ઉત્તર કોરિયા - દક્ષિણ કોરિયા આજે દુશ્મની ભૂલી રહ્યુ છે ત્યારે આવો જાણીએ આ દેશોનો રક્તરંજિત ઇતિહાસ

    ૨૭-એપ્રિલ-૨૦૧૮

 
 
ઈ.સ. 1948 સુધી કોરિયા એક જ હતું, પણ આ દેશોના ગંદા રાજકીય દાવપેચનો ભોગ બન્યું કોરિયા. પછી એક કોલ્ડ વોર ચાલ્યુ. આ કોરિયન વોર દરેક દેશમાં અલગ અલગ નામે ઓળખાયું. ઉત્તર કોરિયા - દક્ષિણ કોરિયાના રક્તરંજિત ભાગલા ધ્રુજાવી દે તેવા છે….
 
ભારત- પાકિસ્તાનની જેમ છૂટા પડેલા બે દેશ ઉત્તર કોરિયા - દક્ષિણ કોરિયા વચ્ચેની દુશ્મની હંમેશાં ચર્ચામા રહી છે. આજથી ૬૫ વર્ષ પહેલા આ બે દેશો વચ્ચે એક દુશ્મનીની દિવાલ ચાણાઈ હતી જે ગયા શુક્રવારે પડી ગઈ છે. આ દિવસે ૬૫ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઉત્તર કોરિયાના એક શાસકે દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મોક્યો છે. ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ શુક્રવારે સવારે બન્ને દેશોની સરહદ પર પહોંચ્યો અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈન સાથે મુલાકાત કરી. આ મુલાકાત આ વર્ષની સૌથી યાદગાર કહી શકાય. કેમ કે ૬૫ વર્ષથી દુશ્મનાવટમાં રહેતા આ દેશો તેમને રક્તરંજિત ભૂતકળ ભૂલી ભેગા થયા છે. જે નક્કી સારી વાત છે. આ પાછળ બન્ને દેશોની શું નીતિ હશે તે સમય બતાવશે પણ આવો પહેલા એ જાણી લઈએ કે કોરિયા એક જ હતુ તે ઉત્તર કોરિયા - દક્ષિણ કોરિયા કેવી રીતે વહેંચાયુ?
 
ઉત્તર કોરિયા - દક્ષિણ કોરિયા લગોલગ છતાં અલગ
 
ઈ. સ. 1948 સુધી કોરિયા એક જ હતું, પરંતુ 1910માં કોરિયાએ મજબૂરન જાપાનનું આધિપત્ય સ્વીકારવું પડ્યું. પછી બીજા વિશ્ર્વયુદ્ધમાં જાપાન ભાંગ્યું એટલે યુનાઇટેડ નેશન્સે કોરિયાનાં બે ભાગ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ અમેરિકા અને રશિયાના રાજકીય દાવપેચને કારણે કોરિયાના ખરેખર બે ટુકડા થઈ ગયા અને ઈ.સ. 1949માં બંને વચ્ચે રક્તરંજીત યુદ્ધ ખેલાયું.
 
આવો, જાણીએ એક જ માના સપૂતો જેવા આ બંને જોડિયા ભાઈઓની પરિસ્થિતિ આજે કેવી છે. કોણ ઊંચે ઊઠ્યું છે ને કોણ નીચે પડ્યું છે. સમય અને સાથીઓના કેવા કેવા ખેલ એણે જોયા છે...
 
