ઘરેણાં વેચી શિક્ષિકાએ સરકારી શાળાના વર્ગખંડને બનાવ્યો હાઈ-ટેક

    ૦૫-મે-૨૦૧૭

સરકારી શાળામાં ભણતાં બાળકોને મૂળભૂત સુવિધાઓ પણ મળતી ન હોવાની ફરિયાદ સામાન્ય છે. ત્યારે તમિલનાડુનાં એક મહિલા શિક્ષિકાએ આને લઈને સરકાર ને દોષ દેતા રહેવાને બદલે એવું કર્યું કે તેને સલામ કરવી પડે. અન્નાપૂર્ણા મોહન નામની આ શિક્ષિકાએ બાળકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે પોતાનાં ઘરેણા વેચી બાળકોને ભણવા માટે હાઈટેક વર્ગખંડ બનાવી દીધો હતો. અન્નપૂર્ણાએ આ સરકારી શાળાના ધૂળિયા વર્ગખંડને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનાવી દીધો છે. આ વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ, પુસ્તકો, આરામદાયક ફર્નિચર સહિતની સુવિધાઓ છે.

રામમંદિરના નિર્માણ માટે ઈંટો સાથે પહોંચ્યા મુસ્લિમો

રાષ્ટ્રવાદી મુસ્લિમ મંચ સાથે સંકળાયેલ બે ડઝન જેટલા મુસ્લિમ નેતાઓ તાજેતરમાં ભગવાન શ્રીરામનાં દર્શન કરવા અયોધ્યા પહોંચી ગયા હતા. મુસ્લિમ નેતાઓ રામમંદિરના નિર્માણ માટે પોતાની સાથે ટ્રક ભરી ઈંટો પણ લાવ્યા હતા. આ ટુકડીનું નેતૃત્વ કરી રહેલા મા. આઝમ ખાને જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામ અમારી પણ આસ્થાનું કેન્દ્ર છે. અયોધ્યામાં રામમંદિર બનવું જ જોઈએ, માટે અમે ત્રણ હજાર ઈંટો લઈને આવ્યા છીએ.

બિહારમાંથી બાંગ્લાદેશમાં પશુ લઈ જવાની ટનલ મળી

બીએસએફના જવાનોએ બિહારમાં ચોપરા-ફતેહપુર બોર્ડર આઉટપોસ્ટ પાસેથી પશુઓની દાણચોરી માટે બનાવાયેલી ૮૦ મીટર લાંબી એક ટનલ શોધી કાઢી હતી. જવાનોએ આ ટનલ એક ચાના બગીચામાંથી શોધી કાઢી હતી, જે ઉત્તર બંગાળને સ્પર્શતા કિસાનગંજમાં આવેલી છે. બીએસએફના ડીઆઈજી દેવી શરણ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે બીએસએફના જવાનોએ પશુઓની દાણચોરી માટે શંકાસ્પદ રીતે બનાવાયેલી એક ટનલનો પર્દાફાશ કર્યો છે. આ ટનલ બાંગ્લાદેશ સરહદે બનેલી ફેન્સની નીચેથી પસાર થાય છે. એક ચાના બગીચામાંથી આ ટનલ પસાર થાય છે. પશુઓના દાણચોરોએ આ ટનલ બનાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેનો ઉપયોગ તેઓ લાંબા સમયથી રાત્રીના સમયે કરતા હોય એવી શંકા બીએસએફ અધિકારીએ વ્યક્ત કરી હતી.

જાપાનના સાંસદો પણ યોગપ્રચાર કરશે

જ્યારથી ૨૧ જૂન વિશ્ર્વયોગ દિવસ તરીકે જાહેર થયો છે. ત્યારથી સમગ્ર વિશ્ર્વમાં યોગનું આકર્ષણ વધ્યું છે. જાપાનનાં ૪૨ જેટલા સાંસદોએ યોગને પ્રોત્સાહન આપી તેનો પ્રચાર-પ્રસાર કરવાનો સંકલ્પ લીધો છે. સાંસદોએ એક સંસદીય લીગ બનાવી છે, જે યોગને આગળ વધારવાની સાથે સાથે ભારત-જાપાન સંબંધોને વધુ ગાઢ બનાવવાનું કામ કરશે.

