રશિયા-અમેરિકાની સ્પાય વોરનું મૂળ સર્ગેઈ-યુલિયા કોણ છે ?

    ૦૫-એપ્રિલ-૨૦૧૮

 
 
અમેરિકા અને રશિયા વચ્ચે ફરી કોલ્ડ વોર શરૂ થઈ ગઈ છે અને દુનિયા આખી ટેન્શનમાં છે. આ કોલ્ડ વોરની શરૂઆત બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને તગેડવા માંડ્યા તેના કારણે થઈ છે ને કોલ્ડ વોરમાં પહેલો ઘા અમેરિકાના ખાસ સાથી બ્રિટને કર્યો. બ્રિટને ૪ માર્ચે રશિયાના ૨૩ રાજદ્વારીઓ પર જાસૂસીનો આરોપ મૂકીને તેમને બ્રિટનમાંથી બિસ્તરાપોટલાં બાંધીને ઉચાળા ભરવાનું અલ્ટિમેટમ આપ્યું તેમાં આ ડખો શરૂ થયો. બ્રિટનના પગલે અમેરિકા સહિતના તેના બીજા સાથી દેશો પણ મચી પડ્યા ને તેમણે પણ પોતપોતાના દેશોમાંથી રશિયન રાજદ્વારીઓને તગેડવા માંડ્યા. અમેરિકાએ ૬૦ રશિયનોને અમેરિકા છોડી દેવા કહ્યું ને કુલ મળીને અમેરિકાની સાથે રહેલા ૨૪ દેશોએ ૧૩૭ રશિયન રાજદ્વારીઓને તગેડી મૂક્યા. રશિયાએ પણ વળતો ફટકો મારીને અમેરિકાના ૫૮ અને તેના સાથી દેશના ૨ મળીને ૬૦ રાજદ્વારીઓને સાત દિવસની અંદર રશિયા છોડવા અને ૪૮ કલાકની અંદર સેન્ટ પીટર્સબર્ગ વાણિજ્ય દૂતાવાસને બંધ કરવા ફરમાન કરી દીધું.
 
બ્રિટન-અમેરિકા અને રશિયાની આ તડાફડીના કારણે દુનિયામાં ટેન્શનનો માહોલ છે ત્યારે મોટા ભાગના લોકોને આ કમઠાણ ક્યાંથી શરૂ થયું તેની જ ખબર નથી. તમને જાણીને આંચકો લાગશે કે આ કમઠાણ શરૂ થયું તેના મૂળમાં એક રશિયન જાસૂસ અને તેની દીકરી છે. બ્રિટને તેમનું ઉપરાણું લીધું ને અમેરિકાએ તેને ટેકો આપ્યો તેમાં આ બબાલ થઈ ગઈ છે.
અમેરિકા અને રશિયાને સામસામે મૂકી દેનારા આ જાસૂસનું નામ સર્ગેઈ સ્ક્રીપાલ અને તેની દીકરીનું નામ યુલિયા છે. તેમની કથા કોઈ સ્પાય થ્રીલરને પણ ટક્કર મારે તેવી જોરદાર છે. સર્ગેઈ સ્ક્રીપાલ એક સમયે રશિયન લશ્કરમાં મિલિટરી ઈન્ટેલિજન્સ અધિકારી હતા ને બ્રિટનમાં જાસૂસી કરતા. બ્રિટનમાં તેમનો સંપર્ક બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈ ફાઈવના જાસૂસો સાથે થયોને સર્ગેઈને તેમણે પોતાના તરફ ખેંચી લીધા. સર્ગેઈ ડબલ એજન્ટ બની ગયા ને પોતાના દેશને વફાદાર રહેવાને બદલે બ્રિટનને પણ માહિતી આપવા માંડ્યા.
 