પુરાણી હિન્દી ફિલ્મોમાં જેમ બે જોડિયા ભાઈ બચપ્નમાં બિછડી જાય અને મોટા થઈને એક ચોર બને તો એક પોલીસ બને, એવી થીમ પર પાર વિનાની ફિલ્મો આવી ચૂકી છે. પરંતુ આવી થીમ પર કોઈ રાષ્ટ્રનો જન્મ થાય એવું બને? પૂર્વ એશિયામાં આવેલા દેશો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની બાબતમાં લગભગ એવું જ બન્યું છે. ઈ.સ. 1948 સુધી કોરિયા એક જ હતું, પરંતુ ત્યાં સુધી એટલે કે 1910માં થયેલી ‘જાપાન-કોરિયા એનેક્સેશન ટ્રિટી’ અનુસાર કોરિયાએ જાપાનનું આધિપત્ય સ્વીકાર્યું. જો કે મોટા ભાગના રાજકીય-ઇતિહાસકારો એ કરારને યોગ્ય ગણતા નથી, કેમ કે જાપાને ધાકધમકી અને લાંચથી એ ટ્રિટી કરાવી લીધો હોવાની થિયરી છે. જે હોય તે, પરંતુ એનું પરિણામ એ આવ્યું કે જાપાને પોતાના ક્રૂર પંજા હેઠળ કોરિયાને દબાવી દીધું. જાપાનથી છુટકારો મેળવવા માટે 1919માં થયેલી ‘માર્ચ ફર્સ્ટ મુવમેન્ટ’ને જાપાને અત્યંત ક્રૂરતાપૂર્વક દબાવી દીધી હતી. તેમાં જાપાની પોલીસ અને મિલિટરીએ લગભગ સાત હજારથી પણ વધુ પ્રદર્શનકારીઓને મારી નાખેલા. લાખો પુરુષોને પરાણે જાપાનની સેનામાં ધકેલી દેવામાં આવ્યા. ચાર લાખથી પણ વધુ કામદારોએ જાપાનની સામ્રાજ્યવાદી નીતિને કારણે બીજા વિશ્ર્વયુદ્ધમાં જીવ ગુમાવ્યા, જ્યારે બે લાખથી પણ વધુ સ્ત્રીઓ અને બાળકીઓને જાપાની સૈન્યની વાસના સંતોષવા માટે જાતિય ગુલામીમાં ધકેલી દેવામાં આવી, જેમને ‘કમ્ફર્ટ વિમેન’ એવું નામ આપવામાં આવતું. કોરિયાની પોતીકી ઓળખ ભૂંસી નાખવા માટે જાપાને કોઈ કસર છોડી નહોતી. એટલે સુધી કે કોરિયાની ભાષાઓ પર પણ આકરા પ્રતિબંધો ઠોકી દેવાયેલા. ‘સોશી-કાઇમેઇ’ નામની પાલિસી અંતર્ગત કોરિયન લોકોને જાપાનીઝ અટકો અપ્નાવવાની ફરજ પાડવામાં આવતી. હજારોની સંખ્યામાં પ્રાચીન પ્રતિકૃતિઓ, શિલ્પો અને અન્ય ઐતિહાસિક વારસા સમી વસ્તુઓને જાપાન ભેગી કરી દેવામાં આવી.
 

 
 
કોરિયાની વિભાજક રેખા:38સે. પેરેલલ
 
અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુબાઁબ ફેંક્યા અને જાપાને શરણાગતિ સ્વીકારી એ સાથે જ બીજા વિશ્ર્વયુદ્ધનો અંત આવ્યો. એ દરમિયાન યુનાઇટેડ નેશન્સે પ્લાન ઘડી કાઢ્યો કે કોરિયાના ‘થર્ટી એઇટ્થ (38) પેરેલલ’ તરીકે ઓળખાતી અને આ અક્ષાંશવૃત્ત પર આવેલી કાલ્પનિક રેખા, જે કોરિયાના બે ભાગ કરે છે, ત્યાંથી કોરિયાને બે ભાગમાં વહેંચી દેવામાં આવે. આ બંને ભાગમાં અમેરિકા અને સોવિયેત રશિયા બંને મળીને ‘ટ્રસ્ટીશિપ એડ્મિનિસ્ટ્રેશન’ તરીકે કોરિયાનો વહીવટ ચલાવે. એ રીતે ઉત્તર કોરિયાનો વહીવટ સોવિયેત રશિયાના હાથમાં આવ્યો અને દક્ષિણ કોરિયાનો વહીવટ અમેરિકાએ સંભાળ્યો. પરંતુ કોરિયાના નસીબમાં ભારત-પાકિસ્તાનની જેમ ભાગલા જ લખ્યા હશે. એટલે થયું એવું કે અમેરિકા અને રશિયા વચ્ચે દાયકાઓ સુધી ચાલનારી કોલ્ડ વારનાં 1947માં મંડાણ થયાં, જેના ગંદા રાજકીય દાવપેચનો ભોગ બન્યું કોરિયા. સ્વાભાવિક રીતે જ સોવિયેત રશિયાએ ઉત્તર કોરિયામાં સામ્યવાદી વિચારસરણીને જન્મ આપ્યો, જેના કેટલાક પડઘા દક્ષિણ કોરિયામાં પણ દેખાયા. ઉત્તર કોરિયામાં ભૂતપૂર્વ જાપાન વિરોધી ગેરિલા અને સામ્યવાદી એક્ટિવિસ્ટ કિમ ર-સુંગે સોવિયેત રશિયાની મદદથી સત્તા મેળવી. જ્યારે બીજી બાજુ દેશવટો ભોગવી રહેલા રાજકીય નેતા સિંગમાન ર્હીને દક્ષિણ કોરિયામાં પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા. 1949 સુધીમાં રશિયા અને અમેરિકા બંને દેશ પોતપોતાનું લશ્કર કોરિયામાંથી ક્રમશ: પાછું ખેંચવા માંડ્યા. પરંતુ એ જ ગાળામાં અમેરિકાની સૈન્ય વાપસીમાં અચાનક ભેદી ઘટાડો આવ્યો. આ તરફ ઉત્તર કોરિયાએ સામ્યવાદી ઝંડો ફરકાવીને સશસ્ત્ર હુમલાથી દક્ષિણ કોરિયા કબજે કરવાનો વિકલ્પ વિચાર્યો, પરંતુ એને સોવિયેત રશિયાના તત્કાલીન વડા જોસેફ સ્તાલિનની મંજૂરી મળી નહીં. એ સમયે જ ચીનમાં માઓ ઝેદોંગનો જ્વલંત વિજય થયો અને એ પણ કોરિયા પર કબજો જમાવવાની મુરાદ સેવતા હોવાથી, એમણે એવો સંકેત આપ્યો કે જો સોવિયેત રશિયાની મદદથી ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા પર હુમલો કરી દે, તો એમાં ચીન પોતાનું સૈન્ય મોકલીને મદદ કરી શકે છે.
 