કાયદાકીય લડાઈથી આ બંધુ ૭ મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતરાવી ચૂક્યા છે

મહંમદ અલી ઉર્ફે બાબાખાન લાઉડસ્પીકર પર અપાતી અઝાનને ગેરઇસ્લામિક માને છે અને આ પ્રથાને બંધ કરાવવા માટે પાછલાં ૨૦ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે. મહંમદ અલી કહે છે કે લાઉડ સ્પીકરનો પ્રયોગ એ ઇસ્લામનો ભાગ નથી. તેથી તેના પર પ્રતિબંધથી ઇસ્લામ ખતરામાં આવી જવાનો નથી, કારણ કે લાઉડ સ્પીકર ૧૦૦ વર્ષોથી આવ્યું છે. જ્યારે ઇસ્લામ ધર્મ ૧૪૦૦ વર્ષ જૂનો છે અને ઇસ્લામને બચાવવા કોઈ લાઉડ સ્પીકરની જરૂર નથી. તેઓ અત્યાર સુધી સાત મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતરાવી ચૂક્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય સહયોગી ગીતા ભક્ત !

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય રણનીતિકાર અને રાષ્ટ્રીય સુરક્ષા સંગઠનના સદસ્ય સ્ટીવ બેનન ભગવદ્ગીતાને પોતાનો આદર્શ માને છે. તેઓ પોતાના ભાષણો અને વાતચીતમાં ભગવદ્ગીતાના શ્ર્લોક ટાંકે છે. તેઓ હિન્દુ ધર્મના પણ પ્રશંસક છે. ગીતામાં શ્રીકૃષ્ણે જે ધર્મનો ઉપદેશ આપ્યો છે, બેનન એ જ ધર્મની વાત કરે છે. ઘણા વખત સુધી તેમની સહયોગી રહી ચૂકેલ જૂલિયા જોસ કહે છે કે, બેનન હંમેશા ધર્મ અને તેના આચરણની વાત કરે છે. બેનન માને છે કે યુદ્ધના મેદાનમાં અર્જુનની માફક મોહગ્રસ્ત થઈ હથિયાર હેઠાં મૂકી દેવાથી વિશ્ર્વનું કલ્યાણ થઈ શકવાનું નથી. શ્રીકૃષ્ણની પ્રેરણાથી શસ્ત્ર ઉઠાવી દુષ્ટોનો સંહાર કરવાથી જ વિશ્ર્વ બચી શકશે.

ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા મદ્રેસાનું પોસ્ટકાર્ડ અભિયાન

ઉત્તર પ્રદેશના સંભલના એક મદ્રેસાએ ગાય બચાવવા માટે પોસ્ટ કાર્ડ અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરી તમામે તમામ દુધાળાં પશુઓની હત્યા પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરવામાં આવી છે. અલીજાન જમિયત ઉલ મુસલ્મીન એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત આ મદ્રેસાએ ત્રણ માંગણીઓ કરી છે. પ્રથમ ભારતની ધરતી પરથી માંસ નિર્યાત પર પ્રતિબંધ, ગૌહત્યા પર પ્રતિબંધ લગાવી તેને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવું અને ત્રીજું આ દિશામાં એક સખત કાયદો બનાવવામાં આવે.

