ખો ન જાયે કહીં યે તારેં જમીં પર

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮


 

બબલુની નજર રેલવે પ્લેટફોર્મ પર બેંચ નજીકની એક કચરાપેટી પર ટકેલી હતી. અચાનક તેની ખાલીખમ આંખોમાં અજબ પ્રકારની ચમક આવી ગઈ. બાર વર્ષનો કિશોર ડસ્ટબીન પર તૂટી પડ્યો અને તેમાં પડેલી બિસલરીની ખાલી બોટલો લઈને ભાગ્યો. તેના ઘરેથી ભાગવાને એક મહિનો થઈ ગયો હતો. મુંબઈમાં ઘાટકોપરનું રેલવે સ્ટેશન હવે તેનું ઘર હતું. કફ સિરપ અને સ્પિરિટ ગંધની લતે ચડેલ બબલુ હવે ભૂખ ભાંગવા અહીંના કચરાના ઢગલામાંથી કંઈપણ એઠું ખાઈ લેતો. તેનાં માતા-પિતાની આંખનો તારો બબલુ કદાચ જિંદગીભર આમ ભટકતું જીવન જીવત, જો મુંબઈની સમતોલ ફાઉન્ડેશનની નજર તેના પર પડી હોત. બબલુ અને તેના જેવાં હજારો બાળકોનું જીવન પ્લેટફોર્મની અંધારી ગલીઓમાં ગુમ થઈ જાય તે માટે સમતોલ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ આવાં બાળકોનું કાઉન્સેલિંગ કરી તેમનો પોતીકાઓ સાથે મેળાપ કરી આપે છે. રા. સ્વ. સંઘના સહયોગથી ચાલી રહેલ સંસ્થા દ્વારા અત્યાર સુધી ૮૦૦૦ બાળકોને નિજપરિવાર સુધી પહોંચાડાયા છે.

વિજય રામચંદ્ર જાધવ અને તેમના કેટલાક સમવિચારી સહયોગીઓ દ્વારા ૨૦૦૬માં ઘાટકોપરમાં સમતોલની શરૂઆત કરી હતી. શરૂઆતમાં જગ્યાથી માંડી નાણાં સુધીની અનેક સમસ્યાઓ હતી. એક દિવસ થાણેના સ્વયંસેવક માધવ જોષી સાથે મુલાકાત થઈ. મુલાકાત તેમને ત્યાંના તત્કાલીન પ્રાંત પ્રચારક શ્રી જયંત સહસ્ર બુદ્ધે પાસે દોરી ગઈ. બસ ત્યારથી સંઘ અને સમતોલ સંસ્થા અતૂટ બંધનમાં બંધાઈ ગયાં. સંઘના અનુષાંગિક સંગઠન હિન્દુ સેવા સંઘે થાણે જિલ્લામાં મામનોલી નામના ગામે મન પરિવર્તન શિબિર માટે એકર જમીન દાનમાં આપી અને વિભાગ સહકાર્યવાહ મહેશ દેશપાંડેએ સમતોલના કાર્યાલય માટે પશ્ર્ચિમી દાદરમાં જગ્યા આપી અને સહયોગ માટે કેટલાક ટ્રસ્ટીઓ મળ્યા. સંઘનો પ્રાથમિક શિક્ષાવર્ગ કરી ચૂકેલ વિજયજીએ બાળકોની ઘરવાપસીની સાથે સાથે પરિવર્તન શિબિરમાં સંસ્કારમય શિક્ષણ અને યોગ સાથે દેશભક્તિની રૂપરેખા બનાવી.

વિજય જાધવજી કહે છે કે, સમતા + મમતા + લક્ષ્યના સંગમથી બનેલા સમતોલના ૪૫ દિવસીય મન પરિવર્તન કેમ્પ બાદ જ્યારે બાળકોને તેમનાં માતા-પિતા સાથે મેળાપ કરાવવામાં આવે છે તે દૃશ્ય ખૂબ ભાવુક હોય છે. આજે પણ તેમને જુબેદા ખાતૂન જ્યારે પોતાના ખોવાયેલ દીકરા સદ્દામને મળી હતી તે દૃશ્ય બરાબર યાદ છે.

સંસ્થાના સક્રિય કાર્યકર્તા સુપ્રિયાજીનું માનીએ તો આવાં બાળકોને પહેલાં સંસ્થામાં લાવવા અને બાદમાં ૪૫ દિવસના શિબિરમાં આવવા માટે તૈયાર કરવા એટલું આસાન નથી હોતું. આમાંના મોટાભાગના કિશોરો નશા સહિતની અનેક કુટેવોના આદિ બની ગયા હોય છે. તેઓ જૂઠું બોલી સંસ્થાના કાર્યકર્તાને મૂર્ખ પણ બનાવે છે. તમામ મુસીબતો વેઠીને અમારે કિશોરોનો વિશ્ર્વાસ જીતવાનો હોય છે. કિશોરોને મનપરિવર્તન શિબિરમાં આવવા તૈયાર કરવામાં કાર્યકર્તાઓની આંખે પાણી આવી જાય છે. અમે કેમ્પમાં કિશોરોના કાઉન્સેલિંગ દરમ્યાન રમતો, યોગ સાથે સાથે નૈતિક કથાઓ પણ સંભળાવીએ છીએ. ૪૫ દિવસની નિયમિત સંસ્કારમય જીવનશૈલી બાળકોના મન પર ગજબની અસર કરે છે. સમયગાળા દરમિયાન તેઓ પ્લેટફોર્મની અંધારી દુનિયામાંથી નીકળી સભ્ય સમાજની ઉજ્જ્વળ દુનિયામાં જવા માટેનો આત્મવિશ્ર્વાસ આવી જાય છે. વિજયકુમાર જણાવે છે કે તેઓને એવા ૭૦ કિશોરો પણ મળ્યા, જેમના અનેક પ્રયત્નો છતાં પણ ઘર-પરિવાર શોધી શક્યા નહીં તેવા બાળકોને તેમની ભાષાનાં રાજ્યોમાં સંઘ થકી ચલાવાઈ રહેલ વિવિધ પ્રકલ્પોમાં શિક્ષણ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. દર મહિને લગભગ ૧૦૦થી ૧૫૦ બાળકો ઘરેથી ભાગી મુંબઈ આવે છે. સમતોલની ટીમને તેઓ પ્લેટફોર્મ પર ભટકતા મળી આવે છે, જ્યાંથી શરૂ થાય છે તેમને યોગ્ય માર્ગે વાળવાનું મિશન...