એકલવ્ય

    ૩૦-જૂન-૨૦૧૭

ભીષ્મ પિતામહે દ્રોણને કુમારોને ધનુર્વિદ્યા શીખવવા નિયુક્ત કર્યા. પાંડવો અને કૌરવો ગુરુ દ્રોણ પાસે ધનુર્વિદ્યા શીખવા લાગ્યા. ધનુર્વિદ્યા ઉપરાંત અન્ય વિદ્યાઓ પણ તેઓ શીખવતા હતા, પરંતુ તેઓ ધનુર્વિદ્યાના નિષ્ણાત ગુરુ હતા.
ધીરે ધીરે દ્રોણ ગુરુની ખ્યાતિ દૂર દૂર સુધી પ્રસરી ગઈ. અન્ય દેશના રાજકુમારો પણ એમની પાસે અસ્ત્રવિદ્યા શીખવા આવવા લાગ્યા.
એકવાર નિષાદરાજનો પુત્ર એકલવ્ય તેમની પાસે વિદ્યા શીખવા આવ્યો. તે સમયે દ્રોણ ગુરુ શિષ્યોને શીખવી રહ્યા હતા. એકલવ્યે નજીક જઈ દ્રોણ ગુરુને પ્રણામ કર્યાં. ગુરુએ પૂછ્યું, ‘ભાઈ, તું કોણ છે ?’
‘ગુરુદેવ, હું ભીલકુમાર એકલવ્ય.’
‘અહીં શા માટે આવ્યો છે ?’
‘ગુરુદેવ, હું ધનુર્વિદ્યા શીખવા આવ્યો છું. આપની કીર્તિ મેં સાંભળી છે.’
‘એકલવ્ય, હું તને ધનુર્વિદ્યા નહીં શીખવી શકું.’ આ સાંભળી એકલવ્ય ઘડીભર અવાચક બની ઊભો રહ્યો. તે દૂર જંગલમાંથી આ વિદ્યા શીખવા આવ્યો હતો. તેણે નમ્રતાથી પૂછ્યું, ‘ગુરુદેવ, ન શીખવવાનું કંઈ કારણ ?’
‘ભાઈ, હું તો માત્ર રાજકુમારોને જ વિદ્યા શીખવું છું.’
આ સાંભળી એકલવ્ય નિરાશ થયો, પરંતુ બીજી જ પળે તેણે મન મક્કમ કર્યું ને પછી ગુરુ દ્રોણના પગમાં પડી વંદન કરી બોલ્યો, ‘ગુરુદેવ, જેવી આપની આજ્ઞા, પરંતુ મને આશીર્વાદ આપો કે હું ધનુર્વિદ્યા શીખી જાઉં.’
દ્રોણ ગુરુએ તેને ટાળવા હાથ મસ્તક પર મૂકી. આશિષ આપતાં કહ્યું, ‘વત્સ, તારી ઇચ્છા પૂર્ણ હો.’
બસ, એકલવ્ય મનમાં હરખાયો, તેને ગુરુના આશીર્વાદ મળી ગયા હતા.
એકલવ્ય જંગલમાં પાછો ફર્યો. તેણે ચીકણી માટીમાંથી ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી. તે ગુરુનાં દર્શન કરીને આવ્યો હતો એટલે ગુરુની મૂર્તિ હૂબહૂ બનાવી શક્યો. ને પછી તેમને વંદન કરી, ‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુનું.... વાળો શ્ર્લોક બોલ્યો. પછી હાથમાં ધનુષ-બાણ લઈ કહે, ‘ગુરુદેવ, આજ્ઞા કરો. પેલા ઝાડ પર લટકે, તે ફળ પાડી દઉં !’ ને જાણે ગુરુઆજ્ઞા મળી હોય તેમ એ તીર છોડતો. ફળ નીચે પડતું. આ જોઈ તે રાજી થઈ ફરી વંદન કરી બોલતો, ‘જોયું ગુરુદેવ ?’ તમારી કૃપાથી ફળ વિંધાઈ નીચે પડ્યું !’
આમ રોજ એકલવ્ય બાણવિદ્યાનો મહાવરો કરવા લાગ્યો. તેણે મનમાંથી નિરાશા ખંખેરી નાખી હતી. તે ધીરે ધીરે ધનુર્વિદ્યામાં આગળ વધતો ગયો. હવે તે ઊડતા પંખીને પણ વીંધી શકતો હતો. દોડતા પ્રાણીનો પણ શિકાર કરી શકતો હતો. અવાજની દિશામાં પણ તે બાણ છોડી ધાર્યાં નિશાન પાર પાડવા લાગ્યો. આમ તે મહાન બાણાવળી બની ગયો.
એક દિવસની વાત છે.
એકલવ્ય ગુરુની પ્રતિમા પાસે વિદ્યા ભણી રહ્યો હતો. એટલામાં એક મોટો કૂતરો આવ્યો. તે એકલવ્યને ભસવા લાગ્યો. આથી વિદ્યા ભણવામાં ખલેલ પડવા લાગી. એકલવ્યે તેને ભગાવવા કોશિશ કરી છતાંય તે ન ખસ્યો. છેવટે તેણે ધનુષબાણ હાથમાં લીધાં. એક પછી એક તીર છોડી કૂતરાનું મોં ભરી દીધું. કૂતરાને જરા પણ ઈજા ન થઈ. કૂતરો ભસતો બંધ થયો અને પોતાને રસ્તે પડ્યો.
