દિન-વિશેષ : ...તભી ગોવિંદસિંહ નામ કહાઉં

    ૨૯-ડિસેમ્બર-૨૦૧૭

 

 
 
૨૨મી ડિસેમ્બર - શીખોના દસમા ગુરુ ગુરુગોવિંદસિંહની જન્મજયંતી નિમિત્તે વિશેષ

ધાર્મિક સામાજિક ચેતનાના પુંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર, ભક્તિ અને શક્તિનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર, સર્વવંશદાની એવા શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજી. ભારતના પૂર્વાચલમાં ગંગાતટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર-પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ તેગબહાદુરજીને ત્યાં જન્મ ધારણ કર્યો અને દક્ષિણમાં નંદગિરિ-નાંદેડમાં દેહલીલા સંકેલી.

૨૨મી ડિસેમ્બર ૧૬૬૬ના રોજ તેમનો જન્મ થયો ત્યારે લુધિયાણાના મુસ્લિમ પીર ભીખનશાહે પશ્ર્ચિમને બદલે પૂર્વ તરફ (પટણા તરફ) મુખ રાખી સિજદા કરી અને અવતારી બાળકનાં દર્શન કરવા નીકળી પડ્યા. તે પટણા પહોંચ્યા ત્યારે ગોવિંદરાય માત્ર ૧૩ દિવસના હતા. ભીખનશાહે તેમની પાસે માટીના બે કુંજા રાખ્યા, જે બે કોમના પ્રતીક હતા. બાળક ગોવિંદરાયે બંને કુંજા પર પોતાના નાના નાના સુંદર હાથ મૂકયા. ભીખનશાહે સૌને વધામણી આપી. તો સૌના ગુરુ આવ્યા છે. આમ, ગોવિંદરાયે જન્મથી ધાર્મિક રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો. માત્ર નવ વર્ષના હતા ત્યારે કાશ્મીરી પંડિતોના સમગ્ર દેશની પ્રજાના ધર્મના રક્ષણ માટે પિતાને બલિદાન આપવા પ્રેરણા આપી. જયારે તેમને ખાતરી થઈ કે માત્ર ભક્તિ કે બલિદાન દ્વારા ધર્મનું રક્ષણ નહીં થઈ શકે ત્યારે ભક્તિ સાથે શક્તિનો સુમેળ સાધ્યો અને એક એવી પ્રજા તૈયાર કરવાની આત કરી જે અન્યાય અને અત્યાચારનો સામનો પૂરી શૂરવીરતાથી કરે. ધર્મ, દેશ માટે મરી ફીટવા તૈયાર રહે અને સિપાહીની સાથે સંતના ગુણો પણ ધરાવતી હોય. દેશની ભીરુ પ્રજાને શૂરવીરતાના પાઠ ભણાવવા તેમણે એલાન કર્યું.

તેમને વીરરસ જગાવનારી રચના કરવા પ્રેરણા આપતા. પોતે પણ મહાન કવિ હતા. તેમણે પંજાબી, ફારસી, અવધિ, વ્રજ જેવી ભાષાઓની રચના કરી.

તેમણે ઈશ્ર્વર પાસેથી શક્તિ અને વીરતા માગવાનું કહ્યું છે. યુદ્ધ કરવું પણ ધર્મરક્ષા અને દીન-દુ:ખીઓના રક્ષણ માટે અને એવા યુદ્ધમાં જીત મેળવવી અને યુદ્ધમાં ખપી જવું તેને પોતાનું અહોભાગ્ય માન્યું છે. ગુરુજીએ જીવનમાં અનેક ધર્મયુદ્ધ કર્યાં અને મોટાભાગે વિજય પણ મેળવ્યો.

ધર્મ, દેશ અને સંસ્કૃતિના રક્ષણ માટે તેમણે સંતસિપાહી એવી ખાલસા (શુદ્ધ-પવિત્ર) કોમની રચના કરી, જેમને પાંચથી રૂ થતી નિશાની ધારણ કરાવી. કેશ, કડું, કિરપાણ, કાંસકો અને કચ્છ. કેશ-સંત ઋષિમુનિની નિશાની જ્યારે કિરપાણ સિપાહીની નિશાની. તલવાર નહીં પણ કિરપાણ છે, જેનો ઉપયોગ કોઈની આન બચાવવા કે કોઈ પર કૃપા કરવા રક્ષણ કરવા માટે કરવાનો છે. તેમણે જે પાંચ પ્યારા સ્થાપ્યા તે પણ દેશના જુદા જુદા ભાગમાંથી જુદી જુદી જાતિના હતા. તેમને અમૃતપાન કરાવ્યા પછી સૌનાં નામ પાછળ સિંઘ (સિંહ) શબ્દ લગાડીને તેમના ભેદભાવ મિટાવી દીધા અને તેમને સિંહ જેવા વીર બનાવ્યા. દેશ, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે નવ વર્ષની ઉંમરમાં પિતાનું બલિદાન આપ્યું અને ૩૮ વર્ષની ઉંમરમાં ચારે પુત્રોનું બલિદાન આપ્યું. તેથી સર્વવંશદાની કહેવાયા. પુત્રોની શહાદતના સમાચારથી વિચલિત થયા.

