ફેક ન્યુઝ એટલે શું? તેનો ઓળખો, સમજો અને આ રીતે તપાશો!

    ૨૦-એપ્રિલ-૨૦૧૮

 
 
આ માહિતીની યુગ છે. ડેટાનો યુગ છે. ઈન્ટરનેટનો યુગ છે. સોશિયલ મીડિયાનો યુગ છે. કોઇ પણ માહિતી હોય તેની ત્રીજી સેકેન્ડે એ દુનિયા ફરી શકે છે. આજે માનવની આટલી શક્તિ વધી છે. પણ શક્તિનો સારો ઉપયોગ થવો જોઇએ. ધણા લોકો છે જે પોતાની ખરાબ મંશા પૂર્ણ કરવા આ મીડિયનો ખોટો ઉપયોગ કરે છે. લોકો સોધિયલ મીડિયા પર અફવા ફેલાવવા તથ્યહિન કે ફેક ન્યુઝ વાઈરલ કરી રહ્યા છે અને દેશ તથા સમાજનું નુકશાન કરી રહ્યા છે. આવા લોકોને જવાબ માત્ર જનતા જ આપી શકે. જો ફેક ન્યુઝને ખરેખર ફેક બનાવવા હશે તો જનતાએ જાગ્રુત થવું પડશે. જાગૃત થવા આપણે ફેક ન્યુઝને સમજવા પડે. આ સ્ટોરી દ્વારા તે સમજાવવાનો પ્રયાસ થયો છે….આવો જાણીએ અને જાગૃત બનીયે….

પહેલા જુવો ફેક ન્યુઝના કેટલાક ઉદાહરણો…
સરસંઘચાલકજી ડૉ. મોહનજી ભાગવતના નકલી એકાઉન્ટ મારફતે ભડકાઉ ટિપ્પણી
 
તાજેતરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત પણ નકલી એકાઉન્ટ થકી જુઠ્ઠાણાભર્યા સમાચારનો શિકાર બન્યા હતા. તેમના નામનું નકલી એકાઉન્ટ બનાવી અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને લઈને આપત્તિજનક ભડકાઉ ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈ તેમના પર અપરાધિક કેસ દાખલ કરવા સુધીની નોબત આવી ગઈ હતી. ત્યારબાદ સરસંઘચાલકજીએ ખુદ ખુલાસો કર્યો હતો કે, મારે કોઈ જ ફેસબુક એકાઉન્ટ છે જ નહીં. હા, રા.સ્વ.સંઘના નામનું ફેસબુક એકાઉન્ટ જરૂર છે, પણ મારું આવું કોઈ જ એકાઉન્ટ નથી. ઉલ્લેખનીય છે કે ડૉ. મોહન ભાગવત અગાઉ પણ પોતે સોશિયલ મીડિયા પર સક્રિય છે જ નહિની વાત અનેકવાર કહી ચૂક્યા છે.
 

 
 
હાર્દિક પંડ્યા પણ નકલી એકાઉન્ટનો શિકાર બન્યા
 
આ જ સમયગાળામાં ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ નકલી એકાઉન્ટના શિકાર બન્યા હતા. તેઓના નકલી ટ્વિટર એકાઉન્ટ બનાવી કોઈએ તેમના નામે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર પર આપત્તિજનક ટ્વિટ કરી પરિણામે રાજસ્થાન કોર્ટે ૨૧ માર્ચના રોજ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પરંતુ બાદમાં ખબર પડી કે એ ટ્વિટ હાર્દિક પંડ્યાના વેરિફાઈડ એકાઉન્ટથી નહીં પરંતુ તેમના નામના કોઈ નકલી એકાઉન્ટથી કરવામાં આવી હતી.
 

 
 
એસસી / એસટી એક્ટ, આરક્ષણ રદ કર્યાનો પ્રચાર
 
તાજેતરમાં જ દલિત સંગઠનોએ આપેલા ભારત બંધ દરમિયાન દેશભરમાં ઠેર-ઠેર હિંસક ઘટનાઓ બની. દલિતોમાં ગુસ્સો - આક્રોશ ફેલાવવા માટે જાણી જોઈને સોશિયલ માધ્યમોમાં નકલી મેસેજ ફરતો કરવામાં આવ્યો કે, દલિતોની અનામત રદ કરવામાં આવી છે. પરંતુ હકીકતે સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતને લઈ કોઈ ચુકાદો જ આપવામાં આવ્યો નહોતો. સુપ્રીમ કોર્ટે માત્ર એસસી/એસટી કાયદાનો દુરુપયોગ થતો અટકાવવા કેટલાક સુધારા જ સૂચવ્યા હતા.
 