 
સામ્યવાદ-મૂડીવાદનું કોરિયન યુદ્ધ
 
આખરે 25 જૂન, 1950ના રોજ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર હુમલો કરી દીધો, અને અમેરિકા-રશિયા વચ્ચેની કોલ્ડ વારની પહેલી મોટી માથાકૂટ એવી ‘કોરિયન વાર’નો પ્રારંભ થયો. રશિયાની આ યુદ્ધમાં સક્રિયતા એટલી તીવ્ર હતી કે એણે યુએનઓને અંગૂઠો બતાવીને પોતાના વીટો પાવર પણ જતા કરી દીધા. પરિસ્થિતિ જોતાં અમેરિકાને લાગ્યું કે ઉત્તર કોરિયા આખું દક્ષિણ કોરિયા કબજે કરી લેશે. એટલે અમેરિકાએ પણ દક્ષિણ કોરિયાને મદદ પૂરી પાડીને પરોક્ષ રીતે કોરિયન યુદ્ધમાં ઝંપલાવ્યું. આ કોરિયન યુદ્ધનું એક એક પ્રકરણ એટલું બધું ભયંકર અને રક્તરંજિત છે કે એની વાત કરતાં આ જગ્યા અને આપણી સંવેદનાઓ ખૂટી પડે. બંને દેશો વચ્ચેથી પસાર થતી કાલ્પનિક અક્ષાંશ રેખા ‘380 પેરેલલ’ બોર્ડર બની ગઈ અને બંને દેશોએ આ બોર્ડરની બંને બાજુથી એકબીજાને રંજાડવાનું ચાલુ રાખ્યું.
 

 
 
દરેક દેશમાં કોરિયન વોર અલગ અલગ નામે ઓળખાય છે.
 
આ યુદ્ધમાં ઉત્તર અને દક્ષિણ કોરિયા ઉપરાંત સોવિયેત રશિયા, અમેરિકા અને ચીન પણ સામેલ હતા, એટલે આ દરેક દેશમાં કોરિયન વોર અલગ અલગ નામે ઓળખાય છે. અમેરિકાએ તેને ‘ફરગોટન (ભુલાયેલું) વાર’ કે અનનોન (અજાણ્યું) વાર’ તરીકે સંબોધી છે, તો દક્ષિણ કોરિયાએ તેને ‘6-2-5 વાર’ અર્થાત્ યુદ્ધ શરૂથયાની તારીખથી ઓળખાવ્યું. ઉત્તર કોરિયાએ આ યુદ્ધને ‘ફાધરલેન્ડ લિબરેશન વાર’ એવું નામ આપ્યું, જ્યારે ચીને તેને ‘વાર ટુ રેઝિસ્ટ યુએસ એગ્રેશન એન્ડ એઇડ કોરિયા’ (અમેરિકન આક્રમણને ખાળવા અને કોરિયાને મદદ કરવા માટેનું યુદ્ધ) તરીકે ઓળખાવ્યું. હજારો નિર્દોષ નાગરિકોને માત્ર તેઓ હરીફ દેશને મદદ કરે છે કે એની વિચારસરણીમાં માને છે એવી શંકાને કારણે લાઇનસર સુવડાવીને મારી નાખવા (બોડો લીગ મેસેકર), પ્રિઝનર આફ વારને બેરહેમીથી મારી નાખવા, સૈનિકોને જીવતા દાટી દેવા વગેરે પાર વિનાના અત્યંત કુત્સિક અપરાધો 1950થી 1953 દરમિયાન ચાલેલા આ યુદ્ધમાં આચરવામાં આવ્યા. 25 લાખથી પણ વધુ લોકોનો ભોગ લેનારી કોરિયન વારમાં સંયુક્ત રાષ્ટ્ર તરફથી લડતા તુર્કી, કેનેડા, આસ્ટ્રેલિયા, ફ્રાન્સ, કોલમ્બિયા, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, ગ્રીસ, ન્યૂઝિલેન્ડ વગેરે દેશોએ પણ પોતાના હજારો સૈનિકો ગુમાવ્યા. વચ્ચે ફરી એકવાર અણુબાઁબનો ઉપયોગ કરવાની ધમકીઓ પણ ઉચ્ચારવામાં આવી, પરંતુ એનું કંઈ નક્કર પરિણામ ન આવ્યું.