તે સમયે દેશ જાતજાતના હિંદુ-મુસ્લિમના વાડાઓમાં વહેંચાયેલો હતો ત્યારે તેમણે માનવમાત્રની એકતાનો ઉપદેશ આપ્યો. સમયને ઓળખીને તેમણે દેહધારી ગુરુઓની પ્રથા બંધ કરી અને ગુરુ ગ્રંથસાહેબને ગુરુપદે સ્થાપ્યા. આમ કરીને તેમણે કોઈ વ્યક્તિ વિશેષ નહીં પણ જ્ઞાન અને ભક્તિનું મહત્ત્વ સ્થાપિત કર્યું.

મુઘલો સામેના એક યુદ્ધમાં ગુરુ ગોવિંદસિંઘજીને છાતીમાં એક તીર વાગ્યુ. ઘા ખૂબ ઊંડો હતો, કદી રુઝાયો નહીં. આખરે તેના કારણે ઓક્ટોબર, ૧૭૦૮ અને સંવત ૧૭૬૫ - કારતક સુદ પાંચમને દિવસે અવિચલનગર હજુરસાહેબમાં તેમણે દેહલીલા સંકેલી લીધી.

ગુરુ ગોવિંદસિંહના જીવનની એક રોચક ઘટના...

ઔરંગઝેબના વખતમાં તો મોગલોના જુલમોએ માઝા મૂકી. ગુરુ ગોવિંદસિંહ ત્યારે શીખ ધર્મની ગાદી પર. તેમણે જુલમોનો સામનો કરવાનો નિરધાર કર્યો. ઉપર મુજબ પ્રતિજ્ઞા કરી ભીરુઓને પણ ભડ બનાવ્યા.

ગુરુ ગોવિંદસિંહે આવા ઊજળા જીવન ને મોતનો લહાવો લઈ રણહાક વગાડી અને ગુરુની વાણી તો મડદાંને પણ બેઠાં કરે એવી. મોગલોનાં ધાડાં સામે ઘેટાંની જેમ માથાં નમાવતા માણસો સિંહનો સીનો તાણીને ખડા થઈ ગયા. ગુરુ ગોવિંદસિંહના એક બોલ પર મરી ફીટવા હજારો જુવાનો થનગની રહ્યા. લડાઈના મેદાનમાં સામી છાતીએ મરવાની જાણે હરીફાઈ ચાલી. પંજાબને ગામડે ગામડે જયનાદ ગાજી ઊઠ્યો.

વાહ, ગુરુ ! વાહ, ગુરુ કી ફતેહ ! વાહ, ગુરુ કા ખાલસા !’

અને ત્યારે એક બૂઢો આદમી રણબંકા જુવાનોને ટગર ટગર જોઈ રહેતો. તેને લડાઈના મેદાનમાં જવાની જબરી હોંશ હતી, પણ કાયા કામ નહોતી કરતી. નેવું શિયાળા એણે જોઈ નાખ્યા હતા. હાથમાં સાવરણો લઈ બેઠો બેઠો ગુરુસાહેબનું આંગણું વાળતો ને પરમાત્માના ગુણ ગાતો. ગુરુની હાકલ પડતાં આજ સહુ સંગાથે હાલી નથી શકાતું એનું એને લાગી આવતું. વાંસે રહી ગયાનો ભારે વસવસો થતો. એક દિવસ ગુરુ ગોવિંદસિંહ પાસે આવી હાથ જોડી એણે કહ્યું :

ગુરુસાહેબ, મારે લડાઈના મેદાનમાં જવું છે, મને આજ્ઞા આપો.’

ગુરુ ગોવિંદસિંહ બૂઢા સામે જોઈ રહ્યા. તેનો દેહ નર્યાં હાડકાંનું માળખું હતો. અંગો ધ્રૂજતાં હતાં. જાણે અંદરનો આત્મા જોર કરીને ડગમગના દેહને ચલાવતો હતો. ગુરુએ કહ્યું : ‘પણ બાબા, તમે રણમેદાનમાં જઈ કરશો શું ? તમારામાં તો તલવાર ઉપાડવાની પણ શક્તિ નથી.’

હું મારા ગુરુને ખાતર માથું ઉતારી આપીશબૂઢાએ કહ્યું.

ગુરુ ગોવિંદસિંહની આંખોમાં અપાર પ્રેમ પ્રકાશ્યો. થોડી વાર વિચાર કરી તેમણે કહ્યું : ‘બાબા, મારા શીખનાં માથાં એવાં સોંઘાં નથી. તમે એક કામ કરો. લડાઈના મેદાનમાં જવાની છૂટ આપું છું, પણ તમારું કામ ઘાયલ સૈનિકોને પાણી પાવાનું. મરતા સૈનિકોના મોઢામાં તમારા હાથનું પાણી જશે તો એને હું ગંગાજળ આપ્યું ગણીશ.’

બૂઢો તો રાજી રાજી થઈ ગયો. ગુરુ ગોવિંદસિંહને પગે પડવા ગયો ત્યાં ગુરુએ એને બાથમાં લઈ લીધો.

