સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી ભાસ્કરાવ દામલેજીની ચિર-વિદાય

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૮   

 

સંઘના જીવંત દસ્તાવેજ સમાન તપોપૂત જીવનનો મહાવિલય..!

સંઘ કિરણ ઘરઘર દેને કો, અગણિત નંદાદીપ જલે...
મૌન તપસ્વી સાધક બન કર, હિમગિરિ સા ચૂપચાપ ગલે...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી ભાસ્કરરાવ શંકરરાવ દામલેજીએ તા. ૮ ડિસેમ્બર, ૨૦૧૮ની રાત્રે ચિર-વિદાય લીધી. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા દામલેજીએ જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી રાષ્ટ્રસેવાનું કાર્ય કર્યું. ૯ જુલાઈ, ૧૯૨૩નાં રોજ વર્ધા જિલ્લાના આર્વી ગામમાં તેમનો જન્મ. તેમના માતાનું નામ રમાબહેન હતું. તેઓશ્રી મૂળ નાગપુરનાં સ્વયંસેવક. તેમના કથન મુજબ તેમનો પરિવાર આર્યસમાજી હતો.
 
૯૬ વર્ષની વયે અનંતયાત્રાએ મહાપ્રયાણ કર્યું ત્યાં સુધી તેમના વિચારોનું કેન્દ્ર-બિન્દુ રાષ્ટ્ર અને માત્ર રાષ્ટ્ર જ રહ્યું. સ્વ. દામલેજી એટલે સૂર્યની જેમ તેજસ્વી, સમયપાલન અને અનુશાસનનો અત્યંત આગ્રહ ધરાવતું મુઠ્ઠી ઊંચેરુ વ્યક્તિત્વ. પ. પૂ. ડૉક્ટર સાહેબને જાતે નિહાળ્યા હોય, બેઠકમાં સાંભળ્યા હોય તેવા ખૂબ જૂજ હયાત સ્વયંસેવકોમાંના એક સ્વયંસેવક. ‘સાધના’ના એક સાક્ષાત્કાર દરમિયાન શ્રી દામલેજીએ જણાવેલું કે આર્વી ગામની જીનીંગ મિલના એક ખંડમાં શ્રી ડૉ. હેડગેવારજીની બેઠકમાં તેઓ ઉપસ્થિત હતા. તેમનું જીવન સંઘના જીવંત દસ્તાવેજ સમાન હતું. સ્પષ્ટ વિચારો, તટસ્થ સ્વભાવ, પ્રભાવક સંપર્ક-કળા જેવા અનન્ય સદ્ગુણોનાં તેઓ ધણી હતા. ‘સાધના’ના પત્રકારત્વ અને લેખન સામગ્રી વિશે તેઓ હંમેશાં પોતાનો અભિપ્રાય અને માર્ગદર્શન આપી ‘સાધના’ની વિચારયાત્રાને સતેજ બનાવવામાં ફાળો આપતા.
તા. ૭મી ડિસેમ્બરે રાત્રે તેમને શ્ર્વાસ લેવામાં અત્યંત તકલીફ પડતા તેમને સિવિલ હૉસ્પિલમાં લઈ જવાયા હતા અને ૮મી ડિસેમ્બરે રાત્રે ૧૦.૩૦ કલાકે તેમણે નશ્ર્વર દેહ છોડ્યો. તારીખ ૧૦મી ડિસેમ્બરના રોજ બપોરે તેમના નશ્ર્વર દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમવિધિમાં તેમના લઘુબંધુ, ભત્રીજા, ભાણેજ જમાઈ સહિત તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી મધુભાઈ કુલકર્ણી, શ્રી અમૃતભાઈ કડીવાલા, શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય, શ્રી શૈલેશભાઈ પટેલ સહિત સંઘ તેમજ વિવિધ ક્ષેત્રના અધિકારીશ્રીઓ, સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી મધુભાઈ કુલકર્ણીએ શ્રી દામલેજીના જીવનકવન વિશે ચિંતનપ્રદ વાત કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી તથા મા. મુકેશભાઈ મલકાને તેમના પરિવારજનોને શોકસંદેશ પાઠવ્યો હતો.
 
ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ‚પાણી, શ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી નરહરિ અમીન, શ્રી ભીખુભાઈ દલસાણિયા, શ્રી રાકેશભાઈ શાહ, શ્રી ભરતભાઈ પંડ્યા, જ્યોતિબહેન પંડ્યા તથા નિર્મલાબહેન વાઘવાણી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
 

 
 

