આજે ભારતીય વેલેનટાઈન દિવસ છે! ઉજવશો કે નહિ?

    ૨૨-જાન્યુઆરી-૨૦૧૮

 
 
આજે ૨૨ જાન્યુઆરી , મહા સુદ પાંચમ, વસંત પંચમી... આમણે તેને માત્ર લગ્નીઋતુ માનીએ છીએ પણ તે તો જીવન જીવવાની ઋતુ છે...આવો થોડું જાણીએ...
 
“बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।
मासानां मार्गशीर्षोङहमृतूनां कुसुमाकर: ।।“
 
અર્થ- સામવેદની શ્રુતિઓમાં બૃહત્સામ સ્તોત્ર હું છું. સૌ છંદોમાં ગાયત્રી હું છું. મહિનનાઓમાં માગશીર્ષ હું છું તથા ઋતુઓમાં વસંત હું છું.
 
ભાગવત ગીતાના બાવીસમાં આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહયું છે કે, વેદોમાં સામવેદ હું છું. સામવેદ દેવોએ ગાયેલાં સુંદર સ્તોત્રો છે. સંસ્કૃત કવિતા છંદોબધ્ધ છે અને તેમાંય યોગ્યતાવાળા બ્રાહ્મણો દ્વારા ગવાતો ગાયત્રી મંત્ર સૌ મંત્રમાં શ્રેષ્ઠ છે. ભારતમાં માગશર માસ બધા મહિનઓમાં ઉત્તમ છે. માગશર માસમાં પાકેલાં ધાન્યથી કોઠીઓ ભરાઈ જાય છે અને લોકો ખુશખુશાલ હોય છે. છ ઋતુઓમાં વસંત શ્રેષ્ઠ છે. વસંતઋતુ સર્વભોગ્ય છે કારણ કે તે સમશીતોષ્ણ છે અને તેમાં વૃક્ષોતથા વેલીઓ ફૂલોથી લચી પડે છે. વળી કૃષ્ણની લીલાઓની સ્મૃતિમાં વસંતોત્સવ પણ ઊજવાય છે. તેથી ઋતુરાજ વસંત બધી ઋતુઓમાં સૌથી વધુ આનંદપ્રદ છે. આમ, માગશર માસ અને વસંત ઋતુ ભગવાન શ્રી કૃષ્ણનાં પ્રતિનિધિ છે.
 
જીવનમાં દરેક પળે સુખ અને દુ:ખનો અહેસાસ સાથે જ રહેતો હોય છે. સુખ પછી દુ:ખ અને દુ:ખ પછી સુખ એ સંસારચક્રમાં સદાય ચાલ્યા જ કરે છે. આપણી પ્રકૃતિ પણ સદા આવી જ જીવંત અને નવીન આશાનો અહેસાસ આપણને કરાવે છે. પ્રકૃતિના ચક્રો હંમેશા ગતિમાન રહે છે. પાનખર પછી વસંતનું આવવું એ દુ:ખ પછી સુખના આવવાનું સૂચન છે. આપણું સમાજજીવન સુખ દુ:ખના મુખ્ય પાયા પર નિર્ભર છે. આપણા સમાજમાં માણસ માત્રમાં એવી જીજીવિષા જીવંત છે કે એ પ્રતિપળ આશાવાદી રહે છે. જો કે માનવીનું આશાવાદી હોવું ખૂબ જ સારી વાત છે. જો આપણે પ્રકૃતિની નજીક રહીએ તો ઘણુબધુ જાણવા મળે છે, શીખવા મળે છે. જો કે આજકાલ માનવ એટલો વ્યસ્ત છે કે એને પ્રકૃતિની નજીક રહીને આસ્વાદ કરવાનો સમય જ નથી પરંતુ કવિઓ અને લેખકો તો પ્રકૃતિના સુંદર વર્ણન દ્વારા પ્રકૃતિના સ્વાદનું રસપાન તો કરે જ છે અને વાચકો ને પણ તેનો રસાસ્વાદ કરાવે છે.
 
મહાન કવિ અને નાટયકાર શેકસપિયરે પ્રકૃતિ માટે સુંદર વર્ણન કરતા કહયું છે કે, “ સૌંદર્ય ઉંમરને ઘટાડી દે છે. પ્રકૃતિની પડખે રહેનાર વ્યકિતને કયારેય કંટાળાનો કાટમાળ સ્પર્શી નથી શકતો.”
 