નોટબંધી દરમિયાન નિવૃત્ત લશ્કરી જવાનની પીડા વર્ણવતી તસવીર વાયરલ
 
નોટબંધ દરમિયાન એક સેવાનિવૃત્ત લશ્કરી જવાન એટીએમની લાઈનમાં ઉભા ઉભા આંસુ વહાવી રહ્યા હતા એવી તસવીર સાથે રાહુલ ગાંધી દ્વારા મુનવ્વર રાણાની શાયરીની ટેગલાઈન સાથે ટ્વિટ કરી વાયરલ કર્યો હતો. ત્યારબાદ ન્યૂઝ એજન્સી એનઆઈએ તે જ નંદલાલ પાસે જઈ પ્રતિક્રિયા જાણવાની કોશિષ કરી ત્યારે નંદલાલે કહ્યું હતું કે, ખરેખર તો નોટબંધીથી ફાયદો થયો છે. આમ કોંગ્રેસ અધ્યક્ષના જવાબદાર પદે બિરાજેલ રાહુલ ગાંધી જેવા વ્યક્તિઓ પણ ટૂંકાગાળાના ફાયદા માટે ફેક ન્યૂઝ ચલાવતાં અચકાતા નથી.
 


 
૨૦૦૦ની નવી નોટોમાં ચીપ હોવાના સમાચાર
 
૫૦૦ અને ૧૦૦૦ ‚પિયાની નોટબંધી બાદ આરબીઆઈ દ્વારા ૨૦૦૦ની નવી નોટોને લઈને અફવા ચાલી કે, તેમાં સરકારે એક ચીપ લગાવી છે. આ તદ્દન જુઠ્ઠાણાને સામાન્ય નાગરિકની સાથે માધ્યમ જગતને પણ ઝપાટામાં લઈ લીધા. ૨૦૦૦ની નોટમાં સરકારે જીપીએસ ચીપ લગાવી છે. જેના ઉપયોગથી સરકાર તમે ક્યાંય પણ એ નોટ છુપાવી હશે તો તેની ભાળ મેળવી લેશે અને નોટને સ્કેન કરીએ તો પ્રધાનમંત્રીનું ભાષણ સંભળાવવા લાગે છે.
 
વીરેન્દ્ર સેહવાગ પણ ફેક ન્યૂઝનો ભોગ બન્યા
 
ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ ટ્વિટર પર શાર્પ કમેન્ટ કરવા જાણીતા છે. કેરળમાં રાઈસ ચોરીને ભાગતા મધુ નામના યુવાનની ટોળાએ હત્યા કરી ત્યારે (૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮) સેહવાગે ટ્વિટ કરીને હત્યારા તરીકે ફક્ત મુસ્લિમ યુવાનોનાં નામ લખ્યા. ટોળામાં હિન્દુ પણ હતા. મામલો કોમી વળાંક લઈ શકે એટલો નાજુક હતો, પણ હકીકત સામે આવી એટલે સેહવાગે ટ્વિટ કરીને માફીય માગી લીધેલી !
 
ભારતમાં મીઠાની અછત સર્જાવાની છે
 
નોટબંધીના સમયગાળા દરમિયના જ સોશિયલ મીડિયામાં નકલી સમાચાર ફેલાવાયા કે, દેશભરમાં મીઠાની ભારે અછત સર્જાઈ છે અને મીઠું લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી. જેમાં એક મહિલાનું મોત પણ થયું હતું.
 
