નાટક જોઈને મા-બાપને વૃદ્ધાશ્રમમાંથી લઈ આવ્યા

    ૦૫-એપ્રિલ-૨૦૧૮


 
લગભગ વીસેક વર્ષ પહેલાંની વાત હશે. સાંજનો સાત વાગ્યા આસપાસનો સમય. અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા સેપ્ટ કેમ્પસમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર આવેલું છે. તેના એમ્ફી થિયેટરમાં ‘પરખ’ નાટકનું રિહર્સલ ચાલી રહ્યું હતું. બે વાત પહેલાં ‘પરખ’ નાટક વિશે કરી લઉં. જર્મનીના વિશ્ર્વવિખ્યાત નાટ્યકાર બર્ટોલ્ટ બ્રેખ્તનું એક વિશ્ર્વખ્યાત નાટક છે ‘કોકેસિયન ચોક સર્કલ’. આ નાટક પરથી નાટ્યકાર સુભાષ શાહે ‘પરખ’ નાટકનું અનુસર્જન કર્યું હતું. એટલે કે માત્ર નાટકની થીમલાઈન લઈને સંપૂર્ણપણે ગુજરાતી મૌલિક નાટક લખ્યું હતું.
 
નાટકમાં જન્મ આપનારી માતા મહાન કે પાલક માતા મહાન ? તે વિચારની આજુબાજુ બધી ઘટનાઓ ફર્યા કરે. શહેરના પ્રતિષ્ઠિત અને શ્રીમંત રાવ પરિવાર પર હુમલો થાય છે ત્યારે ઘરના બધા સભ્યો બેબાકળા થઈને ઘર છોડી ભાગી જાય છે. સંજોગોવશાત્ ઘરમાં એક વર્ષના દીકરાને લેવાનું પણ તેની માતાને યાદ આવતું નથી અને દીકરાને બચાવવા માટે ઘરની નોકરાણી તેને લઈ જઈને પોતાને ત્યાં મોટો કરે છે. બેએક વર્ષ પછી અસલ માતાને આ વાતની ખબર પડે છે ત્યારે એ ન્યાય માગવા જાય છે. ન્યાય આપનાર અધિકારી કહે છે કે એક ગોળ વર્તુળ દોરો. તેમાં વચ્ચે દીકરાને રાખો અને એ દીકરાનો હાથ બંને છેડેથી બેય માતા પકડી રાખે. જે માતા દીકરાને ખેંચી જશે તેણે દીકરાને લઈ જવાનો. અને જન્મ આપનારી મા અને પાલક મા બંને દીકરાનો એકએક હાથ પકડીને ઊભી રહે છે અને જેવો અધિકારી કહે છે કે ખેંચો કે તરત પાલક મા દીકરાનો હાથ છોડી દે છે. અધિકારી કહે છે કે આવું કેમ કર્યું ? તો પાલક માતા જવાબ આપે છે કે ‘જે દીકરાને મેં જતનપૂર્વક મોટો કર્યો હોય તેનો હાથ ખેંચતાં મારો જીવ કેવી રીતે ચાલે ? એમ કરતાં એને વાગી જાય તો ? એના કરતાં તો ભલે એને જન્મ આપનારી મા એને લઈ જાય, પણ હું એને ખેંચી ના શકું.’
 