વસંતપંચમીનું આગમન થવાની તૈયારી છે ત્યારે આપણે તેનું સ્વાગત તો કરવું જ રહયું. પાનખર ઋતુની વિદાય અને વસંતનું આગમન એ દરેક સમાજજીવનમાં અનેરો આનંદ અને ઉન્માદ પ્રગટાવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ હોય કે પ્રશ્વિમી સંસ્કૃતિ હોય દરેક લોકો વસંત ઋતુ ને અલગ અલગ રીતે ઊજવે છે. અત્યારે આપણે પ્રશ્વિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને વેલેનટાઈન દિવસની ઊજવણી કરીએ છીએ પરંતુ આપણે આપના ઉત્સવોને ઊજવવામાં એટલી ઉત્સુકતા નથી બતાવતા. વસંતપંચમી એ આપણો ભારતીય વેલેનટાઈન દિવસ છે. જે આપણી ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી ઊજવવામાં આવે છે. વસંતપંચમીને આપણે માત્ર લગ્નની ઋતુ તરીકે જ ઓળખીએ છીએ બાકી એનું શું મહત્વ છે તે લોકો જાણતા જ નથી. વસંતનું નામ ઉચ્ચારણ કરતા જ આપણા મનમાં એક અલગ જ પ્રકારનો અહેસાસ થાય છે. વસંત ઋતુનું મહિમા ગાન તો અનેક કવિઓ અને લેખકોએ તેમની કવિતાઓ અને લેખો દ્વારા ગાયું છે. એમાંય આપણી સંસ્કૃત સાહિત્યની ઉત્તમોત્તમ કૃતિ “અભિજ્ઞાન શાકુંતલ” માં કવિ કાલિદાસે વસંતના વર્ણન દ્વારા આખીયે પ્રકૃતિને વસંતમય તાદશ્ય કરી દીધી છે.
 
વસંતનું આગમન એટલે ધરતીનું નવપલ્લવ થવું, ધરતીનું જાણે સોળ શણગાર સજી ખીલી ઉઠવું, નવા ખીલેલા રંગબેરંગી ફૂલોથી અને નવી કૂંપળોથી વૃક્ષો અને છોડવાનું મહેકી ઉઠવું, પક્ષીઓનો મીઠો કલરવ, નવા ખીલેલા ફૂલો ઉપર ભમરાઓનું ગુંજન, આમ્રકુંજમાં કોયલનો મીઠો કલરવ, વાડી અને ખેતરોનું નવપલ્લવ થવું, ખળખળ વહેતી નદીના કિનારે ઢળતી સાંજના સમયે સૂરજ અને ચંદ્રનું થતું મિલન, શિયાળાની ઠંડીની વિદાય અને ગ્રીષ્મના હળવા તાપના આગમન સાથે ઋતુના સમતોલપણા સાથે મંદ મંદ વાતો પવન જેના સ્પર્શથી શરીરને થતો આહલાદક અનુભવ આપણા મનને પ્રફુલ્લિત કરી દે છે. કવિઓ અને પ્રકૃતિપ્રેમીઓ આ ઋતુનો અદભુત આનંદમેળવે છે. વસંતઋતુમાં માનવજીવન, પક્ષીઓ અને આખીયે પ્રકૃતિના લોકો હીલોળા લે છે.
 

 
 
વસંતઋતુ એ પ્રેમની અભિવ્યક્તિ કરવાની ઋતુ છે. આપણી ગુજરાતી ભાષામાં મધ્યકાલીન યુગમાં લખાયેલી અજ્ઞાત કવિની કૃતિ વસંત વિલાસ – ફાગુ કાવ્ય જેમાં કવિએ વસંતઋતુનું સુંદર વર્ણન કર્યુ છે. આ કૃતિમાં કવિએ વસંતઋતુને પ્રેમની ઋતુ તરીકે વર્ણવી છે. પાનખર આપણને ભલે વૃધ્ધત્વનો અનુભવ કરાવે પણ તેની સાથે જોડાયેલો યૌવનથી ભરપૂર યુવાવસ્થાનો અહેસાસ કરાવતી વસંત છે. પાનનું ખરવું એ નવી કૂંપળોને અંકુરિત થવા માટેનો પ્રવેશદ્વાર છે. પાનખર એ વસંતના આગમનનો પ્રવેશદ્વાર છે. પાનખર અને વસંત પરસ્પર સંકળાયેલા છે. આ માનવજીવનને બહુ મોટી શીખ આપે છે. આપણા સમાજજીવનમાં ઘણીવાર આપણે જોઇએ છીએ કે, અમુક લોકો પોતાની જગ્યા કે સત્તા છોડવા માટે કયારેય તૈયાર હોતા જ નથી પણ પાનખરની વિદાય આવા જડ લોકોને સુંદર શીખ આપે છે કે આપણે જયાં સુધી આપણી જગા છોડીશું નહી અને નવા લોકોને આવકારીશું નહી તો આ સમાજજીવનમાં જડતા આવી જશે. સમાજજીવનમાં પણ નવીનતા અને સંશોધનની પ્રતિપળ જરૂરીયાત છે. વસંતનું આગમન એ શીખવે છે કે, આપણે આપણી પુરાની માન્યતાઓ અને જગ્યાઓને સમય આવ્યે છોડવી જ રહી. જેથી નવા આગંતુકોને તક મળે અને એમના નવીન વિચારોનો સમાજજીવનને લાભ થાય. આ નવી રીતિથી સમાજજીવનમાં નવીન વિચારોથી પ્રાણ પુરાય, નવપલ્લવિત બને. આમ, ઋતુઓ આપણને ઘણું શીખવે છે.
 
