ૪૦૦ વર્ષ બાદ દીકરાના જન્મના કારણે રાજ પરિવારમાં ઉત્સવ જેવો માહોલ બની ગયો છે. મૈસૂરના રાજા યદુવીરના લગ્ન જૂનમાં ડુંગરપુરની રાજકુમારી તૃષિકા સાથે થયાં હતાં. ખુદ રાજા યદુવીર વાડિયાર પણ દત્તક લીધેલા છે. મહારાણી પ્રમોદા દેવીએ પોતાના પતિની મોટી બહેનના પુત્ર યદુવીરને દત્તક લીધા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૪૦૦ વર્ષોથી રજવાડામાં માત્ર દત્તક લીધેલા પુત્રને ગાદી પર બેસાડવામાં આવે છે, કારણ કે અહીં પુત્રનો જન્મ નહોતો થતો. મૈસૂર રાજાઓના ઘરમાં છેલ્લા ૪૦૦ વર્ષોથી કોઈ રાણીએ પોતાની કૂખે પુત્રને જન્મ આપ્યો નથી. ભારતમાં સૌથી લાંબા સમય સુધી રાજાશાહી ભોગવનાર મૈસૂર પરિવાર એકમાત્ર પરિવાર છે. પરિવારમાં છેલ્લી સદીઓથી એટલે કે ૧૬૧૨થી કોઈ મહારાણીએ પુત્રને જન્મ આપ્યો નથી. તેની પાછળ એક રાણીનો શાપ કારણભૂત છે. શ્રાપની કહાની એવી છે કે, ૧૬૧૨માં વિજયનગરના તત્કાલીન મહારાણી અલમેલમ્માએ શ્રાપ આપ્યો હતો. વિજયનગરના પતન બાદ વિજયનગરની તમામ સંપત્તિ લૂંટી લેવામાં આવી હતી. તે સમયે રાણી અલમેલમ્મા પાસે ખૂબ સોનું હતું. રાણી સોનું લઈને પિયર ચાલ્યાં ગયાં હતાં, જ્યાં વાડિયાર રાજાના સૈનિકોએ તેમનો પીછો કર્યો હતો. રાજાના સૈનિકોએ રાણી પાસેથી સોનું માગ્યું પરંતુ રાણીએ આપવાની ના પાડી દીધી અને શાપ આપી દીધો કે, વાડિયાર રાજાઓની પત્નીઓની કૂખે ક્યારેય વંશ નહીં જન્મે. આટલું કહી રાણી અલમેલમ્માએ કાવેરી નદીમાં કૂદકો મારી પ્રાણ ત્યાગી દીધા હતા. બસ, ત્યારથી શ્રાપ પ્રમાણે વાડિયાર રાજાઓના ઘરમાં ક્યારેય વંશ જન્મ્યો નથી. જો કે શ્રાપને હટાવવા માટે વાડિયાર રાજાઓએ ઘણા પ્રયત્નો કર્યા અને પૂજા-અર્ચના કરી હતી. મૈસૂરમાં રાણી અલમેલમ્માની મૂર્તિ પણ લગાવવામાં આવી છે. જો કે આખરે ૪૦૦ વર્ષ બાદ રાણી તૃષિકા સિંહે વાડિયાર વંશના ઉત્તરાધિકારીને જન્મ આપી દીધો છે, જેના કારણે રાજપરિવારમાં ખુશીની કોઈ સીમા રહી નથી.