મૃત્યુ મરી ગયું રે લોલ

    ૨૦-મે-૨૦૧૭

 

 

મોત એક ખૌફનાક શબ્દ છે. મૃત્યુનું નામ સાંભળતાં ભલભલા ચમરબંધીને પણ તમ્મર આવી જાય. પહોંચેલી કક્ષાના જોગંદરો પણ આ મૃત્યુને પીછાણી નથી શકતા. સાવ સારો, સ્વસ્થ, આનંદી, સુંદર દેખાતો માણસ પણ ફૂલ કરમાય એ પહેલા કરમાઈ જતો હોય છે. ચગદાઈ જતો હોય છે અને કાળની ગર્તામાં ક્યાંય ધકેલાઈ જતો હોય છે કે એની નજદીકના લોકો પણ એને બહુ જલદીથી વીસરી જતા હોય છે. પણ મોત સામે જે ઝઝૂમી શકે છે. મોતને પણ જે હરાવી શકે છે, યમરાજાને પણ જે પરેશાન કરી મૂકે છે. યમરાજાને પણ જે વિચારોના ઝોલે ચડાવે છે. છેલ્લા શ્ર્વાસ સુધી પણ જે હસતા મુખડે, પ્રસન્ન હૃદયે, રોકકળ વિના, હાયવોય વિના, આ જગતમાંથી અલવિદા લઈ શકે છે. એ કોઈક વિરલ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હોય છે, જેના મૃત્યુ બાદ આપણે ચોક્કસ ગાઈ શકીએ : ‘મૃત્યુ મરી ગયું રે લોલ...’

નાની ઉંમર હોય, કેન્સરના રોગથી દેહ ફાટફાટ થતો હોય, કેટલાય મહિનાથી અન્ન-પાણી બંધ થઈ ચૂક્યાં હોય, યમદેવ પોતાની જોળી પહોળી કરી નજર સામે જ ઊભો હોય એ વખતે, આસપાસના સ્વજનો નજર સામે કાળો કલ્પાંત કરતા હોય એ વખતે સ્વસ્થ રહીને સમતામય બનીને એમને સમજાવવા એ કાંઈ નાનીસૂની ઘટના નથી. ૩૨ વર્ષની વય ધરાવતા એક સાધ્વીજી. નામ એમનું શ્રુતનિધિશ્રીજી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો દેશના શત્રુઓ સામે લડ્યા હતા, જ્યારે આ સાધ્વીજી અંતરંગ શત્રુઓ ક્રોધ-કામ-ઇર્ષ્યા-મોહ અને છેલ્લે મૃત્યુ સામે પણ લડ્યાં. જંગ ખરાખરીનો ચાલ્યો અને જીત પણ એમની થઈ. ભીતરની બદવૃત્તિઓને રોકવી અને મરતે દમ તક સત્પ્રવૃત્તિઓમાં લયલીન રહેવું એ જ મોટી સિદ્ધિ છે. વીરાંગના કે વીર આર્યા સિવાય એમના માટે બીજો શબ્દ શોભે એમ નથી.

‘આધિ, વ્યાધિ, ઉપાધિ ગમ્મે તેટલી આવે, મારો આ દેહ ખરી પડે તો પણ મને એનો કોઈ ગમ નથી, દુ:ખ નથી પણ જો મારી સમાધિ તૂટી જશે કે સમતા ચાલી જશે તો મારું આખું જીવન એળે જશે. મને આ નહીં પરવડે.’ જીવન પૂર્ણ કિનારે હતું. ત્યારે આ શબ્દો આસપાસના લોકોને તેઓશ્રી વારંવાર કહેતાં.

