આંતર્રાષ્ટ્રિય સ્તરે ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવતી ફિલ્મ બાહુબલી-૨

    ૨૬-મે-૨૦૧૭

દેશ હોય કે વિદેશ હાલ તમામ સિનેચાહકોના મન મસ્તિષ્ક પર રાજમૌલિની ફિલ્મ ‘બાહુબલી-૨’ છવાઈ ગઈ છે. દર્શકોએ મન મૂકીને ફિલ્મને વધાવી છે, તો સમીક્ષકોએ ખુલ્લા મોંએ વખાણી છે. ફિલ્મ અત્યાર સુધીના ભારતીય સિને ઇતિહાસની સૌથી મોટી અને સફળ ફિલ્મ સાબિત થઈ છે. રાષ્ટ્રીય સ્તરે જ નહીં, આંતર્રાષ્ટ્રિય સ્તરે પણ ફિલ્મ એટલી જ વખાણાઈ છે. આવો, એક નજર કરીએ ભારતીય સંસ્કૃતિને ગૌરવપૂર્વક વિશ્ર્વ સમક્ષ રજૂ કરતી ફિલ્મ ‘બાહુબલી-૨’ પર...

ભારતમાં ૮૦૦૦, અમેરિકામાં ૧૧૦૦, કેનેડામાં ૧૫૦ જેટલા રૂપેરી પડદા પર બાહુબલી - ૨ ફિલ્મે ધૂમ મચાવી છે.

સમગ્ર વિશ્ર્વમાં ૧૫૦૦ કરોડથી પણ વધુ વકરો કરી ભારતીય ફિલ્મ જગતમાં ઇતિહાસ કાયમ કર્યો છે

ફિલ્મના દરેક પાત્રો પર રામાયણ, મહાભારત જેવા ભારતીય મહાકાવ્યોનાં પાત્રોની છાપ જોવા મળે છે.

આ ફિલ્મ એક મહાકાવ્ય છે જે સંપૂર્ણ વિશ્ર્વને સંબોધિત કરે છે. માઈકલ  મેક્કાહિલ

એક ભારતીય ફિલ્મ અને એ પણ પ્રાદેશિક ફિલ્મે સમગ્ર સિનેવિશ્ર્વમાં આટલી મોટી સફળતા મેળવી એ એક ઈતિહાસ છે.

ભારતથી માંડી અમેરિકા, બ્રિટન, કેનેડા, ચીન, જાપાન, ફ્રાન્સ, જર્મની અને પાકિસ્તાન સુધી તાજેતરમાં જ રજૂ થયેલી ફિલ્મ બાહુબલી-૨નો જાદુ માથે ચડી બોલી રહ્યો છે. શું આ ખુમાર અઢીસો કરોડથી વધુના બજેટમાં બનેલી ફિલ્મના શાનદાર સેટ્સ, વીએફએક્સ અને અન્ય તકનીકોની કમાલની બદૌલત છે કે પછી ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ધર્મ અને શિક્ષણની એ સાર્વભૌમિક અપીલ છે ? જે દેશની ભાષા, નસ્લ દરેક સરહદ પાર જઈ સંપૂર્ણ વિશ્ર્વના મનુષ્યોના અવચેતન સાથે જોડાઈ છે. નિર્દેશક - પટકથા લેખક એસ. એસ. રાજમૌલિ અને વાર્તાકાર કે. વી. વિજયેન્દ્ર પ્રસાદનું માનીએ તો ફિલ્મની વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે, પરંતુ રામાયણ અને મહાભારતથી પ્રેરિત છે.