૧૦મી એપ્રિલે જનરલ ઓબીસીનું ભારત બંધ
 
દલિત સંગઠનોના ભારત બંધ અને હિંસા બાદ તરત જ ફેસબુક સહિતનાં સોશિયલ માધ્યમો પર ૧૦મી એપ્રિલે અનામતના વિરોધમાં જનરલ કેટેગરી અને ઓબીસી દ્વારા ભારત બંધનું એલાન અપાયું છેનો મેસેજ ઝડપથી વાયરલ બન્યો હતો. પરંતુ હકીકતમાં કોઈ સંગઠન દ્વારા ભરત બંધનું એલાન અપાયું જ નહોતું. એક ખોટા મેસેજને કારણે ૧૦ એપ્રિલના રોજ સમગ્ર દેશનો જીવ તાળવે ચોંટી ગયો હતો. બિહાર અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પ્રદર્શનો અને અથડામણ પણ સર્જાઈ હતી.
આ તો માત્ર કેટલીક જ ઘટનાઓ છે. હાલ, સોશિયલ મીડિયાના જમાનામાં આવા તો અનેક ફેક સંદેશા અને તસવીરો વાયરલ થતી રહે છે, જેને અનેક લોકો પણ તેનાં પર આંધળો વિશ્ર્વાસ મૂકી જુઠ્ઠાણામાં ભરમાઈ જઈ, ખોટી ધારણા ધારી બેસે છે અને જાણે અજાણે અસામાજિક તત્ત્વોના હાથા બની જતા હોય છે.
ફેક ન્યૂઝની સાચી શબ્દસંહિતા
 
ફેક એટલે ખોટા, બનાવટી કે તરકટી. આમ ઉપરથી સાચા લાગે પણ અંદરથી સાવ જૂઠાણાં. અને ન્યૂઝ એટલે સમાચાર. ફેક ન્યૂઝ શબ્દો તો આપણે વર્ષોથી સાંભળીએ છીએ. એમાં નવું શું છે? નવું એ કે કોલિન્સ ડિક્શનરીએ ફેક ન્યૂઝ (Fake News) શબ્દને વર્ષ ૨૦૧૭નાં વર્ડ ઓફ ધ યરનો ખિતાબ આપ્યો હતો. જૂઠાણું તો ઈન્ટરનેટની શોધ થઇ ત્યારથી એની સાથે જોડાયું છે પણ નવું એ કે છેલ્લાં કેટલાંક વર્ષમાં સરકારો પોતે આયોજનબદ્ધ અને વિધિવત્ ખોટી માહિતી ફેલાવવાની ઝુંબેશ ચલાવી રહી છે. ગત વર્ષની સરખામણીમાં ફેક ન્યૂઝ શબ્દના ઉપયોગમાં ૩૬૫%નો વધારો થયો છે અને આ ખોટા સમાચાર નથી! વિદેશી તાકાત પણ એમાં પાછળ નથી. ખોટા પ્રચાર-પ્રસાર પહેલાં ય થતા હતા પણ ખ્યાલ આવી જતો હતો. હવે જ્યારથી આપણે ઈન્ટરનેટની જાળમાં ફસાયા છીએ ત્યારથી નીરક્ષીર વિવેક ખોઈ બેઠાં છીએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી શી રીતે કરીએ? કારણ કે દૂધમાં હવે ડિટરજન્ટની ભેળસેળ થાય છે. તમને ખબર જ ન પડે કે શું સાચું? શું ખોટું?
 
ફેક ન્યૂઝને કેવી રીતે ઓળખવા?
ઘણા સમાચાર એવા આવે છે જે વાંચીને તમે ગુસ્સે થઇ જાવ. આપણા નેતાઓનાં લફરાં, પૈસાની ગોલમાલ, ન્યાત, જાત અને ધર્મની અણછાજતી ટીકા ટિપ્પણી વગેરે.. એવા સમાચાર વાંચીને આપણું લોહી ઉકળી ઊઠે. આપણે સમજ્યા વિના આપણો રોષ ફોરવર્ડ કર્યા કરીએ. ફેક ન્યૂઝનું ટાર્ગેટ આપણું દિલ છે. આપણા દિમાગ સાથે એને કોઈ લેવાદેવા નથી. આ સમાચારો આપણી લાગણીને ઝંઝોટે છે, ઝણઝણાવે છે. વિચારવા સુધી તો આપણે પહોંચતા જ નથી. દાખલા તરીકે ગંભીર બીમારીની ચમત્કારી દવા શોધાઈ હોવાનો દાવો કરવામાં આવે એ ફેક ન્યૂઝ હોઈ શકે. આજકાલ ઘણાં વોટ્સએપ મેસેજ ફરે છે જેમાં કેન્સરના રોગની અકસીર સારવાર બતાવી હોય છે. આ ઉપરાંત યુદ્ધ અને હોનારતની વાતોથી આપણે અભિભૂત થઇ જતા હોઈએ છીએ. એને લગતા સમાચાર પણ ફેક હોવાની પૂરેપૂરી શક્યતા છે. વધારામાં કોઈ સ્ટોરી વધારે પડતી રમૂજી કે વિચિત્ર હોય તો એ માણી લેવી પણ માની ન લેવી કારણ કે ઘણી વેબસાઈટ્સ આપણને એમની તરફ ખેંચવા માટે આવા હથકંડા અજમાવતી હોય છે.
 
