કાનુડાની વેરણ વાંસળી

    ૨૪-ઓગસ્ટ-૨૦૧૭

યમુના નદીના કિનારે ગાઢ જંગલમાં ઉર્વા ઋષિનો આશ્રમ હતો. આશ્રમના નિર્માણમાં તથા દિનચર્યામાં ઉપયોગી મોટાભાગની વસ્તુઓ વાંસમાંથી બનાવી હતી. હિંસક પ્રાણીઓથી બચવા ઊંચા ઝાડ ઉપર વાંસની ઝૂંપડી બનાવી હતી. આશ્રમની નજીક પથ્થરોની વચ્ચે બનેલા પ્રાકૃતિક તળાવમાંથી પાણી લેવા માટે વાંસની પાઇપલાઇન પણ બનાવી હતી. આશ્રમમાં ભોજન-પ્રસાદ માટે બનાવેલ વાંસનાં પાત્રોમાં કેળ તથા ખાખરાનાં પાનનો ઉપયોગ થતો હતો. આ વાંસ અને ઉર્વા ઋષિની વચ્ચે આત્મીય સંબંધ બંધાયો હતો. ઉર્વા ઋષિ વાંસમાંથી બનાવેલ હિંચકા ઉપર શાંતિની પળોમાં નિરાંતે નિજાનંદમાં બેઠા હતા. વાંસે આ સુંદર-અમૂલ્ય તક ઝડપી ઋષિવરને પોતાની મનોવ્યથા જણાવી.
વાંસ : હે ઋષિવર ! ધર્મશાસ્ત્રોમાં વડ, પીપળો, તુલસી, આકડો, નારિયેળ (શ્રીફળ), ચંદન, બિલીપત્ર, કેવડો, કેળાં, શેરડી, ખાખરો આકડો, ધંતૂરો તથા વિવિધ પ્રકારનાં સુગંધિત પુષ્પો, ફળો તથા ઔષધીઓના વેલા-છોડવા તથા વૃક્ષોને સ્થાન અપાયું છે. અનેક ધાર્મિક પ્રસંગો, કર્મકાંડની વિધિઓમાં, યજ્ઞોમાં ઋષિઓ તથા દેવી-દેવાતાઓ તેમનો ઉપયોગ કરે છે, પણ હે ઋષિવર ! મને ક્યાંય સ્થાન અપાયું નથી. મને આવું સ્થાન ક્યારે મળશે? મારી મનોવ્યથા તથા દુ:ખનું નિવારણ શું હોઈ શકે ?

ઉર્વા ઋષિ : હે પ્રિય સખા વાંસ !