ડબલ એજન્ટ બન્યા પછી સર્ગેઈએ રશિયાને બેવકૂફ બનાવીને ખોટી માહિતી આપવા માંડી. વચ્ચે વચ્ચે બ્રિટનને નુકસાનકારક ના હોય તેવી કેટલીક સાચી માહિતી પણ આપી દેતા. જો કે રશિયન જાસૂસી સંસ્થાઓના ખેરખાંઓના ધ્યાનમાં આ વાત આવી ગઈ તેથી તેમણે સર્ગેઈ પર વોચ ગોઠવી. ૨૦૦૪માં સર્ગેઈ રશિયાની જાળમાં સપડાઈ ગયા તેથી તેમના પર દેશદ્રોહનો કેસ કરી જેલભેગા કરી દેવાયા. સર્ગેઈને ૧૩ વર્ષની સજા થઈ. બ્રિટિશ સરકાર માટે આ વાત નાક વઢાવા જેવી હતી તેથી રશિયાનું નાક દબાવવા બ્રિટને રશિયાના જાસૂસોને જેલભેગા કરી દીધા.
 
જાસૂસોની આપ-લે કરવાના કરાર અંતર્ગત ૨૦૧૦માં બ્રિટને રશિયાના દસ એજન્ટને મુક્ત કર્યા. સામે રશિયાએ સર્ગેઈ સહિતના ૩ જાસૂસોને બ્રિટન જવા દીધા. ત્યારથી સર્ગેઈ દીકરી યુલિયા સાથે બ્રિટનમાં રહેતા હતા. તેમને બ્રિટિશ નાગરિકત્વ અપાયેલું. એ લોકો ત્યાં સુખેથી રહેતાં હતાં ને કોઈ તકલીફ નહોતી પણ આ વરસે અચાનક સર્ગેઈને રશિયા જવાની કુબુદ્ધિ સૂઝી. માર્ચ મહિનામાં સર્ગેઈ અને યુલિયા મોસ્કોમાં પોતાનાં સગાં-વ્હાલાંને મળવા ગયાં ને પછી લંડન પાછાં ફર્યાં. લંડન આવ્યાના થોડા સમયમાં બન્ને બેહોશ થઈ ગયાં.
 
ડૉક્ટરે તપાસ કરી તો ખબર પડી કે બાપ-દીકરીના શરીરમાં નોવિચોક નામે ઝેર છે. ઝેર નોવિચોક નર્વ એજન્ટ છે એટલે કે જ્ઞાનતંતુને અસર કરે છે. સર્ગેઈ-યુલિયાના શરીરમાંથી આ ઝેર મળી આવ્યું તેનો સ્પષ્ટ અર્થ એમ થતો હતો કે રશિયાના સત્તાધીશોએ જૂનો ખાર રાખીને બાપ-દીકરીને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝેર સરકારી કબજામાં જ હોય, એટલે બીજા કોઈએ સર્ગેઈ-યુલિયાને ઝેર આપ્યું હોય એમ માની ન શકાય.. બ્રિટને આ મુદ્દો ગંભીરતાથી લીધો. બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મેએ સંસદમાં જ રશિયાના પ્રમુખ પુતિન પર આક્ષેપ મૂકીને તેમના ઇશારે ઝેર અપાયાનું એલાન કર્યું. રશિયાએ ઝેર આપવામાં પોતાનો હાથ છે એ સાબિત ન થાય એટલા માટે ઝેરનો ડોઝ મોસ્કોને બદલે લંડનમાં અપાવ્યો હતો.
 
