વિજ્ઞાન : ચીની સ્પેસ સ્ટેશન નીચે આવ્યું, હજુ કેટલી સામગ્રી આવવાની બાકી છે ?

    ૧૨-એપ્રિલ-૨૦૧૮
 
 
જેમ પૃથ્વી પર જાતભાતની પ્રયોગશાળા હોય છે, એવી પ્રયોગશાળા આકાશમાં પણ છે. તેને સ્પેસ સ્ટેશન નામ આપવામાં આવે છે. અત્યારે ૪૦૦ કિલોમીટર ઊંચે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) કામ કરે જ છે. ફૂટબોલના મેદાન જેવડું એ કદાવર સ્ટેશન અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાના ક્ધટ્રોલમાં છે. જોકે સોળ દેશોનું સહિયારું સાહસ છે, પણ વહિવટ નાસા સંભાળે છે. હમણાં ચીનનું સ્પેસ સ્ટેશન પૃથ્વી પર તૂટી પડ્યું. ખરેખર તો તૂટી પડતાં પહેલા હવામાં જ સળગી ગયું અને કેટલોક ભંગાર દરિયામાં વેરાયો. ડર હતો એ પ્રમાણે કોઈ નુકસાન ન થયું. પણ ૨૦૨૪માં આઈએસએસ પોતે પૃથ્વી પર ખાબકવાનું છે. વીસ વર્ષથી આઈએસએસ કક્ષામાં છે, હવે પાંચ વર્ષનો કાર્યકાળ બાકી છે. એ પછી નિવૃત્ત થશે. નિવૃત્ત થઈને આવશે તો પૃથ્વી પર જ. ૪૫૦ ટનનું એ મથક પૃથ્વી પર આવશે ત્યારે બેશક હાહાકાર મચવાનો છે. ત્યારની વાત ત્યારે.. પણ અત્યારે પહેલાં ચીની અવકાશમથકને સમજી લઈએ.
 
માત્ર ઉપગ્રહો લોન્ચ કરવાથી સ્પેસમાં મહસત્તા બની શકાતું નથી. ચીનની ઇચ્છા મહાસત્તા બનવાની છે. ભલે કેટલાક મુદ્દે એ ભારતથી પણ પાછળ હોય. એટલે ચીને ૨૦૧૧માં પોતાનું અંગત સ્પેસ સ્ટેશન ટિઆનગોંગ-૧ લોન્ચ કરી દીધું. ૮૫૦૬ કિલોગ્રામનું એ સ્પેસ સ્ટેશન ઉપગ્રહની માફક ફરતું થયું અને નિયમિત રીતે ચીને અવકાશયાત્રીઓ તેમાં આવ-જા કરતા હતા. એટલા પૂરતી ચીને અમેરિકાની બરોબરી કરી લીધી હતી. ચીને માત્ર પ્રયોગ કરવા માટે જ આ મથક આકાશમાં ચડાવ્યું હતું. ૨૦૧૩માં છેલ્લા અવકાશયાત્રીઓ પરત આવ્યા પછી એ ખાલી હતું અને નિયત કક્ષામાં ઘૂમી રહ્યું હતુ.
 
૨૦૧૬માં ગરબડ શરૂ થઈ. અવકાશથમક સાથે ચીનનો સંપર્ક તૂટી ગયો. આકાશમાં ઘૂમતા તમામ પદાર્થો પૃથ્વી પરથી ક્ધટ્રોલ થતા હોય છે. એ ક્ધટ્રોલ બંધ થાય તો અકસ્માત સર્જાઈ શકે. ચીને જોકે વાત ગુપ્ત રાખી. પરંતુ અવકાશમાં નજર રાખીને બેઠેલા ઘણા સંશોધકો અને નાસા જેવી સંસ્થાઓની નજરથી એ બચી શક્‌યું નહી. ટિઆનગોંગ-૧ (જેનો અર્થ સ્વર્ગ જેવી જગ્યા એવો થાય છે) ધીમે ધીમે ભ્રમણકક્ષામાં નીચે ઊતરતું હતું. તેનો સાફ મતલબ હતો કે એક દિવસ એ નીચે ખાબકશે.
 
