આ સર્વસમાવેશક ગુજરાત છે, પરપ્રાંતિઓ માટે ગુજરાત તેમનું બીજું ઘર છે

    ૧૯-ઓક્ટોબર-૨૦૧૮   
 
 

 
ગુજરાત એટલે સર્વસમાવેશક મીની ભારત

વા વાયો ને નળીયુ ખસ્યું... પ્રચલિત કહેવત પ્રમાણે એક બિહારીના, ઉત્તર ગુજરાતની એક કુમળી ૧૪ માસની બાળકી પરના દુષ્કર્મને પ્રત્યાઘાત રૂપે ભભુકેલ પ્રચંડ રોષમાં, ઉત્તર ભારતીઓએ વતનની વાટ પકડી. હિંમતનગરના ઢુંઢર ગામમાં આચરાયેલ આ દુષ્કર્મની આસપાના વિસ્તારમાં પ્રતિક્રિયા જેટલી સ્વાભાવિક તેટલી જ સોશિયલ મીડિયા અને વાયુવેગે પ્રસરેલ અફવાઓ. ઠાકોર કોમના યુવાનોના રોષનો ભોગ બનેલા શ્રમજીવીઓ કરતાં ડરથી હિજરત કરી ગયેલ લોકોની સંખ્યા અનેક ગણી વધારે. લાગ જોઈને રાજકીય રોટલો શેકવા ધાકધમકી આપવાવાળાનો પણ ગ્રામ્ય કે અર્ધ શહેરી વિસ્તારમાં ક્યાં ખોટ હોય છે ? વિરોધ પક્ષ કોંગ્રેસની બચકાના હરકતો આવા સંજોગોમાં ઓછી હોય ખરી ? શાસન-પ્રશાસનનાં કાયદો-વ્યવસ્થા જાળવવાના અભિગમ અને વર્ગવિગ્રહ કોઈપણ ભોગે રોકવાના અણથક પ્રયાસોથી પરિસ્થિતિ ૪-૫ દિવસમાં થાળે પડવા છતાં, અન્ય કોઈ મારપીટ, લડાઈ-ઝઘડા કે હિંસક વાતાવરણ ન બનવા છતાં સમગ્ર મીડિયા અને રાતોરાત ફૂટી ગયેલ યુપી-બિહાર એકતા મંચ દ્વારા ગુજરાતની પ્રજાની સહિષ્ણુતાને, અસ્મિતાને લાંછન લગાડવાના પ્રગાઢ પ્રયત્નો થયા. ગુજરાતમાં સોશીયલ મીડિયા પર થયેલા ઉહાપોહના પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, કચ્છ, મોરબી, ભાવનગર જેવા વિસ્તારોમાં પરપ્રાંતિઓની વસાહત હોવા છતાં કોડીનાર સિવાય ક્યાંય પરપ્રાંતિઓ પર હુમલા થતા નથી.

પરપ્રાંતિઓ માટે ગુજરાત તેમનું બીજું ઘર છે 

વિશ્ર્વમાં ગુજરાતીઓની સંસ્કાર, સંસ્કૃતિ, વિચક્ષણતા, વ્યાપારી અભિગમ, સર્વસમાવેશક ચરિત્ર, શાંતિપ્રિયતા, અહિંસક વલણ, મધ્યમમાર્ગે ચાલવાની વૃત્તિ વગેરે ગુણો પ્રખ્યાત છે. ઈરાનથી આવેલા પારસીઓ, કેરલથી આવેલ મત્સ્ય ઉદ્યોગના કામદારો-મહિલાઓ, બંગાળથી ત્રાસીને આવેલા ઉદ્યોગો સુરતમાં, મહારાષ્ટ્રમાં ય રાજકીય પક્ષની જોહુકમી-કનડગતથી હિજરત કરી ગયેલ વાપી-ઉંમરગામ-દમણના ઉદ્યોગો, નેપાળથી આવેલ હોટલ ઉદ્યોગના કારીગરો, કેન્દ્ર સરકારના જાહેર સાહસોમાં કામ કરતા અધિકારીઓ જે નિવૃત્તિ પછી ગુજરાતમાં જ રહેવાનું પસંદ કરે છે. બંગાળ-ઓરિસ્સામાંથી આવતા બાંધકામ ઉદ્યોગોના કારીગરો, રાજસ્થાનના વેપારીઓ, શ્રમજીવીઓ, કારખાનેદારો, યુ.પી. બિહારમાંથી આવેલ સરકારી કર્મચારીઓ કે બાંધકામના શ્રમજીવી અહીં આનંદથી રહી, આજીવિકા મેળવે છે. ગુજરાત તેમનું બીજું ઘર છે. ગુજરાતની સ્થાપનાથી આજદિન સુધી તેમની વસ્તીમાં અહીં સતત વધારો, વ્યાપાર-ઉદ્યોગ-નોકરીની સંખ્યામાં વધારો અને માલ-મિલકતમાં એ વધારો થયો છે. વાઈબ્રન્ટ ગુજરાત થકી આવનારા ઉદ્યોગો હોંશે-હોંશે અહીં સ્થાયી થાય છે અને ગુજરાતને ‘મીની ભારત’ જ સાચા અર્થમાં ગણી પ્રગતિની હરણફાળ ભરે છે. IAS-IPS અધિકારીઓય ૭૦%થી ઓછા નહીં જ હોય જેમાંના કેટલાંક દિલ્હીમાં નિયુક્ત થઈ ત્યાં જવાય રાજી નથી હોતા, અહીંની શાંતિમાં ખોવાઈ જવાના જોખમે જ. બધા રાજ્યો / જાતિના સામાજિક-ધાર્મિક-સંગઠનોય ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં છે.