મોદીએ જે કહ્યું, તેના પર અમલ કર્યો : બિલ ગેટ્સ

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનાં વખાણ કર્યાં છે. બિલે કહ્યું કે ‘અંદાજે ત્રણ વર્ષ પહેલાં ભારતીય પીએમ મોદીએ જાહેર સ્વાસ્થ્ય પર એક સાહસિક નિવેદન આપ્યું હતું. આજે તેની પણ અસર જોવા મળે છે. મેં અન્ય કોઈ નેતાને આવા સંવેદનશીલ મુદ્દા પર આટલું ખૂલીને બોલતા ક્યારેય નથી સાંભળ્યા. મોદીએ જે પણ કહ્યું તેના પર અમલ કર્યો છે.’
બિલ ગેટ્સે ‘ઇન્ડિયા ઇઝ વિનિંગ ઇટ્સ વોર ઓન હ્યુમન વેસ્ટ’ શિર્ષકથી એક બ્લોગ લખ્યો છે, જેમાં તેણે મોદીની સ્વાતંત્ર્ય-દિનના ભાષણનો ઉલ્લેખ કર્યો હતો.
બિલે લખ્યું કે ‘મોદીએ કહ્યું હતું કે આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ, શું આપણે ક્યારેય વિચાર્યંુ કે આપણી માતા-બહેનો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર છે ? ગામમાં ગરીબ મહિલાઓ રાતના અંધારાની રાહ જુએ છે. જેથી તેઓ શૌચ કરી શકે, શું આપણે તેમના માટે શૌચાલયોની વ્યવસ્થા નથી કરી શકતા ?’
સારી વાત તો એ છે કે મોદીએ જે કહ્યું તેના પર અમલ કર્યો. ભાષણના બે મહિના બાદ જ તેઓએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું હતું. જેમાં તેઓએ ૭૫ લાખ શૌચાલય બનાવ્યાં અને ૨૦૧૯ સુધીમાં ભારતમાં ખુલ્લામાં શૌચની પ્રથા બંધ થશે. આ અભિયાનથી એ તો નક્કી જ છે કે કોઈપણ કચરો ખુલ્લામાં નહીં ફેંકવામાં આવે.

શ્રી નૌતમભાઈ વકીલ લિખિત પુસ્તકનું લોકાર્પણ

તા. ૨૬/૦૩/૨૦૧૭ને રવિવારની સાંજે જૈન લોટ્સ ગ્રુપની રજત જયંતિ પ્રસંગે જાણીતા વકીલ શ્રી નૌતમભાઈ આર. વકીલ લિખિત પુસ્તક ‘મનને શાંત રાખો’નું લોકાર્પણ થયું. વિધાનસભાનાં સ્પીકર શ્રી રમણલાલ વોરા અને કર્ણાવતીનાં મેયર શ્રી ગૌતમભાઈ શાહનાં શુભ કર કમળ દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી નૌતમભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘મનને શાંત રાખો’ પુસ્તકમાં ‘મન’ એટલે શુ ? મનની શું શક્તિ છે અને મનને શાંત રાખવા ક્રોધ, અભિમાન, માયા, લોભ, રાગ, દ્વેષ આવા દૂર્ગુણોને કેવી રીતે નષ્ટ કરવા તેનું માર્ગદર્શન આપેલ છે. આજના ધમાલ ભર્યાં જીવનમાં આ પુસ્તક ખૂબ ઉપયોગી બને તેમ છે.

બાંગ્લાદેશ : અદાલતમાં ન્યાયની દેવીને બદલે કુરાન રાખવાની માંગણી

બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની પ્રતિમા હટાવી કુરાન રાખવાની માંગણી થઈ છે. આ માંગણીને લઈને દેશભરમાં મુસ્લિમો જબરજસ્ત પ્રદર્શન પણ કરી રહ્યા છે. આ લોકોની માંગણી છે કે, આંખો પર પાટા બાંધેલ અને હાથમાં ત્રાજવાં સાથેની ન્યાયની દેવીની પ્રતિમાને હટાવી દેવામાં આવે, કારણ કે એ ગ્રીકની દેવીની પ્રતિમા છે, જે બાંગ્લાદેશ જેવા મુસ્લિમ દેશમાં હરામ છે. આંદોલનકારીઓએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે ગ્રીકની દેવીને બદલે કુરાન રાખવામાં આવે.