સ્વમાની શિવાજી

    ૦૯-જૂન-૨૦૧૭


હિન્દુસ્થાનનું કયું બાળક શિવાજીના નામથી અપરિચિત હશે ? શિવાજીનું સ્થાન ભારતના ઇતિહાસમાં ધ્રુવતારક જેટલું અટલ છે. શિવાજી જેનું નામ, બાળપણથી જ બુદ્ધિશાળી, નીડર અને તેટલા જ સ્વમાની પણ. શિવાજીની ઉંમર એ વખતે માંડ તેર-ચૌદ વર્ષની હશે. મહારાષ્ટ્રના વિજાપુરમાં આદિલશાહ બાદશાહનું રાજ્ય ચાલતું હતું. શિવાજીના પિતા શાહજી બાદશાહના જાગીરદાર હતા. પિતાની આ ગુલામી શિવાજીને ગમતી નહોતી. બાળપણથી જ મોગલો પ્રત્યે તીવ્ર નફરત અને ધિક્કારનાં બીજ તેમના મનમાં રોપાયાં હતાં, કારણ કે મોગલ શાસકોના આક્રમણ અને કનડગતથી જ તેમના પિતાને ઠેરઠેર ભટકવું પડ્યું હતું. વળી મોગલ સલ્તનતમાં જોર જુલમ, લૂંટફાટ, બળાત્કાર ખૂબ વકર્યાં હતાં.
બાળ શિવાજી નાની ઉંમરે પણ તીરંદાજી, તલવાર યુદ્ધ, ઘોડેસવારી, યુદ્ધકળા તથા બહાદુરીમાં સૌને ટપી જાય એમ હતા. પોતાના જાગીરદારના પુત્રનાં આવાં પરાક્રમી લક્ષણો સાંભળી આદિલશાહને આ નાનકડા છોકરાને જોવાની ઇચ્છા થઈ. તેણે શિવાજીના પિતા શાહજીને શિવાજીને દરબારમાં તેડી લાવવા કહ્યું. સાંજે ઘરે આવી શાહજીએ આ વાત શિવાજીને કરી. શિવાજીએ તરત જ રોકડું પરખાવી દીધું. ‘પિતાજી, મોગલોને સલામ ભરવાનું મને ગમતું નથી. જ્યાં ગાયોની કતલ થતી હોય અને બ્રાહ્મણોનું અપમાન થતું હોય ત્યાં જવાનું મને પસંદ નથી. તેથી હું દરબારમાં નહીં આવું.’ પિતાએ કહ્યું ‘બાદશાહના આપણે જાગીરદાર છીએ તેથી તેમના આમંત્રણને માન આપવું જોઈએ.’ શિવાજીએ તરત જ કહ્યું, ‘તમારી આજ્ઞાનો હું અનાદર નથી કરતો, પરંતુ ગૌહત્યા અને દેવ-બ્રાહ્મણોનું અપમાન મારાથી સહન થતું નથી, માટે મને ક્ષમા કરો.’
બાળકના ઇન્કારથી શાહજીને ખોટું તો લાગ્યું પરંતુ પરાક્રમી બાહોશ અને બુદ્ધિશાળી પુત્રને વધુ કંઈ કહેવું તેમને યોગ્ય લાગ્યું નહીં.
થોડા સમય પછી એક વાર શાહજી, શિવાજીને ખૂબ આગ્રહ કરીને આદિલશાહના દરબારમાં લઈ ગયા ! મહેલમાં પ્રવેશતાં જ સિંહાસન પર બેઠેલા બાદશાહને તેના પ્રધાનો, દરબારીઓ અને નોકરો લળી લળીને સલામો ભરતા હતા. શાહજીએ પણ શિવાજીને જમીન સુધી હાથ અડાડી, કમરમાંથી વાંકા વળી બાદશાહની કુરનિશ બજાવવા કહ્યું, પરંતુ બાળ શિવાજીએ સલામ ભરવાને બદલે જુહાર (રામ-રામ) કર્યાં. ભર્યા દરબારમાં બાળકનું આ સાહસ જોઈ આદિલશાહ પણ નવાઈ પામ્યો. તેણે પ્રધાનને પૂછ્યું, ‘શાહજીનો પુત્ર શિવાજી તે આ જ કે ?’ પ્રધાને કહ્યું, ‘હા, જહાંપનાહ આ જ શિવાજી, પરંતુ તેણે કદી દરબાર જોયો નથી એટલે તે રીતરિવાજોથી સાવ અજાણ છે.’ દરબાર વિખરાયા પછી બાદશાહે યાદગીરી માટે શિવાજીને સુંદર વસ્ત્રો અને શણગાર ભેટ આપ્યાં, પરંતુ ઘેર જતાંની સાથે જ વસ્ત્રો દૂર ફેંકી સ્નાન કરી પવિત્ર થયા.
હવે શાહજી રોજ શિવાજીને લઈને દરબારમાં જતા. શિવાજી કાયમ સલામ ભર્યા વિના પિતા સાથે બેસી જતા. બાદશાહને આ જોઈ મનમાં શંકા થઈ. તેણે શિવાજીને ઊભો કર્યો અને પૂછ્યું, ‘રોજ સલામ ભર્યા વિના કેમ બેસી જાય છે ?’ શિવાજીએ કહ્યું, ‘મારા પિતા મને વાંકા વળીને સલામ ભરવાનું કહે છે. મારે મન હજૂર અને પિતા સરખા જ છે. જ્યારે મને બંને જુદા લાગશે ત્યારે સલામ ભરીશ.’ આ સાંભળી આદિલ શાહ બાદશાહ તથા બધા પ્રધાનો આશ્ર્ચર્યચકિત થઈ ગયા. બાળકની હોંશિયારી અને સ્વમાનના વખાણ કરવા લાગ્યા.
આ જ શિવાજીએ પાછળથી હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી.