23 એપ્રિલ વિશ્ર્વ પુસ્તક દિવસ - પુસ્તક ન વાંચનાર લોકોએ વાંચનાર લોકોની આંગળી પકડીને ચાલવું પડે છે.

    23-Apr-2018
કુલ દૃશ્યો |

 
23 એપ્રિલ એટલે વિશ્ર્વ પુસ્તક દિવસ. જરા વિચારો પુસ્તકોનું આપણા જીવનમાં શું મહત્ત્વ ? પુસ્તકો વગરની આ દુનિયા કેવી હોત ? શું માનવનો આટલો બધો માનસિક વિકાસ થયો હોત ? આપણી આટલી બધી સભ્યતાઓ વિકસિત થઈ હોત ? શું ગ્લોબલાઈઝેશનની શરૂઆત પુસ્તકો વિના થઈ હોત ? શું માનવી ચંદ્ર સુધી પહોંચી શક્યો હોત ? કદાચ ના ! પુસ્તકો વગર જગત આખું વિચારશૂન્યતાના બવંડરમાં ક્યારનુંય ફંગોળાઈ ગયું હોત... પુસ્તકોમાં એક શક્તિ છે. એક આખા જગતને બદલવાની, સમાજધર્મને કેળવવાની. કદાચ પુસ્તકના આ મહત્ત્વને સમજવા, સમજાવવા અને તેને કાયમ રાખવા જ વિશ્ર્વ આખું 23 એપ્રિલને ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ તરીકે ઊજવે છે. તો આવો 21મી સદીમાં 2012ની 23મી એપ્રિલે આપણે સૌ પુસ્તકોની દુનિયામાં ડૂબકી લગાવીએ....
પુસ્તકો વિનાની દુનિયાની કલ્પ્ના તમે કરી શકો ?
 
ગાંધીજી, અબ્દુલ કલામ, સ્વામી વિવેકાનંદ ની સફળતાનું રાઝ તમને ખબર છે ?
 
પુસ્તકો જ આપણા વિચારશૂન્ય વિચારોમાં સર્જનાત્મકતા લાવે છે.
 
21મી સદીમાં સફળ થવું હોય તો પુસ્તકો વાંચો.
 
‘લીડર’ બનવું હોય તો પહેલાં ‘રીડર’ બનો.
 
શા માટે ઊજવાય છે 23 એપ્રિલે ‘પુસ્તક દિવસ’
 
23 એપ્રિલ 1616ના દિવસે એક એવા લેખકે આ દુનિયામાંથી વિદાય લીધી, જેમનાં પુસ્તકોનો વિશ્ર્વની મોટાભાગની ભાષાઓમાં અનુવાદ થયો છે. એ લેખક એટલે શેક્સપિયર, જેમણે પોતાના જીવનમાં 35 નાટકો અને 200થી વધારે કવિતાઓ લખી છે. સાહિત્યજગતમાં શેક્સપિયરનું નામ ખૂબ ઉચ્ચસ્થાને છે અને તેને ધ્યાનમાં રાખીને જ પુસ્તકોના મહત્ત્વને 21મી સદીમાં પણ જાળવી રાખવા યુનેસ્કો દ્વારા 1995થી શેક્સપિયરની પુણ્યતિથિ, એટલે કે 23 એપ્રિલે ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. જોકે એવું પણ કહેવાય છે કે 1923માં સ્પેનના પુસ્તક વિક્રેતાઓ દ્વારા પ્રસિદ્ધ લેખક મીગુયેલ ડી સરવેન્ટીસને સન્માન આપવા 23 એપ્રિલે ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ની જાહેરાત કરી હતી. 23 એપ્રિલે આ લેખકનું નિધન થયું હતું. જો કે વિખ્યાત અંગ્રેજ કવિ નાટ્યકાર વિલિયમ શેક્સપિયર સહિત છ જેટલા જગપ્રસિદ્ધ સાહિત્યકારોના જન્મ અને મૃત્યુની તારીખ 23 એપ્રિલ છે. ટૂંકમાં વિશ્ર્વમાં વધુ ને વધુ લોકો વાંચન પ્રત્યે અભિરુચિ કેળવે એવા ઉદ્દેશથી ‘યુનેસ્કો’એ તા. 23મી એપ્રિલે ‘વિશ્ર્વ પુસ્તક દિન’ ઉજવવાનું નક્કી કર્યુ છે. ભારત સહિત વિશ્ર્વના મોટાભાગના દેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઘડતર કરનારાં પુસ્તકોને સહેલાઈથી સુલભ બનાવી વાંચન પ્રવૃત્તિ કેળવાય એવો આશય આ દિવસની ઉજવણી પાછળ રહેલો છે.
 

