૩૦ લાખ જેટલા પરપ્રાંતીયઓ ગુજરાતમાં વસે છે એમનો સ્વીકાર એ જ ગુજરાતની અસ્મિતા

    ૧૯-ઓક્ટોબર-૨૦૧૮   

 

 
પરપ્રાંતીયો આપણે સૌ મા ભારતીના સંતાન છીએ,તે ઓળખને પુન: જગાડીએ

સાબરકાંઠાના હિંમતનગર પાસેના ઢુંઢેર ગામમાં ૧૪ માસની બાળા પર પરપ્રાંતીય યુવક દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મના પગલે રાજ્યમાં શાંતિ-વ્યવસ્થા ડહોળાઈ ગઈ છે. ગુજરાતના ઉદ્યોગોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે ને પરપ્રાંતીયો માદરે વતનની વાટ પકડી રહ્યા છે. દુષ્કર્મની ઘટના દુ:ખદ છે અને આરોપીને સજા થવી જોઈએ. પણ ક્યાંક પરપ્રાંતીયોને નિશાન બનાવાયા એ પણ દુ:ખદ. પરપ્રાંતીયો અને ગુજરાતનો ખૂબ જૂનો ગાઢ નાતો છે. તેમની અહીં ઉપસ્થિતિ ગુજરાતના આર્થિક, સામાજિક જીવન પર અસર કરે છે.

ગુજરાતમાં કુલ કેટલા પરપ્રાંતીયો છે ?

ગુજરાત વિકસિત રાજ્ય છે, આજે ગુજરાતની વસ્તી સાત કરોડની આસપાસ છે. એક અંદાજ મુજબ ૩૦ લાખ જેટલા પરપ્રાંતીય વ્યક્તિઓ ગુજરાતમાં વસે છે. જેમા ૭૦% લોકો મજૂરવર્ગ છે જે દરરોજનું કમાઈને દરરોજ ખાવાવાળા છે.
જે રીતે અન્ય રાજ્યોમાં અને વિદેશોમાં આપણા ગુજરાતીઓ દૂધમાં સાકર જેમ ભળીને રહે છે તેમ આપણે સૌ પરપ્રાંતીયો સાથે હળી-મળી-ભળીને રહીએ એ જ આવકાર્ય.

ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર છે આ

ગુજરાતમાં પરપ્રાંતીયોના મુદ્દે જે કંઈ પણ થયું તેમાં એક મોટા ષડયંત્રની દુર્ગંધ આવે છે. ગુજરાતની જનતા સહિષ્ણુ, ભોળી અને નાદાન છે. એને કોઈ નેતૃત્વ જેમ વાળે તેમ વળી જાય છે. કેટલાંક વિખવાદી અને વિભાજનકારી તત્ત્વોએ પરપ્રાંતીયોના મુદ્દે ગુજરાતની જનતાને ભોળવી છે. પોતાનું રાજકીય કદ વધારવા માટે કેટલાક લોકો, પાર્ટીઓ સમાજને હાથો બનાવી રહ્યા હોય તેવું લાગે છે. પ્રાંતવાદના નામે ગુજરાતના નિર્દોષ નાગરિકોને ખતરનાક આંતરવિગ્રહ તરફ લઈ જવાઈ રહ્યા છે. શ્રમજીવી લોકો કે જે છૂટક મજૂરી કરીને માંડ પેટિયું રળી રહ્યા છે તેવા અનેક પરપ્રાંતીયોને નિશાન બનાવવા પાછળ કેટલાંક તત્ત્વો કામ કરી રહૃાાં હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે વર્ષ ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે. તેને કારણે ગુજરાત અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વધુ ને વધુ બદનામ થાય તેવી કોઈ તક આ લોકો જવા દેવા માંગતા નથી. ગુજરાત એમના માટે પ્રયોગભૂમિ છે. આવા હુમલાઓ અનેક જગાએ થયા છે પણ ક્યાંય આ લોકોએ આંદોલનો કર્યાં નથી. પણ ગુજરાતમાં તેમને ફાવતું જડી ગયું છે. ગુજરાતની ગૌરવપૂર્ણ સમરસતાને ખતમ કરી દેવાનો કારસો રાજ્યની શાંતિ ડહોળી રહ્યો છે. રાજ્ય શાંતિ ઇચ્છી રહ્યું છે, લોકો ધંધા-રોજગારી ઇચ્છી રહ્યા છે, નહીં કે કત્લેઆમ થાય અને લોકોનાં લોહી રેડાય.
કેટલાંક સ્થાપિત રાજકીય હિતો પોતાના સ્વાર્થ ખાતર પ્રાંતવાદનો હુતાશન પેટાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એને લીધે નિર્દોષ લોકોએ સહન કરવાનું આવે છે. આપણે શાણા ગુજરાતીઓ, એકતાના આગ્રહી ભારતીયો એવી અણસમજ તો ના જ દેખાડીએ.

મીડિયાની બદ્દાનત !