ફેક શબ્દ આવ્યો ક્યાંથી?
ફેક શબ્દ ક્રિમિનલ સ્લેંગ છે. ગુનેગારોની લોકબોલીનો શબ્દ. એનું મૂળ અજાણ છે. કોઈ કહે છે કે એ કાઉન્ટરફીટ (બનાવટી) શબ્દનું ટૂકું સ્વરૂપ છે. ફેક કદાચ બીજો એક ઇંગ્લિશ શબ્દ ફીગ (Feague) પરથી આવ્યો હોવાનું અનુમાન છે. ફીગ એટલે કૃત્રિમ રીતે કોઈ વસ્તુને સજાવવાની કે ચમકાવવાની કોશિશ કરવી.
 
ફેક ન્યૂઝ ખોટી માહિતીનું પ્રસારણ છે, લોકોને ગેરમાર્ગે દોરવા માટેનું આયોજનબદ્ધ છેતરામણ છે. એ સનસનીખેજ હેરતઅંગેઝ હોય છે, વાતનું વતેસર હોય છે અને સાગમટે કહેવાયેલા નિહાયતી જૂઠાણાનું પોટલું હોય છે. એની અસર એવી હોય છે કે તે પછી કોઈ સાચી વાત પણ લોકો માનવા તૈયાર થતા નથી. ચોતરફ ફેક ન્યૂઝની ભરમારના કારણે સાચા પત્રકારની સાચી સ્ટોરી પર પણ શંકા થઇ આવે છે. સાચા પત્રકારને ખભે ઘેટું હોય તો ય લોકો એને કૂતરો સમજે, એવો પ્રભાવ ફેક ન્યૂઝનો હોય છે. પછી લોકશાહીના મધદરિયે વિશ્ર્વાસે ચાલતાં વહાણ ડૂબી જાય છે.
ખૂબ જ ઝડપે ફેલાય છે ખોટા સમાચાર
ફેક ન્યૂઝ એટલે કે ખોટા સમાચાર નકલી એકાઉન્ટ્સ દ્વારા એટલા નથી ફેલાતા જેટલા અસલી એકાઉન્ટ દ્વારા ફેલાતા હોય છે અને આવું એટલા માટે થાય છે કે આપણને સાચા અને ખોટા સમાચાર વચ્ચે ભેદ જ કરતા આવડતું નથી. આ પ્રકારના સમાચાર સાચા સમાચારની સરખામણીએ અનેકગણી ઝડપથી ફેલાતા હોય છે. એક સંશોધનમાં આ વાત બહાર આવી છે કે, સોશિયલ સાઈટ્સ અને માઈક્રો સોશિયલ સાઈટ્સના ધસારા બાદ આ દૂષણ ખૂબ જ ઝડપથી ફેલાયું છે. મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી સાથે જોડાયેલા ત્રણ સંશોધનકારોએ "નકલી સમાચાર કેવી રીતે ફેલાય છે પર સંશોધન કર્યું છે. સંશોધનમાં એ બાબત બહાર આવી છે કે નકલી સમાચાર અસલી સમાચારની સરખામણીએ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને મહત્ત્વની વાત એ છે કે, આ પ્રકારનાં સમાચારોનો પ્રવાહ નકલી પ્રોફાઈલ માધ્યમથી એટલો નથી. પ્રસરતો લોકો નકલી સમાચારોને પણ સાચા માની આડેધડ શેર કરતા હોય છે. સંશોધનમાં એ વાત પણ બહાર આવી છે કે ટ્વિટર પર વાસ્તવિક સમાચારની સરખામણીએ નકલી અને ખોટા સમાચાર ૭૦ ટકાથી વધુ શેયર થતા હોય છે. આ સંશોધનમાં ૨૦૦૬થી માંડી ૨૦૧૭ દરમિયાન ૧.૨૬ લાખ સમાચારો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેને ૩૦ લાખ લોકો દ્વારા લગભગ ૪૫ લાખ વખત ટ્વિટ કરવામાં આવી હતી.
 