 
પુસ્તકો પાસે આપણી દરેક સમસ્યાનું સમાધાન છે.
 
21મી સદીમાં ચેમ્પિયન બનવા માટે, અદ્ભુત અસાધારણ સફળતા મેળવવા માટે સૌને જરૂર છે ‘ફાઈવ આઈ’ (Five I)ની ! ઈમેજીનેશન, ઈન્ફર્મેશન, ઈન્ટેલીજન્સ, ઈનોવેશન અને ઈન્સાઈટ.... અને આ ફાઈવ આઈ મેળવવાનો એક માત્ર માર્ગ છે પુસ્તકો. એવું કહેવાય છે કે એક સાચું પુસ્તક સો મિત્રો બરાબર હોય છે. લેખક અને ચિંતક ગુણવંત શાહ કહે છે કે, ‘જે ઘરમાં બે સારાં પુસ્તકો ન હોય તે ઘરમાં દીકરી ન આપવી.’ પુસ્તક જ્ઞાનનો ખજાનો, જ્ઞાન મેળવવાનું માધ્યમ, એક જ જગ્યાએ જરા પણ હલ્યા વિના સમગ્ર બ્રહ્માંડની સફર ખેડાવનારું જાદુઈ હથિયાર છે. પુસ્તકો પાસે આપણી દરેક સમસ્યાનું સમાધાન છે. પુસ્તકો જગતને બદલી શકે છે. પુસ્તકો આપણા જીવનને બદલી શકે છે. પુસ્તકોની પાસે આવી અદ્ભુત તાકાત છે.
ઘરને સ્વર્ગ બનાવવામાં પુસ્તકોનો સિંહફાળો છે.
 
‘હું નરકમાં પણ સારાં પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.’
શ્રી લોકમાન્ય ટિળકના આ શબ્દો છે. રિચાર્ડ ડી બરી કહે છે, ‘પુસ્તક એ એક એવો શિક્ષક છે કે જે સોટી માર્યા વગર, કડવાં વચન કે ક્રોધ કર્યા વગર, દાન-દક્ષિણા લીધા વિના જ્ઞાન આપે છે.’ વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પુસ્તકોનો મહત્તમ ફાળો છે. ઘણાં પુસ્તકો ઇતિહાસ રચે છે તો ઘણાં વૈચારિક ક્રાંતિના બીજ પણ રોપે છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. પુસ્તકો જ વિશ્ર્વને પ્રેરણા આપીને સામાજિક જાગૃતિનું કામ પણ કરે છે. સ્વામી વિવેકાનંદે સારાં પુસ્તકો વિનાના ઘરને સ્મશાન જેવું ગણ્યું છે....! ઘરને સ્વર્ગ બનાવવામાં પુસ્તકોનો સિંહફાળો છે. પુસ્તકો જ સુસંસ્કારોનું સિંચન કરી વ્યક્તિના વિચારો અને કાર્યોમાં રચનાત્મક પરિવર્તન લાવી વિચાર અને કાર્યમાં રચનાત્મક પરિવર્તન લાવી શકે છે.
 