લંડનના દૈનિક ગાર્જિયનના ૨૮ એપ્રિલ, ૨૦૧૭ના અંકમાં માઈક મેક્કાહિલ લખે છે કે, ‘બાહુબલી-૨ ભારતીય સિનેમાનું સહૃદય ફિલ્મી મહાકાવ્ય છે.’ વાસ્તવમાં આ ફિલ્મ સિનેમાની સીમાની જ કોઈ ચીજ છે. માઈકલ મેક્કાહિલે સાચું જ લખ્યું છે કે, આ ફિલ્મ એક મહાકાવ્ય છે, જે સંપૂર્ણ વિશ્ર્વને સંબોધિત કરે છે. વસુધૈવ કુટુંબકમ્ ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીની સનાતન વ્યવસ્થા રહી છે. એટલે કે સમગ્ર વિશ્ર્વને એક પરિવાર માનવામાં આવ્યું છે. ભારતનાં ૮૦૦૦ જેટલા ‚પેરી પરદા સિવાય અમેરિકામાં ૧,૧૦૦ અને કેનેડાના ૧૫૦ જેટલા પરદા પર બાહુબલી-૨ પ્રદર્શિત થઈ છે. આ તમામ જગ્યાએ ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્કંઠા બતાવે છે કે, ભારત પાસે ભારતીયતાની એ અણમોલ વિરાસત છે, જેનું આકર્ષણ સમગ્ર વિશ્ર્વને ઘેલું કરી શકે છે. ધર્મ, સંસ્કૃતિ, જીવનશૈલી, પ્રેમસંબંધો, કલા, મનોરંજનનું પેકેજ જે બાહુબલી-૨માં છે તે અન્યત્ર મળવું મુશ્કેલ છે. ભારતીય સંસ્કૃતિની એ પરંપરાઓ સનાતન પણ છે અને આધુનિક પણ અને સમય સાથે સતત નવી થઈ રહી છે. તે દરેક વર્તમાનમાં જીવી જાણવાની, પાંગરવાની ક્ષમતા ધરાવે છે.

જો કે, ફિલ્મના વાર્તાકાર કે. વી. પ્રસાદ કહે છે કે, ફિલ્મ સંપૂર્ણપણે કલ્પના પર આધારિત છે, પરંતુ એમની એ કલ્પનાનો કોઈ તો આધાર હશે ? તે કહે છે કે, મેં બાહુબલીને મહાભારતના કૃષ્ણથી પ્રભાવિત થઈને લખી છે.

હવે બાહુબલી-૨નાં પાત્રો પર એક નજર કરીએ. ધ્યાનથી જોઈએ તો ફિલ્મમાં બિજ્જલદેવનું પાત્ર તમને મહાભારતના મામા શકુનિ જેવું જ લાગશે. ખલનાયક ભલ્લાલદેવ આબેહૂબ દુર્યોધન જેવો જ લાગશે. દુર્યોધનમાં પણ શૂરવીર યોદ્ધાના તમામ ગુણો હતા. તેવો ભલ્લાલદેવ છે. તેને સતત લાગ્યા કરે છે કે, તેની સાથે અન્યાય થયો છે અને તેની અંદર કોઈપણ રીતે માહિષ્મતી સામ્રાજ્ય હાંસિલ કરવાની ભૂખ છે. મહેન્દ્ર બાહુબલીમાં ક્યાંક ક્યાંક કૃષ્ણ દેખાય છે, તો ક્યાંક ક્યાંક રામની છબી પણ દેખાય છે. હવે વાત કટ્ટપ્પાની. તેને જોતાં લાગે છે કે તે માત્ર નોકરી ખાતર જ નહીં, પારિવારિક વફાદારી નિભાવવા માટે નહીં, બલ્કે સમર્પણભાવથી માહિષ્મતીની સેવા કરે છે, બિલકુલ હનુમાનની માફક. આ જ કારણે આ ફિલ્મ ભારતવાસીઓના મનમાં વસી ગઈ છે, કારણ કે રામાયણ અને મહાભારત ભારતીયોના રોમે-રોમમાં વસેલાં છે. તેમના જીવન અને વર્તનમાં પણ છે. આ જ શુદ્ધ ભારતીય સુગંધમાં હાલ સમગ્ર વિશ્ર્વ બંધાઈ ગયું છે. ભારતીયતાની સુવાસ આ ફિલ્મ મનોરંજન મારફત ઘરે-ઘરમાં પહોંચાડી છે. માટે જ આ ફિલ્મ અત્યાર સુધીની ભારતીય ફિલ્મોમાં સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. આ લખાય છે ત્યાં સુધી આ ફિલ્મ ૧૩૦૦ કરોડ ‚પિયાથી પણ વધુ કમાણી કરી ચૂકી છે અને જે રીતે આજે પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં દર્શકોને ખેંચી રહી છે તે જોતાં આ અંક તમારી પાસે આવે તે પહેલાં કદાચ ૨૦૦૦ કરોડનો આંકડો પાર કરી લે તો નવાઈ નહીં.