સંશોધનકારો મુજબ લોકોને સોશિયલ મીડિયા પર નવી નવી જાણકારીઓ શેયર કરવાનું વધુ ગમે છે. લોકોને ખોટા અને નકલી સમાચારોમાં કંઈક નવું અને રોચક લાગતું હોય છે. સંશોધનકર્તાઓ સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓને સલાહ આપે છે કે, આપણે જ્યારે કોઈ માહિતી શેયર કરતાં પહેલાં એ માહિતી સાચી છે કે નહીં તેની પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઈએ. ત્યારે સાધના સાપ્તાહિક કોઈપણ તસવીર, સમાચાર કે કોઈ ઘટનાને લગતી માહિતી સાચી છે કે નહીં તે જાણવાની રીત અહીં પ્રસ્તુત કરે છે.
સમાચારોની સત્યતાને આ રીતે તપાસો
 
ગુગલ સર્ચનો ઉપયોગ કરો
 
સમાચારોની સત્યતા જાણવા માટે સર્ચ એન્જીન ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ રહે છે. તમને જે સમાચાર કે ખબર પર શંકા જાય તો ગુગલ સર્ચ એન્જિનમાં કી વર્ડ ટાઈપ કરી અને સર્ચ કરો. જો ખબર સાચી હશે તો અનેક જાણીતી ન્યૂઝ એજન્સીઓ અને પબ્લિકેશન દ્વારા તે પ્રકાશિત થઈ હશે. અને પોતાની વેબસાઈટ પર અપલોડ પણ કરાઈ હશે. અને જો ખબર ખોટી હશે તો તમને તેની ખૂબ જ ઓછી લિંક મળશે. બની શકે કે તમને તથ્યોને ઉજાગર કરતી કોઈ કડી (લિંક) મળી જાય જેમાં એ નકલી સમાચારનો ભાંડાફોડ થયો હોય. ગુગલ દ્વારા ફેક્ટ ચેક એટલે કે તથ્યોની શોધ કરવા માટેનું એક ટૂલ પણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં આ પ્રકારનાં તથ્યોને તપાસતી વેબસાઈટ પર માહિતી-સમાચાર કે ખબર સાચી છે કે ખોટી તેની ખબર પડી જાય છે.
 
રિવર્સ ઈમેજ સર્ચ
 
ગૂગલના રિવર્સ ઇમેજ સર્ચ નામના ટૂલ થકી તમે તમારી પાસે આવેલી કોઈપણ તસવીરની સત્યતા તપાસી શકો છો. આ ટૂલના ઉપયોગથી ખબર પડી જાય છે તસવીર કોની છે અને સૌપ્રથમ ક્યાં છપાઈ હતી તમે એ પણ જાણી શકો છો કે આ તસવીર સાથે છેડછાડ થઈ છે કે નહીં.
 
સ્રોત અને યૂઆરએલ ખાસ તપાસો
 
જ્યારે તમે કાંઈક ઓનલાઈન વાંચો છો ત્યારે એ વાતનું જ‚રથી ધ્યાન રાખો કે તમારી પાસે આવેલ માહિતીનો સ્રોત કયો છે અને કોના દ્વારા પ્રકાશિત થઈ છે. ચર્ચિત અને જાણીતા સ્રોતો દ્વારા પ્રકાશિત થયેલ માહિતી કે ખબર પર જ વિશ્ર્વાસ કરો. જો તમે પ્રકાશિત કરનાર અંગે અગાઉ ક્યારેય સાંભળ્યું નથી તો સાવધાન થઈ જાઓ. કોઈપણ વ્યવસાયિક સંસ્થા એ જ‚ર જણાવે છે કે તેણે જે માહિતી પ્રકાશિતકરી છે તેનો સ્રોત કયો છે. સ્રોત વગર પ્રકાશિત થતી ખબરો અને માહિતીથી સાવધાન રહો. કોઈપણ ખબર પર વિશ્ર્વાસ કરતા અગાઉ યુઆરએલ જ‚રથી તપાસો. તમને એવું લાગે કે તમે બીબીસી, ધ ક્વિટ, ધ ગાર્ડિયન કે પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાઈટ જોઈ રહ્યા છો. પરંતુ ડોટ.કોમ કે ડોટ.ઇનનો નાનો અમથો ફેર સાઈટના પેજને સંપૂર્ણ રીતે બદલી નાંખે છે.
 