 
પુસ્તક : સફળતાની ચાવી
 
એક વાત પહેલાં પણ નિશ્ર્ચિત હતી અને આજે પણ એટલી જ નિશ્ર્ચિત છે, કે સફળ થવું હશે તો વાંચવું પડશે. પુસ્તકોની દુનિયામાં ડૂબવું પડશે ! પત્રકાર હોય કે બઁક મેનેજર, બધાએ પુસ્તકો વાંચવાં જ પડશે, સફળ થવું હશે તો. એવું કહેવાય છે કે ‘ન વાંચનાર લોકોએ વાંચનાર લોકોની આંગળી પકડીને ચાલવું પડે છે.’ ‘લીડર’ બનવું હોય તો પહેલાં ‘રીડર’ બનવું જ પડે. ગાંધીજી મહાત્મા કેમ બન્યા? તેમના કર્તૃત્વના કારણે. તેમનામાં એટલાં સુંદર કાર્યો કરવાનું બળ, પ્રેરણા ક્યાંથી આવી ? પુસ્તકોમાંથી ! ગાંધીજી નાતાલથી ડરબન જતા હતા ત્યારે રસ્કિનનું ‘અનટુ ધી લાસ્ટ’ પુસ્તક વાંચ્યું અને ગાંધીજી માટે તે પુસ્તક રાહ ચીંધનારું બની ગયું. જવાહરલાલ નહેરુએ જેલવાસ દરમિયાન પુષ્કળ પુસ્તકો વાંચ્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ પુસ્તક પ્રેમી હતા. પુસ્તકો અને વાંચનનું મહત્ત્વ તે સમજતા હતા. તેમના સમય દરમિયાન તેમના રાજ્યનો એક પણ તાલુકો સમૃદ્ધ લાઈબ્રેરી વિનાનો ન હતો. ભારતના અત્યંત લોકપ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ ડા. એ.પી.જે. અબ્દુલ કલામના ઉત્તમ કામની તો આપણને ખબર જ છે પણ તેમના માનસને ઘડવામાં અગત્યનો ફાળો કોનો છે, ખબર છે ? પુસ્તકોનો જ ! એક વિદ્યાર્થીના પ્રશ્ર્નના જવાબમાં ડા. કલામે કહ્યું હતું કે હું ચાર પુસ્તકોને દિલની નજીક રાખું છું. તેને વાંચીને હું માણું છું. ડા. એલેક્સિસ કેરલેનું ‘મન ધ અનનોન’, તિરુવલ્લુવરનનું ‘તિરુક્કુલ’, આઈશલર વોટ્સનનું ‘લાઈટ્સ ફ્રોમ મેની લેમ્પ્સ’ અને કુરાન આ પુસ્તકો મારા જીવનનાં સાથીદાર છે.
ટૂંકમાં ગાંધીજી હોય કે અબ્દુલ કલામ હોય, સ્વામી વિવેકાનંદ હોય, કે પછી આપણી આઝાદીકાળના વીરલાઓ લોકમાન્ય ટિળક, ટાગોર, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર હોય, મેઘાણી હોય કે મહર્ષિ અરવિંદ હોય, બધાની પાછળ પુસ્તકોનો એક અદ્ભુત ફાળો છે. તેમના મગજમાં સુંદર વિચારોનું સર્જન કરનારું સાધન પુસ્તક જ છે.
 

 
 
તો ચિક્કાર વાંચો...
 
ગુલામીકાળ હોય કે 21મી સદીની ઝાકમઝાળ દુનિયા હોય, પુસ્તકો જ દરેક સમસ્યાનો ઉકેલ છે. ઈન્ટરવ્યૂમાં માથું ખંજવાળ્યા કરતાં તર્કબદ્ધ સચોટ જવાબ આપવો છે, મિત્રોની વાતનો દલીલબદ્ધ વિરોધ કરવો છે, અદ્ભુત વાક્છટાથી સૌને પ્રભાવિત કરવા છે ? જો જવાબ હા હોય તો ચિક્કાર વાંચો... પુસ્તકોનો ખજાનો છે. જુદાં જુદાં પુસ્તકો વાંચતા જશો તેમ તેમ તમારી સર્જનાત્મકતા વધતી જશે ! જસ્ટ ટ્રાય.