થોડા સમય પહેલાં એક જાણીતા હિન્દી મેગેઝીન સાથેની વાતચીતમાં આધ્યાત્મિક ગુરુ પવન સિન્હાએ કહ્યું હતું કે, ‘કૃષ્ણનું મહાભારતમાં યોગેશ્ર્વર સ્વરૂપ સામે આવે છે અને તેમનો એક જ સંદેશ છે. રાષ્ટ્ર સર્વોપરી, ધર્મ સર્વોપરિ જોવા જઈએ તો બાહુબલી ફિલ્મનાં સમગ્ર વિષય જ આ રાષ્ટ્ર સર્વોપરી, ધર્મ સર્વોપરીના વિષય પર જ કેન્દ્રિત છે. ભારતીય પરંપરામાં ધર્મ પૂજાપદ્ધતિ એક સંપ્રદાય સાથે જોડાયેલ નથી બલકે મનુષ્યને વધુ સારો અને કુશળ બનાવવાનું વિજ્ઞાન છે. પાંચસોથી બે હજાર લોકો માત્ર ફિલ્મનો સેટ ઊભો કરવા અને તેને અહીંથી તહીં કરવામાં લાગેલા હોય એ કામ આસાન બિલકુલ નથી. રાજમૌલિ કહે છે, ‘ફિલ્મની વાર્તા જ એટલી ભવ્ય હતી કે તેનો સેટ પણ તેની બરાબરીનો જોઈએ. ખરેખર તેઓએ ફિલ્મના સેટને ભવ્યાતિભવ્ય બનાવ્યો છે. માહિષ્મતી સામ્રાજ્યની એક એક ચીજ અસલી જ લાગે છે. આના માટે નકલી ચીજોને અસલી જેવો ટચ આપવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.’ ફિલ્મમાં જ્યાં પણ ભયાવહતા છે તે સમગ્રતાથી છે. જ્યાં જ્યાં આકર્ષણ છે તે પણ સંપૂર્ણ છે. ફિલ્મનાં દરેક પાત્રો અભિનય કરતાં હોય એવું નહીં, જાણે કે પોતાના પાત્રને જીવતાં હોય તેવું લાગે છે. માટે જ પ્રભાસ બાહુબલી જ લાગે છે અને રમૈયા બિલકુલ રાજમાતા. રાજમૌલિ કહે છે કે સાંઢથી માંડી ફિલ્મમાં હાથી અને ગાય અને સુવ્વર તમામ જાનવરો મશીનનાં છે. આ સિવાય અલગ અલગ ચહેરા બનાવવા માટે પણ અમારી ટીમને ખૂબ જ મહેનત કરવી પડી હતી. પર્વતની ટોચ પરથી પડતું ઝરણું પણ નકલી છે, છતાં દર્શકો તેને જોઈ હત્‌પ્રભ બની જાય છે.