દામલેજી : પ્રચારક જીવન

દામલેજી લગભગ ૧૯૩૪ના અરસામાં નાગપુર પાસેના વર્ધા જિલ્લાના આર્વી ગામમાં સંઘના સ્વયંસેવક બન્યા. એ સમયે દત્તોપંત ઠેંગડીજી તેમની શાખાના મુખ્ય શિક્ષક હતા. દત્તોપંત ઠેંગડીજીનો તેમના પર અત્યંત પ્રભાવ. ૧૯૪૨માં જયારે ‘હિન્દ છોડો’ ચળવળ પુરા વેગમાં હતી એવા સમયે ૯ જુલાઈ ૧૯૪૨ના રોજ સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માધવરાવ ગોલવલકરજી (શ્રીગુરુજી)ના આહ્વાનથી ૧૯ વર્ષની વયે તેઓ દેશની સેવા માટે નાગપુરથી પોતાનો પરિવાર છોડી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક નીકળ્યા. ૧૯૪૨માં રોહતકમાં પ્રચારક ત્યારબાદ યુપીમાં બુલંદશહર અને મુરાદાબાદમાં અને ૧૯૪૭માં દિલ્હીમાં પ્રચારક રહ્યા. ૧૯૪૯માં તામિલનાડુના ચિદમ્બરમ્માં, ૧૯૫૧-૫૨માં કેરળના તિરુવનંતપુરમ્માં, ૧૯૫૨થી ૫૭માં ગુજરાતમાં વડોદરાના વિભાગ પ્રચારક, ૧૯૫૭-૬૩માં ભાવનગરમાં, ૧૯૬૩-૭૨માં રાજકોટમાં પ્રચારક રહ્યાં અને ૧૯૭૨-૭૭ કર્ણાવતી વિભાગ પ્રચારક રહ્યાં ત્યારબાદ ૧૯૭૭માં તેમણે વનવાસી કલ્યાણ આશ્રમ-ગુજરાતના કામની શ‚આત કરાવી. ૧૯૮૭થી ૨૦૧૨ સુધી પ્રાંત કાર્યકરિણી સદસ્ય રહ્યા. તેઓશ્રી પ્રાંતનાં પૂર્વ સેવા સૈનિક પરિષદ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, કિસાન સંઘ, લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક તરીકે પણ રહ્યા. સદ્ગત દામલેજીએ દેશની સ્વતંત્રતા માટે પણ ખુબ કાર્ય કર્યું. દામલેજીનો સંઘ કાર્યના વિકાસમાં ખુબ મહત્વનો ફાળો રહ્યો છે. સંઘ ઉપર લાગેલા ત્રણેય પ્રતિબંધોના પણ દામલેજી સાક્ષી રહ્યા છે.

ઐતિહાસિક ક્ષણના સાક્ષી

સ્વતંત્રતા પછી જયારે મહાત્મા ગાંધીજી દિલ્હીની વાલ્મીકિ કોલોનીમાં ઉપવાસ પર બેઠા હતા ત્યારે, વાલ્મીકિ મંદિર પાસે આવેલા લીગના અડ્ડામાં રહેલાં તોફાનીઓ દ્વારા ગાંધીજીને જોખમ હતું. તેથી દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ શ્રી કૃષ્ણ નૈયરે દિલ્હીના સંઘ કાર્યાલયમાં જઈ સંઘના પ્રચારક શ્રી વસંતરાવ ઓક પાસે ગાંધીજીની સુરક્ષા માટે સંઘના સ્વયંસેવકોની માગણી કરી હતી. ત્યારે કોંગ્રેસના મિત્રોને પણ લાગતું હતું કે ગાંધીજીની સુરક્ષા સંઘ સિવાય અન્ય કોઈ સંગઠન ન જ કરી શકે ત્યારે મહાત્મા ગાંધીજીની સુરક્ષા-વ્યવસ્થાની જવાબદારી સંઘના સ્વયંસેવકોએ સંભાળી હતી અને તેના ઇન્ચાર્જ દામલેજી હતા. તે દિવસોમાં ત્યાં દિલ્હીની શાખાઓના ગટનાયકોનું એકત્રીકરણ પણ રાખવામાં આવ્યુંં હતું. જેમાં મુખ્ય શિક્ષકની ભૂમિકા દામલેજીએ નિભાવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીજીએ સંઘસ્થાન પર સ્વયંસેવકોને ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં જયારે સાંઘીક ગીત ચાલતું હતું ત્યારે, સ્વયંસેવકોની સાથે ગાંધીજી પણ આનંદિત અવસ્થામાં ગીત સાથે તાલ આપતા હતા. આ જ કાર્યક્રમમાં ગાંધીજી એ કહ્યું હતું હું પણ હિંદુ છું.... હું પણ સનાતની હિંદુ છું.
 

 

નિયમિતતા

જ્યારે શરીર વ્યવસ્થિત સાથ નહોતું આપતું, શરીરને ઊભા રહેવા કે ચાલવા સતત કોઈના સહયોગની જરૂર પડતી એવી સ્થિતિમાં પણ તેઓ રોજ રાત્રે સુતા પહેલા સવારે તેમને શાખામાં લઈ જવાનું યાદ કરાવતા હતા. ભોજન પહેલાં ભોજનમંત્ર થવો જ જોઈએ તેવો આગ્રહ પણ રાખતા હતા. નિયમિત તેમની ક્ષમતા મુજબ વ્યાયામ, ધ્યાન વગેરે પણ કરતાં.