જાઓ, ફતેહ કરો ! એક એક શીખ બચ્ચો તમારી પાસેથી સાચા ધરમની પ્રેરણા લેશે.’

બૂઢો કાંધે પાણીની મશક ઉપાડી હરખાતો ચાલી નીકળ્યો. પણ પછી લડાઈના મેદાનમાંથી બૂઢા સામે ફરિયાદો આવવા માંડી. મોટા મોટા શીખ સરદારો પણ બૂઢાની બદબોઈ કરવા માંડ્યા. ગુરુસાહેબનો હુકમ એટલે એને પાછો તો કોણ કાઢી શકે ? પણ લડાઈના મેદાનમાં બૂઢાની હાજરી ઘણાને સાલવા લાગી. બૂઢાની વિરુદ્ધ વાતો સાંભળી ગુરુ ગોવિંદસિંહે પૂછ્યું :

પાણી બરાબર નથી પાતો ? શું પડ્યો રહે છે ? અહીંથી કુરબાનીની વાતો કરીને ગયો ને સોંપેલું કામ પણ નથી કરતો?’

ના, રે, ગુરુ સાહેબ !’ સરદારોએ કહ્યું : ‘એના જેટલું કામ તો બીજો કોણ કરતો હશે ? બૂઢાને પગે અવસ્થાએ પાંખો ફૂટી લાગે છે. માથે મણ મણની મશક ઉપાડી દોટ મૂકે છે. ઘાયલ ને તરસ્યાનું નામ પડતાં તો ઘમસાણ વચ્ચે પણ ઘૂમી વળે છે. નથી ડરતો તીરથી, નથી ડરતો તલવાર ને ભાલાથી. પોતાને હાથે પાણી પાય છે ને એની જીભે તો જયગુરુનું નામ રમે છે.’

ત્યારે વાંધો શું છે ?’

ગુરુ સાહેબ, બૂઢાની અક્કલ મારી ગઈ લાગે છે. ઘાયલ શીખને પાણી પાય છે એમ મુસલમાનને પણ પાણી પાવા દોડે છે. દુશ્મનોને કાંઈ પાણી પવાય ? ના પાડવા છતાં કોઈનું માનતો નથી ડોસો. પાણીનો પોકાર પડ્યો ને કોણ પાણી માગે છે જોયા વગર ડોસો તો પાણી પાવા લાગી જાય છે. મુસલમાન જુવાનોને માથે પણ પ્યારા બચ્ચાની જેમ હાથ ફેરવે છે ને પાણી પાય છે. જોયું નથી જતું, ગુરુ સાહેબ !’

ગુરુ ગોવિંદસિંહની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેમણે બૂઢાને બોલાવ્યો અને શીખ સરદારોની હાજરીમાં પૂછ્યું : ‘બાબા, તમારી સામે ફરિયાદ આવી છે. તમે મુસલમાનોને પણ પાણી પાઓ છો ?’

બૂઢાએ હાથ જોડી કહ્યું : ‘દશમ પાદશાહ, હું તો આપની આજ્ઞાનું પાલન કરું છું. મને શીખ-મુસલમાનની ખબર નથી. પાણી ! પાણી ! કરતો કોઈ પોકાર કરે છે ને એને પાણી પાવા હું દોડું છું. એને પાણી પાતાં એના મોઢામાં હું મારા દશમ પાદશાહનું મોઢું જોઉં છું. મને બીજી કાંઈ ખબર નથી. હું બીજા કોઈને જોતો નથી.’

ગુરુ ગોવિંદસિંહે બૂઢાના ધ્રૂજતા હાથ પોતાના હાથમાં લઈ લીધા. આનંદ અને પ્રેમથી છલકાતા સ્વરે કહ્યું :

બાબા, મને ખાતરી હતી. તમે તો શીખ ધરમને ઉજાળ્યો. ધન્ય છે. આપણી હસ્તીને હિંમતને પડકાર થતાં આપણે તલવાર ઉઠાવી, પણ મોતને બારણે કોઈ ભેદ નથી. કોણ શીખ ? કોણ મુસલમાન ? ગુરુ નાનક સાહેબનું પ્રેમજળ તો સહુ તરસ્યાને માટે છે. પાણી માટે તરફડિયાં મારતા કોઈ પણ સૈનિકને તમતમારે ખુશીથી પાણી પાજો અને બાબા !’

આજ્ઞા કરો, ગુરુ સાહેબ !’ બૂઢાએ કહ્યું.’ ‘એક બીજી વાત પણ તમારે કરવાની છે. મારા સરદારોના લોખંડી દિલમાં પણ તમારું પ્રેમજળ સીંચ્યા કરજો. આપણા ધરમની તલવાર જેટલી તીખી છે એટલું આપણા અંતરની માટલીનું જળ મીઠું છે તેમને ભૂલવા દેતા.’

સરદારો વાક્યનો મરમ સમજી ગયા અને આભનો ગુંબજ ગજાવતો અવાજ ઊઠ્યો :

વાહ, ગુરુ ! વાહ, ગુરુ કી ફતેહ !’