સંઘના જીવંત દસ્તાવેજ સમાન જીવનનો અંત...

    ૧૦-ડિસેમ્બર-૨૦૧૮   


 

 

સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી ભાસ્કરાવ દામલેજીની ચિર-વિદાય

સંઘ કિરણ ધરધર દેને કો, અગણિત નંદાદીપ જલે...

મૌન તપસ્વી સાધક બન કર, હિમગિરી સા ચૂપચાપ ગલે...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી ભાસ્કરરાવ શંકરરાવ દામલેજીએ તા. ડિસેમ્બર, ૨૦૧૮ની રાત્રે ચિર-વિદાય લીધી. બહુ આયામી વ્યક્તિત્વ ધરાવતા દામલેજીએ જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી રાષ્ટ્રસેવાનું કાર્ય કર્યુ. જુલાઈ, ૧૯૨૩નાં રોજ તેમનો જન્મ. તેઓશ્રી મૂળ નાગપુરનાં સ્વયંસેવક. અને તા. ૭મી ડિસેમ્બરે રાત્રે તેમને શ્ર્વાસ લેવામાં અત્યંત તકલીફ પડતા તેમને સિવિલ હૉસ્પિલમાં લઈ જવાયા હતા અને ૮મી ડિસેમ્બરે તેમણે દેહ છોડ્યો. ૯૬ વર્ષની વયે અનંત યાત્રાએ પ્રયાણ કર્યુ ત્યાં સુધી તેમના વિચારોનું કેન્દ્ર બિન્દુ રાષ્ટ્ર અને માત્ર રાષ્ટ્ર રહ્યું. સ્વ. દામલેજી એટલે સૂર્યની જેમ તેજસ્વી, સમય પાલન અને અનુશાસનનો અત્યંત આગ્રહ ધરાવતું મુઠ્ઠી ઊંચેરુ વ્યક્તિત્વ. . પૂ. ડૉક્ટર સાહેબને જાતે નિહાળ્યા હોય, મળ્યા હોય તેવા ખૂબ જૂજ સ્વયંસેવકોમાંના એક સ્વયંસેવક. તેમનું જીવન સંઘના જીવંત દસ્તાવેજ સમાન હતું. સ્પષ્ટ વિચારો, તટસ્થ સ્વભાવ, પ્રભાવ સંપર્ક કળા જેવા અનન્ય સદ્ગુણોનાં તેઓ ધણી હતા. ‘સાધનાના પત્રકારત્વ અને લેખન સામગ્રી વિશે તેઓ હંમેશાં પોતાનો અભિપ્રાય અને માર્ગદર્શન આપીસાધનાની વિચાર યાત્રાને તેજ બનાવવામાં ફાળો આપતા. વર્ષ ૨૦૧૨માં ટીમ સાધનાએ તેમની મૂલાકાત લીધી હતી. તે સમયે તેમણે મા. ડોક્ટર સહેબ, શ્રી ગૂરૂજી તથા પૂ. બાળાસાહેબ એમ ત્રણેય સરસંઘચાલકજીના પ્રસંગો અમને કહ્યા હતા…જે આજે અહિં તેમની યાદમાં પ્રકાશિત કરીએ છીએ…

 

 

વરિષ્ઠ સંઘ પ્રચારક મા. ભાસ્કરરાવ દામલેજી સાથે એક બોધપ્રદ ગોષ્ટિ

માનનીય ભાસ્કરરાવ દામલેજી 1942થી સંઘના પ્રચારક છે. હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તામિલનાડુ અને કેરળમાં તેઓશ્રીએ પ્રચારક તરીકે કામ કર્યું હતું. 1952થી તેઓ ગુજરાતમાં પ્રચારક છે. વનવાસી કલ્યાણ આશ્રમ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, વિદ્યાર્થી પરિષદ, કિસાન સંઘ અને લઘુઉદ્યોગ ભારતી જેવા વિવિધ ક્ષેત્રોના માર્ગદર્શક તરીકે કામ કર્યુ છે. તેઓ સંઘની પ્રાંતકાર્યકારીણીના સદસ્ય છે. તેમની સાથેની એક બોધપ્રદ ગોષ્ઠિ અત્રે પ્રસ્તુત છે...

 

 
 

એકવાર કર્ણાવતીના સંઘ કાર્યાલયમાં દામલેજી સાથે હળવા વાતાવરણમાં ગોષ્ઠિ ચાલતી હતી. અમારામાંથી એકે પ્રશ્ર્ન પૂછ્યો.

દામલેજી, ડાક્ટર હેડગેવારજીને જોયા હોય તેવા કેટલા લોકો આજે ગુજરાતમાં જીવિત હશે?

‘‘ચોક્કસ આંકડો તો મને પણ ખબર નથી પણ મેં તો ડાક્ટરજીને જોયા છે.’’

માત્ર જોયા છે એટલું ?

‘‘ના, સાવ એવું નહીં. હું એક એવી બેઠકમાં હતો જે બેઠક ડા. હેડગેવારજીએ લીધી હતી. મેં તેમને પ્રત્યક્ષ બેઠક લેતા જોયા છે.’’


