તા. ૧૯ ફેબ્રુઆરી, પ. પૂ. શ્રી ગુરુજીની જન્મજયંતી પ્રસંગે વિશેષ

    ૧૭-ફેબ્રુઆરી-૨૦૧૮
 
 
તા. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૮ - પ. પૂ. શ્રી ગુરુજીની જન્મજયંતી પ્રસંગે વિશેષ
 
વિક્રમ સંવત - ૧૯૬૧ની મહા વદ એકાદશી(વિજયાદશમી), ૧૯મી ફેબ્રુઆરી ૧૯૦૬નો પાવન દિવસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક
પ. પૂ. શ્રી ગુરુજીનો શુભ જન્મદિન.
શ્રી ગુરુજી તેમનું મૂળ નામ નહોતું, જ્યારે તેઓ કાશી વિશ્ર્વવિદ્યાલયમાં અધ્યાપનકાર્ય કરતા હતા ત્યારે વિદ્યાર્થીઓ તેમને પ્રેમાદરપૂર્વક શ્રી ગુરુજી નામથી બોલાવવા માંડ્યા, ત્યારથી જ તે નામ સંઘ અને સંપૂર્ણ દેશમાં પ્રચલિત થઈ ગયું છે. તેમનું નામ હતું માધવરાવ. પિતાજીનું નામ સદાશિવરાવ અને માતાનું નામ હતું લક્ષ્મીબાઈ. તેઓ નાગપુરમાં રહેતા હતા. તેમના માતાપિતાનાં આઠ સંતાનો અકાળ મૃત્યુ પામ્યાં હતાં. પિતાજી અધ્યાપક હતા. ઘરનું વાતાવરણ અત્યંત શિક્ષિત, સાત્ત્વિક અને ધર્મપરાયણ.
નાગપુરમાં ઈન્ટર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી માધવરાવ ૧૯૨૪માં બી. એસસી.ના અભ્યાસ માટે દેશના પ્રખ્યાત કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાલયમાં દાખલ થયા. કાશીથી એમ. એસસી.ની પરીક્ષા (પ્રાણીશાસ્ત્ર) પ્રથમ વર્ગમાં પાસ કરી શ્રી ગુરુજી નાગપુર પાછા ફર્યા અને થોડા મહિના પછી ચેન્નાઈના મત્સ્યાલયમાં શોધકાર્ય કરવા ચાલ્યા ગયા. ઑગસ્ટ, ૧૯૩૧થી માધવરાવે કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાલયમાં અધ્યાપનકાર્ય શરૂ કર્યું.
આ સમયગાળા દરમિયાન તેઓ પંડિત મદનમોહન માલવીયજીના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ શ્રી ભૈયાજી દાણી દ્વારા શ્રી ગુરુજી કાશીમાં સંઘનાં સંપર્કમાં આવ્યા અને ત્યાંની શાખાના પાલક બન્યા. અધ્યાપનનો નિર્ધારિત સમય પૂરો કરી શ્રી ગુરુજી સન ૧૯૩૩ના પ્રારંભમાં નાગપુર પાછા ફર્યા અને ૧૯૩૫માં તેમણે કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો.
આ બધા સમય દરમિયાન પ.પૂ. ડૉક્ટર સાહેબ સાથે પણ સંપર્ક વધ્યો. તેમની અસામાન્ય કાર્યક્ષમતા અને બુદ્ધિપ્રતિભા જોઈને ડૉક્ટરજી તેમને વધુ ને વધુ જવાબદારીઓ સોંપતા ગયા. ૧૯૩૪માં અકોલાના સંઘ શિક્ષા વર્ગના સર્વાધિકારીની જવાબદારી પણ શ્રી ગુરુજીએ અત્યંત ચીવટપૂર્વક અને કુશળતાપૂર્વક નિભાવી.
૧૯૪૦માં શ્રી ગુરુજીએ સંઘનાં સરસંઘચાલક તરીકેની સર્વોચ્ચ જવાબદારી સ્વીકારી અને ૫ મી જૂન, ૧૯૭૩, જીવનનાં છેલ્લાં શ્ર્વાસ સુધી નિભાવી.
૩૩ વર્ષના આ પ્રદીર્ઘ કાલખંડમાં તેમણે પ્રતિવર્ષ બે વાર સંપૂર્ણ દેશનો પ્રવાસ કર્યો, સ્વહસ્તે હજારો પત્રો લખ્યા, હજારો લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો અને દેશભરના હજારો કાર્યકર્તા પરિવારોના આદરણીય બની રહ્યા. માતૃભૂમિ માટે શ્રી ગુરુજીએ જીવન સમર્પિત કરી દીધું. તેમની જન્મ જયંતી અવસરે તેમના જીવનના પ્રેરક સંસ્મરણો અહીં પ્રસ્તુત છે.
 