એ કૂતરો ગુરુ દ્રોણનો હતો. ગુરુ એમના કેટલાક શિષ્યો સાથે જંગલમાં ફરવા નીકળ્યા હતા. કૂતરો એ સૌની સામે જઈ ઊભો રહ્યો. કૂતરાનાં મોંમાં બાણ મારેલાં જોઈ સૌ નવાઈ પામ્યા. અર્જુને પૂછ્યું, ‘ગુરુદેવ, આ કૃત્ય કોણે કર્યું હશે ?’
ગુરુદેવ સમજી ગયા કે જેણે આ કામ કર્યું હશે તે મહાન બાણાવળી હોવો જોઈએ. તે અર્જુન કરતાંય ચડિયાતો હશે. ગુરુ નહોતા ઇચ્છતા કે એમના પ્રિય શિષ્ય અર્જુન કરતાં કોઈ મહાન બને.
કૂતરો આગળ ને સૌ પાછળ-પાછળ ચાલવા લાગ્યા. કૂતરો સૌને એકલવ્ય પાસે લઈ આવ્યો. એકલવ્યે ગુરુ દ્રોણને ઓળખ્યા ને તે ઊભો થયો અને ગુરુનાં ચરણોમાં વંદન કરી સ્વાગત કરતાં બોલ્યો, ‘પધારો ગુરુદેવ !’
ગુરુએ ઝાડ નીચે પોતાની પ્રતિમા જોઈ. એકલવ્ય બોલ્યો, ‘ગુરુદેવ ! આપની પ્રતિમા પાસે બેસી ધનુર્વિદ્યા શીખી રહ્યો છું.’
‘આ કૂતરાનાં મોંમાં તેં જ બાણ માર્યાં ?’ ગુરુએ પૂછ્યું.
‘હા, ગુરુદેવ !’ પછી તેમ કરવાનું કારણ કહ્યું અને તે માટે ગુરુની ક્ષમા પણ માગી. ગુરુ અને સર્વ શિષ્યો એકલવ્યની આ વિદ્યાની પારંગતતા જોઈ નવાઈ પામ્યા.
ગુરુ બોલ્યા, ‘વત્સ એકલવ્ય ! તેં મારી પ્રતિમા બનાવી મને ગુરુપદે સ્થાપી ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી. પરંતુ તેં હજી મને ગુરુદક્ષિણા ચૂકવી નથી.’
ગુરુ પાસે શિષ્ય વિદ્યા ભણી રહે પછી તેણે ગુરુ જે માગે તે આપવું પડતું. આ થઈ ગુરુદક્ષિણા. આમ કરવાનો ગુરુનો હક રહેતો ને શિષ્ય પણ ગુરુને દક્ષિણા ચૂકવી ધન્ય જઈ જતો.
એકલવ્ય બોલ્યો, ‘ગુરુદેવ ! માગો. આજ આ એકલવ્ય ગુરુદક્ષિણા ચૂકવી એ ઋણમાંથી મુક્ત થશે.’
એકલવ્ય જમણા હાથે બાણ છોડતો હતો. જો એની પાસે જમણા હાથનો અંગૂઠો ન હોય તો પછી તે ધાર્યાં નિશાન છોડી ન શકે અને તે અર્જુન કરતાં મહાન બાણાવળી ન બની શકે.
ગુરુદેવ બોલ્યા, ‘એકલવ્ય, ગુરુદક્ષિણામાં મને તારો જમણા હાથનો અંગૂઠો આપ.’ આ સાંભળી એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર એકલવ્યે કેડેથી કટારી કાઢી. જમણા હાથનો અંગૂઠો કાપી ગુરુના ચરણે ધરી બોલ્યો, ‘ગુરુદેવ ! આપના શિષ્ય એકલવ્યની ગુરુદક્ષિણાનો સ્વીકાર કરો.’
આ જોઈ દ્રોણ ગુરુ પણ સ્તબ્ધ થઈ ગયા. આ શું ? મને એમ કે કદાચ એકલવ્ય વિરોધ કરશે ને પછી હું એને અમુક વચનોથી બાંધી લઈશ. જેથી તે ભવિષ્યમાં અર્જુન સામે કદી ન આવે. પણ એકલવ્ય સાચો શિષ્ય નીવડ્યો.
ગુરુદેવ અને અન્ય શિષ્યો ત્યાંથી વિદાય થયા. ધન્ય છે એકલવ્ય તારી ગુરુભક્તિને !
એ પછી એકલવ્ય ડાબા હાથે બાણ છોડવાનો મહાવરો કરવા લાગ્યો. ને થોડા મહિનામાં તે ડાબા હાથે તીર છોડવામાં કાબેલ બની ગયો.
ધન્ય છે એકલવ્ય તારી વિદ્યા પ્રાપ્ત કરવાની સાધનાને !