 
 

વાહ. તો તો પછી આપ ડાક્ટરજીની બેઠક વિશે કંઈ કહેશો?

દામલેજીએ દૂરના ભૂતકાળના પડળ હટાવતાં અને જૂની સ્મૃતિઓ ઉપર જામેલી રજકણ ઉડાડતાં, આંખોમાં અદ્ભુત ચમક સામે નીચેનો પ્રસંગ અમને સંભળાવ્યો.

દામલેજી બોલ્યા, ‘પ્રસંગ છે 1938ની સાલનો. તે વખતે .ટી.સી. જેને આજે આપણે સંઘ શિક્ષા વર્ગ કહીએ છીએ - તેવા વર્ગો જુદા જુદા પ્રાંતોમાં શરૂ થઈ ગયા હતા. સંઘ શિક્ષા વર્ગ પૂર્ણ થયા પછી પૂ. ડાક્ટર હેડગેવારજીનો પ્રવાસ શરૂ થયો. પ્રવાસની યોજના મુજબ ડાક્ટરજી આર્વી (મહારાષ્ટ્ર) ગામમાં આવ્યા. હું આર્વીની શાખાનો સ્વયંસેવક. ડાક્ટરજી સાથે શ્રી વસંતરાવ ઓક અને અન્ય અધિકારી પણ પ્રવાસમાં સાથે આવ્યા હતા. આર્વીમાં એક જીનીંગ-પ્રેસીંગના મકાનમાં (બાવન્યા જીનમાં) આર્વી શાખાના ગટનાયકોની બેઠક થઈ. હું ગટનાયક હોવાથી મારે પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું થયું. બેઠકના પ્રારંભમાં સૌ ગટનાયકોનો પરિચય લેવામાં આવ્યો. પરિચય બાદ ડાક્ટરજીએ સંઘકાર્ય બાબતે પૂછપરછ શરૂ કરી - શાખામાં કેટલી સંખ્યા રહે છે? સંપર્ક કરો છો? નવા લોકોને શાખામાં જોડવા શું કરો છો? શાખામાં કેવા કાર્યક્રમો થાય છે? નવી શાખાઓ શરૂ કરવા શું કરો છો? શાખાવૃદ્ધિ માટે દિવસમાં કેટલો સમય આપો છો? વગેરે પ્રકારના અનેક પ્રશ્ર્નો ડાક્ટરજીએ સ્વયંસેવકોને પૂછ્યા. સંઘકાર્યને ઝડપથી વધારવા માટે શું કરવું જોઈએ તેની ઝીણવટભરી પૂછપરછ તેમણે કરી. સમગ્ર બેઠક દરમિયાન ડાક્ટરજીના મનમાં સારી શાખા અને સારો સ્વયંસેવક કેવી રીતે બને તેનું મંથન ચાલતું હોય તેવું લાગ્યું. કાર્યકર્તાના ઘડતરની અપાર ચિંતા પ્રગટ થતી જોઈ.

 

 
 

અમે પૂછ્યું : ‘‘તો શું બેઠકમાં દેશમાં ચાલતા આંદોલનો, ઘટનાઓ, ચળવળોની કોઈ ચર્ચા થઈ?

દામલેજીએ કહ્યું, ‘ના, ચર્ચા માત્ર શાખા અને સ્વયંસેવકોના ઘડતરની.’

અમે સૌ વિચારમાં પડી ગયા કે 1938ની સાલમાં તો આઝાદીના ધીમા ભણકારા તો વાગતા હતા. અનેક ઘટનાઓ દેશમાં બની રહી હતી. આવા વાતાવરણમાં ડાક્ટરજીના મનમાં માત્ર ને માત્ર શાખાની ચિંતા હતી. માત્ર ને માત્ર સંઘ શાખાઓની વૃદ્ધિનો વિચાર હતો. તેમની બેઠકમાં દેશ કે વિશ્ર્વમાં બનતી કોઈ ઘટના બાબતે ચર્ચા તેમણે કરી હતી. એક માત્ર ચિંતા તેમને શાખાની હતી. એક સામાન્ય શાખાના સ્વયંસેવકોની બેઠકમાં સરસંઘચાલકજી તરુણોની સાથે આટલી તાદાત્મ્યતાપૂર્વક ચર્ચા કરે કેટલું અર્થસભર ગણાય! દામલેજીએ કહેલા પ્રસંગથી આદ્ય સરસંઘચાલકજીની એકમેવ સંઘકાર્યની વૃદ્ધિની તડપ્નનો ભાવસભર અનુભવ અમે કર્યો. બેઠકમાં સૌ સ્વયંસેવકોની સમક્ષ મૂકેલો શાખાકાર્યની અગ્રિમતાનો વિચાર તથા દેશની સઘળી સમસ્યાઓની ચાવી માત્રશાખાછે તે વાત અમારા મનમાં આર દ્ઢ થઈ.