તારીખ જરૂરથી તપાસો
 
કોઈ માહિતી જો એક વખત વર્લ્ડ વાઈડ વેબમાં આવી જાય ત્યાર પછી હંમેશા માટે ત્યાં રહે છે. અને આ વાત સમાચાર પર પણ લાગુ પડે છે. તમામ વિશ્ર્વસનીય સમાચારોના સ્રોત સાથે તેને પ્રકાશિત થયાની તારીખ પણ આપવામાં આવતી હોય છે. માટે કોઈપણ માહિતી કે સમાચારને શેયર કરતા પહેલાં તેની તારીખ જ‚રથી ચેક કરી, જૂના લેખો વિશેષ કરીને આતંકવાદ સાથેની લડાઈ ધાર્મિક - જાતિગત સંઘર્ષ હતી અને આર્થિક વિકાસ જેવી સતત બદલાતી પરિસ્થિતિઓને કારણે તેના થોડા સમય બાદ કોઈ જ પ્રાસંગિકતા રહેતી નથી.
 
તમારી પાસે આવેલી માહિતી, મજાક કે કટાક્ષ તો નથી ને...!
 
ફેકિંગ ન્યૂઝ અને ઓનિયન જેવી વેબસાઈટ પર પ્રકાશિત થતા લેખ ઘોષિત રૂપથી મજાક ઉડાવવા માટે જ હોય છે. તેના વાસ્તવિક તથ્યો સાથે કોઈ જ સંબંધ નથી હોતો. બની શકે તે કોઈ તાજી જ ઘટના પર તે આધારિત હોય. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કેનેડાની આવી જ એક વેબસાઈટે મજાક ચલાવી કે, જો ટ્રમ્પ ચૂંટણી જીતી જશે તો ઓબામા અમેરિકા છોડી કેનેડામાં વસી જશે. આ મજાકને એક અમેરિકન યુવકે પોતાના પોર્ટલ પર સમાચાર રૂપે ચલાવી અને કેનેડામાં વસવાની પૂછતાછ માટે અમેરિકનોને ઇમિગ્રેશન પોર્ટલ પર ભારે ધસારો થયો હતો.
 
ત્રણેક મહિનાં પહેલાં એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરને ચમકાવતી મલયાલમ્ ફિલ્મના ગીતનો વીડિયો બહાર પડેલો, જેમાં સ્કૂલગર્લ બનતી પ્રિયા એના પ્રિય સહપાઠી સામે જોઈને આંખોમાં મસ્તી સાથે નેણ નચાવે છે. મીઠું મલકીને આંખ મીંચકારે છે. આ દોઢ-બે મિનિટનો વીડિયો દેશભરમાં એ હદે પ્રચલિત થયો કે એ વિશે જાતજાતની ચર્ચા થઈ. એક ટ્વિટ એવું આવ્યું કે બંગાળના કોઈ મૌલાનાએ પ્રિયા વોરિયર સામે ફતવા બહાર પાડ્યો. મૌલાનાનું કહેવું હતું કે અમે નમાજ માટે આંખી મીંચીએ છીએ તો અમને પ્રિયા જ દેખાય છે એટલે અમે એની સામે ફતવો બહાર પાડીએ છીએ..!
 