ફિલ્મની સફળતા અને ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સામાન્ય દર્શકો સાથે સાથે ફિલ્મ બનાવનાર દિગ્ગજો પણ ફિલ્મની ભવ્યતા પર ઓવારી ગયા છે. ફિલ્મ જોયા બાદ દક્ષિણના મહાનાયક રજનીકાન્ત કહે છે કે ‘બાહુબલી-૨ ભારતીય સિનેમાનું ગૌરવ છે.’ ફિલ્મ દિગ્દર્શક રાજમૌલિને ઈશ્ર્વરનું સંતાન ગણાવતાં તે કહે છે કે, ‘હું તેમને સલામ કરું છું.’ સ્વાભાવિક છે કે દક્ષિણના ફિલ્મોના ભગવાન ગણાતા રજનીકાન્તની આવી પ્રતિક્રિયાથી રાજમૌલિની ખુશી સાતમા આસમાને પહોંચી જાય. માટે તેઓ તરત જ કહે છે મને એવું લાગી રહ્યું છે કે, જાણે ભગવાને સ્વયં મને આશીર્વાદ આપી દીધા. તમારી પ્રતિક્રિયાથી વધુ અમારા માટે કંઈ જ નથી. અમારી સમગ્ર ટીમનું મનોબળ સાતમા આસમાને પહોંચી ગયું છે. માત્ર રજનીકાંત જ નહીં, ફિલ્મ અભિનેત્રી ટિંવકલ ખન્ના, અભિનેતા હૃતિક રોશનથી માંડી રાજનેતા મુલાયમ સિંહ યાદવે પણ ફિલ્મને એક સૂરે વખાણી છે.’

ફિલ્મ ભારતીય દર્શકો સાથે કેટલી હદે લાગણીથી જોડાઈ ગઈ છે તેનો અંદાજ એ વાત પરથી આવી જાય છે કે જ્યારે પોતાના આડાઅવળાં ટ્વિટ અને ફિલ્મસમીક્ષાને કારણે બોલિવૂડમાં બદનામ એવા કમાલ ખાને જ્યારે ફિલ્મની સમીક્ષા કરતાં ફિલ્મને કાર્ટૂન ફિલ્મ કહી કે તરત જ સિનેરસિકોએ તેઓને ચારેય તરફથી ઘેરી એટલી હદે ટીકાનો મારો ચલાવ્યો કે, ના છૂટકે તેમને આ અંગે માફી માંગવી પડી. ભારતીય સિનેરસિકોનો આ ફિલ્મ માટેનો આટલી હદે પ્રેમ કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યો.

ફિલ્મના વહેલી સવારના ૪ વાગ્યાના શો અને ફિલ્મની ટિકિટ મેળવવા બે બે કિમી લાઇનમાં ઊભા રહેતા દર્શકો કદાચ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પ્રથમ વખત જોયા હશે. ભારતીય દર્શકો ‘બાહુબલી-૨’ને માત્ર એક ફિલ્મ તરીકે નહીં એક ઉત્સવરૂપે માણી રહ્યા છે.

સંક્ષેપમાં કહીએ તો ભારતના સિને ઇતિહાસમાં બાહુબલી-૨ દેશનું ગૌરવ છે. જે વિશ્ર્વને વાસ્તવિક ભારતીય સભ્યતા, સાંસ્કૃતિક જીવન અને દર્શનનો વિશ્ર્વને પરિચય કરાવે છે. ફિલ્મ પોતાની કથાવસ્તુ, પ્રસ્તુતીકરણ અને ભવ્યતા થકી આંતર્રાષ્ટ્રીય સ્તરની ફિલ્મોની કક્ષાની ફિલ્મ બનાવવાનું ભારતીય સિનેજગતના સ્વપ્નને સાચું કરી બતાવે છે.

બાહુબલીના પ્રથમ ભાગે પણ વિદેશી માધ્યમોમાં ધૂમ મચાવી હતી. ધ ગાર્ડિયન, સીએનએન, ધ હોલિવુડ રિપોર્ટર, બીબીસી સહિતના આંતર્રાષ્ટ્રીય મીડિયામાં બાહુબલીની ભવ્યતાને એક સુરે વખાણી હતી. એટલું જ નહીં. ફોર્બ્સ, ધ વેરાયટી, સીબીસી, એનબીસીટી, ડેડલાઈન, ડેલીમેઈલે પણ બાહુબલીની બોક્સ ઓફિસ કમાણીને વખાણી છે.