આકાશમાં રહેલા નિષ્ક્રિય ઉપગ્રહો પણ પોતાની કક્ષા ગુમાવતા હોય છે. ઈસરોનો તાજેતરમાં નિષ્ફળ રહેલો ઉપગ્રહ જીસેટ-૬એ પણ આ રીતે ઘૂમે છે અને ધીમે ધીમે નીચે આવશે. પરંતુ ઉપગ્રહનું કદ નાનુ હોય એટલે એ નીચે પડીને દેકારો બોલાવે એવી શક્‌યતા ઓછી છે. જ્યારે સાડા આઠ ટનનું અવકાશમથક પરત આવતી વખતે આખું સળગી ન શકે. કેટલોક ભાગ નીચે આવે જ. એ ભાગ કોઈ જમીની વિસ્તારમાં પડે તો ત્યાં ગબરડ સર્જે.
 
ગયા અઠવાડિયે શનિવારથી લઈને સોમવાર સુધીમાં મથક પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાનું હતું. પણ ક્‌યાં પડશે એ જાણી શકાયું ન હતું. રશિયા, કેનેડા અને ઉત્તરી યુરોપ એટલે કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધનો થોડો ભાગ એવો છે, જ્યાં સ્પેસ સ્ટેશન પડવાની શક્‌યતા બિલકુલ નહિંવત્ છે. બાકીના ભાગમાં એટલે કે લગભગ આખી પૃથ્વી પર પતનનો ડર હતો. પણ ૨ એપ્રિલે એ દક્ષિણ પેસેફિક મહાસાગરમાં તાહિતી ટાપુ પાસે દરિયામાં તૂટી પડ્યું. કોઈ નુકસાન ન થયું.
 
***
 
દરેક વાતે નંબર વન રહેવાની મહત્વાકાંક્ષા ધરાવતા ચીનની એવી ઇચ્છા છે કે અવકાશમાં એ ઝડપથી મહાસત્તા બને. માટે ચીન આકાશમાં પણ ઘણા આંતરરાષ્ટ્રીય કાયદા કાનૂન ભંગ કરીને એક પછી એક સાહસ ઉભાં કરી રહ્યું છે. જેમ કે ટિઆનગોંગ-૧ પર છેવટ સુધી કાબૂ રાખવાની ત્રેવડ ન રહી તો પણ ચીને ટિઆનગોંગ-૨ લોન્ચ કરી દીધું છે. ૨૦૦૩માં ચીને પ્રથમવાર અવકાશયાત્રીને અવકાશમાં મોકલ્યો ત્યારે આવી સિદ્ધિ હાંસલ કરનારો એ રશિયા-અમેરિકા પછી ત્રીજો દેશ હતો. ચીનનો ઉત્સાહ આસમાની હોવાનું કારણ એ જ છે. ત્યાર પછીથી ચીને નીત-નવા સ્પેસ કાર્યક્રમો આગળ ધપાવ્યા છે. હવે ચીનનું આયોજન મંગળ સુધી પહોંચવાનું અને સ્પેસ કોલોની એટલે અવકાશમાં બાંધકામ કરવાનું છે.
 
***
 
બીજી તરફ પૃથ્વીની માફક આકાશમાં પણ ભંગાર ફેલાઈ ચૂક્‌યો છે, કેમ કે સતત ઉપગ્રહ લોન્ચ થાય છે અને વારંવાર અવકાશ પ્રવાસ પણ યોજાય છે. અવકાશી ભંગારની કોઈ નવાઈ નથી, પરંતુ પૃથ્વી પર આવીને કોઈનો જીવ લે એવી ઘટના રેર કિસ્સામાં બનતી હોય છે. ૧૯૯૭માં અમેરિકાના ઓકલોહામાંમાં ડેલ્ટા રોકેટનો ભંગાર પડ્યો એમાં લોટિસ નામની મહિલાને મામુલી અસર થઈ હતી. સ્પેસ શટલ કોલંબિયા ૨૦૦૩માં તૂટી પડ્યું ત્યારે તેમાં રહેલા સાતેય અવકાશયાત્રીઓનાં મોત થયાં હતાં. ૮૦,૦૦૦ ટુકડામાં ફેલાયેલો તેનો ભંગાર અમેરિકાના ઉત્તર ભાગમાં ઠેર ઠેર વેરાયો હતો. પરંતુ એ પરત આવતી વખતની દુર્ઘટના હતી.
 