આ નાટકમાં હું (શૈલેન્દ્ર વાઘેલા) એક રોલ પણ કરતો હતો અને સુભાષ શાહનો સહાયક દિગ્દર્શક પણ હતો. એક વખત રિહર્સલ પૂરું થઈ ગયા પછી નાટકની આખી ટીમ બેઠી હતી. સ્વાભાવિકપણે દેશ-દુનિયાનાં નાટકોની વાતો ચાલતી હતી અને મારા મોઢેથી અનાયાસ પ્રશ્ર્ન સરી પડ્યો કે ‘સારું નાટક અને ખરાબ નાટક વચ્ચે ફેર શું ?’ ત્યારે પાંચ સેક્ધડનો પોઝ લઈને સુભાષ શાહે સરસ જવાબ આપ્યો હતો કે ‘જો શૈલેષ, જે નાટકમાં ઘટનાઓ માત્ર પ્રેક્ષકોને આંજી નાખવા માટે હોય, તેની પાછળ કોઈ ફિલોસોફિકલ (તાત્ત્વિક) હેતુ ના હોય તો તેને ખરાબ નાટક કહી શકાય, જ્યારે સારાં નાટકોમાં બનતી ઘટનાઓમાં જીવનનો ધબકાર હોય છે.’ આ જ નાટકના રિહર્સલ દરમિયાન નાટકમાં કામ કરતા એક કલાકાર વિશ્ર્વેશ દવે લાઇટિંગ એરેન્જમેન્ટ કરતી વખતે પંદરેક ફૂટ ઉપરથી પટકાયો હતો અને હાથની કોણીનું હાડકું ભાંગી ગયું હતું ત્યારે બધું જ પડતું મૂકીને સુભાષ શાહે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટેની ગોઠવણ કરીને મને અને નાટકના મુખ્ય કલાકાર અમિત વ્યાસને તેની સાથે જવા કહ્યું હતું. ત્યારે થાય કે નાટ્યદિગ્દર્શકમાં નાટકની કળાસૂઝ તો હોવી જ જોઈએ. સાથે સાથે તેમનામાં ઉમદા માનવીય અભિગમ પણ હોવો જ ઘટે. ગુજરાતના આ દિગ્ગજ નાટ્યકાર સુભાષ શાહ મારા જેવા કંઈકેટલાયે યુવા નાટ્યકલાકારો માટે પ્રેરણાસ્રોત સમાન હતા. હજુ ગયા મહિને જ ૭૭ વર્ષની વયે તેમનું નિધન થયું છે.
 
માત્ર એક રોસ્ટમ પર આખું નાટક ભજવ્યું
 
ગુજરાતના નાટ્યકાર નિમેષ દેસાઈની આમ તો ઓળખ આપવાની જ જરૂર નથી, છતાં કહી દઉં કે તેઓ સંભવત: એકમાત્ર ગુજરાતી નાટ્યકાર છે જેમણે ૧૦૦થી વધુ ફૂલલેન્થ નાટકોનું દિગ્દર્શન કર્યું છે. નિમેષ દેસાઈના હાથ નીચે તૈયાર થયેલા ફિલ્મ દિગ્દર્શક ઉત્પલ મોદી તેમની સાથેનો પ્રસંગ જણાવતાં કહે છે કે, ‘૧૯૮૪-૮૫માં નિમેષ દેસાઈ મારા પપ્પા ચીનુ મોદી લિખિત નાટક ‘જાલકા’નું દિગ્દર્શન કરતા હતા. ત્યારે હું તેમનો સહાયક હતો. ‘જાલકા’ એ શેક્સપિયરનું જગપ્રસિદ્ધ નાટક ‘મેકબેથ’નું ગુજરાતી ‚પાંતર હતું, જે ચીનુ મોદીએ કરેલું. જ્યારે નિમેષભાઈએ આખી ટીમ સાથે પહેલીવાર નાટક વાંચ્યું ત્યારે રાજમહેલ અને તેના જુદા જુદા ભાગમાં નાટકનાં દૃશ્યો લખાયેલાં હતાં. નાટકનું રીડિંગ પૂરું થયા પછી મેં તેમને પૂછેલું કે આટલા બધાં ભવ્ય લોકેશનો કેવી રીતે સ્ટેજ પર દર્શાવીશું ? ત્યારે તેમણે એટલું જ કહ્યું કે, ‘તું તારે જોતો જા.’ અને પછી તો તેમણે માત્ર એક રોસ્ટમ (નાનું લાકડાનું ચોરસ ટેબલ સમજી લો ને) પર જ આખું નાટક ભજવેલું. લોકોએ પણ ખૂબ વખાણ્યું. ત્યારે મને થયું કે નાટક ભજવવા માટે સારું પરફોર્મન્સ જ સૌથી મહત્ત્વનું છે. બાકીનું બધું ગૌણ છે. આજે પણ હું જ્યારે કોઈ ફિલ્મ કરતો હોઉં છું ત્યારે મારા માટે લોકેશન કે કોસ્ચ્યુમની ભવ્યતા કરતાં ફિલ્મની વાર્તા અને કલાકારોનું પરફોર્મન્સ જ મહત્ત્વનું હોય છે, જે હું નિમેષભાઈ પાસેથી શીખ્યો છું.’
 