હકીકતમાં ટ્વિટર પર જાણીતા અખબાર, ન્યૂઝ ચેનલ, વેબસાઈટની ઠેકડી ઉડાડતાં ઘણાં પેરોડી એકાઉન્ટ છે. એવું એક પેરોડી એકાઉન્ટ ટાઇમ્સ નાઉ ટીવી ચેનલનું છે, જેનું નામ છે ટાઇમ્સ હાઉ. બન્નેના દેખાવ એકસરખા છે. પેલું મશ્કરું ટ્વિટ પણ ટાઇમ્સ હાઉસ દ્વારા જ કરવામાં આવેલું. આને સાચું માની લઈને કંઈ કેટલા પત્રકાર તથા સાંસદ રાજીવ ચંદ્રશેખર જેવાઓએ પ્રતિક્રિયા આપી. આજ તકની અંજના ઓમ કશ્યપ નામની સમાચાર સંચાલિકાએ તો એક ડગલું આગળ વધીને આ કહેવાતા ફતવા વિશે આખો પ્રોગ્રામ ને ડિબેટ સુદ્ધાં યોજી નાખ્યાં. પછી જ્યારે સત્ય બહાર આવ્યું કે આ તો ફેક ન્યૂઝ છે ત્યારે આજ તક તથા અંજના ઓમ કશ્યપને ભારે નીચાજોણું થયું. માટે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે તમારી પાસે આવેલ માહિતી કે સમાચારનો સ્રોત આવી જ કોઈ વ્યંગ કરતી કે મજાક કરતી વેબસાઈટ તો નથી ને.
 
સાઈટનું ‘અબાઉટ’ પેજ અવશ્ય જુઓ
 
દરેક વિશ્ર્વસનીય પ્રકાશન કે પ્રકાશનનું પોતાની માહિતી આપતું અબાઉટ પેજ જરૂર હોય છે. કોઈ સાઈટ પર તમે જ્યારે કોઈ સમાચાર કે માહિતી વાંચો છે ત્યારે તે અબાઉટ પેજ જ‚રથી ચેક કરો. પ્રકાશનની વિશ્ર્વસનીયતા બનાવવાની સાથે તે પણ માહિતી હશે તે સંસ્થાને કોણ ચલાવી રહ્યું છે. એક વખત આ વાતની ખબર પડી જતાં તેનો ઝુકાવ કઈ વિચારધારા પ્રત્યે છે તે સ્પષ્ટ થઈ જાય છે.
 
સમાચાર વાંચ્યા બાદ તમારી પ્રતિક્રિયા
 
સમાચાર કે માહિતી સાચી છે કે નહીં તે જાણવાની એક સરળ રીત છે. સમાચાર વાંચ્યા બાદ તમારા પર તેની કેવી અસર થઈ છે, તમારી સરળ પ્રતિક્રિયા કેવી છે તેના પર પણ આધાર રાખે છે. એ સમાચાર વાંચ્યા બાદ તમે ગુસ્સો કે ગર્વ અનુભવો છો કે ઊંડા શોકમાં ગરકાઈ થઈ જાઓ છો. જો આવું થાય તો તેનાં તથ્યો ગૂગલસર્ચમાં જ‚રથી તપાસો. કારણ કે ખોટા સમાચાર એટલા માટે જ બનાવાય છે કે તેને વાંચ્યા બાદ લોકોની ભાવનાઓ ભડકે, લાગણીઓ દુભાય અને ઉશ્કેરાય. આમ થશે તો એ સમાચાર વધુ ને વધુ શેયર પણ થશે.
 
આ કવર સ્ટોરીનો સાર અને શીખ માત્ર એટલી જ કે સોશિયલ મીડિયા અને અખબારોનાં સમાચારો અને ઉશ્કેરણીજનક માહિતીનો પ્રચાર-પ્રસાર દૂષણને દૂર કરવાની જવાબદારી એ દરેક વ્યક્તિની છે. વિશેષ કરીને સોશિયલ મીડિયામાં વધુ સક્રિય રહેતી આજની યુવા પેઢી આ પડકાર ઝીલે તો ઘણે અંશે સુધાર આવે. સૌ નાગરિકોને નમ્ર અપીલ કે, સાચા-ખોટા સમાચાર વચ્ચેનો ભેદ પારખો અને આ અંગે સમાજમાં જાગૃતિ લાવો. હા આ ભેદ પારખવો થોડો મુશ્કેલ જરૂર છે પરંતુ તેના કરતાં અનેકગણો વધારે જરૂરી પણ છે, કારણ કે વાત હવે દેશની એકતા અને અખંડિતતા ઉપર આવી ગઈ છે ત્યારે યુવા પેઢીની થોડીઅમથી સાવધાની અને જાગૃતિ દેશ સામેનાં સંભવિત ખતરા સામે અંક શસ્ત્ર સમાન સાબિત થઈ શકે છે.