ઇલેક્ટ્રોનિક યુગમાં પુસ્તકાલયનો મહિમા
 
કોમ્પ્યુટર ટી.વી.ના ઇલેક્ટ્રોનિક યુગમાં પુસ્તકો ટકી શકે ખરાં? એવો પ્રશ્ર્ન જરૂર થાય. પરંતુ ઇલેક્ટ્રોનિક માધ્યમો મોટે ભાગે હિંસા, રોગચાળો, ભૂખમરો, મોત, અશ્ર્લીલતા અને પતન તરફ ધકેલતા ‘પ્રોગ્રામો’ જ વેચે કે વહેંચે છે...! વ્યક્તિના વિચારોના યુદ્ધમાં સારાં પુસ્તક જ સબળ શસ્ત્રો પુરવાર થાય છે. કમનસીબે આજે શિષ્ટ સાહિત્ય વાંચવા કે વસાવવાથી લોકો દૂર ભાગે છે. લોકો બિનજરૂરી અને વાસ્તવિક વસ્તુ માટે ખર્ચ કરે છે, પરંતુ પુસ્તકોની ખરીદીમાં રસ દાખવતા નથી.
પાનના ગલ્લેથી સિગારેટ કે વ્યસન માટે કિંમત ચૂકવવામાં બાંધછોડ ન કરનારો માણસ સારું પુસ્તક ખરીદવામાં પાછો પડે છે...! પણ, અશ્ર્લીલ પુસ્તક પાંચ ગણી કિંમત ચૂકવીને ઉત્તેજનાને જરૂર પોષે છે.. ટોલ્સ્ટાય કહે છે, ‘અશ્ર્લીલ પુસ્તકો વાંચવા એ ઝેર પીવા બરાબર છે.’ ટી.વી.ને કારણે લોકો વાંચનથી વિમુખ થયા છે. આ ઇડિયટ બાક્સે તો વિશ્ર્વના વારસા અને સંસ્કૃતિને માળિયે ચડાવી દીધાં છે...! આપણે એ ન ભૂલવું જોઈએ કે પુસ્તકોનાં મૂળ તો સદીઓ પુરાણાં છે, તેને સહેલાઈથી ઉખેડી શકાય તેમ નથી...!
 
સફળ થવાનું અને સફળ જીવન જીવવાનું સાચું જ્ઞાન તેને આજે ગ્રંથાલયમાંથી જ મળી શકે તેમ છે. ભલે ઈન્ટરનેટનો યુગ હોય, તેમ છતાં આજે પણ માત્ર પુસ્તકાલયો જ લોકોને સારાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની ભૂમિકા ભજવી શકે છે. જૂના જમાનામાં પુસ્તક ઘરની શોભા ગણાતી. લોકો પુસ્તક વાંચતા અને વંચાવતા. આજે પણ પુસ્તક ઘરની શોભા વધારી જ રહ્યું છે. ફરક માત્ર એટલો જ છે તે સમયે પુસ્તકો વંચાતાં, આજે માત્ર શોભાના ગાંઠિયારૂપ સચવાય છે. પુસ્તકોનું મહત્ત્વ આજે ભુલાઈ ગયું છે. કદાચ એટલા માટે જ આપણે ‘દિન’ ઊજવવો પડે છે.
 
સારાં પુસ્તકોનું નાનકડું પુસ્તકાલય ઘરમાં ઊભું કરીએ
 
પુસ્તકોનો મહિમા માત્ર આ એક દિવસ પૂરતો જ બની ન રહેવો જોઈએ. પુસ્તકાલયોના માધ્યમથી વધુ ને વધુ લોકો પાસે પુસ્તકો પહોંચે, લોકો પુસ્તકો ખરીદતા થાય, વેકેશનગાળામાં વાંચન શિબિરો અને નવાં પુસ્તકોનાં પ્રદર્શનો યોજાય. તેની સાથે સાથે આપણે પણ સારાં પુસ્તકોનું નાનકડું પુસ્તકાલય ઘરમાં ઊભું કરીએ, સારા-માઠા પ્રસંગોએ સ્નેહીજનોને પુસ્તકોની ભેટ ધરી... ટી.વી. સીડી, રોમ અને ઇન્ટરનેટ તરફ વળેલાં બાળકો-યુવાનોને પુસ્તકોના વાંચનની ટેવ પાડીએ... સૌમાં પુસ્તકપ્રેમ વિકસે એવી શુભ ભાવના-શુભ સંકલ્પ સાથે પુસ્તકદિન ઊજવીએ...!!
 