બીમાર પડ્યો છતાં નાટક ભજવવાનું ચાલુ રાખ્યું
 
જીતેન્દ્ર ઠક્કર નાટક, ટીવી, ફિલ્મોના જાણીતા કલાકાર છે. કલાકાર તરીકે તેમની લેટેસ્ટ ઓળખ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ના વિકીડાના પપ્પા તરીકેની છે. તેઓ તેમની સુદીર્ઘ કારકિર્દીમાંથી સૌ કોઈ નાટ્યકલાકાર માટે પ્રેરણારૂપ બની રહે તેવો પ્રસંગ જણાવતાં કહે છે કે ‘એક દિવસ મારું જ લખેલું એક કોમેડી નાટક જેનો નિર્માતા-દિગ્દર્શક પણ હું જ હતો તેનો શો બારડોલી ખાતે રાખવામાં આવ્યો હતો. નાટક હાઉસફૂલ થઈ ચૂક્યું હતું. નાટકની અમારી આખી ટીમ પણ બારડોલી પહોંચી ગઈ. રાત્રે શો શરૂ થવાનો હતો, પણ શોના થોડા સમય પહેલાં જ અચાનક જ મારી તબિયત બગડી. મને અનઈઝીનેસ લાગવા માંડી. મને એમ થવા માંડ્યું કે આ નાટક હું કરીશ કે નહીં ? છતાં હિંમત રાખીને શો શરૂ કર્યો અને પહેલી એન્ટ્રીવાળો સીન પતાવીને બેકસ્ટેજમાં ગયો ત્યાં જ ઊલટી થઈ. હવે શો શરૂ કર્યા પછી અટકાવાય તો નહીં એટલે તબિયત સારી નહીં હોવા છતાં નાટક ચાલુ રાખ્યું. લોકોને હસાવવાના પણ ચાલુ રાખ્યા. જેટલીવાર સીન પતે એટલે એક્ઝિટ કરું ત્યારે ઊલટી થાય. આમ કરતાં-કરતાં નાટક પૂરું કર્યું અને સીધો નાટકના હોલમાંથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ચાર દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ મને સારું થયું એટલે અમદાવાદ પાછો ફર્યો.’ જીતેન્દ્રભાઈના આ પ્રસંગમાંથી શીખવાનું એ કે કલાકારે કોઈપણ સંજોગોમાં પોતાનું કમિટમેન્ટ પૂરું કરવું જ રહ્યું. જીતેન્દ્રભાઈ તો બીમાર પડ્યા. જ્યારે ઘણા કલાકારોના જીવનમાં એવું બન્યું છે કે ચાલુ નાટકે કોઈ પરિવારજનના મૃત્યુના સમાચાર આવ્યા હોય છતાં તેમણે નાટક ભજવવાનું ચાલુ રાખ્યું હોય. સલામ છે રંગભૂમિના આવા તારલાઓને.
 
