સંઘકાર્યના વિકાસમાં પરિવારની મહત્ત્વની ભૂમિકા છે : ડૉ. જયંતિભાઈ ભાડેસિયા

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૭

કર્ણાવતીના રાણીપ નગરમાં છેલ્લા આઠ વર્ષથી નિયમિત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા માસિક બૌદ્ધિક વર્ગનું આયોજન થાય છે. જેમાં હિન્દુત્વ અને સંઘને લગતા જુદા જુદા વિષયોનું પ્રબુદ્ધ વક્તા દ્વારા માર્ગદર્શન મળતું રહેતું હોય છે. આ શૃંખલાના ૧૦૦મા મણકામાં ગાયત્રી વિદ્યાલય રાણીપ ખાતે રા. સ્વ. સંઘના પશ્ર્ચિમ ક્ષેત્રના સંઘચાલક શ્રી ડૉ. જયંતિભાઈ ભાડેસિયાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે સંઘકાર્યમાં પરિવારની ભૂમિકા વિષય અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે સમાજ માટે કાર્ય કરવાની વિશિષ્ટ જીવન પદ્ધતિ સંઘે વિકસાવી છે. વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને તેના દ્વારા રાષ્ટ્રને પરમવૈભવના શિખરે લઈ જવાનો આદર્શ વિચાર તેમાં છે. સંસ્કાર ઘડતરના કાર્યમાં પ્રવૃત્ત સ્વયંસેવકોના પરિવારોનું તેમાં મહત્ત્વનું યોગદાન છે. સમાજમાંથી જો સંસ્કાર કાઢી નાખવામાં આવે તો તે સમાજ મૃત:પ્રાય બની જતો હોય છે. સંઘ સમાજ ઘડતરનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યો છે. સંઘની લાક્ષણિકતા એક કુટુંબ જેવી છે. જેમાં દરેકનો ધ્યેય કુટુંબના સુખ અને ઉત્કર્ષ માટેનો હોય છે. તેમ પ્રત્યેક સ્વયંસેવકનો ધ્યેય રાષ્ટ્રની ઉન્નતિ માટેનો છે. તેથી સંઘ એક પારિવારિક સંગઠન છે. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે બેંગલોરમાં એક સ્વામીજી દ્વારા એન્સાયક્લોપીડિયાના વિમોચન સમારંભમાં કહ્યું હતું કે, ‘હું અહીં આવ્યો તે પહેલાં મિરુત શહેરની મુલાકાતે ગયો હતો. ત્યાં એક પરિવારમાં ૬૫ લોકો સાથે રહેતા હતા. આનું રહસ્ય મેં પૂછ્યું ત્યારે પરિવારનાં વડાએ કહ્યું, અમે હિન્દુ જીવન પદ્ધતિ પ્રમાણે જીવીએ છીએ તેથી સ્નેહથી સાથે રહી શકીએ છીએ.’
કાર્યકર્તાના વ્યવહારથી જ સમાજ સંઘ વિશે અભિપ્રાય બાંધે છે અને અન્ય લોકો તેમાં જોડાય છે. દેશમાં આવેલી કટોકટી (ઇમરજન્સી) સમયે પરિવારની હૂંફથી સંઘે સરકાર સામે લડવામાં સફળતા મેળવી હતી. આજના સમયે સંઘ કાર્યની ખૂબ આવશ્યકતા છે ત્યારે સમગ્ર સમાજ તેમાં જોડાય એવી અપેક્ષા છે.
આ કાર્યક્રમમાં ભાગ સંઘચાલક શ્રી નંદુભાઈ પટેલ, નગર સંઘચાલક શ્રી અરવિંદભાઈ પટેલ, પ્રાંત કાર્યકારિણી સદસ્ય ડૉ. અમૃતભાઈ કડીવાળા, પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય સહિત અનેક લોકોએ પરિવાર સહિત આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સંઘના સેવા કાર્યો તેમજ સમરસતા અંગેની પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.