બાહુબલી ફિલ્મની પ્રથમ સફળતા બાદ, બાહુબલી-૨ની પ્રતીક્ષા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ફિલ્મના બીજા ભાગની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. અને ફિલ્મ રજૂ થયા બાદ ફિલ્મને જબ્બર પ્રતિસાદ સાંપડ્યો હતો. આંતર્રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ્સ બી.બી.સી. લંડન હોય કે, અલજજીરા કે પછી પાકિસ્તાન, બાંગ્લાદેશની ન્યૂઝ ચેનલ પર બાહુબલીની ખાસ ચર્ચા હતી. ફિલ્મને જે રીતે રાષ્ટ્રિય અને આંતર્રાષ્ટ્રીય દર્શકો અને સમીક્ષકો મળ્યા છે તે રીતે એટલું ચોક્કસ છે કે, બાહુબલી ફિલ્મથી ભારતીય સિનેમા માટે આંતર્રાષ્ટ્રીય બજારનાં દ્વાર ખૂલી ગયા છે. તો સાથે સાથે ભારતીય સિનેમાને ૧૫૦૦ કરોડનું નવું ટાર્ગેટ પણ મળ્યું છે.

 

૬ વર્ષનો હતો ત્યારે કૃષ્ણની વાર્તામાં ખોવાઈ ગયો હતો : એસ. એસ. રાજમૌલિ

ફિલ્મ બાહુબલી-૨ના દિગ્દર્શક રાજમૌલિની કેટલીક વાતો ખાસ છે. બાળપણમાં તેઓ શાળાનાં પુસ્તકો વાંચવાને બદલે અમરચિત્ર કથા અને ફેન્ટમ વાંચતા હતા. ભગવાન શ્રીકૃષ્ણનો તેમના જીવન પર ઊંડો પ્રભાવ છે. જેમની લીલાઓ સાંભળી તેમાં તેઓ ખોવાઈ જતા હતા. પ્રસ્તુત છે તેમની સાથેની વાતચીતના કેટલાક અંશો...

  • ‘બાહુબલી-૨’ માટે તમે શું કહેશો ?

      આ ફિલ્મ મારી કારકિર્દીની સૌથી સંતોષજનક ફિલ્મ છે. અગાઉની મારી ફિલ્મો હીરો કેન્દ્રિત જ હતી. જ્યારે બાહુબલી મેં એક સાથે સાત-સાત મજબૂત પાત્રોને પરદા પર પૂરતી જગ્યા આપી છે. બાહુબલી એક કાલખંડની ફિલ્મ છે. તેમાં રાજા છે, રાણી છે, યોદ્ધાઓ છે અને દર્શકો માટે ભાવનાત્મક પ્રસંગો પણ છે.

  • બાહુબલીમાં રાજમાતા શિવગામી દેવી નવજાત મહેન્દ્ર બાહુબલીને બચાવવા માટે તોફાની રાતમાં નદીમાં એક હાથે ઉપર ઉઠાવી લઈ જાય છે, તેની પ્રેરણા તમને ક્યાંથી મળી ?

      મારી વાર્તા વાસુદેવજી ભગવાન શ્રીકૃષ્ણને પોતાના માથે મૂકી નદી પાર કરે છે, તેનાથી પ્રેરિત છે. જ્યારથી મેં એ પ્રસંગ સાંભળ્યો હતો ત્યારથી જ મને લાગતું હતું કે જો આ પ્રસંગને યોગ્ય રીતે પરદા પર ફિલ્માવવામાં આવે તો દર્શકો મંત્રમુગ્ધ બની શકે છે. છ વર્ષની ઉંમરમાં જ મેં ભગવાન શ્રીકૃષ્ણની કથા સાંભળી હતી. ત્યારથી હું તેમાં ખોવાઈ ગયો હતો.

  • ફિલ્મોમાં ટેક્નોલોજીનો પ્રયોગ દર્શકોને કેટલી હદે પ્રભાવિત કરી શકે છે ?

      કોઈપણ ફિલ્મ સાથે લોકોનું ભાવનાત્મક જોડાણ હોવું જોઈએ. જો એ જોડાણ હોય તો ફિલ્મ સફળ નીવડે છે. જ્યાં સુધી ટેક્નોલોજીનો સવાલ છે તો તે માત્ર વાર્તાને વધુ સારી રીતે રજૂ કરવાની રીત માત્ર જ છે. બાહુબલીમાં પણ આવું જ છે. તેની સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાઈ રહ્યા છે.