૧૯૭૯માં નાસાનું ૭૭ ટન વજનનું કદાવર અવકાશમથક સ્કાયલેબ ઓસ્ટ્રેલિયાના પશ્ર્ચિમ ભાગમાં ખાબક્‌યું હતું. એ વિસ્તાર રણપ્રદેશ હોવાથી ઓસ્ટ્રેલિયાને ખાસ નુકસાન થયું ન હતું. છતાં પણ અમેરિકી સરકારે નિયમ પ્રમાણે ઓસ્ટ્રેલિયાને ૪૦૦ ડોલરનું મામૂલી વળતર ચૂકવવું પડ્યું હતું. છેલ્લે ૧૯૯૧માં રશિયાનું અવકાશમથક સલ્યુત-૭ પૃથ્વી પર પતન પામ્યું હતું. ત્યારે પણ ખાસ કોઈ નુકસાન થયું ન હતું.
 
પરંતુ આકાશમાં જે રીતે ભીડભાડ વધી રહી છે, એ જોતા હવે હીટ એન્ડ રન પ્રકારના કિસ્સા ત્યાં પણ વધે એવી શક્‌યતા પૂરી છે. અગાઉ બે ઉપગ્રહો અથડાવાની રેર કહી શકાય એવી દુર્ઘટના નોંધાઈ ચૂકી છે. સ્પેસ ડેબરી એટલે કે ભંગારનું પ્રમાણ રોજ રોજ વધી રહ્યું છે. ૨૦૧૬ના આંકડા પ્રમાણે આકશમાં ૧૭ હજારથી વધું માનવસર્જિત પદાર્થો ફરી રહ્યા છે. તેમાં એમાં નાનકડા નટ-બોલથી માંડીને ૧૪૦૦ જેટલા વિવિધ દેશોના ઉપગ્રહોનો પણ સમાવેશ થાય છે. એ બધા પદાર્થો પૃથ્વી પર આવીને દુર્ઘટના સર્જવાના નથી, પરંતુ ભવિષ્યની અવકાશયાત્રા વખતે તો નડતરરૂપ થવાના છે. ટિઆનગોંગે સદ્ભાગ્યે કોઈ દુર્ઘટના ન નોંધાવી, પરંતુ ભવિષ્યમાં દુર્ઘટના નહીં નોંધાય એમ માનવાને કોઈ કારણ નથી.
 
અવકાશમાંથી કોણ કોણ પૃથ્વી પર ઊતર્યું છે ?
 
જે રીતે સતત અવકાશ પ્રવાસ યોજાઈ રહ્યા છે અને ઉપગ્રહો છોડાઈ રહ્યા છે, એ જ ઝડપે અવકાશમાંથી પૃથ્વી પર લાવવી પડે એવી ચીજોનું લિસ્ટ પણ વધી રહ્યું છે. જેમ કે સ્પેસ શટલ પ્રોગ્રામ ૩ દાયકા ચાલ્યો એ દરમિયાન તેની ૧૩૪ બાહ્ય ટેન્ક અવકાશમાંથી પૃથ્વી પર લાવવી પડી હતી. ઘણાખરા કિસ્સામાં અવકાશી પદાર્થોને સંપૂર્ણપણે કાબૂમાં રાખીને નીચે ઉતારાય છે. એટલે કોઈ નુકસાન કે હોબાળો થતો નથી. પરંતુ કાબૂમાં ન રહ્યા હોય એવા ટિઆનગોંગ-૧ના ભાઈ-બહેનો ભૂતકાળમાં ઘણા નોંધાયા છે. એમાંથી કેટલાંક નામ...
 
 
સ્પેસ-સ્ટેશન                            દેશ          વજન (ટન)             લોન્ચિંગ તારીખ          પતન તારીખ
સેલ્યુત-૭                                 રશિયા           ૪૦                        ૧૩ મે, ૧૯૮૨ ૭            ફેબુ્રઆરી, ૧૯૯૧
સ્કાયલેબ                                 અમેરિકા        ૬૯                        ૧૪ મે, ૧૯૭૩               ૧૧ જુલાઈ, ૧૯૭૯
કોસ્મોસ ૫૫૭                          રશિયા           ૧૯                        ૧૧ મે, ૧૯૭૩               ૨૨ મે, ૧૯૭૩
એપોલો-૫નો કેટલોક ભાગ         અમેરિકા       ૧૭                     ૨૯ જાન્યુઆરી, ૧૯૬૪   ૩૦ એપ્રિલ, ૧૯૬૬
એપોલો-૬એનો કેટલોક ભાગ      અમેરિકા       ૧૬                        ૨૮ મે, ૧૯૬૪                 જુન, ૧૯૬૪
એપોલો-૭એનો કેટલોક ભાગ     અમેરિકા        ૧૬                     ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૪   ૨૨ સપ્ટેમ્બર, ૧૯૬૪