 

 
 
‘જા બાબા, જા’
 એ દિવસે શ્રી ગુરુજીને બપોરે નાગપુરથી પ્રવાસ માટે નીકળવાનું હતું. સવારે આઠ વાગ્યે એક સ્વયંસેવક દોડતો દોડતો આવ્યો અને સમાચાર આપ્યા કે પૂજ્ય તાઈને (શ્રી ગુરુનાં બા) પક્ષાઘાતનો હુમલો આવ્યો છે. અમે બધા નાગોબા ગલીમાં આવેલા તાઈના ઘેર દોડી ગયા. પૂજ્ય તાઈ સ્નાન કર્યા બાદ નિત્યક્રમ મુજબ પાર્થિવ પૂજા કરવા જઈ રહ્યાં હતાં ત્યારે આ હુમલો આવ્યો. પ્રાથમિક ઉપચાર બાદ ડૉ. પાંડેએ કહ્યું, ‘હવે કોઈ ગરમ પદાર્થ પેટમાં જવો જ‚રી છે, એટલે થોડી ગરમ કોફી લઈને તાઈને સૂઈ જવું જોઈએ.’ પણ તાઈએ ઇશારાથી ના પાડી સમજાવ્યું, કે આ અવ્યસ્થામાં પણ તેઓ પાર્થિવપૂજા કર્યાં પહેલાં કશું નહીં લઈ શકે. એક તો પહેલાંની દુર્બળતા, ઉપરથી આ હુમલો, એવી અવસ્થામાં પાર્થિવપૂજા કરવી શક્ય ન હતી, પણ તાઈના આગ્રહથી મધુ ટીકેકર આવ્યા. એમણે તાઈના માર્ગદર્શન હેઠળ સ્નાન કરી પૂજા સંપન્ન કરી. પછી તાઈએ કોફી લીધી. પણ તેમની ગંભીર સ્થિતિ જોઈને કાર્યાલયમાં ચર્ચા ચાલી કે આ સ્થિતિમાં શ્રી ગુરુજીએ નાગપુર છોડવું યોગ્ય નથી. કોને ખબર શું બની જાય ? ટ્રેનનો સમય થવાને થોડી વાર હતી અને શ્રી ગુરુજી તાઈ પાસે આવ્યા અને પૂછ્યું, ‘તાઈ, હું જાઉં ?’ એ અવસ્થામાં પણ તાઈએ અતિ સ્પષ્ટ શબ્દોમાં રજા આપી : ‘જા બાબા, જા.’ ‘તાઈ હું જાઉં ?’ એમ સદૈવ પૂછતા રહેવા જ તો આ મહાપુરુષે તાઈના ઉદરે જન્મ લીધો હતો અને ‘જા બાબા, જા’નો પ્રસાદ હંમેશા આપતા રહેવા માટે જ તો તાઈએ નવ મહિના સુધી ગર્ભધારણ કરવાનું કષ્ટ સહન કર્યું હતું.
દત્તોપંત ઠેંગડી
 
સમાજબાંધવોની સેવા
 ડૉક્ટરીની અંતિમ પરીક્ષા આપનારા વિદ્યાર્થી સ્વયંસેવકો પુણેમાં શ્રી ગુરુજીને મળવા આવ્યા. તેમણે શ્રી ગુરુજીને કહ્યું, સંઘનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. અમે કાંઈક નવું રચનાત્મક કાર્ય કરવા માગીએ છીએ. શું કરવું જોઈએ ? શ્રી ગુરુજીએ કહ્યું, એટલાં બધાં કામો પડ્યાં છે કે વાસ્તવમાં કોઈ તમને તે સૂચવે એવી આવશ્યકતા જ ન પડવી જોઈએ. સાતારા જિલ્લામાં વાઈ તાલુકો છે. જ્યાંના હજારો લોકો ‘નારુ’ રોગથી ગ્રસ્ત છે. ‘નારુ’ પર રામબાણ દવા શોધી કાઢો અને તે બંધુઓને રોગમુક્ત કરો. આપણા બાંધવોને મદદરૂપ થવું એ પણ સંઘકાર્ય જ છે ને ! આમ શ્રી ગુરુજીએ સેંકડો લોકોને માર્ગદર્શન આપ્યું, તેમને કાર્યપ્રવૃત્ત કર્યા.
- રામભાઉ ગોડબોલે
 
સ્નેહ ક્યારેય ન તોડો
 જબલપુરનાં શ્રી કેકરે વકીલ અને તેમનો આખો પરિવાર સામ્યવાદી વિચારનો હતો. મને આશ્ર્ચર્ય એ વાતનું હતું કે શ્રી ગુરુજી જ્યારે જબલપુર જતા ત્યારે શ્રી કેકરે વકીલને ઘેર જ ઊતરતા. મારાથી રહેવાયું નહીં અને એક દિવસ મેં શ્રી ગુરુજીને પૂછી જ લીધું. તે પરિવાર તો સામ્યવાદી છે, છતાં આપ ત્યાં જ કેમ રોકાવ છો ? શ્રી ગુરુજીએ કહ્યું, તે મારો જૂનો મિત્ર છે. જ્યારે હું સંઘમાં નહોતો અને તે પણ સામ્યવાદી નહોતો ત્યારથી અમારો ગાઢ સંબંધ છે. સ્નેહ ક્યારેય તોડવો ન જોઈએ, અને માણસને ગમે ત્યારે અનુભૂતિ થઈ શકે છે. ભવિષ્યમાં તે પણ સંઘનો જ વિચાર કરતો થઈ જશે. તેમાં મને જરા પણ શંકા નથી.
- ડૉ. કૃષ્ણ માધવ જોશી (નાંદેડ)
 
