જ્યારે પોપટભાઈએ સૌને સંપનું મહત્વ સમજાવ્યુંં

    ૧૭-એપ્રિલ-૨૦૧૮


 

એક દિવસની વાત છે. પ્યારા પોપટભાઈ વિશ્ર્વભ્રમણ કરવા માટે નીકળ્યા અને તેમણે જોયું કે આજકાલના બુદ્ધિશાળી લોકો તો સાયબર કાફેમાં કમ્પ્યુટર પર બેઠા હોય છે. ત્યાં બેઠાં-બેઠાં બધા સાથે વાતો કરે, મજા માણે અને આપણે તો બસ આમ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જઈ રહેવાનું ! આવું કંઈ જીવન હોય ! આમ સતત પોપટભાઈ વિચારતા જાય અને પાછા પોતાના મનને આશ્ર્વાસન આપતા જાય કે ના... ભાઈ ના... એવું કંઈ હોય. હું પણ કંઈક બદલાવ જરુર લાવીશ. અને અચાનક પોપટભાઈના મનમાં વિચાર ઝબક્યો કે ચાલ, હું એક કાફે અહીં જંગલમાં ખોલું અને મારા મિત્રોને કોમ્પ્યુટર શીખવું. અમે બધાં ગીતો પણ સાંભળી શકીએ. ગેમ રમી શકીએ અને વિદેશમાં રહેલા મિત્રો સાથે ચેટીંગ પણ કરી શકીએ. આમ વિચારીને પોપટભાઈએ તો જંગલમાં પચ્ચીસ-ત્રીસ કમ્પ્યુટર સાથે એક કાફે ખોલ્યું અને ચકલી, કાબર, કાગડો, કબૂતર, મેના, હોલો, મોર, લક્કડખોડ વગેરે પક્ષીઓ દરરોજ કાફેમાં આવતાં થયાં અને ઇન્ટરનેટનો આનંદ લેવા લાગ્યાં. તેઓ તો ફેસબૂકમાં ચેટીંગ કરવા લાગ્યાં હતાં. ચતુર અને હોશિયાર પક્ષીઓ !

આમ કેટલાય દિવસો સુધી ચાલ્યું અને બધાં પક્ષીઓ બહારની દુનિયામાં આવવાને બદલે બસ કમ્પ્યૂટરની દુનિયામાં મસ્ત બની ગયા. હવે ગીતો સાંભળવામાં, ગેમ રમવામાં અને દૂર-દૂરનાં પક્ષીમિત્રો સાથે ચેટીંગ કરવામાં તેમને અત્યંત આનંદ આવતો હતો. બધાં પક્ષીઓને આનંદમાં જોઈને સી.પી.યુ. એક રાત્રે મોનિટરને કહ્યું, ‘જોયું મારું મહત્ત્વ કેટલું બધું છે ! હું છું તો બધા આનંદ કરી શકે છે અને તેઓનું કામ થઈ શકે છે. મારા વગર તો બધું નકામું છે ભાઈ, સાવ નકામું.’ સાંભળીને માઉસથી રહેવાયું નહીં અને તેણે કહ્યું, ‘બસ ભાઈ! બડાઈ કર. હું છું તો તમે કામ કરી શકો છો. બાકી તો ભંગાર છો.’ આમ ઝઘડો ચાલતો હતો ત્યાં મોનિટર અને કી બોર્ડથી રહેવાયું નહીં અને તેઓ પણ સાથે જોડાયાં અને ઝઘડવા લાગ્યા. દરેક એમ વિચારતા હતા કે મારું મહત્ત્વ વધારે છે. મોનિટર તો કહે છે કે, ‘મારા વગર તમે તમારું રિઝલ્ટ મેળવી શકો.’ કી બોર્ડ કહે, ‘મારા વગર તો તમે પ્રોગ્રામિંગ પણ કરી શકો.’ બધાનો ઝઘડો અને અહંકાર જોઈને વીજળીબાઈથી રહેવાયું અને તેણે કહ્યું, ‘બસ ભાઈઓ ! તમે બધા હોવ પણ જો હું હોઉં તો આનંદ શક્ય નથી.’ આમ, બધા રાખી રાત અંદરો-અંદર ઝઘડતાં રહ્યા. ત્યાં સવાર પડી ગઈ જેનો કોઈને ખ્યાલ રહ્યો. સવાર પડતાંની સાથે પોપટભાઈ શુટ, પેન્ટ અને ટાઈ સાથે ટિપ-ટોપ થઈને ઓફિસ પહોંચ્યા અને બધાનો અંદરો-અંદરનો ઝઘડો જોઈ દંગ રહી ગયા.

થોડી વાર સુધી તો પોપટભાઈએ બધું ઊભાં-ઊભાં માત્ર જોયું અને સાંભળ્યું, પછી વિચારવા લાગ્યા કે, ‘શું કરવું ? હવે આમને કેવી રીતે સમજાવવા?’ થોડી વારમાં તો કોયલ, કાગડો, મોર, હોલો કબૂતર, ચકલી, લક્કડખોદ બધાં આવી ગયાં અને ઝઘડો જોઈને દંગ રહી ગયાં. કહેવા લાગ્યાં કે, ‘કેવા મૂર્ખ છે બધા ! અંદરો અંદર ઝઘડો થોડો કરાય ?’ બધા તેઓની મૂર્ખતા પર હસવા લાગ્યા. શાંતિથી ઊભેલા બુદ્ધિશાળી પોપટભાઈના મનમાં વીજળીના ઝબકારાની માફક એક વિચાર ઝબક્યો અને તેમણે કમ્પ્યુટરના બધા ભાગોને અલગ અલગ કરી નાખ્યા. એક બાજુ સી.પી.યુ., મોનિટર તો બીજી બાજુ માઉસ અને કી-બોર્ડ મૂક્યા. વીજળીની લાઈન પણ કાપી નાખી. પછી બધા ભાગોને કહ્યું, ‘ચાલો મારું કામ કરો. મારે મારી મિત્ર મેના સાથે ચેટીંગ કરવું છે.’ મોનિટર, સી.પી.યુ., માઉસ અને કી-બોર્ડ સાથે વીજળી તું પણ તારું કામ શરુ કરી દે.

પોપટભાઈએ કાગડાભાઈને કહ્યું, ‘સી.પી.યુ. પ્રોગ્રામિંગ બરાબર નથી અને મોનિટર બરાબર આઉટપુટ આપતું નથી. બધું ભંગારમાં નાખી દો. હવે આનું કંઈ કામ નથી. હવે તે મહત્ત્વનાં નથી રહ્યા. સાવ નકામાં થઈ ગયાં છે.’

સાંભળી બધા ભાગો જાણો ડાહ્યાડમરા થઈ ગયા હોય તેમ એક સાથે બોલ્યા, ‘ના, પોપટભાઈ ના, અમે નકામા નથી થઈ ગયા. તમે અમને બધાને એક સાથે જોડી દો પછી અમે બધા સાથે મળીને તમને સુંદર કામ કરી આપીશું. તમારી મિત્ર મેનાને પણ ખુશ કરી દઈશું.’ સાંભળી પોપટભાઈ બોલ્યા, ‘સમજ્યા મિત્રો, જ્યારે બધા સંપથી રહે છે ત્યારે તેનું અને તેના કામનું મહત્ત્વ વધે છે. તમને બરાબર સમજાયું કે નહીં ?’ બધા ભાગો સાથે બોલ્યા, ‘હા, પોપટભાઈ હા... તમે તો અમને બધાને સંપથી રહેતાં શીખવી દીધું અને સાથે આનંદ કરતાં પણ શીખવી દીધું.’