બાલ્યકાળમાં સાધુપણાની તાલીમ પામી ૧૫ વર્ષની ઉંમરે આચાર્ય ભ. જયંતસેનસૂરિ મહારાજના હસ્તે દીક્ષિત થયાં. દીક્ષા બાદ જરૂરથી વધારે વસ્તુ કંઈ એમણે રાખી નથી, સેપ્ટિપીન જેવી નાનકડી ચીજ પણ જીવનમાં કદી ખોઈ નથી. કોઈનું કશું બગાડ્યું નથી. પણ કર્મરાજાએ એમનું બગાડવામાં કશું બાકી નો’તું રાખ્યું. એક રાત્રે અચાનક જ વોમિટ ઉપર વોમિટ થવા લાગી. ૧૫થી ૧૭ વાર વોમિટ થઈ. આંતરડાં ખેંચાવા લાગ્યાં. પીડા અસહ્ય બનતી ગઈ. એ વખતે રાત્રિની નીરવ શાંતિમાં એમને એક ભય હતો : ‘મારા વોમિટના અવાજથી કોઈ જાગી તો નહીં જાય ને ! નહિતર એમની ઊંઘમાં ખલેલ કરવાનો દોષ મને લાગશે.’ વિકટ પરિસ્થિતિમાં પણ બીજાનો ખ્યાલ રાખવો એ જૈન ધર્મનો પાયાનો ગુણ છે. જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી સહી લેવું. સાચ્ચે જ આવી પરહિત ચિંતા કરનારા ખૂબ ઓછા હોય છે. સંસ્કૃત સુભાષિત આવા સજ્જનો માટે જ લખાયું હશે. સરલો વિરલો જન: - સીધા-સાદા-સરળ માણસો બહુ થોડા હોય છે.

બીજા દિવસે તબિયત વધુ લથડી. ચેક અપ કરાવ્યું. ડૉક્ટરે કહ્યું : ‘પેટમાં ગાંઠો છે.’ ગાંઠ નહીં ગાંઠો છે. (બહુવચનમાં) આ ગાંઠના કારણે જ રાત-દિવસ પેટમાં સખત અને સતત પીડા થવા લાગી. આહાર-પાણી સાવ બંધ. સૂઈ કે બેસી શકાય નહીં એટલે કલાકો સુધી સાધ્વી ઊભાં રહેતાં. નિદાન આવ્યું : ‘કેન્સર’ નાકમાં પાઈપ ખોસવામાં આવી. પાઈપ વાટે આહાર જતો તો પણ સ્વયં જ આહાર લેતા. ડૉક્ટરી ટ્રીટમેન્ટમાં દરદીને કીમો લેવો એટલે જાણે સાક્ષાત્ નરકની વેદના ! ચાર કીમો થયા અને હવે શરીર સાવ નંખાઈ ગયું. વોમિટ તો બંધ થઈ જ નહીં. આખી રાત વોમિટમાં જ વીતી જતી. પણ પ્રસન્નતા લગીરે ઓછી ન થાય. એમની આંખ ભીંજાઈ હોય એવી એક પણ પળ આવી નથી અને આસપાસ રહેનારાની આંખ ન ભીંજાઈ હોય એવી એક પણ પળ આવી નથી. હૉસ્પિટલના બિછાને પડેલા આ દરદીને જોઈને અમદાવાદ-મુંબઈના કેન્સર નિષ્ણાત ડૉક્ટરો ડોલી ઊઠતા અને બોલી ઊઠતા : ‘આવી ભયંકર પીડા અને આ હદની પ્રસન્નતા ?’ સેંકડો વખત ડૉક્ટરોની આંખ ભીંજવી છે આ સાધ્વીજીએ અને હજારો વખત પોતાના સ્વજનોને, સાધ્વીગણને હિંમત આપી છે આ સાધ્વીએ.

