"આધ્યાત્મિકતાનું વિસ્મરણ એ જ ભારતના પતનનું મુખ્ય કારણ છે : પૂ. અમ્મા

    ૨૦-એપ્રિલ-૨૦૧૭


રા. સ્વ. સંઘની અ.ભા. પ્રતિનિધિ સભામાં પૂ. અમ્માનું ઉદ્બોધન

ગત ૨૧મી માર્ચે, કોઈમ્બતૂરમાં પૂર્ણ થયેલી રા. સ્વ. સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું સમાપન સત્ર એક દિવ્ય વિભૂતિની ઉપસ્થિતિને કારણે ચિરસ્મરણીય બની રહ્યું. ‘પૂ. અમ્મા’ના હુલામણા નામથી વિશ્ર્વભરમાં જાણીતાં સેવાવ્રતી અધ્યાત્મમૂર્તિ મા આનંદમયીની ઉપસ્થિતિથી સમાપન સત્રમાં અધ્યાત્મની સૌરભ પ્રસરી હતી. પૂ. અમ્માની દિવ્ય વાણીથી પ્રભાવિત થઈને પૂજનીય સરસંઘચાલક મા. ડૉ. મોહનજી ભાગવતે જણાવ્યું હતું કે પૂ. અમ્માએ તેમના વક્તવ્યમાં સંઘકાર્યના આત્માનું પ્રકટીકરણ કર્યું હતું. પ્રસ્તુત છે પૂ. અમ્માના વક્તવ્યનો અનુવાદ...

આત્મસ્વરૂપ આપ સૌને નમસ્કાર.

આ મહાસંગમમાં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું એ મારા માટે અત્યંત હર્ષની વાત છે, આપ સૌની સાથે કેટલીક ક્ષણો ગાળવાની, આપ સૌને મળવાની મને તક પ્રાપ્ત થઈ તે માટે હું આપ સૌની આભારી છું. કેમ કે આપ સૌ તો એ ભારતમાતાની પૂજામાં સેવારત છો કે જેના ખોળામાં સનાતન હિન્દુ ધર્મ ખેલી રહ્યો છે.

આધ્યાત્મિક પ્રભાવથી યુક્ત આપણી આ ભારતભૂમિ આપણા ઋષિમુનિઓના કઠોર તપ તથા શ્રેષ્ઠ ત્યાગના નિત્ય-શુદ્ધ તરંગોથી વ્યાપ્ત પાવન ધરા છે. જગાત્મગુરુ ભારતે જ વિશ્ર્વને સૌ પ્રથમ એ જ્ઞાન આપ્યું હતું કે આ સમગ્ર સૃષ્ટિમાં સચરાચર સર્વ એક જ માળામાં પરોવાયેલા મણકા છે અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ એ સર્વવ્યાપી મંત્રનો જયઘોષ કર્યો હતો. આ પવિત્ર ભૂમિ ઉપર જ અધ્યાત્મના ઉત્કૃષ્ટ મંત્રોનો ઉદ્ભવ થયો હતો. આ જ્ઞાન અને પ્રેરણાની જન્મદાયી ભૂમિએ વિશ્ર્વને જ્ઞાનની દૃષ્ટિ આપી છે. આ જ્ઞાનનો પ્રકાશ આપણા સૌના હૃદયમાં પ્રકાશિત થશે ત્યારે સમગ્ર ભારત દેદીપ્યમાન બનીને વિશ્ર્વમાં જ્ઞાનનો પ્રકાશ પ્રસરાવશે. આથી ભારત જાગૃત થશે તો જ વિશ્ર્વ જાગૃત થશે.