સમાજશાસ્ત્રીઓનું આ બાબતોએ યોગદાન  

સમૃદ્ધ ગુજરાતમાં બહારથી આવેલ શ્રમજીવી વર્ગની સંખ્યાય ઘણી વધારે છે. આવકની વિષમતા ચાલ / ઝુપડપટ્ટીમાં રહેવાનું. કુટુંબ-જ્ઞાતિના પ્રભાવનો અભાવ, યુવાનીનું જોર, આનંદ-પ્રમોદના અગણિત સાધનો, જાણિતા-અજાણ્યા લોકોની સોબત તેમાંનો કેટલાંકને અસામાજિક પ્રવૃત્તિ, ચોરી, લૂંટફાટ વગેરેમાં પ્રેરે છે. પ્રશાસનીક સાવચેતી છતાં, આ સામાજિક વિષમતાને સંભાળવા તેમના સંગઠનોએ વધુ પ્રવૃત્ત થવું રહ્યું. એ જ પ્રાંતના અન્ય શ્રેષ્ઠીઓ સંગઠનોયે પોતાની સામાજિક જવાબદારી અદા કરવા વધુ પ્રવૃત્ત થવું. સમાજશાસ્ત્રીઓનું આ બાબતોએ યોગદાન ઉત્તમ રહે જેમના અભ્યાસ, સૂચનો દ્વારા એક સુગઠિત, સંસ્કારી સમાજ, અન્ય સમાજમાં ભળી જતાં, વર્ગહીન સમાજનો આવિર્ભાવ થાય.

શાંતિપ્રિય, સંસ્કારી ગુજરાત 

ગુજરાતમાં વાતાવરણ ડહોળવાના પ્રયત્નો ઓછા નથી થયા. ભાજપા-એનડીએની સરકાર યુપી-બિહારના મુખ્યમંત્રીઓને જ્યાં સરકાર સાથે વાટાઘાટો-પૃચ્છા કરી પરિસ્થિતિ શાંત પાડવા વિનંતી કરી ત્યાં તેમના મંત્રી કે વિધાયકના કુટુંબીજનોએ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ન્યાયપાલિકા, પોલીસ વગેરે પર દોષારોપણ આદર્યુ. યુપી-બિહાર એકતા મંચે તો વિઘટનની જ વાત કરી પ્રધાનમંત્રી ગુજરાત પાછા જાવના પોસ્ટર લગાડી વારાણસીની પંડિતાઈ દૂષિત કરી. દિશાવિહિન રાષ્ટ્રીય માધ્યમોએ તો વરસાદ વગરના વાદળો જ ગગડાવી કડાકા કર્યા. પૂરા ચાર દિવસ. અણસમજના ઉદ્દગારો માટે પ્રખ્યાત રાહુલ ગાંધીએ તો વળી નોટબંધી ત્રસ્ત, બેરોજગાર યુવાનોનું આ દુષ્કૃત્ય છે કદી ગંભીર વાતાવરણમાં હસી ન શકાય તેવી રમૂજ પૂરી પાડી. મર્યાદિત વિસ્તારમાં બનેલી ઘટનાઓને સમગ્ર ગુજરાતમાંથી ડર-ધાક-ધમકી-હિજરતના મનઘડંત અહેવાલો રજૂ કરતા રાષ્ટ્રીય માધ્યમના અખબારો કે ડીબેટ કરતા બુદ્ધીજીવીઓને સંતોષકારક ઉત્તર, કલેક્ટર-પોલીસ વગેરેના દેખીતા પ્રયત્નો તથા રીપોર્ટ્સ દ્વારા મળ્યા જ. સરકારની મક્કમતા, ઠાકોર વિધાયકના એક દિવસના સદ્ભાવના ઉપવાસ, ૧૫૦થી વધારે સોશિયલ મીડિયા પર નફરત અફવા ફેલાવતા તત્ત્વોને રોકવામાં પ્રશાસનની સફળતા કે ૪૦૦ લોકોની અટકાયતે મોટી હૈયાધારણ તો આપી, પરંતુ શાંતિપ્રિય, સંસ્કારી ગુજરાતમાં મૂલ્ય આધારિત જીવન જીવતા લોકોને ‘બળાત્કાર’ સામેનો રોષ, ભારતના અન્ય કોઈ રાજ્યના લોકોને અનુભવાતી પીડાથી ઓછો ન હોઈ શકે. અનુભવ મોટી શાળા છે. શાસન, પ્રશાસન, પ્રજા સહુને માટે કળીયુગના દુષણોનો કોઈ પાર નથી. દરેક નાગરિકે સાવધ રહી પોતાના કુટુંબને, બાળકોને, સ્ત્રીઓને સદૈવ સલામત રાખવા, જેથી આવા પ્રસંગો ખાળી શકાય. દુષ્કર્મીઓ સાવધાન ! શ્રમજીવીઓને શ્રેષ્ઠીઓએ સાચવી મૂલ્ય આધારીત જીવન માટે સઘન પ્રયત્નો આદરવા જોઈએ.