ગણવેશ ઠીક કર્યો
 સન ૧૯૭૧ની વાત છે. પ્રોદ્દત્તુરમાં શ્રી ગુરુજીના આગમન વખતે એક કાર્યક્રમ આયોજિત હતો. તેમાં બધા સ્વયંસેવકોએ ગણવેશમાં રહેવાનું હતું. સંઘનો ગણવેશ મારે માટે નવો જ હતો, હું તે બરાબર પહેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ કાંઈક ને કાંઈક ખામી રહી જતી હતી. મારી મૂંઝવણ શ્રી ગુરુજીના ધ્યાનમાં આવી ગઈ. તેઓએ તરત મારી પાસે આવી મારી ભૂલ સુધારી દીધી. મને કલ્પના પણ નહોતી કે, સરસંઘચાલક પોતે મારા ગણવેશમાં આટલો રસ લેશે.
- એન. પી. રામરેડ્ડી પુલિવેન્દલા (તામિલનાડુ)
 

 
દેશભક્તિનો ભાવ
 જરનલ કે. એમ. કરિઅપ્પા દિ. ૨૧ નવેમ્બર, ૧૯૫૯ને દિવસે મૈસુરમાં પૂ. શ્રી ગુરુજીને મળ્યા. થોડો વખત ભાષાવિવાદ પર ચર્ચા ચાલતી રહી. જનરલ કરિઅપ્પા અંગ્રેજી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાના વિચારના પૂર્ણ સમર્થક હતા. વાતચીત દરમિયાન તેમણે શ્રી ગુરુજીને સીધો પ્રશ્ર્ન કર્યો, ‘શું આપનું એમ કહેવું છે કે અંગ્રેજી બોલનારાઓમાં હિન્દી બોલતાં લોકો કરતાં દેશભક્તિનો ભાવ ઓછો હોય છે ?’
પૂ. ગુરુજીએ એટલી જ દૃઢતાથી જવાબ આપ્યો, બાકી બધા ગુણ સમાન હોવા છતાં જો બોલનારો અંગ્રેજીમાં વાત કરતો હોય તો તેનામાં હિન્દી બોલનારા કરતાં દેશભક્તિનો ભાવ ચોક્કસપણે ઓછો છે.’ આ સાચા અને સ્પષ્ટ જવાબથી જનરલ કરિઅપ્પા સ્તબ્ધ થઈ ગયા અને તેમના બધા તર્ક શાંત થઈ ગયા.
એચ. વી. શેષાદ્રિ (બેંગ્લોર)
 
 સ્વયંસેવક ભ્રષ્ટાચારથી દૂર રહે
 હૈદરાબાદ વિભાગની શિબિરમાં પૂ. ગુરુજીનો બે દિવસ નિવાસ હતો. જિલ્લાંશ: પરિચય બેઠકો ચાલતી હતી. એક બેઠકમાં એક સ્વયંસેવકે પોતાનો પરિચય આપતાં કહ્યું કે તે વૈદ્ય છે. પૂ. ગુરુજીએ પૂછ્યું, ‘તમે કઈ પરીક્ષા પાસ કરી છે ?’ તેણે કોઈ પરીક્ષા પાસ કરી નહોતી. ‘કોઈ પ્રમાણપત્ર વગર તમને વૈદ્યકીય વ્યવસાયની અનુમતિ કેવી રીતે મળી ?’ શ્રી ગુરુજીએ પ્રશ્ર્ન કર્યો. તે પ્રશ્ર્નનો સીધો જવાબ આપવાને બદલે તેણે કહ્યું, ‘આ ભ્રષ્ટ સરકારમાં આ બધી વાતો કોણ જુએ છે?’ તેની આ વાત સાંભળતાં જ પૂ. શ્રી ગુરુજીના ચહેરા પરના ભાવ બદલાઈ ગયા. કઠોર દૃષ્ટિથી તેની સામે જોઈ શ્રી ગુરુજીએ કહ્યું, ‘પોતાની ભૂલ સરકારને માથે શા માટે નાખો છો ?’ જો તમારા જેવા લોકો હશે તો કોઈ પણ સરકાર ભ્રષ્ટ થયા સિવાય નહીં રહે. આપણે પહેલાં આપણો વ્યવહાર સુધારવો જોઈએ. સરકારને ભ્રષ્ટ કહેવાનો કોઈ અર્થ નથી, અને એક સ્વયંસેવક એવું કહે તે તો વધુ લજ્જાસ્પદ છે. સ્વયંસેવક પાસેથી તે અપેક્ષિત નથી.’
શ્રી વી. એલ. દેશમુખ
 