ભારત એ કંઈ માત્ર ભૌગોલિક રચના નથી. એ એક એવી પ્રાણવાન શક્તિવાન અને પ્રતિભાવાન રચના છે કે તેના જેવો વિશ્ર્વમાં અન્ય કોઈ દેશ હોય તે સંભવ નથી. આ ભૂમિ તો પરમતત્ત્વનો સાક્ષાત્કાર કરનારા ઋષિમુનિઓના સંકલ્પોથી અનુગ્રહિત છે. જો આપણે આ દૃઢ વિશ્ર્વાસ સાથે કાર્ય કરીશું તો તેનો લાભ માત્ર ભારતને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વને થવાનો છે. આ સનાતન સત્યને વિશ્ર્વની કોઈ શક્તિ નકારી શકે નહીં. દુર્ભાગ્યે આપણે અજ્ઞાનમાં જ રાચતા રહ્યા તેથી આપણું પતન થયું. હવે આપણે સતર્ક અને કાર્યશીલ બનવું પડશે. જેમ ક્રિકેટર એકાગ્ર બનીને મેચ જીતવાના ધ્યેય સાથે રમતાં ધ્યાન કેન્દ્રિત કરે છે તે જ પ્રમાણે આપણે ધ્યેયનિષ્ઠ બનીને ટીમ સ્પિરિટથી કાર્ય કરવું પડશે.

અનાદિ કાળથી ભારત માત્ર આધ્યાત્મિક ક્ષેત્રે જ નહીં, ધન-ધાન્યથી અને ભૌતિક રીતે પણ અત્યંત સમૃદ્ધ હતો. પશ્ર્ચિમમાં ‘આધુનિક’ - Modern શબ્દ અસ્તિત્વમાં આવ્યો તેના પણ હજારો વર્ષો પૂર્વે ભારત આધુનિક દેશ હતો. આજે ભારતના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશોમાં જાય છે, પરંતુ પ્રાચીન સમયમાં તો વિશ્ર્વભરમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે ભારત આવતા હતા. ભારતની અપાર સંપત્તિથી આકર્ષાઈને સ્પેનની મહારાણીએ કોઈ વ્યક્તિ ગમે તેમ કરીને ભારત પહોંચે તેવા અભિયાન પાછળ અઢળક ખર્ચ કર્યો હતો. કોલંબસ પણ તે અભિયાનના ભાગ‚પે જ ભારતની શોધમાં નીકળ્યો હતો. ગણિત, વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, મનોવિજ્ઞાન - તમે કહો એવું કયું શાસ્ત્ર છે કે જેનો જન્મ ભારતમાં નથી થયો ?

હજારો વર્ષો સુધી ભારતે વિશ્ર્વફલક ઉપર એક અમૂલ્ય રત્ન સમાન સ્થાન પ્રાપ્ત કર્યંુ હતું. તો પ્રશ્ર્ન એ થાય છે કે આપણું પતન કેવી રીતે થયું ? તો આ પ્રશ્ર્નનો સરળ ઉત્તર એ છે કે આપણે અધ્યાત્મને ભૂલી ગયા તેને કારણે આપણું પતન થયું. અનાદિકાળથી અધ્યાત્મ-આત્મવિદ્યાના આધાર ઉપર જ આપણે માનવજીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા હતા. અધ્યાત્મને કારણે જ આપણે ધૈર્ય, કુશાગ્ર બુદ્ધિ, વીરતા અને આત્મવિશ્ર્વાસ જેવા ગુણો કેળવી શકતા હતા. આધ્યાત્મિકતાને આધારે વિકસેલા આ ગુણોને કારણે જ આપણે ભૌતિક પ્રગતિ સિદ્ધ કરી શક્યા હતા. આજે હવે આપણે મૂળનો જ નાશ કરી દીધો છે, તો આર્થિક પ્રગતિનો પણ અંત આવે. તે સ્વાભાવિક છે. જ્યાં સુધી ભારત પરાવિદ્યા અધ્યાત્મમાં સમૃદ્ધ હતો ત્યાં સુધી તે અપરાવિદ્યા -ભૌતિક સુખોમાં પણ સમૃદ્ધ રહ્યો. જે ક્ષણે આપણે અધ્યાત્મની ઉપેક્ષા કરવાનો આરંભ કર્યો, તે જ ક્ષણથી આપણા પતનનો પણ પ્રારંભ થયો.