એક પ્રેક્ષક હતો છતાં નાટક ભજવ્યું
 
અભિનેતા-દિગ્દર્શક હોવાની સાથે તેઓ યુવા કલાકારોના મેન્ટોર પણ છે અને એટલે જ આજના યુવા કલાકારોમાં એ નીશુબાબાના નામથી જાણીતા છે. હા, રંગભૂમિના આ અદના કલાકારનું નામ છે નિસર્ગ ત્રિવેદી. તેમની નાટ્યયાત્રા દરમિયાન બનેલો એક પ્રસંગ કે જેને તેઓ કલાકારજીવનની સૌથી મોટી શીખ માને છે તે આ મુજબ છે. ‘એકવાર પ્રેમાભાઈ હોલમાં અમારા એક નાટકનો પ્રયોગ થવાનો હતો. કૈલાસ પંડ્યા એ નાટકના દિગ્દર્શક હતા. હું તે વખતે અગિયાર કે બારમામાં ભણતો હોઈશ. નાટક શરૂ થવાની થોડી મિનિટો પહેલાં હું બહાર નીકળ્યો અને પ્રેક્ષાગારનું દૃશ્ય જોઈને આભો થઈ ગયો. તરત અંદર આવીને કૈલાસભાઈને કહ્યું કે, ‘નાટક બંધ રાખવું પડશે.’ કૈલાસભાઈએ પૂછ્યું, ‘કેમ ?’ જવાબમાં મેં કહ્યું કે હોલમાં માત્ર દસ જ પ્રેક્ષકો છે. ત્યારે કૈલાસભાઈએ હસીને, મારા માથે ટપલી મારીને કહ્યું કે, ‘એક પ્રેક્ષક હોય કે દસ હોય. નાટક તો ભજવવું જ પડે.’ અને અમે નાટક ભજવ્યું. પછી વર્ષો પછી મારે ‘આધે અધૂરે’ નાટકનો શો હતો. એ વખતે અમદાવાદમાં ખૂબ વરસાદ પડેલો અને માત્ર એક જ વ્યક્તિ એ નાટક જોવા આવેલી. ત્યારે મને કૈલાસભાઈના એ શબ્દો યાદ આવ્યા અને એક પ્રેક્ષક માટે પણ અમે નાટક ભજવ્યું.’
 
નાટકના માધ્યમની તાકાત તો જુઓ !
 
‘મા-બાપના આશીર્વાદ’ ફિલ્મમાં બાપનો રોલ કરીને ખૂબ જાણીતા થયેલા અભિનેતા પ્રશાંત બારોટનો પ્રસંગ સાંભળીને એમ જ લાગે કે ‘ઓહો... નાટકના માધ્યમની અસર કેટલી મોટી હોય છે.’ પ્રસ્તુત છે એ પ્રસંગ પ્રશાંતભાઈના શબ્દોમાં. ‘એકવાર અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં અમારા નાટક ‘રૂપિયામાં રમતો માણસ’નો શો હતો. નાટકની વાર્તા એવી છે કે મા-બાપ દીકરાઓને મિલકત વહેંચી દે છે પછી દીકરાઓ જ એ મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એ શો પૂરો થઈ ગયા પછી એક વ્યક્તિ અમને મળવા આવી. સાથે તેમનાં મમ્મી-પપ્પા પણ હતાં. તેમણે અમારી ટીમ સાથે તેમનાં મમ્મી-પપ્પાની ઓળખ કરાવી અને કહ્યું કે હું આ નાટક પહેલાં પણ જોવા આવેલો અને આ નાટક જોયા પછી હું મારાં મા-બાપને વૃદ્ધાશ્રમમાંથી પાછાં ઘરે લાવ્યો છું અને આજે તેમને લઈને આ નાટક જોવા આવ્યો છું.’ ખરેખરું, કલાનું કોઈપણ માધ્યમ હોય તેનું છેવટનું કામ તો આ જ છે કે સમાજને તેનો આયનો બતાવવાનું. કેમ ખરું ?
 
 
 - શૈલેન્દ્ર વાઘેલા
(લેખક : દિવ્ય ભાસ્કરના ડેપ્યુટી એડિટર છે તથા દિગ્દર્શક અને અભિનેતા છે.)