 
મહાનુભાવો અને વાંચન
 
સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજી
 
સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજીનું વાંચન કેટલું વિશાળ હશે એનું એક દ્ષ્ટાંત છે. પાલી અને અર્ધમાગધી જેવી પ્રાકૃત ભાષાઓની હરતીફરતી લાયબ્રેરી ગણાતા એક વિદ્વાન તેમને મળવા આવેલા. ચર્ચા દરમિયાન પોતાનો મુદ્દો પ્રસ્થાપિત કરવા શ્રી ગુરુજીએ ભગવાન બુદ્ધના શબ્દો ટાંક્યા. એનો સંદર્ભ આપ્યો. પેલા વિદ્વાન આશ્ર્ચર્યચકિત હતા, કારણ એમણે આ વાંચ્યું નહોતું. શ્રી ગુરુજીએ પાછળથી એની નકલ તેમને મોકલી આપેલી.
 
સ્વામી વિવેકાનંદ
 
સ્વામી વિવેકાનંદ પરદેશ યાત્રા દરમિયાન એક પશ્ર્ચિમી વિદ્વાનને મળવા ગયેલા. એ વિદ્વાન સ્નાનગૃહમાં હતા. તેમના ટેબલ પર તેમનું જ એક તાજું પ્રકાશિત પુસ્તક પડ્યું હતું. એ વિદ્વાન આવ્યા ત્યાં સુધીમાં નજર નાખી ગયા અને વાતચીત દરમિયાન એ પુસ્તકના જ સંદર્ભો આપ્યા ત્યારે પેલા વિદ્વાન પણ એમની વાચનક્ષમતા અને ગ્રહણશક્તિ સામે નમી પડ્યા હતા.
 
ડો. બાબા સાહેબ આંબેડકર
 
એવું કહેવાય છે કે ડો. બાબા સાહેબ આંબેડકરની અડધી જિંદગી લાઈબ્રેરીમાં જ પસાર થઈ હતી. એમને ખૂબ જ વાંચવાનો શોખ હતો. દેવું કરીને પણ વાંચવું જોઈએ એવું તેમનું માનવું હતું. એક જગ્યાએ ખુદ બાબાસાહેબે લખ્યું છે કે, ‘મેં એટલું વાંચન કર્યુ છે કે કયા પુસ્તકમાં કયા પાને કયો સંદર્ભ છે તે તરત જ મારા ધ્યાનમાં આવી જાય ! ભારત બંધારણ નામના એક પુસ્તકના આધારે ચાલે છે, અને એ બંધારણ ડો. આંબેડકરની દેણ છે. આંબેડકરજી પાસે આ સર્જન કરવાની શક્તિ ક્યાંથી આવી. પુસ્તકો પાસેથી, તેમણે પુષ્કળ વાંચ્યું. આજે મોરારિબાપુની અદ્ભુત વાક્છટા, દ્ષ્ટાંતો અને શાયરી આપણને ગમે છે ને ? મોરારિબાપુ પુષ્કળ વાંચે છે. પુસ્તકો માટે તેમને માન છે.’ સરદાર પટેલ પણ લાઈબ્રેરીમાં કલાકો સુધી વાંચતા.
 