ભારતનો કણ-કણ ઋષિમુનિઓના ત્યાગપૂર્ણ જીવન-ચિંતનથી વ્યાપ્ત હતો જે આજે ભોગવાદને કારણે પતિત થઈ રહ્યો છે. અધ્યાત્મ આપણા દેશની સંસ્કૃતિ અને પ્રકૃતિ છે. આપણે આપણા દેશની સંસ્કૃતિ અને પ્રકૃતિની વિરુદ્ધ કાર્ય કર્યું છે, તેથી આપણું પતન થયું છે. આપણા દેશને લાગેલા રોગનું મૂળ શોધી કાઢ્યા પછી આપણે પુન: અધ્યાત્મના આધાર ઉપર આગળ વધશું તો જ આપણને આપણી ગુમાવેલી કીર્તિ અને સમૃદ્ધિ પુન: પ્રાપ્ત થશે. આ કાર્ય માટે ઈશ્ર્વરના આશીર્વાદ પણ જોઈએ. આપણે અધ્યાત્મના માર્ગે ચાલીને કાર્ય કરીશું તો જ આપણને કાર્યસિદ્ધિ માટે ઈશ્ર્વરના આશીર્વાદ પ્રાપ્ત થશે. આપણાં સમસ્ત કર્મ સર્વશક્તિમાન પરમેશ્ર્વરને સમર્પિત કરીને નિષ્કામ બનીને કામ કરીએ. આપણા આચાર્યો, ઋષિ-મુનિઓએ આપણને એ પ્રમાણે જ કાર્ય કરવાના સંસ્કાર આપેલા છે. આપણા માટે આપણા પૂર્વજો આદર્શ કર્મવીર ભગવાન શ્રીકૃષ્ણ છે. તેમનું જીવન અનાસક્ત હતું. જેમ છાશમાં માખણ તરે તેમ તે અનાસક્ત હતા. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને પણ અનાસક્ત બનીને કર્મ કરવાનો ઉપદેશ આપ્યો હતો અને એ જ ધર્મ છે. ધર્મ એ એવી વિશ્ર્વવ્યાપી વ્યવસ્થા છે, જેને ક્યારેય સંશોધિત કરી શકાય નહીં. કેમ કે તે સનાતન વ્યવસ્થા હોય છે. તેનું માત્ર પાલન જ કરવાનું હોય છે. ધર્મના માર્ગે ચાલવાથી જ આપણા અંતરમાં પરમાત્મ-તત્ત્વ જાગૃત થાય છે. આથી જ વેદ, ઉપનિષદ, ગીતા જેવા ગ્રંથો આપણને ધર્મના માર્ગે ચાલવાનો ઉપદેશ આપે છે. આપણે સૌ ધર્મના માર્ગે ચાલીને અધ્યાત્મના સંસ્કારોથી આપણા વિગત પરમ વૈભવને પ્રાપ્ત કરી શકીશું. ભારત પુન: સૂર્યની જેમ વિશ્ર્વને પ્રકાશિત કરી શકશે. આપણે ભારતમાતાના સૌ સંતાનો આવી શક્તિ પ્રાપ્ત કરે એવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું.

જેમ સૂર્યને દીપકના પ્રકાશની આવશ્યકતા રહેતી નથી તેમ અધ્યાત્મથી સંપન્ન સમાજને અન્ય કોઈ સુખની આવશ્યકતા રહેતી નથી. પરંતુ વિશ્ર્વમાં અધ્યાત્મથી વંચિત અનેક દુ:ખી સમાજો વસે છે. તેમને આપણે જ સહાયતા કરવી પડશે. સાથોસાથ આપણા દેશમાં પણ આર્થિક રીતે હજારો દીન-દુ:ખી લોકો છે. તેમનાં દુ:ખો પણ આપણે જ દૂર કરવાનાં છે. જ્ઞાનરૂપી પ્રકાશથી આપણે અજ્ઞાન‚પી અંધકાર-દુ:ખોને દૂર કરવાનાં છે.

આપણા સનાતન ધર્મમાં સૃષ્ટિ અને સ્રષ્ટા એ બે ભિન્ન નથી. જેમ સમુદ્ર અને તેનાં મોજાં કે સોનું અને આભૂષણ એ ભિન્ન નહીં પણ અભિન્ન હોય છે તેમ આ સમગ્ર સૃષ્ટિમાં એક જ ચૈતન્ય તત્ત્વ (સ્રષ્ટા) વ્યાપ્ત છે એવો આપણો વિશ્ર્વાસ છે, પરંતુ આજે ભૌતિકતા પાછળની આંધળી દોટમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જાણે જળમાં રહીને પણ માછલી તરસી રહે છે.

