સદભાવનાની મહક - યુવકોએ બે દલિત બહેનોનાં લગ્ન કરાવ્યાં

    ૧૬-મે-૨૦૧૮

 
કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ગામમાં દલિત પરિવારની નિરાધાર બે બહેનોને જય ભવાની યુવક મંડળના દરબાર ભાઈઓએ ગ્રામજનોના સહકારથી ૫૦ હજારથી વધુનો ફાળો એકઠો કરી પરણાવી ઉમદા કાર્ય કર્યું હતું. સામાજિક સદ્ભાવનાની મહક પ્રસરાવતા આ લગ્નપ્રસંગે આ બહેનોને આશીર્વાદ આપવા માટે ઇન્દ્રમાણા ગામના લોકો હાજર રહ્યા હતા અને જય ભવાની યુવક મંડળનો આભાર માન્યો હતો. કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ગામમાં દલિત પરિવારની બે બહેનો તથા એક ભાઈનાં માતા જશીબેન અને પિતા નરસિંહભાઈ સાત વર્ષ પહેલાં માંદગીના કારણે છ માસના અંતરમાં દેવલોક પામ્યાં હતાં. આ ગરીબ પરિવારની બે બહેનો પાર્વતી (ઉં. વ. ૧૮) અને જાગૃતિ (ઉં. વ. ૧૯) પરણવા લાયક થતાં ઇન્દ્રમાણાના જય ભવાની યુવક મંડળના દરબાર ભાઈઓએ વિચાર્યું કે આ ગરીબ પરિવારની બે બહેનોને પરણાવવી છે. જેથી આ યુવક મંડળ દ્વારા ઇન્દ્રમાણા ગામલોકોના લોકસહકારથી ૫૦ હજારથી વધુનો ફાળો એકઠો કરી બંને બહેનોને શુક્રવારે ધામધૂમથી પરણાવી હતી. જેમાં જાગૃતિનાં લગ્ન દિયોદરના ફોરણા-કોટડાના શૈલેષ સાથે થયા હતા. જ્યારે પાર્વતીનાં લગ્ન દિયોદરના વડાણાના નવીન સાથે થયાં હતાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઇન્દ્રમાણા ગામના લોકો હાજર રહેલ અને જય ભવાની યુવક મંડળનો આભાર માન્યો હતો.