કલ્પના કરજો : એક નીરોગી માણસ રોગીજનને આશ્ર્વાસન અને હિંમત આપે એવું તો બને પણ મરણશય્યામાં પડેલ એક રોગી માણસ સેંકડો નીરોગીને હિંમત આપે, પ્રેરણા આપે અને આશ્ર્વાસન આપે એ કાંઈ જેવી તેવી વાત છે ? આચાર્ય રત્નસુંદર સૂરિ મહારાજ એમને મળવા ગયા ત્યારે આ સાધ્વીજીને જોઈને, એમના ચહેરાની ખુશી જોઈને આશ્ર્ચર્ય સાથે બોલ્યા : ‘આટલી નાની ઉંમરમાં, આટલી મોટી બીમારીમાં પણ તમે ખુશ છો એ માન્યામાં નથી આવતું. આ જોઈ લાગે છે તમે અમારા આદર્શ બન્યા છો. પ્રભુને પ્રાર્થના છે કે મોત ભલે ગમે તેમ આવે, પરંતુ પ્રસન્નતા-ખુશી અને સમાધિ તો તમારા જેવી જ જોઈએ.’ આટલું બોલતાં એમનો કંઠ ‚ંધાઈ ગયો અને આ સાધ્વીજીએ આટલા મોટા ગજાના આચાર્યને પણ આંખ લૂછવા માટે મજબૂર કર્યા. સ્વયં હસતા રહીને.

કેન્સરની પીડામાં કર્ણપ્રિય સંગીત પણ ક્યારેક કાનના પરદાને ફાડી નાંખતા હોય એટલી અકળામણ અપાવે. એવે વખતે આ સાધ્વી મહારાજ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં અધ્યાત્મના ગ્રંથોનું શ્રવણ કરતાં. જિંદગીભર જેણે પ્રભુનું નામ ઘૂંટ્યું હોય, પ્રભુનાં વચનો જ રટ્યા હોય એને મૃત્યુ ટાણે બીજું કશું યાદ ન આવે. મસ્ત માણસ પણ પોતાની મસ્તીમાં રહી શકતો નથી જ્યારે શરીરથી અસ્ત થવાની તૈયારીમાં ઊભેલા આ સાધ્વીજી મનથી ખૂબ મસ્ત હતાં. છેલ્લે ટાણે એમના પરિવાજનો એમની સામે જ્યારે રડતાં હતાં ત્યારે એ કેવો મજાનો બોધ આપતાં !

* * *

અમદાવાદની એચ. સી. જી. હૉસ્પિટલના છઠ્ઠા માળે ભીડ જામી છે. છેલ્લાં બાર વર્ષમાં જે પબ્લિક નથી આવી એ બાર કલાકમાં આવી ચૂકી છે. લિફ્ટની રાહ જોયા વિના સડસડાટ લોકો છઠ્ઠા માળે જઈ રહ્યા છે. એંસી વર્ષના ડોસાજી પચ્ચીસ વરસના યુવાનને શરમાવે એ રીતે ચઢી રહ્યા છે. છઠ્ઠા માળના પગથિયે બેઠેલા વૉચમેનની આંખ વોર્ડ નં. ૩નો ઇશારો કરી કરીને થાકી ચૂકી છે. હૃદયનો ધબકાર ચૂકી જવાય એવી ઘટના જાણે બની ગઈ.

મીઠાખળીના ઉપાશ્રયે બિરાજમાન સાધ્વીજી શ્રુતનિધિશ્રીજી મ. ની. તબિયત અત્યંત નાદુરસ્ત થઈ. હેડકી આવવાની શ‚ થઈ. હેડકી આમ સાવ સામાન્ય દર્દ લાગે પણ આ કયા પ્રકારનું દર્દ હતું એ કળી ન શકાયું. પાંચ-પાંચ કીમો લેવાઈ ચૂક્યા હતા. હવે શરીર સાવ ક્ષીણ થઈ ગયું હતું. એમાંય જ્યારે હેડકી આવે ત્યારે બે ફૂટ ઊંચા ઊછળે અને સીધા જમીન ઉપર પટકાય. પટકાતાં સાથે જ ઢળી પડે. સાવ બેભાન. લાકડાની જેમ સાવ જડ થઈને અરધો કલાક પડ્યાં રહે. આસપાસના લોકો આ દૃશ્ય જોઈ ન કરવાની કલ્પના કરી બેસતા. રાતના ૧.૦૦થી ૪.૦૦ સુધી આ જ દર્દ ચાલ્યું. તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. વાયુવેગે સમાચાર ચોતરફ ફેલાઈ ગયા. પરિણામે હૉસ્પિટલ ચિક્કાર ભીડથી ઊભરાઈ ચૂકી હતી.