ભગવાન શ્રીકૃષ્ણે નિષ્કામ કર્મયોગને પ્રાધાન્ય આપ્યું છે, પરંતુ ઘણા એવો વિકૃત અર્થ કરે છે કે જો આપણે કર્મ કરીશું તો તેનાથી વાસનાઓ નિર્માણ થશે જે આપણી મોક્ષપ્રાપ્તિમાં બાધક નીવડશે, પરંતુ નિષ્કામકર્મના માર્ગે ક્યારેય પતન થતું નથી. આજે ભારતમાં અનેક સંન્યાસીઓ છે, પરંતુ સમાજસેવાના નિષ્કામકર્મના માર્ગે તો બહુ જ ઓછા સંન્યાસીઓ ચાલે છે. કેમ કે મોટા ભાગનાઓને વાસનાઓમાં બંધાઈ જવાનો ભય લાગે છે.

૩૦૦ વર્ષ પહેલાં ગામડાંઓની જે સ્થિતિ હતી તેમાં મોટે ભાગે વિશેષ પરિવર્તન આવ્યું નથી. આથી જ આપણે ગામોમાં કાર્ય કરવા ઉપર વધુ ધ્યાન આપવું પડશે.

આપણાં શાસ્ત્રોએ કહ્યું છે કે બધાં દાનોમાં શ્રેષ્ઠ દાન તો જ્ઞાનદાન જ છે. આપણી સંસ્કૃતિ તથા શાસ્ત્રોનું જ્ઞાન આપવાથી સમાજમાં ઠોસ પરિવર્તન આવશે. અન્ય ધર્મોની સંસ્થાઓ તેમના ગ્રંથોની જાણકારી આપે છે. તેમના ગ્રંથોના, વિચારોના પ્રચાર-પ્રસાર માટે શાળા, કૉલેજ, સંસ્થાઓ પણ એ લોકો ખોલે છે. તેમના પંથના પ્રચાર-પ્રસાર માટે પ્રશિક્ષિત લોકોને ઠેર-ઠેર મોકલવામાં આવે છે, પરંતુ હિન્દુ ધર્મમાં આવી કોઈ જ વ્યવસ્થા નથી. હિન્દુ ધર્મસંસ્થાઓને થતી આવકનો કેટલોક ભાગ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ઉપયોગમાં લેવાય તે આવશ્યક છે અને તેનાં સારાં પરિણામો પણ મળશે. સાધન-સંપન્ન વર્ગે હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટેની સંસ્થાઓ ખૂલે તે માટે આર્થિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. આવી સંસ્થાઓમાં પ્રશિક્ષિત થયેલા લોકો જ સૌને અધ્યાત્મના પાઠ ભણાવી શકશે. આપણા અધ્યાત્મના અજ્ઞાનને કારણે જ આજે આપણે હાંસીપાત્ર બન્યા છીએ.

આજે ભારત સરકાર છેવાડાની વંચિત વ્યક્તિ માટે ઘણા રૂપિયા ખર્ચે છે, પરંતુ ત્યાં સુધી પહોંચતાં તે સો રૂપિયાના દસ રૂપિયા જ થઈ જાય છે, પરંતુ આ માટે કેવળ સરકારને દોષ આપવા કરતાં આપણે નિ:સ્વાર્થ બુદ્ધિ અને નિષ્કામવૃત્તિથી કર્મ કરવાની વૃત્તિ રાખીશું તો ઘણું જ પરિવર્તન આવી શકશે. આનંદની વાત એ છે કે છેવાડાના વ્યક્તિને સરકારી ધનનો પૂરેપૂરો લાભ મળે તે માટે આપણા વર્તમાન પ્રધાનમંત્રીશ્રીએ અનેક પગલાં ભર્યાં છે.

આપણું મૃત્યુ તો નિશ્ર્ચિત જ છે. તો પછી શા માટે આપણે આપણી સંસ્કૃતિના ઉત્થાનનું કાર્ય કરીને મૃત્યુ ના પામીએ ? સત્ય તો એ છે કે નિષ્કામ કર્મ કરનારાનું ક્યારેય મૃત્યુ થતું નથી. તેઓ તેમનાં સત્કર્મોના કારણે અમર બની જાય છે. આવું અમરતત્વ આપણે સૌ પ્રાપ્ત કરીએ એ માટે ઈશ્ર્વરને પ્રાર્થના.

॥ ૐ લોકા: સમસ્તા: સુખિનો ભવન્તુ ॥