વિશ્ર્વનો સૌથી જૂનો પુસ્તક મેળો
 
ફેસ્ટિવલો અને મેળાઓ માટે દુનિયામાં સૌથી પ્રસિદ્ધ દેશ છે, જર્મની. પુસ્તક મેળાની બાબતમાં પણ આ વાત સાચી છે. ફ્રેન્કફર્ટનો પુસ્તક મેળો વિશ્ર્વનો સૌથી જૂનો પુસ્તક મેળો પણ છે. બે વર્ષ પહેલા ભરાયેલા મેળામાં એક ખાસ વિભાગ એવી વિશ્ર્વ પ્રસિદ્ધ કૃતિઓનો હતો, જેના ઉપરથી વિશ્ર્વ પ્રસિદ્ધ ફિલ્મોનું નિર્માણ થયું હોય. ભારતને પણ એની જુદી જુદી ભાષાઓની આવી કૃતિઓ અને એના નામ ઉપરથી બનેલી ફિલ્મો લઈને આવવાનું આમંત્રણ મળ્યું હતું, પણ આપણું સરકારી તંત્ર આ પડકાર ઉઠાવી શક્યું નહોતું. નવી દિલ્હીના વિશ્ર્વ પુસ્તક મેળામાં 38 દેશોએ અને 500 ભારતીય પ્રકાશકોએ ભાગ લીધો. એની સામે ફ્રેન્કફર્ટના મેળામાં 84 દેશોના 7,000 પ્રકાશકો આવે છે અને ગયે વર્ષે તેમાં સાડા ત્રણ લાખ પુસ્તકો મુકાયાં હતા ! ફ્રેન્કફર્ટના મેળાનું રિપાર્ટિંગ કરવા માટે વિશ્ર્વના 6,000 પત્રકારોનો કાફલો ઊતરી પડે છે, ત્યારે આપણા પુસ્તક મેળાની અખબારો કે રેડિયો અને ટી. વી.માં પણ ઉપેક્ષા થાય તો એની જવાબદારી વધુ તો મેળાના આયોજકોની જ ગણાય.
 

 
 
 
જમાનો છે ઈ-રીડર અને ઈ-બુક્સનો !
 
ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની ક્રાંતિના કારણે હવે બધું જ ઓનલાઈન છે. આખે આખી લાઈબ્રેરી તમે તમારા ઘરના ડ્રોઈંગરૂમમાં બેસી ચેક કરી શકો છો. અરે, ચેક શું હજાર-બે હજાર-પાંચ હજાર પુસ્તકો તમે તમારા હાથની હથેળી જેટલા ઈ-રીડરમાં સાચવી શકો છો, ઈચ્છો ત્યારે, ગમે ત્યાં વાંચી શકો છો. આજે જમાનો છે ઈ-રીડરનો. તમારે પ્રવાસમાં જવું હોય કે ઘરમાં પુસ્તકો રાખવાની જગ્યા ન હોય તો નો પ્રોબ્લેમ ! એક ઈ-રીડર વસાવી લો અને ફટાફટ તેમાં પુસ્તકો અપલોડ કરી દો. એક બસો ગ્રામના ઈ-રીડરમાં તમે હજાર પુસ્તકો અપલોડ કરી શકો. જ્યાં જવું હોય ત્યાં હવે પુસ્તકોના થોથાં નહિ માત્ર મોબાઈલની જેમ ઈ-રીડર સાથે રાખવાનું. ઈ-રીડર એટલે તમારી હથેળીમાં સમાવેલી લાઈબ્રેરી. પુસ્તકોને સાચવવાની, તેને ઉધઈ લાગી જવાની, ફાટી જવાની કોઈ ઝંઝટ નહિ. એક અંદાજ પ્રમાણે લાઈબ્રેરીમાં જનારો વર્ગ આજે ઓછો થઈ રહ્યો છે ત્યારે ઈ-રીડર પુસ્તકોને ઘર-ઘર સુધી પહોંચાડવામાં અગત્યનો ફાળો ભજવશે. બીજી એક અગત્યની વાત છે કે ઈ-રીડર રાખવાથી તમારે પુસ્તકો ખરીદવા પણ નહીં જવું પડે. અમુક પુસ્તકો તો આનલાઈન ડાઉનલોડ કરવા મળે છે અને અમુક પુસ્તકોની કિંમત હોય તો આનલાઈન ઘરે બેઠા ક્રેડિટ કાર્ડ દ્વારા તમે પૈસા ચૂકવી પુસ્તક મેળવી શકો છો. ઈ-રીડર અને ઈ-બુક્સનું વર્ચસ્વ 21મી સદીમાં વધી રહ્યું છે. ટાઈમ(સમય)નો અભાવ ધરાવતા આજના માનવી માટે પુસ્તકો વાંચવા માટે આ એક અદ્ભુત સુવિધા છે.
 
- હિતેશ સોંડાગર