તું હિમાલયમાં બિરાજમાન ભગવાન ભોળાનાથ શિવજી પાસે જા ! તે તારી મનોવ્યથા તથા દુ:ખનું નિવારણ કરશે.
વાંસ હિમાલયમાં ભગવાન શિવની આરાધના કરે છે. શિવજી પ્રસન્ન થાય છે. તેમણે કહ્યું, હે વાંસ ! તું ભગવાન વિષ્ણુને શરણે જા ! તે તારા દુ:ખનું નિવારણ કરશે. અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના માટે પૃથ્વીલોકમાં ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરે છે. શિવજી વાંસને આશીર્વાદ આપી અંતર્ધાન થયા છે. વાંસે ભગવાન વિષ્ણુનું શરણ લીધું છે. વિષ્ણુ સહસ્રના જાપ કરી તેણે ભગવાન વિષ્ણુને રિઝવ્યા છે. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા છે. વાંસને આશીર્વાદ આપી વચનથી બંધાય છે. હે વાંસ! ત્રેતાયુગમાં હું જ્યારે કૃષ્ણાવતાર ધારણ કરીશ ત્યારે તું મારું પ્રિય પાત્ર બનીશ.
આ વાંસ ત્રેતાયુગ સુધી ભગવાન વિષ્ણુના કૃષ્ણાવતારની રાહ જુએ છે. કહેવાય છે કે ધીરજનાં ફળ મીઠાં હોય છે. ભગવાન વિષ્ણુએ શ્રાવણી આઠમે વાસુદેવ તથા દેવકીના આઠમા સંતાન તરીકે કંસના કારાગૃહમાં જન્મ લીધો છે. મામા કંસના હાથે મૃત્યુના મુખમાંથી ઉગારવા વાસુદેવ કૃષ્ણને ઘોર અંધારી રાત્રે યમુના પાર કરી ગોકુળમાં નંદ-યશોદાને ત્યાં મૂકી આવ્યા છે. સમગ્ર ગોકુળ નંદ ઘેર આનંદ ભયો જે કનૈયાલાલકીના નાદથી ગુંજી ઊઠ્યું છે. યશોદાનો કનૈયો ગોકુળમાં મોટો થાય છે. ગોપાલક બાળકો સાથે ગોકુળનાં જંગલોમાં ગાયો ચરાવે છે. મધુવન તથા વૃંદાવનમાં ગાયો ચરાવતી વખતે શ્રીકૃષ્ણાવતારી વિષ્ણુને તેમણે વાંસને આપેલું વચન યાદ આવે છે. ગોપાલકૃષ્ણ વાંસ પર હાથ ફેરવે છે તેમાંથી સુંદર વાંસળી બનાવે છે. કૃષ્ણ કનૈયો આ વાંસળીમાંથી એવા મધુર સૂરો રેલાવે છે કે જેથી વૃંદાવનનાં પશુ-પક્ષીઓ તથા વનસ્પતિ ડોલવા લાગે છે. વૃંદાવન તથા મધુવનમાં ગોવાળો, ગોપીક્ધયાઓ નાચી ઊઠે છે. જ્યારે કૃષ્ણ વાંસળી વગાડે છે ત્યારે ગોપીઓ ઘરનાં કામ પડતાં મૂકી ભાનભૂલી ગીત ગાય છે કે ‘વેરણ વાંસળી વાગી...’ આ વાંસળીના મધુર સૂરથી સૂતાં બાળકો પણ જાગી જાય છે. તેથી ગોપીઓ ફરિયાદ કરે છે કે ‘કોઈ જઈ કાનુડાને કહેજો કે વાંસળી વગાડે નહીં, મારા સૂતા બાલુડાને જગાડે નહીં...’ આજે આ લોકગીત-ગરબો ખૂબ જ પ્રચલિત છે.
યમુના નદીને કિનારે નાગદમનની ઘટનામાં વાંસળી વગાડતા અને નૃત્ય કરતા કૃષ્ણનું મનમોહક દૃશ્ય આજે પણ સર્વેના મનને આકર્ષે છે. રાધા તથા ગોપીઓ વાંસળીને કહે છે કે વાંસળી ! તું કેટલી ભાગ્યશાળી છે ! અમારા વ્હાલા કાનુડાએ તને કર-કરળમાં સ્થાન આપ્યું છે. તેમના અધરોષ્ઠ પર તને ધારણ કરી છે. તારામાંથી છેડેલા મધુર સૂર અમને ઘેલા બનાવે છે. લોકગીતમાં ગોપીઓના કંઠે ગવાયું છે કે ‘કાહ્નાને બંસી વ્હાલી છે તેના સૂર બનીને રહેવું છે...’
ભગવાન શ્રીકૃષ્ણ સાથે મોરલીએ પણ રાસલીલા કરી છે. મોરલી પણ ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોપીઓથી રિસાય છે અને રિસામણાં કરે છે અને ગવાયું છે કે ‘મોરલી તે ચાલી રંગ રુસણે રે ! કોણ મનાવા જાય રંગ મોરલી...’ કાનુડાની વેરણ વાંસળીએ આજે કલિયુગમાં સંગીતના જગતમાં અપાર પ્રેમ મેળવ્યો છે. વાંસળીવાદન તથા વાંસળીના મધુર સૂરોએ ચલચિત્રજગતને પણ ઘેલું લગાડ્યું છે. આ વાંસળીનાં આધુનિક સ્વ‚પોનાં સંગીતવાદ્યો દેશ-વિદેશમાં સંગીતના સૂરો રેલાવે છે. આપણા જીવનને કાનુડાની આ વેરણ વાંસળી આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે. આજે પણ આનંદ, પ્રેમ-ઉલ્લાસ તથા શાંતિનો સંદેશો આપતી કાનુડાની આ વેરણ વાંસળી અમરત્વને પામી છે.