તમે કેવા સ્વયંસેવક છો ?
 બારાબંકી (ઉત્તરપ્રદેશ)માં પૂજનીય ગુરુજીનો બૌદ્ધિક વર્ગ ચાલતો હતો. તે જ સમયે એક સ્વયંસેવક પેન્સિલથી શ્રી ગુરુજીનું ચિત્ર બનાવી રહ્યો હતો. ભાષણ પૂર્ણ થતાં સુધીમાં તેણે માઇક પાસે ઊભેલા ગુરુજીનું આબેહૂબ ચિત્ર બનાવી દીધું હતું. કાર્યક્રમ પૂરો થયા પછી તે શ્રી રજ્જૂભૈયા પાસે ગયો અને તેમને ચિત્ર બતાવીને કહ્યું, આની ઉપર પૂ. શ્રી ગુરુજીના હસ્તાક્ષર મેળવી આપો. રજ્જૂભૈયા તેને શ્રી ગુરુજી પાસે લઈ ગયા. પૂ. ગુરુજીએ ચિત્ર જોયું અને પૂછ્યું, ‘તું ચિત્રકાર છે કે સ્વયંસેવક પણ છે ?’ તેણે કહ્યું, ‘હું સ્વયંસેવક છું, રોજ શાખામાં જાઉં છું.’ તરત શ્રી ગુરુજીએ કહ્યું, હું જ્યારે મારી સંપૂર્ણ શક્તિથી મારા હૃદયની ભાવનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરી રહ્યો હતો ત્યારે તું તે તરફ ધ્યાન રાખવાને બદલે ચિત્ર દોરવામાં વ્યસ્ત હતો. તે સમય એ કામ માટે તો હતો નહીં, તું કેવો સ્વયંસેવક છે ? આ ચિત્ર પર મારા હસ્તાક્ષર નહીં મળે, હા, અત્યારે હું અહીં બેઠો છું ત્યારે જો તેં મારું ચિત્ર દોર્યું હોત તો હું હસ્તાક્ષર પણ કરી આપત.
નરનારાયણ પાંડે