  • તમારી ફિલ્મોમાં પુનર્જન્મ ખૂબ હોય છે, બાહુબલીમાં પણ છે. તેનું કોઈ ખાસ કારણ ?

      પુનર્જન્મ મહાભારતમાં પણ છે અને રામાયણમાં પણ. મારા મતે આવી વાર્તા જોઈ લોકોમાં એક પ્રકારનો રોમાંચ પેદા થાય છે. માટે જ મને પુન:જન્મ આધારિત ફિલ્મો બનાવવામાં રસ છે. આવી ફિલ્મોમાં તમામ પાત્રો સુપરહીરો જેવાં બની જાય છે.

 

પ્રથમવાર કોઈ ફિલ્મમાં આપણી આસ્થાઓ, માન્યતાઓ અને વિચારધારાની મજાક ઉડાવવાને બદલે ગૌરવાન્તિત કરાઈ છે : કૈલાશ ખેર

ફિલ્મ બાહુબલીના ગાયક કૈલાશ ખેર કહે છે કે, ભારતીય સિનેજગતમાં પ્રથમ એવી ફિલ્મ બની છે કે જેમાં આધ્યાત્મિકતા, પૌરાણિકતા, ભારતીયતા તમામનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સિવાય સંબંધો અને ભારતીય ભાવનાઓનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. અગાઉ પણ આપણે ત્યાં મોટી-મોટી ફિલ્મો બની છે, પરંતુ તેમાં સંપૂર્ણ ભારતીયતા ન હતી. આ સૌપ્રથમ એવી ફિલ્મ બની છે જેમાં સમર્પણપૂર્વક એવી કલ્પનાઓ કરવામાં આવી છે, જે કલ્પના બિલકુલ લાગતી નથી. ફિલ્મમાં ક્યાંક મહાભારત દેખાય છે. થોડું રામાયણ તો ક્યાંક સમ્રાટ અશોક અને ચાણક્યની ઝાંખી થાય છે. ફિલ્મમાં આપણા મોહેંજોદરોની સભ્યતા પણ છે, તો આપણી પૌરાણિક એન્જિનિયરીંગની કલ્પના પણ છે. ભારતીય કૂટનીતિ, રણનીતિ, રાજનીતિ, સમાજનીતિ, જ્ઞાતિ-રિવાજોના વહનનો ઢંગ - તમામને ખૂબ જ કુશળતાપૂર્વક અધ્યયન કરી કથાનકના‚રૂપમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.

સૌપ્રથમ વાર કોઈ ફિલ્મમાં આપણી આસ્થા, માન્યતા અને વિચારધારાની મજાક ઉડાવવાને બદલે ગૌરવાન્વિત કરવામાં આવી છે. ભારતની સ્થિતિને મજબૂરી, લાચારી, ગરીબીમાં ઢાળી બતાવવાને બદલે ગૌરવમય રીતે બતાવવામાં આવી છે. ભારતીય સંગીત, ધર્મ-દર્શન. ભારતીય સ્વાંગ, શૈલી, નાટકશૈલી અને અન્ય નાટ્યવિદ્યાઓ ખૂબ જ સમૃદ્ધ છે. તે વાત બાહુબલીને સમગ્ર વિશ્ર્વમાં જે અભૂતપૂર્વ આવકાર મળ્યો છે તેના પરથી સાબિત થઈ.

 

ખૂબ જ મુશ્કેલ હતું રહસ્ય જાળવી રાખવું

કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો ? દુનિયાભરના દર્શકો આ રહસ્ય જાણવા માટે બે વર્ષથી બાહુબલી-૨ ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. નિર્દેશકને ડર એ હતો કે રખેને આ રહસ્ય બહાર આવી ગયું તો ફિલ્મને મોટું નુકસાન ઉઠાવવું પડશે. માટે ફિલ્મ પ્રદર્શિત થાય ત્યાં સુધી આ રહસ્યને રહસ્ય બનાવી રાખવા માટે આ દૃશ્ય ફિલ્માવાતા સમયે નિર્માતા-દિગ્દર્શક દ્વારા ખૂબ જ ગોપનીયતા રાખવામાં આવી. શૂટીંગ પહેલાં દોઢસો લોકોને આ ગોપનીયતા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સિવાય તમામ પાસે એક લિખિત કરાર પણ કરાવવામાં આવ્યો હતો, જેમાં લખાયું હતું કે જો ટીમનો કોઈ સદસ્ય આ રહસ્યને ઉજાગર કરશે તો તેને આર્થિક દંડ અને સજા બન્ને થઈ શકે છે. શૂટીંગ દરમિયાન તમામ લોકોના મોબાઈલ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