પરપ્રાંતીયોના મુદ્દે કેટલાક મીડિયાકર્મીઓને ગુજરાતને બદનામ કરનારાઓને સાથ આપવાનું જઘન્ય કૃત્ય કર્યુ છે. ગુજરાતની છબી ખરડાય તેવી આગ લાગી તેમાં આ મીડિયા - કર્મીઓએ ખોટા સમાચારોનું ઘી રેડીને આગ વધારે પ્રજ્વલિત બનાવી છે. પરપ્રાંતીયો પરના નકારાત્મક પ્રતિભાવો છાપ્યા, આ ઘટનાને ખોટી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સાંકળી, ટ્રેનો ભરી ભરીને પરપ્રાંતીયો હિજરત કરી રહ્યા છે તેવા રિપોર્ટસ આપ્યા. પણ હકીકત જરા જુદી જ છે. અહીં સારા લોકો પણ છે. કેટલાય પરપ્રાંતીયોએ ગુજરાતનાં વખાણ કર્યાં છે. તેમણે કહ્યું છે કે તેમને ગુજરાતમાં કોઈ તકલીફ નથી. અહીંના લોકોએ તેમને ભાઈ જેમ સાચવ્યા છે. એવા પ્રતિભાવો અમદાવાદ મિરર જેવાં કેટલાંક જૂજ અખબારોએ છાપ્યા છે અને ‘સાધના’એ પણ તેવા પ્રતિભાવો પ્રાપ્ત કર્યા છે. (એ પ્રતિભાવો તમને આ જ અંકમાં અન્ય પાના પર જોઈ શકાશે.)

આપણે વૈષ્ણવજન છીએ..

ગુજરાતની શાંતિપ્રિય પ્રાંત તરીકેની છાપ ન બગડે તે ગુજરાતની શાણી જનતાના હાથમાં છે. મહેમાનને અતિથિ દેવો ભવ કહીને આવકારવાની સદીઓથી ગુજરાતમાં ઉજ્જ્વળ પરંપરા રહી છે. એક સર્વસમાવેશક અને સહિષ્ણુ પ્રજા તરીકે ગુજરાતીઓની આખી દુનિયામાં શાખ છે. એ ઊજળી શાખ આજે જોખમમાં મુકાઈ છે ત્યારે ગુજરાતની તમામ પાર્ટીના નેતાઓએ પક્ષીય મતભેદો ભુલાવીને રાજ્યની પ્રતિષ્ઠા બચાવવા મેદાને પડવું જોઈએ. આ એકલા શાસક પક્ષ ભાજપ માટે નહીં, કોંગ્રેસ સહિતના તમામ વિરોધ પક્ષો માટે પણ કસોટીની વેળા છે. માત્ર પક્ષે માટે જ નહીં ગુજરાતના એક એક નાગરિક માટે આ કસોટીકાળ છે. આપણે સૌ નરસિંહ મહેતાએ પોતાના ભજનમાં વર્ણવ્યા પ્રમાણેના ‘વૈષ્ણવજન’ છીએ, જે ‘પીડ પરાઈ જાણે’ છે. બાપુને પણ નરસૈંયાનું એ ભજન બહુ વહાલું હતું. વૈષ્ણવજનને છાજે એવી ગુજરાતની આ ભૂમિ પર તો એવા આવકારની સુવાસ છે કે અહીં ભગવાનને પણ ભૂલો પડવાનું મન થાય છે.

રા.સ્વ. સંઘ દ્વારા રાષ્ટ્ર જોડો અભિયાન

રા. સ્વ. સંઘ દ્વારા સમાજમાં સદ્ભાવના અને ભાઈચારો જળવાઈ રહે તે માટે રાષ્ટ્ર જોડો અભિયાન શ‚ થયું છે. જે અંતર્ગત એક પત્રિકા દ્વારા સમાજને એક થવા આહ્વાન કરાયું હતું. એ પત્રિકાના શબ્દો આત્મસાત્ કરીએ અને એકતા સ્થાપીએ.
આપણે પ્રાથમિક શિક્ષણ દરમ્યાન પાઠ્યપુસ્તકમાં દર્શાવેલ એક પ્રતિજ્ઞા કરીએ છીએ - ‘ભારત મારો દેશ છે. સૌ ભારતીય મારાં ભાઈ-બહેન છે.’ પરંતુ ‘બળાત્કાર’ના ખરાબ બનાવ સમયે કુટુંબ કે યુવકો ઉગ્ર રોષ વ્યક્ત કરી કાયદો હાથમાં લેવા પ્રયાસ કરે અને જો તેમાં રાજકીય પાસું જોડાય તો અણછાજતા બનાવો બને. રાજ્યની - લોકોની પ્રતિભા ખરડાય.
જ્ઞાતિ-જ્ઞાતિ અને પ્રાંત-પ્રાંત વચ્ચે કૃત્રિમ રીતે ઊભા કરાયેલા વૈમનસ્યને નેસ્તનાબૂદ કરીને આપણે સૌ ભારતવાસી એક મા ભારતીનાં જ સંતાન હોવાની ઓળખને પુન: જન-જનના હૈયે જગાડીએ.
પ્રત્યેક પ્રાંત મા ભારતીનું અભિન્ન અંગ છે અને પ્રત્યેક વ્યક્તિ મા ભારતીનું લાડકવાયું સંતાન છે. પ્રત્યેક જ્ઞાતિના-પ્રાંતના તમામ વ્યક્તિ સમાનપણે આપણા ભાઈ-બહેન છે. તેથી જ્ઞાતિ કે પ્રાંતના નામે ભાગલા પાડવા માટે મેદાને પડેલી ‘આસુરી શક્તિઓ’ બાબતે સમાજને જાગૃત કરીએ.
મા ભારતીને સ્વતંત્ર કરવા માટે બલિદાન આપનાર પ્રત્યેક જ્ઞાતિના અને પ્રાંતના તમામ ક્રાંતિવીરો તથા રાષ્ટ્રભક્તોને યાદ કરીને, પ્રત્યેક જ્ઞાતિ અને પ્રાંત વચ્ચે સદ્ભાવ જાગે તે માટે પુન: અલખ જગાડીએ.