વસંત એ સૃષ્ટિના કણેકણમાં નવજીવન પ્રસરાવે છે. વસંત એ જીવનમાં એક નવી આશાનો સંચાર કરે છે. જયારે પાનખરમાં વૃક્ષો પરનાં પર્ણો પીળા બની ખરી પડે છે તે આપણને વૃધ્ધત્વનો અનુભવ કરાવે છે પરંતુ તે સાથે થતું વસંતનું આગમન એ વૃધ્ધત્વને થનગનતા યૌવનમાં ફેરવી દે છે. વસંત એ ઋતુઓનો રાજા છે. આપણા સમાજજીવનની દરેક વસ્તુ અને વ્યક્તિના જીવનમાં એક નવી આશા સાથે વસંતનું આગમન થાય છે. આપણા કવિશ્રી દલપતરામ એ વસંત ઋતુ માટે સરસ ગાયું છે કે,
 
“રૂડો જુઓ આ ઋતુરાજ વસંત આવ્યો, મુકામ એને વનમાં જમાવ્યો.”
વસંતમાં પ્રકૃતિ આપણને આવકારે છે. તો આપણે પણ પ્રકૃતિના આ નવીન રૂપને આવકારવું જ પડે. પ્રકૃતિના આ ઉત્સવમાં ભાગીદાર બનવું જ પડે. વસંત ઋતુનું મહિમા ગાન કરતી એક નાની રચનાથી આપણે તેને અભિવાદિત કરવી જ રહી.
વસંત
વસંતના આ વાય રે,
અહો કુદરત તણા આ ડાય રે.
જુઓ કહયું કોઇ શાય રે,
તરૂ તણી આ શાખાએ ખીલી,
મોગરા ચંપાની આ કલી.
મન માનવ તણાં આજે ગાજે,
સૂકા પાનથી જાણે વાજિંત્રો વાજે.
કેવું રૂપાળું પરિવર્તન આ,
રહ્યું ના જૂનું વર્તન આ.
પશુ પક્ષીને વળી જીવો ઘણાં,
ખાઈ રહ્યાં સૌ વસંતના ચણા.
કોયલ કેરાં આમ્રમાં કુંજન,
અમી તણાં સુણો આ ગુંજન.
હવે ગાઈશું ફરી કયારેક ખેલતા,
અટકી છે આપણી આ ‘એકતા’.
“વસંત એટલે વૃક્ષો પર આરુઢ બનીને, નવપલ્લવિત પર્ણોરૂપી ડોલીથી સુસજ્જિત બની, નવા ખીલેલા રંગબેરંગી ફૂલો અને નવી કૂંપળોથી લદાલદ લાલ-લીલા-પીળા શણગાર સજી, નવપલ્લવિત ફૂલોની સુગંધને કુદરતના કણેકણમાં પ્રસરાવતી, આમ્રકુંજમાં કોયલના કલરવ, પક્ષીઓના મીઠા અવાજ અને નવા ખીલેલા ફૂલો ઉપર ભમરાઓના ગુંજનને સાથે લઈ ઠુમક ઠુમક ચાલતી, સોળે શણગાર સજીને નવવધૂ બનતી આ સૃષ્ટિ.”
 
- એકતા પટેલ
તેઓ ફ્રીલાન્સ રાઈટર છે