મળ્યો સંઘનો સાથ તો સુધરી ગણિતની વાત

    ૧૮-જાન્યુઆરી-૨૦૧૮
 
 
અંતરિયાળ ચીન સરહદ સ્થિત બરફ આચ્છાદિત તવાંગથી ૫૬ કિ.મી. દૂર ૮૦૦૦ ફૂટની દુર્ગમ ઊંચાઈ પર બોમદિલા નામની એક જગ્યા છે. મહારાષ્ટ્રથી અરુણાચલમાં સંઘ પ્રચારક બનીને આવેલા રાજેશજી જ્યારે અહીંના બસ સ્ટેશન પર ઊતર્યા તો તેમને અજીબ પ્રકારનું વાતાવરણ દેખાયું. આજુબાજુ ૭૦થી વધુ કિશોર-કિશોરીઓ ટોળે વળ્યાં હતાં. તમામના ચહેરા પર ચિંતા હતી, તો કેટલાંક રડી રહ્યાં હતાં. રાજેશજીને ખબર પડી કે તમામ બાળકો ગણિત વિષયમાં નાપાસ થયા છે, માટે ચિંતાતુર બની રડી રહ્યાં છે. માત્ર બોમદિલામાં જ ૩૦૦ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા હતા. બાળકોને હવે ભણવું નહોતું. ગણિત વિષયના ભયને કારણે આટલા બધા કિશોરોનું ભવિષ્ય બરબાદીના આરે હતું. આ વેદનાએ અરુણાચલ સેવા ભારતીને સેવાનો નવો માર્ગ બતાવ્યો.
બાળકોના મન-મસ્તિષ્કમાંથી ગણિતનો ભય દૂર કરવા ૭૦ દિવસોનો એક કેસ-કોર્સ બનાવવામાં આવ્યો. સેવા ભારતીના સમર્પિત યુવા સ્વયંસેવકો સુદૂર ગામડાંમાં ફરી ફરી બાળકોને શાળામાં ખેંચી લાવ્યા અને સરળ ઢંગથી ગણિત ભણાવવાનું શરૂ કર્યું. ૨૦૦૯માં શરૂ થયેલ અનોખા પ્રયોગના કારણે અહીંનાં બાળકોમાં ગણિત પ્રત્યેનો ન માત્ર ડર દૂર થયો છે, બલકે અત્યાર સુધી આ વિસ્તારના ૮૦૦૦ વિદ્યાર્થીઓ ૧૨મા ધોરણમાં સારા માર્ક્સે પાસ થયા છે. આમાંના અનેક તો હાલ ઉચ્ચ પદો પર પણ પહોંચી ગયા છે.
પૂર્વોત્તરની દુર્ગમ જીવન પરિસ્થિતિઓની કલ્પના પણ આપણા માટે મુશ્કેલ છે. બોમદિલા જેવાં કેટલાંય ગામો છે, જ્યાં ૧૨ મહિના હાડ થીજવતી ઠંડી અને સાત મહિના વરસાદને કારણે વૃક્ષો અને ખેતીના પાકો પણ થીજી જાય છે. નાની-નાની વસ્તુઓ ખરીદવા પણ દુર્ગમ પહાડીઓ ચડવી પડે છે. વાંસ દ્વારા બનાવેલાં ઘરોમાં એક માત્ર આગના સહારે જીવન જીવતા આ લોકોનાં બાળકો માટે સરકારે શાળા તો ખોલી, પરંતુ ત્યાં ક્યારેય શિક્ષક આવતા જ નથી. આ પ્રકારની કપરી પરિસ્થિતિમાં અરુણાચલ સેવા ભારતીએ આ બાળકોને ભણાવી તેમનામાં આત્મવિશ્ર્વાસ જગાવવાનું બીડું ઝડપ્યું.
બી.ટેક. કર્યા બાદ જ્યારે એક યુવક પ્રથમ વાર પૂનાથી નોકરીમાંથી ૪૦ દિવસની રજા લઈ બોમદિલા આ બાળકોને ગણિતનો ‘કેસ કોર્સ’ કરાવવા આવ્યો ત્યારે તે ખુદ નહોતો જાણતો કે, એક દિવસ આ કાર્ય તેના જીવનનું લક્ષ્ય બની જશે. ૨૦૦૯માં નોકરી છોડી સંઘનો આ સમર્પિત સ્વયંસેવક આજે અરુણાચલના અંતરિયાળ વિસ્તારોમાં બાળકોને સાદી ભાષામાં ગણિત ભણાવી રહ્યો છે. દર વર્ષે ૫થી ૮ જગ્યાએ શાળાઓ લગાવી ૭૦ દિવસમાં આખેઆખો અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવામાં આવે છે. સેવા ભારતીના આહ્વાન પર કેટલાક યુવાઓ ૬ મહિનાથી માંડી આખું વર્ષ અહીં ભણાવવા આવે છે. પૂર્ણમયી આર્કિટેકની પદવી મેળવ્યા બાદ હર્ષદા, બાયો મેડિકલ એન્જિનિયરીંગ પૂરી કરી રાધિકા અને એમએસસી બાદ સ્નેહા જેવી યુવતીઓએ અરુણાચલમાં ૬ મહિના સુધી આ બાળકોને ભણાવ્યાં. હવે તો અંગ્રેજી ગ્રામર અને એપીએસસીની પરીક્ષાની તાલીમ પણ કેટલાક સેવાભાવી યુવાઓ આપી રહ્યા છે. સરકારી શાળાઓમાં આચાર્યની પરવાનગીથી ચાલનારા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને સુસંસ્કૃત અને દેશભક્ત નાગરિક બનાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે. અઠવાડિયામાં એક વખત દેશભક્તિ ગાયન થાય છે અને મહાપુરુષોની વાર્તાઓ પણ સંભળાવવામાં આવે છે. સમય સમય પર કારકિર્દી માર્ગદર્શન શિબિર પણ યોજવામાં આવે છે, જેમાં જાણીતા અને સફળ માર્ગદર્શકોને માટે આમંત્રવામાં આવે છે.
સેવા ભારતી અરુણાચલ સાથે પૂનાની જ્ઞાનપ્રબોધિની સંસ્થા પણ આ કાર્યમાં સહયોગ આપી રહી છે. હર્ષદા અને સ્નેહા જેવી યુવતીઓ સિવાય અત્યાર સુધી ૪૫૦ સેવાભાવી ઉચ્ચ શિક્ષિત યુવા અરુણાચલ આવી વસ્તી-વસ્તીમાં વિજ્ઞાનના પ્રયોગ બતાવી દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં જ્ઞાન-વિજ્ઞાન અને ટેક્નોલોજીનો પ્રચાર - પ્રસાર કરી રહી છે.