બીમારીનો ઇલાજ

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૭

 

એક ગામમાં એક વેપારી રહેતો હતો. તે ખૂબ જ પૈસાદાર હતો. મોટા મહેલ જેવી હવેલીમાં નોકર-ચાકરનો તોટો નહોતો. સોના-ચાંદીનાં વાસણોમાં તે ભોજન લેતો. તેની તિજોરીમાં હીરા-માણેક-મોતી અને ઝવેરાતનો ભંડાર ભર્યો હતો. તે ગરીબોને છૂટે હાથે દાન આપતો. વિદ્વાન લોકોનું તે ભાવભીનું સ્વાગત કરતો. વેપારી બધી રીતે સુખી હતો, પણ તેને એક વાતનું દુ:ખ હતું. તે કાયમ બીમાર રહેતો. કોઈ ને કોઈ નાનીમોટી બીમારી તેને વળગેલી જ રહેતી. તેને ભૂખ નહોતી લાગતી. જો તે થોડું ખાય તો પણ પેટમાં દર્દ થતું. બે-ચાર ડગલાં ચાલતાં જ તે થાકી જતો. સવારના પહોરમાં સૂરજનાં કોમળ કિરણોથી પણ તેના શરીરમાં બળતરા થતી હતી. જો થોડી ઠંડી હવા લાગે તો તેને શરદી થઈ જતી. ઠંડી, ગરમી કે વરસાદ એક પણ વસ્તુ તે સહન કરી શકતો નહીં. રાત્રે તેને ઊંઘ પણ નહોતી આવતી. તે પોતાની બીમારીને લીધે ખૂબ દુ:ખી હતો. તે એકલો એકલો વિચાર્યા કરતો કે, ‘આ ધન, દોલત, નોકર, ચાકર, ઘરેણાં, કપડાં વગેરે શું કરવાનું ? જ્યાં સુધી મારું શરીર બીમાર છે ત્યા સુધી આ બધું નકામું છે. તેણે અનેક વૈદ્યોની સલાહ લીધી. તેમણે બતાવેલા બધા ઉપાય કર્યા : કેટલીયે ઔષધિ ખાધી પણ તેની કોઈ અસર થઈ નહીં. હવે તો તે બીમારીથી એટલો તંગ આવી ગયો હતો કે રસ્તામાં જે કોઈ મળે તેને પૂછતો, ‘શું મારી બીમારીનો કોઈ ઇલાજ છે ?

એક દિવસ રોજની જેમ પોતાની ઘોડાગાડીમાં બેસીને તે ગામની બહાર ખુલ્લી હવામાં ફરવા ગયો. પરંતુ સૂરજનો તડકો સહન કરી શક્યો નહીં. તેથી નીચે ઊતરીને ઘટાદાર ઝાડનાં છાંયા નીચે બેસી ગયો. તેણે જોયું તો બાજુના ખેતરમાં એક મજૂર જમીન ખોદી રહ્યો હતો. તે મજૂર સહેજ પણ થાક્યા વિના પોતાનું કામ કરતાં કરતાં સરસ મજાનું ગીત ગણગણતો હતો. વેપારી તેને એકીટશે જોઈ રહ્યો. મજૂરનું શરીર પરસેવાથી તરબતર થઈ ગયું હતું. સૂરજના તડકાથી તેનું ખુલ્લું શરીર ચમકી રહ્યું હતું. તેનો મજબૂત બાંધો અને કસાયેલાં બાવડાંના જોરે તે આનંદથી પોતાનું કામ કર્યે જતો હતો. વેપારી તેને જોતો જ રહ્યો.

બપોરનો સમય થયો એટલે પેલા મજૂરે કામ બંધ કર્યું. પછી હાથ-પગ ધોઈને ઝાડ નીચે જઈને બેઠો.. તેણે પોતાની મેલી-ઘેલી પોટલીમાંથી રોટલો અને મરચું કાઢ્યું. તે નિરાંતે ખાવા લાગ્યો. ભોજન પૂરું થયું એટલે માટલીનું ઠંડું પાણી પીધું. પછી ઓડકાર ખાઈને પેટ પર હાથ ફેરવતાં ફેરવતાં જમીન પર સૂઈ ગયો. થોડી વારમાં જ તે ઘસઘસાટ ઊંઘી ગયો.

આ જોઈને વેપારીને ખૂબ નવાઈ લાગી. તેણે વિચાર્યું, આ મજૂરનું શરીર કેટલું તંદુરસ્ત છે. માત્ર એક રોટલો અને મરચું ખાઈને પણ કેવો મીઠી નીંદર માણે છે ! જો મારે પણ શરીરનું આવું સુખ હોત તો કેટલું સારું ?

થોડી વાર થઈ એટલે મજૂરની આંખો ઊઘડી ગઈ. તે ઊભો થયો. માટલીમાંથી ઠંડું પાણી પીધું અને ફરીથી પોતાના કામમાં લાગી ગયો. હવે વેપારીથી રહેવાયું નહીં. તે મજૂર પાસે ગયો અને તેને પૂછ્યું, "ભાઈ, તારું શરીર આટલું તંદુરસ્ત કેવી રીતે રહે છે ? સૂકો રોટલો અને મરચું ખાઈને કાળી મજૂરી કરે છે, છતાં તને થાક નથી લાગતો. તેના માટે તું કંઈ દવા લે છે ?

મજૂર વેપારી સામે જોઈ હસવા લાગ્યો. તે બોલ્યો, ‘શેઠજી, ગરીબ માટે દવા કેવી ? દવા માટે તો પૈસા જોઈએ. અમારી પાસે પૈસા ક્યાંથી હોય ? હા, પણ દરરોજ હું વગર પૈસાની બે દવા નિયમિત લઉં છું. તેને લીધે જ મારું શરીર તંદુરસ્ત રહે છે. કોઈ બીમારી મારી પાસે આવતી નથી.’

વેપારી કહે, ‘અરે ! ભાઈ તું જલદી કહે, કઈ દવા લે છે ? હું પણ બીમારીથી ખૂબ પરેશાન છું. આટલું બધું ખાવાનું હોવા છતાં મને ભૂખ પણ લાગતી નથી. ઠંડી, ગરમી, વરસાદ કશું હું સહન કરી શકતો નથી.’

મજૂર કહે, જુઓ શેઠજી, ‘એક તો હું પરસેવો વળે તેટલો સખત પરિશ્રમ કરું છું અને સાદું તથા ઓછું ભોજન કરું છું અને આનંદમાં રહું છું.’

વેપારીને પોતાની વર્ષો જૂની બીમારીનો ઇલાજ મળી ગયો. મોટા મોટા વૈદ્યો પણ જે દવા ન કરી શક્યા તેનો ઇલાજ એક સામાન્ય મજૂરે સમજાવી દીધો. વેપારી મજૂરનો આભાર માની ચાલતો ચાલતો પોતાને ઘરે ગયો. ઘોડાગાડી ખાલી પાછી આવી. હવે તે દરરોજ પરિશ્રમ કરતો. પોતાનું કામ જાતે કરવા લાગ્યો. ભોજન પણ ખૂબ ઓછું અને સાદું કરી નાખ્યું. નિત્ય પ્રભુનું સ્મરણ કરતાં તે આનંદમાં રહેવા લાગ્યો. જોતજોતામાં તેની બીમારી દૂર થઈ ગઈ. તેનું શરીર નીરોગી અને તંદુરસ્ત બની ગયું.

 

- મધુકાન્તભાઈ પ્રજાપતિ