એમના બેડ પાસે કેટલાક સ્વજનો અને સાધ્વીગણ અશ્રુભીની આંખે સતત પ્રભુના જાપમાં લીન હતાં અને એ જ વખતે સાધ્વીજી ભાનમાં આવ્યાં. એ જ સસ્મિત વદન અને એ જ પ્રસન્નતા... સહુના હૃદયમાં હાશકારો થયો. વિચક્ષણા સાધ્વીજીએ ચંદ ક્ષણોમાં આખો સાર જાણી લીધો અને મજાનો ઉપદેશ આપ્યો. વાંચો, અતિશયોક્તિ વિના એમણે આપેલો બોધ.

‘શા માટે રડો છો ?’ શા સારુ દુ:ખી થાઓ છો ? મૃત્યુ મારું નથી થતું, દેહનું થાય છે. આત્માનું કદી મોત ન આવે. આમાં હતાશ કે નિરાશ થવા જેવું શું છે ? બસ આ ખોળિયું ઉતારી બીજું ખોળિયું પહેરવાનું છે. આમાં રોવા જેવું કંઈ છે જ નહીં અને હવે આમ પણ આ શરીર સાધનાને યોગ્ય રહ્યું નથી તો એને શણગારીને સાચવીને, પંપાળીને કરશું શું ? મોત આજે આવવાનું હોય તો હમણાં જ આવે. હું શગ મોતીડે વધાવવા તૈયાર છું. યાદ કરો એ પૂર્વર્ષિનું વચન જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ‘જે જન્મે છે એનું મૃત્યું નક્કી છે.’

ધીમે ધીમે પણ મક્કમ સ્વરે સાધ્વીજી આ ઉપદેશ આપી રહ્યાં હતાં. આ અમૃતવચન સાંભળીને સહુને જોમ આવ્યું. જોશ આવ્યું, બહાર ઊભેલા લોકોમાં પણ આનંદની લહેરખી ફરી વળી. એક સાથે સહુએ જય જયકાર કર્યો. જય જીરાવલા.

રાજસ્થાનના જીરાવલા દાદા ઉપર સાધ્વીજીને અખૂટ શ્રદ્ધા. ધીમે ધીમે દિવસમાં કેટલીય વાર ગાતાં :

‘મેરા જીવન તેરે હવાલે પ્રભુ

ઈસે પલ પલ તૂ હી સંભાલે.’

વાંચતાં વાંચતાં જરા થોભી જજો. આ પંક્તિ વાંચવાની નથી ગાવાની છે. ગાઈ જુઓ ચોક્કસ પ્રતીતિ થશે કે આપણું આખું જીવન પ્રભુને હવાલે છે.

જિંદગીની છેલ્લી ઘડીઓ ગણાય છે. અંતિમ ઘડી સુધી આ પંક્તિ હૃદયમાં રમી રહી છે. શ્ર્વાસ ખૂટતો જાય છે. પલ્સ ધીમા પડતા જાય છે. પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધામાં જરીકે ખામી આવતી નથી. છેલ્લી ઘડીએ પણ એમણે કહ્યું હતું, ‘જે દિવસે મારી શ્ર્વાસની વીણાનો તાર તૂટી જશે એ દિવસે સમજજો કે એમાં સંપૂર્ણ જવાબદારી મારી હશે. મારી શ્રદ્ધામાં ખામી હશે. આ ઘટનાનો ગુનેગાર માત્ર ને માત્ર હું હોઈશ પણ મારા પ્રભુની તાકાતમાં જરાય ખામી નથી. પ્રભુએ મને નથી બચાવી એમ નહીં પણ મારામાં જીવવાની યોગ્યતા નહીં હોય !’

