શ્રદ્ધાંજલિ : ૧૯૪૦ થી ૨૦૧૮ સુધી ચાલતી મુઝફ્ફર હુસેનની કલમ થંભી ગઈ

    ૨૩-ફેબ્રુઆરી-૨૦૧૮


 

છેલ્લાં ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથીસાધનાસાપ્તાહિક સાથે જોડાયેલા રાષ્ટ્રવાદી મુસ્લિમ વરિષ્ઠ લેખક શ્રી મુઝફ્ફર હુસેનનું તા. ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૧૮નાં રોજ દુ:ખદ અવસાન થયું છે. તેમનાં મૃત્યુ સાથે રાષ્ટ્રવાદ માટે સતત ચિંતા કરતી, લખતી, છણાવટ કરતી કલમ શાંત થઈ ગઈ.

શ્રી મુઝફ્ફર હુસૈનનો જન્મ ૨૦ માર્ચ ૧૯૪૦ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. શ્રી મુઝફ્ફર હુસેન ૨૫ વર્ષ કરતા વધુ સમયથી રા. સ્વ. સંઘ સાથે જોડાયેલાં હતા. જીવનનાં છેલ્લાં શ્ર્વાસ સુધી તેઓશ્રી રાષ્ટ્રના હિતના કાર્ય સાથે જોડાયેલા રહ્યા તેમજ ગુજરાતમાં ૨૦૦૨ પછી તે સમયના સંઘના પરમ પૂજનીય આદરણીય સરસંઘચાલક મા. શ્રી સુદર્શનજીના આદેશથી રાષ્ટ્રનાં મુસ્લિમ સમાજમાં રાષ્ટ્રભાવના જાગે હેતુથી "રાષ્ટ્રવાદી મુસ્લિમ આંદોલન એક નઈ રાહની સ્થાપના થઈ ત્યારે મંચના રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી શ્રી મુઝફ્ફર હુસેને સંભાળી હતી. તેઓશ્રીએ ખૂબ મહેનત કરી મુસ્લિમ સમાજને રાષ્ટ્રની વિચારધારા સાથે જોડી સમાજમાં રાષ્ટ્રહિતનાં કાર્યો કર્યાં હતા. હિન્દુ રાષ્ટ્રની સ્થાપના, ગૌરક્ષાના કાર્યો, રામમંદિરનાં નિર્માણ કાર્યો, કલમ ૩૭૦ દૂર કરવી વગેરે દેશહિતનાં કાર્યોમાં શ્રી મુઝફ્ફર હુસેને તન, મન, ધનથી કાર્ય કર્યું હતું. દુનિયાના મુસ્લિમ દેશોમાં મુસ્લિમ સમાજની સ્થિતિના પ્રમાણમાં ભારતમાં વસતા મુસ્લિમો ઘણી સારી પરિસ્થિતિમાં છે, તેવું તેમણે સંશોધન પૂર્વક સાબિત કર્યું હતું.

શ્રી મુઝફ્ફર હુસેનની કલમ હમેશાં રાષ્ટ્રહિત માટે ઊઠી હતી. પાકિસ્તાનના અને અન્ય મુસ્લિમ રાષ્ટ્રોનાં ઉર્દૂ અખબારો/સામાયિકોનો તેઓ ઊંડાણપૂર્વક અભ્યાસ કરતાં અને ત્યારબાદ ત્યાંની સ્થિતિનો તાદૃશ ચિતાર તેમની કોલમોમાં રજૂ કરતાં હતા. તેના કારણે ભારતમાં મુસ્લિમ દેશોની સ્થિતિ, વિચાર, તેમની માન્યતાઓ અંગે વાચકો, સમાજ, સરકારને ખ્યાલ આવતો હતો.

શ્રી મુઝફ્ફર હુસેને આજીવન રાષ્ટ્રહિતમાં કાર્ય કર્યું. ભારત સરકારે તેમને પદ્મશ્રી એનાયત કરીને તેમનાં કાર્યને બિરદાવ્યું હતું. ઉપરાંત મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર તરફથી તેમને અનેક પુરસ્કાર મળ્યા હતાં. મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૪માં તેમને લોકમાન્ય તિલક જીવન ગૌરવ પુરસ્કાર એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું. ઉપરાંત, રાજમાતા પત્રકારિતા પુરસ્કાર, રામમનોહર ત્રિપાઠી પુરસ્કાર, પત્રકાર કેસરી પુરસ્કારથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુઝફ્ફર હુસેનેઇસ્લામ ઔર શાકાહાર’, મુસ્લિમ માનસશાસ્ત્ર, ‘અલ્પસંખ્યક વાદ - એક ધોખા’, ‘ઇસ્લામ ધર્મ મેં પરિવાર નિયોજન’, ‘લાદેન’, ‘દહશતવાદ ઔર અફઘાનિસ્તાન’, ‘સમાન નાગરિક કાયદાજેવાં પુસ્તકો પણ લખ્યાં છે. જે ખૂબ ચર્ચામાં રહ્યાં છે. એક રાષ્ટ્રવાદી વિચારક અને નિડર પત્રકાર યોદ્ધા તરીકે તેઓ જાણીતા હતા.

ઉલ્લેખનીય છે કે સ્વ. મુઝફ્ફરજીનો નાતો ગુજરાત સાથે પણ હતો. તેમના ધર્મપત્ની ગુજરાતના સિદ્ધપુરનાં છે. સ્વ. મુઝફ્ફર હુસેનની વિદાયથી એક મોટી ખોટ પડી છે. ‘સાધનાપરિવારે એક વરિષ્ઠ લેખક અને વિચારક ગુમાવ્યા છે. ‘સાધનાતેમને અશ્રુભરી શ્રદ્ધાંજલિ પાઠવે છે.

 

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પહેલા રાષ્ટ્રીય સંયોજક તથા સંસ્થાપક સભ્યોમાના એક એવા પદ્મશ્રી મુઝફ્ફર હુસેનનું અવસાન થયું છે. તેમને જન્નતમાં જગ્યા મળે તેવી પ્રાર્થના. મુસ્લિમ રાષ્ટ્રીય મંચની દરેક શાખાઓ અને કાર્યકર્તાઓને વિનંતી છે કે તેમના પરિવારની સાથે એક જૂટ થઈ તેઓ ઊભા રહે. મુઝફ્ફર હુસેનના પરિવારને અસહનીય કષ્ટ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના.

- ઇન્દ્રેશ કુમાર (રા.સ્વ.સંઘ કાર્યકારી મંડળ સદસ્ય)

મારા અંગત માર્ગદર્શક હોવા છતાં તેઓશ્રીએ ૨૦૦૨માં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ - ગુજરાત રાજ્યના સંયોજકની મને જવાબદારી આપી હતી. તેઓ હંમેશા બીજાનું ભલું કરનારા અને રાષ્ટ્રના સાચા દેશભક્ત હતા. માલિક તેમને મગફેરત (મોક્ષ) આપે એવી દુઆ.

- યાસીન અજમેરવાલા (સદસ્ય હજ કમિટી, ગુજરાત રાજ્ય)