 
વડીલો પ્રત્યે આદર
 સન ૧૯૭૧ની વાત છે. પૂ. ગુરુજી વિશ્રાંતિ માટે ઇન્દોર આવ્યા હતા. અમારા નવા મકાનમાં તેમને ભોજન માટે આમંત્રિત કર્યા હતા. તેઓ આવ્યા પહેલે માળે બેઠક, બીજે માળે રસોડું અને ત્રીજે માળે ભોજનની વ્યવસ્થા હતી. અત્યંત પ્રસન્ન વાતાવરણમાં ભોજન પૂર્ણ થયું. પાછાં વળતાં છેક નીચે ઊતર્યાં પછી શ્રી ગુરુજીને યાદ આવ્યું કે મારાં પૂ. માતાજીને પ્રણામ કરવાનું તેઓ ભૂલી જ ગયા છે. મેં કહ્યું, ‘હમણાં જ તેમને નીચે બોલાવી લઉં છું.’ પરંતુ શ્રી ગુરુજી ન માન્યા. તેમણે કહ્યું, ‘અરે, જેમને નમસ્કાર કરવાના છે, જેનો ચરણસ્પર્શ કરવાનો છે, તેમને એ માટે નીચે બોલાવવાં એ કેવી રીતે યોગ્ય છે ?’ અને આટલું કહેતાં કહેતાં તો તેઓ ઝડપથી ત્રીજે માળ સુધી ચઢીને માતાજીનાં ચરણસ્પર્શ કરી આવ્યા.
દિ. ની ખાંબેટે, ઇંદોર
તોફાનોમાં પણ શાંતિની ઉપાસના
 ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે દિલ્હીમાં ગાંધીજીની હત્યા થઈ. આખા દેશમાં આ ઘટનાની ખૂબ તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી. મુખ્ય નેતાઓ સહિત સ્થાનિક કાર્યકર્તાઓ સંઘના વિરોધમાં સભાઓ ગજવવા લાગ્યા. મહારાષ્ટ્રમાં, અને તેમાં પણ ખાસ કરીને નાગપુરમાં આ પ્રતિક્રિયાએ તોફાન અને હિંસાનું ‚પ ધારણ કર્યું. જે દિવસે ગાંધીજીની હત્યા થઈ તે દુર્ભાગ્યપૂર્ણ દિવસે શ્રી ગુરુજી ચેન્નાઈમાં હતા. ત્યાંથી જ તેઓએ આ દુ:ખદ ઘટનાને વખોડતા અને શોક દર્શાવતા તાર પં. નહેરુ, સરદાર પટેલ તથા દેવદાસ ગાંધીને મોકલ્યા અને તેઓ નાગપુર આવ્યા. ૧ ફેબ્રુઆરીએ નાગપુરની પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ. લોકોનો રોષ વધતો ગયો. તોફાની ટોળાએ આદ્ય સરસંઘચાલક ડૉ. હેડગેવારજીની સમાધિના શિખરને તથા તુલસી વૃંદાવનને તોડી નાખ્યાં. બપોર થતાં જ શ્રી ગુરુજીના ઘરની આસપાસ આ તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો. એ જ દિવસે ચિટનીસ પાર્કમાં કોઈ નેતાએ સભામાં ઉત્તેજનાપૂર્ણ ભાષણ કરી લોકોના રોષને વધુ ભડકાવ્યો. આ તરફ સંઘકાર્યકર્તાઓ તથા અધિકારી વર્ગ શ્રી ગુરુજીના રક્ષણ માટે તત્પર હતા. હિંસક ટોળાને બેકાબૂ બની આગળ વધતું જોઈ શ્રી ગુરુજીની વ્યવસ્થા બીજી સલામત જગ્યાએ કરી તેમને ત્યાં જવા માટે વિનંતી કરવામાં આવી. પરિસ્થિતિ પ્રતિક્ષણ બગડતી જતી હતી. ક્યારે શું થશે તે કહી શકાય તેમ નહોતું. ત્યારે શ્રી ગુરુજી ધૈર્ય ધારણ કરેલા ધર્મરાજની પેઠે શાંત અને સ્વસ્થ હતા.
શ્રી ગુરુજીએ કહ્યું, ‘લાગે છે કે તમે લોકો અહીંની વિકટ પરિસ્થિતિથી મૂંઝાઈ ગયા છો. મારી જરા પણ ચિંતા કર્યા વગર તમે અહીંથી જાઓ અને મને શાંતિથી રહેવા દો. તમારા કહેવા મુજબ હું અહીંથી ચાલ્યો જાઉં ? પણ શા માટે ? આજ સુધી જે સમાજ માટે હું કાર્ય કરતો આવ્યો છું એ સમાજ જ જો મને ન ચાહતો હોય, તો પછી હું બીજે ક્યાં જાઉં ? અને શા માટે જાઉં ? અને હા, મારા રક્ષણ માટે તોફાનીઓ પર પ્રહાર ન કરશો. જે હિંદુ સમાજ માટે મારું સંપૂર્ણ જીવન સમર્પિત છે તે સમાજના જ લોકો મારા આંગણે પરસ્પર લડેઝઘડે અને એમનું લોહી મારી સામે રેડાય એ હું ક્યારેય સહન ન કરી શકું. માટે જે થવાનું હોય તે થવા દો. મારો સંધ્યાવંદનનો સમય થઈ ગયો છે. તેથી તમે લોકો હવે અહીંથી જાઓ.’ એટલું કહી શ્રી ગુરુજી સંધ્યાવંદન માટે ચાલ્યા ગયા અને સંજોગવશાત ચિટનીસ પાર્કની સભાની સમાપ્તિની થોડી ક્ષણો બાદ જ શ્રી ગુરુજીના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા. અને તેમના ઘરની આસપાસ પોલીસનો પહેરો ગોઠવી દેવાયો. આવી વિકટ અને તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં શ્રી ગુરુજીના ધૈર્ય અને એમની આગવી દૃષ્ટિનો જે પરિચય મળ્યો તે ખરેખર ઇતિહાસનો એક બોધ બનીને હંમેશાં યાદ રહેશે.
(‘શ્રી ગુરુજી સમગ્ર દર્શન’ - ખંડ : ૨ ‘પ્રતિબંધ પર્વ’)
એક ક્ષણમાં ગેરસમજ દૂર થઈ
મુંબઈના એક પ્રખ્યાત સાહિત્યકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉત્સવમાં અધ્યક્ષ બનીને નાગપુર આવ્યા ત્યારે તેમનો સંઘ અને શ્રી ગુરુજી સાથેનો પ્રથમ પરિચય થયો. એમણે પોતાના અધ્યક્ષીય ભાષણમાં કહ્યું : ‘જ્યારે મને સમાચાર મળ્યા કે સંઘના ઉત્સવમાં અધ્યક્ષપદ માટે શ્રી ગુરુજીએ નિયંત્રણ મોકલ્યું છે ત્યારે મને વિશ્ર્વાસ જ નહોતો બેસતો. એટલા માટે કે હું તો સંઘથી તદ્દન અપરિચિત હતો. મારા કેટલાક મિત્રોએ મને કહેલું કે, શ્રી ગુરુજી રા. સ્વ. સંઘ જેવા પ્રબળ હિંદુ સંગઠનના સેનાપતિ છે. એમના દ્વારા શું એક પાગલ સાહિત્યકારને નિમંત્રણ મળે ? તું જો એ વાત પર વિશ્ર્વાસ કરે તો તું મહામૂર્ખ છે ! જોજે નાગપુર જવાની ભૂલ ક્યારેય ન કરીશ. ત્યાં ગોળવલકરની સાથે મુલાકાત તો શું, તને તેમનાં દર્શન પણ નહીં થાય. એ તો સાત કોઠાવાળા કિલ્લામાં રહે છે.’
મિત્રોએ તો મને ખૂબ ચેતવ્યો. પણ મેં નાગપુર જવાનો નિર્ણય કરી જ લીધો. નાગપુર સ્ટેશન પર પહોંચતાં જ દાઢી અને લાંબા વાળવાળી વ્યક્તિએ મારું હાર્દિક સ્વાગત કર્યું અને મને ફૂલમાળા પહેરાવી. મેં ધીમેથી બાજુની વ્યક્તિને પૂછ્યું, ‘આ કોણ છે ?’ તેણે કહ્યું : ‘આ શ્રી ગુરુજી છે.’ બસ, એટલું સાંભળતાં જ હું પાણી પાણી થઈ ગયો. મને મિત્રોની વાતો યાદ આવી પણ અહીં શ્રી ગુરુજીનું મુક્ત હાસ્ય, સાદગી અને આત્મીયતા જોઈને હું આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગયો. અમારા જેવા લોકો પણ અજાણતાં જ સંઘ વિશે કેવી ખોટી ધારણાઓ બાંધી લે છે ! બીજા પણ કદાચ એવું જ કરતા હશે.
હો. વે. શેષાદ્રી
 