ઝેર આપવાનું કામ પણ કોઈ એક નહીં, પણ અલગ અલગ એજન્સીઓએ સાથે મળીને કરેલું. ઝેર યુલિયાની બેગમાં કપડાં ભેગું મિક્સ કરી દેવાયું હતું. બેગ ખોલે અને વસ્ત્રોના સંપર્કમાં આવે પછી તેની અસર થાય એવી ગોઠવણ રશિયાએ પહેલેથી કરી રાખી હતી. રશિયાની જાળમાં બાપ-દીકરી ફસાયાં ને અત્યારે બંને કોમામાં છે. સર્ગેઈ-યુલિયાને ઝેર આપીને રશિયાએ બીજી વાર બ્રિટનનું નાક વાઢ્યું તેથી બ્રિટન છછેડાઈ ગયું. તેણે ધડબડાટી બોલાવી. બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેએ રશિયાના રાજદૂત આવાસના કર્મચારીઓને તગેડી મૂક્યા. ૨૦૧૮માં રશિયામાં ફૂટબોલ વર્લ્ડકપ છે. બ્રિટિશ રાજ પરિવાર વર્લ્ડકપનો બહિષ્કાર કરશે એવી પણ જાહેરાત કરી દેવાઈ છે. અમેરિકા પણ બ્રિટનના પડખે થઈ ગયું ને તેણે પણ રશિયન જાસૂસોને રવાના કર્યા ને સામે રશિયાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો તેમાં બબાલ થઈ ગઈ છે.
 
બ્રિટન-અમેરિકા અને રશિયા એકબીજાના રાજદ્વારીઓ પર જે આક્ષેપો મૂકે છે તે કેટલા સાચા છે તે ખબર નથી પણ તેના કારણે દુનિયાનો માહોલ ડહોળાઈ ગયો છે તેમાં શંકા નથી. બીજું વિશ્ર્વયુદ્ધ ખતમ થયા પછી ૧૯૪૫થી રશિયાના વિભાજન એટલે કે ૧૯૮૯ સુધી અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી હતી. દુનિયા માટે એ ખૂબ જ તણાવભર્યો સમય હતો. બીજા વિશ્ર્વયુદ્ધમાં અમેરિકા અને રશિયા સાથે મળીને નાઝી જર્મની સામે લડતા હતા. જર્મનીની હાર પછી જીતેલા યુરોપના દેશોની ભાગ-બટાઈનો સમય આવ્યો ત્યારે અમેરિકા અને રશિયા સામસામે આવી ગયા હતા. લૂંટના માલનો ભાગ પાડતી વખતે બે લૂંટારું ઝઘડી પડે તેવું થયું ને તેમાંથી કોલ્ડ વોર શ‚ થઈ. એ વખતે દુનિયાના દેશો અમેરિકા અને રશિયા વચ્ચે વહેંચાઈ ગયા હતા. અમેરિકા અને રશિયા બંનેને યુરોપ પર અંકુશ જોઈતો હતો, કેમ કે યુરોપ સમૃદ્ધ છે તેથી તેમણે પોતાના સાથી દેશોનું જૂથ બનાવવાનું શ‚ કરી દીધું હતું.
 
અમેરિકાએ પોતાના સાથી દેશો માટે નાટો સંગઠન બનાવ્યું હતું જ્યારે સોવિયેત સંઘે યુરોપના પોલેન્ડ, રોમાનિયા, બલ્ગેરિયા અને હંગેરી જેવા દેશો સાથે વારસા-કરાર કરીને પોતાનું લશ્કર ત્યાં ગોઠવ્યું. એ વખતે દુનિયાના દેશોમાં ક્યાંય પણ તણાવ, સંઘર્ષ કે ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય તો સોવિયેત સંઘ અને અમેરિકા સામસામી છાવણીઓમાં વહેંચાઈ જતા અને પરોક્ષ રીતે લડાઈમાં સામેલ થઈ જતા. એ બંને એકબીજાના સાથી દેશોમાં અશાંતિ પેદા કરતા ને બળવાખોરોને શસ્ત્રો આપતા. બંને દબંગ દેશો વચ્ચેની વર્ચસ્વની લડાઈમાં દુનિયાનાં લાખો લોકોનાં મોત નીપજ્યાં ને ઘણા દેશો તબાહ થઈ ગયા. હવે ફરી કોલ્ડ વોરના દિવસો શરૂ થશે ત્યારે એ જ સ્થિતિ થશે ને દુનિયા ફરી તબાહીના રસ્તે આગળ વધશે.