કેન્સર એમના માટે એક વરદાન હતું. એવું માનવામાં કંઈ જ વાંધો નથી. જો કેન્સર ન થયું હોત તો મોત સામે પડકાર ફેંકી ન શકાત. કર્મ સામે ઝઝૂમી ન શકાત. કદાચ એમના માટે જ આ પંક્તિ લખાઈ છે :

‘મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,

બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી.

જાન દીધો છે ખુદાએ ચાર દિ માટે ઉધાર,

એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી...’

* * *

પંચમહાલ જિલ્લાના હાલોલ ગામે વિહાર કરીને પહોંચ્યા અને સમાચાર મળ્યા. સા. શ્રી શ્રુતિનિધિશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યાં છે. છેક સુરતથી દડમજલ કરીને અમે એમના માટે જ અમદાવાદમાં પહેલો પ્રોગ્રામ બનાવ્યો હતો પણ એ શક્ય ન બન્યું.

આ લખતાં લખતાં આંખોમાં શ્રાવણ-ભાદરવો બેઠો છે. એમનો ચહેરો નજર સામે તરવરે છે. આંસુમાં એમનું પ્રતિબિંબ પડતું નિહાળી રહ્યો હોય એવું લાગે છે. જિંદગીભરનો એક અફસોસ રહી ગયો. છેલ્લે અમે એમને મળી ન શક્યા. એમની ખૂબ ઇચ્છા હતી કે આ. ભ. રત્નચંદ્રસૂરિ મહારાજ મને મળે. વર્ષો પૂર્વે નાનકડી બાળા શીતલ સાધ્વીજી ગુણદક્ષાશ્રી મહારાજની નિશ્રામાં સ્વાધ્યાય અને સંયમલક્ષી તાલીમ લઈને વૈરાગ્યવાસિત બનેલી. પાછળથી એ સા. શ્રુતનિધિશ્રીજી તરીકે સુસંયમી બન્યાં.

આ. ભ. રત્નચંદ્રસૂરિ મહારાજ (ડહેલાવાળા) અને પંન્યાસ ઉદયરત્ન વિજય મહારાજ તરફ તેમનો આદરભાવ અને લગાવ અદ્ભુત અને અનન્ય હતો. છેક છેલ્લી પળોમાં હાથ જ્યારે પેન પકડી શકે એટલી શક્તિ પણ ધરાવતો ન હતો, ત્યારે હિંમત કરીને એમણે એક પત્ર લખેલો, જેના શબ્દો છે :

‘સારું થયું મને કેન્સર થયું. જો કેન્સર ન થયું હોત તો આપ સહુ આટલા નજીક ન આવત !’

છેલ્લી પળ સુધી પોઝિટિવ વિચારો રાખવા એ કમાલની વાત છે. મોતનો જેમને બિલકુલ ડર ન હતો, એટલે યમરાજા આવે એ પહેલા સ્વયં એમણે વિદાય લીધી. એક સૂનકાર વ્યાપી ગયો. સ્થિતપ્રજ્ઞ હૉસ્પિટલનો બેડ પણ જાણે ધ્રૂજતો હતો અને કહેતો હતો :

પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે,

ઘણુંય સમજાવ્યું તો ય પંખી

નવું પીંજરું માંગે...

શરદી-ખાંસી જેવા કેટલાક રોગો આપણી અંગત વ્યક્તિ જેવા થઈ ગયા છે એટલે એ જીવનમાંથી કદી દૂર ન થાય. પણ આ સાધ્વીજીએ તો કેન્સર અને મૃત્યુને પણ અંગત બનાવી દીધેલા. અંગત વ્યક્તિને એમ કહેવાય કે ‘તમે ક્યારે જશો?’ એટલે એ સ્વયં જ ચાલી નીકળ્યા ક્ષિતિજને પેલે પાર....

* * *