કદાચ બાહુબલી ન મરત

જ્યારે બાહુબલી ફિલ્મની પટકથા લખાઈ રહી હતી તે પહેલાં તેમાં કટપ્પાના હાથે બાહુબલીની હત્યા કરાવવાની યોજના ન હતી, પરંતુ વાર્તામાં મોટી નાટકીયતા લાવવાના હેતુસર આ દૃશ્યને જોડવામાં આવ્યું હતું અને એ પણ ફિલ્મના અંતમાં કટપ્પા દ્વારા બાહુબલીને મારવાનું દૃશ્ય કાગળ અને થર્મોકોલની મદદથી ફિલ્મમાં આવ્યું હતું.

બે મિનિટ માટે ૧૦૦ દિવસનો ભોગ

બાહુબલી-૨નું સૌથી મુશ્કેલ દૃશ્ય બે મિનિટનું જ હતું, પરંતુ તેને ફિલ્માવવામાં પૂરા ૧૦૦ દિવસ લાગ્યા હતા. તે દૃશ્ય હતું અંતિમ લડાઈનું. અંતમાં યુદ્ધનું ફિલ્માંકન ખૂબ જ ખર્ચાળ રહ્યું હતું. વીએફએક્સ અને ટેક્નિક પર જ લગભગ ૯૦ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. સેટ બનાવવા અને કલા સંયોજન પર લગભગ ૬૮ કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

કલ્પનામાં વાસ્તવિકતાનો અહેસાસ

એક કાલ્પનિક કથાવસ્તુ પર બનેલી ફિલ્મને દર્શકો સમક્ષ એવી રીતે રજૂ કરવી કે તેઓને વાસ્તવિકતાનો અનુભવ થાય તે સરળ કામ ન હતું. તેના માટે સૌપ્રથમ એક વિશેષ વીઆર સુપર કેમેરો બનાવવામાં આવ્યો, તેનાથી જ સમગ્ર ફિલ્મ શૂટ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ટેક્નેલોજી તૈયાર કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.

જેવો દેશ તેવી ભાષા

વિશ્ર્વભરમાં ફિલ્મને જે તે રાજ્ય અને દેશની ભાષામાં રજૂ કરવામાં આવી હતી. ભારતમાં આ ફિલ્મ તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલી ભાષામાં રજૂ કરાઈ હતી, તો વિશ્ર્વભરમાં અંગ્રેજી, ચીની, જર્મન, ફ્રાન્સીસી, જાપાનીઝ વગેરે ભાષામાં પ્રદર્શિત કરાઈ હતી.

બીબીસીમાં બાહુબલી

જાણીતી આંતર્રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ બીબીસીએ પણ ભારતીય બાહુબલીની સફળતા અને ભવ્યતાને દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. આ દરમિયાન ચેનલ્સે રાજામૌલિ સહિત બાહુબલીના કેટલાક કલાકારોની મુલાકાત પણ લીધી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.

ઑસ્કાર જીતનાર દિગ્દર્શક બાહુબલીના સેટની મુલાકાતે

બાહુબલીની ચર્ચા તેના પ્રથમ ભાગથી જ વિદેશોમાં થવા લાગી હતી. ૨૦૧૪માં ફ્રેન્ચના ઑસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા કલ્યૂડ લિલોઉચ પણ બાહુબલીનું શૂટીંગ જોવા ભારત આવ્યા હતા. તેઓએ રાજમૌલિ સાથે હૈદરાબાદ ફિલ્મ સ્ટુડિયોમાં વિશેષ મુલાકાત કરી હતી.