ચુસ્ત દિનચર્યાના આગ્રહી

જીવનનાં અંતિમ સમયે તેઓ ઘણી બાબતો જેવી કે નામો, કામ, ખાવા-પીવાનું, દિવસ છે કે રાત્રી વગેરે ક્ષણિક સમય માટે ભૂલી જતા. ત્યાં સુધી કે તેમની સાથે ૫૬ વર્ષોથી પણ વધુ સમય કામ કરનાર, મોટાભાગે તેમની સારસંભાળ રાખનાર અને સૌથી વધુ તેમની સાથે રહેલા એવા શ્રી સજ્જનભાઈ ઓઝાનું પણ નામ તેઓ દીવાલ પર લખીને યાદ રાખતા.
૯૬ વર્ષની ઉંમરમાં શારિરીક રીતે અક્ષમ હોવાં છતાંય તેઓ હિંમત હારીને બેસી નહોતા રહેતાં.. તે તેમનાથી થઈ શકતુ બધું જ કરી છૂટતા એટલાં માટે જ ‘નિત્ય યુવા’ શબ્દ એમને શોભે છે.
 

 

સ્વયંસેવકોની ચિંતા

મળવા આવનાર પ્રત્યેક સ્વયંસેવક સાથે તેઓ ખુબ આત્મીયતા પૂર્વક વાતચીત કરતા. તેની પૂછપરછ, પરિવારના હાલચાલ, તેની શાખા નિત્ય થાય છે કે કેમ ? તેવી તમામ બાબતોની પૃચ્છા તેઓ કરતા.
દામલેજીને સંઘના આદ્ય સરસંઘચાલક ડૉ. હેડગેવારજીથી માંડી વર્તમાન સરસંઘચાલક મા. મોહનજી ભાગવત સુધી બધા જ પૂજનીય સરસંઘચાલકોનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. દામલેજીની ચિરવિદાય સાથે જ સંઘ પરિવારના એક વરિષ્ઠતમ પ્રચારક, મોભીજન અને આબાલ-તરૂણ-વયસ્ક એવા પ્રત્યેક સંઘ સ્વયંસેવકના મેધાવી માર્ગદર્શક, ઘડવૈયા અને પિતાતુલ્ય વત્સલમૂર્તિની ચિરવિદાય થકી, એક અપૂરણીય ક્ષતિની ઊંડી અનુભૂતિ થઈ રહે છે. સદ્ગત દામલેજી અનેક સ્વયંસેવકોની જિજ્ઞાસામાં નિરંતર અભિવૃદ્ધિ કરતા રહ્યા. અત્યંત પ્રભાવક દેહયષ્ટિ-સ્નાયુબદ્ધ દેહાકૃતિ-પૌ‚ષત્વથી છલકતું પ્રસન્ન-મધુર વ્યક્તિત્વ અને એથીએ વિશેષ દાયકાઓના સુસમૃદ્ધ કર્તૃત્વથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકોની સમુજ્જ્વલ નક્ષત્રમાળાના તેજ-તારલા એવા શ્રદ્ધેય દામલેજીની ચિરવિદાયની આ ક્ષણોમાં તેઓશ્રીને આદરાંજલિ-શ્રદ્ધાંજલિ અર્પતી વેળાએ, આપણા અંતરતમમાં ઊઠતા ભાવોને પ્રગટ કરવા માટે શબ્દો ટાંચા પડી રહ્યા છે...! ‘સાધના પરિવાર’ સદ્ગત દામલેજીની વસમી વિદાયની આ ક્ષણોમાં અત્યંત સ્નેહાદરપૂર્વક તેઓશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વેળાએ, પરિવારના સ્વજન-મોભીજન અને શિરછત્ર ગુમાવ્યાની ગહન લાગણી અનુભવે છે..! આપણાં શાસ્ત્ર મત પ્રમાણે ૧૪ જાન્યુઆરી - ઉત્તરાયણના સૂર્ય થતાં જે વ્યક્તિનું નિધન થાય એને મોક્ષ પ્રાપ્ત થાય. પરંતુ તે પહેલાં જેમનું નિધન થાય તેમને પુનર્જન્મ લેવો જ પડે. સદ્ગત દામલેજી એ પરમવૈષ્ણવ ઉક્તના સગુણ-સાકાર પ્રતિક હતા...!
 
દામલેજી-ભારતમાતાના સપૂત પણ તેમના માટે મોક્ષ ન જ ઇચ્છે... સ્વામી વિવેકાનંદજીએ કહેલું તેમ ‘પુન: પુન: ભારતમાતાની સેવા માટે આ દિવ્ય-ભૂમિ ઉપર પુન: પુન: મનુષ્ય જન્મ લઈને, ભારતમાતાના પરંવૈભવની પુન: પ્રતિષ્ઠા માટે. પૂજન પુષ્પરૂપે પૂર્ણ સમર્પિત થઈ રહી રહેવાની જ અભીપ્સા એટલે દિવંગત દામલેજી !