 
 
વિનમ્રતા
સન ૧૯૭૨માં તિરુનેલવેલ્લી જિલ્લાના ઇલિંદકરાઈ ગામમાં શ્રી ગુરુજીનું આગમન થયું. ચારસો વર્ષ પહેલાં આ ગામનાં ૭૦૦ લોકો ખ્રિસ્તી બન્યાં હતાં, પરંતુ તાજેતરમાં જ તે બધાએ ફરીથી હિન્દુ ધર્મમાં પુન: પ્રવેશ કર્યો હતો. એ લોકોના પૂજાપાઠ માટે એક મંદિર બનાવાયું હતું. તે મંદિરનો પૂજારી એક માછીમાર હતો. શ્રી ગુરુજી તે મંદિરમાં દર્શન કરવા ગયા. આરતી થઈ ગયા પછી મંદિરના પૂજારી એક થાળીમાં આરતી, પ્રસાદ અને વિભૂતિ મૂકી શ્રદ્ધાપૂર્વક શ્રી ગુરુજી પાસે ગયા, ત્યારે શ્રી ગુરુજીએ પૂજારી સામે નતમસ્તક થઈ કહ્યું, ‘આપ જ અહીંની સન્માનનીય વ્યક્તિ છો, એટલે મારા કપાળે આપ જ વિભૂતિ લગાવો ! પાસે ઊભેલા બધા લોકો શ્રી ગુરુજીની નમ્રતા જોઈ ગદ્ગદ થઈ ગયા.’ -
એલ. જી. સુબ્રમણ્યમ્ (તિરુનેલવેલ્લી)
 