 

 
 

પ્રસંગ પૂરો થતાં અમે ફરી પૂછ્યું, ‘‘દામલેજી, તો તો પછી દ્વિતીય સરસંઘચાલકજી . પૂ. શ્રી ગુરુજી ગોલવલકરજીનો પણ કોઈ સ્મરણીય પ્રસંગ આપ્ની પાસે હશે .’’

ધોતી વડે ચશ્મા લૂછી દામલેજી વળી ભૂતકાળને ફંફોસવા લાગ્યા. ટૂંકા મૌન પછી તેઓ બોલ્યા, ‘‘એકવાર હું નાગપુરના સંઘ કાર્યાલય ડા. હેડગેવાર ભવનમાં ગયો. . પૂ. ગુરુજી તેમના નિવાસકક્ષની બહાર બાલ્કનીમાં ઊભા હતા. સંઘ કાર્યાલયને અડીને ખુલ્લા મેદાનમાં સંઘસ્થાન છે. એવામાં એક ખેડૂત પોતાનું ગાડુ લઈને જ્યાં શાખા લાગે છે તે મેદાનમાં આવ્યો. તેના ગાડામાં અનાજની કડપ્ના પૂળા ભરેલા હતા. સંઘસ્થાનના ખુલ્લા મેદાનમાં તેણે અનાજની કડપ્ના પૂળા ઉતારવાનું શરૂ કર્યું, કારણ કે તેને કદાચ જગ્યા વધારે ઉચિત લાગી હશે. પૂ. ગુરુજી બધુ જોઈ રહ્યા હતા. તેમણે તરત એક સ્વયંસેવકને મોકલીને શાખાસ્થાન પરથી પૂળા હટાવી લેવડાવ્યા. શાખાસ્થાન પર લોકો પોતાનો સામાન ખડકતા જશે તો સ્વયંસેવકો શાખા ક્યાં લગાડશે? શ્રી ગુરુજીના મનમાં દેશ અને સમાજ વિશે અનેક વિચારો ઉભરાતા હશે. આટલા બધા વિચારોમાં પણ શાખાસ્થાનની જાળવણી બાબતે કેટલી ચિંતા અને અગ્રિમતા તેમના મનમાં હતી તેનું પ્રબોધન મને થયું.’’

 

 
 

અમે પૂછ્યું, ‘‘દામલેજી, તો પછી તૃતીય સરસંઘચાલક પૂ. બાળાસાહેબ દેવરસજીનો પણ સ્વાનુભવ અમને કહોને!’’

અમારા આગ્રહને વશ થઈ દામલેજીએ સંઘ કાર્યાલયના રસોડા તરફ એક અર્થસભર નજર નાખીને આછા સ્મિત સાથે એક અનુભવની વાત શરૂ કરી. ‘‘નાગપુરનું ડાક્ટર હેડગેવાર ભવન (મહાલ કાર્યાલય) તો તમે જોયું છે ને? ભવનના પ્રવેશ પાસેના ચોગાનમાં એકવાર પૂ. બાળાસાહેબજી અને કેટલાક કાર્યકર્તાઓ સાંજે ખુરશીઓ ઢાળીને બેઠા હતા અને વાતચીત ચાલતી હતી. હું પણ સંજોગોવશાત્ ત્યાં હતો. એટલામાં તે વિસ્તારના એક અજાણ્યા સજ્જન સંઘકાર્યાલય આવી ગયા. બધાને નમસ્કાર કરીને પોતે પણ એક ખાલી ખુરશીમાં બેસી ગયા. બાળાસાહેબજીએ તેમનો પરિચય પૂછ્યો અને આવવાનું પ્રયોજન પૂછ્યું. પેલા સજ્જને કહ્યું, ‘‘બસ અમસ્તો આવ્યો છું. ઇચ્છા છે કે સાંજનો પ્રસાદ (ભોજન) અહીં લઉં.’’

બાળાસાહેબએ કહ્યું, ‘‘મહાશય, આના માટે તો મારે કાર્યાલયના વ્યવસ્થાપકોને પૂછવું પડશે. હું તમને હા નહીં કહી શકું.’’ મને થયું કે બાળાસાહેબજી કાર્યાલયમાં કોઈને પણ પૂછ્યા સિવાયહાપાડી શક્યા હોત. તેઓ સીધી આજ્ઞા કરી શક્યા હોત. તેમની આજ્ઞાનું પાલન કોણ કરે? પણ એવું કરતાં જે વ્યવસ્થાપકોને ભાગે સંઘકાર્યાલય ચલાવવાની જવાબદારી છે તેમણે આનો નિર્ણય લેવાનો હોય તેવી વ્યવસ્થા અનુસાર બાળાસાહેબજી ઉત્તર આપ્યો હતો.

ત્રણેય સરસંઘચાલકજીના પ્રસંગોમાંથી અમને સંઘકાર્ય, સંઘસ્થાન અને સંઘકાર્યાલય વિશેનું બોધપ્રદ માર્ગદર્શન મળી ગયું.