ટોપલો માટી - એક વિધવાબહેને જ્યારે જમીનદારને પાઠ ભણાવ્યો

    ૧૮-એપ્રિલ-૨૦૧૮

 
 
ટોપલો માટી
 
એક જમીનદાર હતો. તેણે એક ગરીબ વિધવા બાઈનું ખેતર જોરજુલમ કરી સરકારમાં લાંચ આપીને પડાવી લીધું. બાઈએ ઘણા કાલાવાલા કર્યા પણ તેનું સાંભળે કોણ ? સૌ કોઈ સમજતા હતા કે જમીનદારનો અન્યાય છે, છતાં કહે કોણ ? અંતે બાઈ મૂંઝાઈ અને જમીનદાર પાસે ગઈ. જમીનદાર આંખ કાઢીને બોલ્યો : ‘પાછી અહીં કેમ આવી ? ચાલી જા.’
બાઈ બોલી : ‘ભાઈસાહેબ ! હું આપને વિનંતી કરું છું કે, મારું ખેતર તમે લીધું તેની હરકત નહીં, હું બીજે ગામે જઈ મજૂરી કરી ગુજરાન ચલાવીશ, પણ મારા ખેતરમાંથી એક ટોપલો માટી લેવા દો તો બહુ સારું, કારણ કે આ મારા ખેતરની માટી છે એટલું મને યાદ રહે.’
 
જમીનદારે માટી લેવાની હા કહી, છતાં તેને બાઈનો વિશ્ર્વાસ નહીં આવવાથી તે સાથે ગયો. બાઈએ રડતાં રડતાં માટી ખોદી, ટોપલો ભર્યો, છતાં પથ્થર જેવું જમીનદારનું હૃદય પીગળ્યું નહીં. ટોપલો ભરી બાઈએ કહ્યું, : ‘જરા ટોપલો ચઢાવો.’
જમીનદાર ટોપલો સહેજ ઊંચો કર્યો. ટોપલો ખૂબ વજનદાર હતો. જમીનદાર બાઈને ટોપલો માથે ચઢાવતાં બોલ્યો: ‘અરે બાઈ, આ ટોપલમાં ખૂબ વજન છે, આટલો બધો ભાર ઉઠાવીશ, તો મરી જઈશ.’
 
એટલે બાઈ બોલી : ‘હું મારા ખેતરની એક ટોપલો માટીથી મરી જઈશ, તો પછી તમે બીજાનું આખું ખેતર પડાવી લીધું છે તે કેવી રીતે પચાવી શકશો ?’ આ વાક્ય સાંભળી જમીનદાર પોતાની ભૂલ સમજ્યો અને તેના પગ ઢીલા પડી ગયા. તેણે બાઈની માફી માગી અને ખેતર તેને પાછું આપ્યું.