જૂના મિત્રને આલિંગન
 નાગપુરમાં એક દિવસ શ્રી ગુરુજી રુઈકર પથની ડાબી તરફની ફૂટપાથ પરથી જઈ રહ્યા હતા. અમે પણ તેમની સાથે જ હતા. શ્રી પરશુરામપંત બઢિયેનું મકાન એ તરફ જ હતું અને તેઓ ઘર પાસે જ ઊભા હતા. શ્રી ગુરુજી થોડી વાર તેમની સાથે વાત કરી આગળ વધ્યા. થોડે દૂર એક દરજીની દુકાન હતી. મારે તેમની સાથે ઓળખાણ હતી. તેઓ ઉત્કૃષ્ટ કુસ્તીબાજ હતા. અમે થોડી વાત કરી. પછી હું આગળ વધ્યો જ હતો કે મારી પાછળ અટ્ટાહાસ્ય સંભળાતાં હું ઊભો રહી ગયો ને મેં પાછળ ફરી જોયું તો શ્રી ગુરુજી પેલા દરજીને ભેટી રહ્યા હતા. હું ચકિત થઈને વિચારી રહ્યો કે શ્રી ગુરુજીને આ માણસ સાથે મૈત્રી કેવી રીતે ? હું નજીક ગયો. મેં જોયું કે પેલા ભાઈ શ્રી નામપલ્લીવર સંકોચભર્યા સ્વરે કહી રહ્યા હતા, ‘ગુરુજી, તમે આ શું કરી રહ્યા છો ? ક્યાં હું અને ક્યાં તમે ? કંઈ બરોબરી જ નથી.’ આનંદિત સ્વરે ગુરુજીએ કહ્યું : ‘કેટલાં વર્ષો બાદ આપણે બંને મળી રહ્યા છીએ. શું તમને યાદ છે આપણે બંને નાગપુર વ્યાયામશાળામાં કુસ્તીનો અભ્યાસ કરતા હતા ? મને તમારા કુસ્તીના દાવપેચ હજુ યાદ આવે છે. તમને મળતાં જ એ જૂની વાત યાદ આવી ગઈ.’ શ્રી નામપલ્લીવાર ભીના સ્વરે બોલ્યા : ‘ગુરુજી, તમારા જેવી મોટી વ્યક્તિ મારા જેવા સાધારણ માણસને નથી ભૂલી એ મારું સૌભાગ્ય છે.’
ડૉ. વ. ગ. પાંડે
મંદિરપ્રવેશના અધિકારી કોણ ?
જાન્યુઆરી ૧૯૬૪માં શ્રી ગુરુજી કાલિકટ આવ્યા હતા. ત્યાં સ્વામી શ્રી કૃષ્ણાનંદજી સાથે તેમની મુલાકાત થઈ તથા અનેક વિષયો પર ચર્ચાઓ થતી રહી. એવામાં મંદિરમાં અહિંદુઓના પ્રવેશનો પ્રશ્ર્ન આવ્યો. શ્રી સ્વામીજી વિચારી રહ્યા હતા કે મુસ્લિમો અને ઈસાઈઓને મંદિરમાં શા માટે પ્રવેશ ન કરવો દેવો ? જ્યારે મસ્જિદ તથા દેવળમાં તો હિન્દુઓ સરળતાથી પ્રવેશ કરી શકે છે. શ્રી સ્વામીજીનો મત હતો કે મંદિરપ્રવેશના સંદર્ભમાં મંદિરની પવિત્રતા જાળવી રાખવાના હેતુથી પ્રવેશાર્થીઓ માટે સ્વચ્છતા, શુદ્ધતા, ચોખ્ખાં વસ્ત્રો વગેરે જેવા નિયમો લાગુ કરવા જોઈએ. એમણે આ વિષયમાં શ્રી ગુરુજીનો અભિપ્રાય માગ્યો. શ્રી ગુરુજીએ કહ્યું : બધા લોકોને મંદિરપ્રવેશની અનુમતિ આપવી એ કંઈ અઘરી વાત નથી, પણ એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે મંદિર ભગવાનનું સ્થાન છે, અને પ્રવેશનાર દરેકને એ વાતની સમજ હોવી જોઈએ. જ્યાં સુધી હિન્દુઓની વાત છે ત્યાં સુધી તેઓ મસ્જિદ તથા દેવળ પ્રત્યે પણ સમાનભાવ રાખે છે. તેઓ એ જગ્યાને પણ ઈશ્ર્વરના સ્થાન તરીકે જુએ છે. તે જ્યારે મસ્જિદ કે દેવળમાં જાય છે ત્યારે ત્યાં પણ આંખ બંધ કરીને પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરે છે. એટલે આ બંને જગ્યાએ હિન્દુઓના પ્રવેશથી કશી મુશ્કેલી થતી નથી, પણ જો આપણે બીજી તરફનો વિચાર કરીએ તો, શું મુસ્લિમ અને ઈસાઈ લોકો મંદિરને પણ ભગવાનનું જ સ્થાન સમજી ત્યાં શ્રદ્ધાપૂર્વક જવાનું પસંદ કરે છે ? મંદિરો પ્રત્યે તેમનો એવો દૃષ્ટિકોણ નથી. સમગ્ર ભારતમાં જેટલો મંદિરો તોડી પાડવામાં આવ્યાં, જેટલી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી તે મુસ્લિમો તથા ઈસાઈઓના દૃષ્ટિકોણનું પર્યાપ્ત પ્રમાણ છે. એમની તો એવી જ ભાવના છે કે મંદિર એક એવી જગ્યા છે જે ભ્રષ્ટ કરવા યોગ્ય જ છે. એટલે શું આપણે એ વાતનો વિચાર ન કરવો જોઈએ કે આવા વિધ્વંસકારીઓને મંદિરમાં મુક્ત પ્રવેશ આપવો જોઈએ કે નહીં ?’
- ડૉ. કાકાસાહેબ કુલકર્ણી
 
ભગવાધ્વજ સમક્ષ સમર્પણ એ જ ગુરુદક્ષિણા
૧૯૪૭માં શ્રી ગુરુજીના મહારાષ્ટ્ર પ્રવાસનો આ પ્રસંગ છે. સતારા જિલ્લાના એક ગામમાં શાસકીય પ્રતિબંધને કારણે જાહેર શાખા ચલાવવી એ ખૂબ મુશ્કેલ કાર્ય બન્યું હતું. એ કારણે ત્યાંના કાર્યકર્તાઓએ શ્રી ગુરુદક્ષિણા ઉત્સવ સંપન્ન કરવા માટે એક સ્વયંસેવકને ઘેર સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું. ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પૂજા કરાવનાર પંડિતજી સાથે પણ વાત થઈ ગઈ હતી કે આ નિમિત્તે જે કંઈ ધન જમા થાય તે અમે ગુરુદક્ષિણાના ‚પમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આપી દઈશું. પંડિતજીએ પણ આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
શ્રી ગુરુજી જ્યારે એ ગામમાં આવ્યા ત્યારે તેમને ગુરુદક્ષિણા ઉત્સવની માહિતી આપવામાં આવી એ પછી એમણે બેઠક દરમિયાન કહ્યું : ‘સ્વયંસેવકોએ ભગવાધ્વજની પૂજા કરી, એ ધ્વજ સમક્ષ જે રાશિ સમર્પિત કરી હોય તે જ સંઘની ગુરુદક્ષિણા છે. જો સ્વયંસેવકોએ સત્યનારાયણ ભગવાનની કથામાં ધન અર્પણ કર્યું હોય તો તે પૂજા કરાવનાર પંડિતજીનું જ છે. સૌ પ્રથમ એ ધન તે પંડિતજીને પહોંચાડો અને તે વિશે મને તરત જાણ કરો.’
આ વિ. કુબેર
પૂર્ણ સ્વયંસેવક
 ઈ.સ. ૧૯૩૮ની ઘટના છે. નાગપુરના સંઘ શિક્ષા વર્ગમાં આદ્ય સરસંઘચાલક ડૉ. હેડગેવારજીને શ્રદ્ધાનિધિ સમર્પિત કરવાનો કાર્યક્રમ હતો. પ્રત્યેક સ્વયંસેવક એ શ્રદ્ધાનિધિમાં પોતપોતાની રાશી (રકમ) સમર્પિત કરી રહ્યો હતો. કોણે કેટલી રાશિ સમર્પિત કરી તે બીજાઓએ જાણવું બિલકુલ જરૂરી નહોતું. એક સ્વયંસેવકે પોતાના હાથમાંની ઘડિયાળનો સોનાનો પટ્ટો કાઢીને શ્રદ્ધાના પ્રતીકરૂપે શ્રદ્ધાનિધિમાં અર્પણ કર્યો. સ્વાભાવિકપણે બધા સ્વયંસેવકોએ તેની પ્રશંસા કરી. એ સંઘ શિક્ષા વર્ગના સર્વાધિકારી હોવાને કારણે જ્યારે શ્રી ગુરુજીનું પ્રવચન થયું ત્યારે તેમણે એ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું, ‘સોનાનો પટ્ટો શ્રદ્ધાનિધિમાં સમર્પિત કરનાર સ્વયંસેવકના મનમાં ડૉક્ટર સાહેબ પ્રત્યે અપાર પ્રેમ, શ્રદ્ધા અને આદર છે એ તો માનવું જ પડશે, પરંતુ તેમનું સ્વયંસેવકત્વ હજુ અપૂર્ણ છે. શ્રદ્ધાનિધિમાં બીજા બધા સ્વયંસેવકોએ પોતપોતાની રાશી અર્પણ કરી, તેમાં કોઈનું પૃથક્ (અલગ) સમર્પણ દેખાતું નથી. પણ આ સ્વયંસેવકે બધાની જેમ ન કરતાં, વિશેષરૂપે, બધાને જાણ થાય એ રીતે સમર્પણ કર્યું. એ પાછળ તેમનો અહંકાર તથા મોટાઈની ભાવના સુષુપ્ત રીતે પડેલી જોઈ શકાય છે.’ શ્રી ગુરુજીના આ શબ્દો સાંભળી અમને બધાને ધક્કો લાગ્યો અને બીજી જ ક્ષણે સ્વયંસેવક બનવા માટે અહંકાર તથા ‘હું’પણાનો ત્યાગ કરવો કેટલો જરૂરી છે તેનો બોધ અમને મળ્યો.
- દીનદયાળ ઉપાધ્યાય
શરીર પર નિયંત્રણ
ઈ.સ. ૧૯૪૩-૪૪ આસપાસની વાત છે. શ્રી ગુરુજીના જમણા હાથમાં ખૂબ પીડા થવા લાગી. એલોપેથ્સના કહેવા મુજબ આ પીડાનું ખરું કારણ દાંત છે એટલે દાંત કાઢી નાંખવો જોઈએ. તો હોમિયોપેથ્સની સલાહ મુજબ દાંત કાઢવાની કોઈ જરૂર રહેતી નહોતી. આ બંનેના વિરુદ્ધ અભિપ્રાયો વચ્ચે શ્રી ગુરુજી બે વર્ષ સુધી હાથની પીડા સહન કરતા રહ્યા. વળી, થોડા સમય બાદ દાંતમાં પણ પીડા થવા લાગી. એટલે દાંત કઢાવી નાખવાનો નિર્ણય લેવાયો. એ માટે તેઓ કાશી ગયા. ત્યાં એક જ દાંતમાં પીડા થતી હોવા છતાં ડૉક્ટરે બધા દાંત કાઢી નાંખવાનો નિર્ણય લીધો અને એ માટે પેઢાંને ઇન્જેક્શન લગાવી ખોટા પાડી દેવાનો પ્રસ્તાવ શ્રી ગુરુજી સમક્ષ મૂક્યો. શ્રી ગુરુજીએ આ ઇન્જેક્શન લેવાની ચોખ્ખી ના પાડી દીધી. શ્રી ગુરુજીએ ઇન્જેક્શન લીધા વગર જ બધા દાંત કઢાવ્યા. કલ્પના કરી શકો કે કેટલી પીડા થઈ હશે ?! પણ તેમણે મુખ પર દુ:ખ કે પીડાની આછી રેખા પણ ન ફરકવા દીધી. અને એટલું જ નહીં, જબલપુર પાસે ગાડરવાડાની શિબિર પર આવ્યા અને બધાની ધારણા વિરુદ્ધ બે કલાક સુધી અસ્ખલિત પ્રવચન કર્યું. શ્રી ગુરુજીનું આવું દૃઢ મનોબળ તથા શરીર પરનું તેમનું નિયંત્રણ લોકોને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી દેવા માટે પૂરતું છે.
બાબાસાહેબ આપટે