કર્ણાટકમાં ન્યાયતંત્ર જાગ્યું, પરંતુ લોકતંત્ર મજબૂત થયુ ખરું ?

    ૨૬-મે-૨૦૧૮


 

કુમારસ્વામીને કર્ણાટકમાં કિંગમેકરની ભૂમિકા ભજવાની ખ્વાઈશ છતાં કિંગ બની ગયા. મતદારોએ કોંગ્રેસને સત્તામુક્ત કરવા સાથે વિધાનસભાનો ચૂકાદો કોઈ એક પક્ષની બહુમતી આપતા, ત્રિશંકુ વિધાનસભા બની. શિયાળ ઝડપે સત્તા લાલચું કોંગ્રેસે જનતા દળ (એસ)ને બિનશરતી ટેકો આપી તેની છેક ૧૯૬૪થી ચાલતી વૃત્તિ, રાજસ્થાનમાં વર્ષો અગાઉ બહુમતી મેળવવામાં પનો ટૂંકો પડતા કોંગ્રેસે આયાતી ધારાસભ્યોના સમર્થનથી પાર્ટી રચી સત્તા લાલસા પ્રદર્શિત કરી, હાર્યા છતાં હાર માનતાં, યેનકેન પ્રકારેણ સત્તામાં રહેવા સત્તાનો, રાજ્યપાલનો કે અપવિત્ર ગઠબંધનનો ઉપયોગ વગેરે ઉજાગર કરી. ચૂંટણીમાં જેને હરાવવાની કે નેસ્તનાબુદ કરવાની પ્રતીક્ષા સાથે જનતા દળ સામે લડીને કોંગ્રેસ તથા બીજેપીના ઉમેદવારો દ્વારા હરાવાયા તેવા ૧૮૦ ઉમેદવારોમાંથી ૧૪૭ની તો ડીપોઝીટ પણ જપ્ત થઈ. ૨૧૮ વિધાનસભા લડ્યા તેમાંથી માત્ર ૩૭ બેઠકો જીત્યા તેના મુખિયા હવે મુખ્યમંત્રી અને ગઠબંધનેય બિનશરતી. એક માત્ર ઉદ્દેશ્ય ભાજપાને સત્તાથી દૂર રાખો.

સત્તા ઝુટવવાનું નાટકેય પાંચ દિવસ ચાલ્યું. રીસોર્ટ પોલીટીક્સ રાજ્યમાં ૧૯૮૪ શ્રી રામકૃષ્ણ હેગડેના સમયથી ચાલુ છે. ૧૨૨ સીટોમાંથી માત્ર ૭૮ સીટ પર જીતેલી કોંગ્રેસ તથા કુમારસ્વામીની પાર્ટીએ બધા ઉમેદવારોને બંધક બનાવ્યા જેથી તે વિશ્ર્વાસ મત જીતવામાં અગર ભાજપા વિશ્ર્વાસ મત માગે તો તેને હરાવવામાં કોઈ પક્ષનો આદેશની અવગણના કરે. સૌથી મોટા પક્ષ તરીકે ભાજપાએ ૧૦૪ સીટ સાથે સરકાર બનાવવા રાજ્યપાલ પાસે માગણી મુકી અને તેનો સ્વીકાર થતાં કોંગ્રેસે મધરાતે સુપ્રીમ કોર્ટના જજીસની ઊંઘ હરામ કરી. યેદીયુરપ્પા મુખ્યમંત્રી તો બન્યા પરંતુ સરકારના કાયદા અધિકારીઓ દ્વારા થયેલ રજૂઆત કે "વિધાનસભ્યો જ્યાં સુધી શપથ લે ત્યાં સુધી પક્ષપલટો અધિનિયમ તેમના પર લાગુ પડે નહીં. ન્યાયાધીશોને એમ માનવા પ્રેર્યા કે તોડ-જોડનો હિસાબ કરી ભ્રષ્ટાચારને આમંત્રણ છે. ફળ સ્વ‚પે બીજા દિવસે વિધાનસભામાં વિશ્ર્વાસ મત રજૂ કરવો અને તેનું જીવંત પ્રસારણ એટલે અવઢવમાં રહેલ વિધાનસભ્યને તક નહીં કે ભાજપાને અન્ય સભ્યોને મનાવીને અંકે કરવાનો પણ સમય નહીં. ન્યાયતંત્ર જાગ્યું, પરંતુ લોકતંત્ર મજબૂત થયું ખરૂ ? યેદીયુરપ્પાના રાજીનામા પછી કોંગ્રેસ કે જનતા દળના વિધાયકો મુક્ત થયા ખરા ? લોક વિશ્ર્વાસ તો પછી, તેમની પાર્ટીઓને પણ તેમનામાં વિશ્ર્વાસ છે તેવું લાગ્યું ખરું ?

ચૂંટણી પરિણામો આવ્યાથી પાંચ દિવસના ગાળામાં ભજવાયેલ હાઈવોલ્ટેજ ડ્રામાના અનેક સારા-નરસા પાસાં રજૂ કરવા સાથે સત્તાલાલસુ પાર્ટીઓ, બંધક બનવા તૈયાર વિધાનસભ્યો, ભ્રષ્ટાચારની સંપૂર્ણ દહેશત, રાજ્યપાલ શ્રીની સત્તા અને વિવેકબુદ્ધિનો ઉપયોગ, ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને સૌથી અગત્યનો લોકમીજાજ દ્રશ્યમાન કરે છે. સોશિયલ મીડિયામાં માત્ર ગુજરાતીઓનું પાણી હવે રંગ લાવશે. કર્ણાટકનું ભવિષ્ય હવે રાજકોટના હાથમાં જેવી રમુજી વાતોથી માંડીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે હલકી ભાષાના શબ્દ પ્રયોગ, સૂટકેસમાં આખો વિધાનસભ્ય સમાઈ જાય તે અંગેના ભાજપા દ્વારા મંગાવાતા ટેન્ડર, મોદી પાસે ૧૫ લાખ માગતા લોકોને રૂા. ૧૦૦ કરોડ મળે તો લેવા નથી વગેરે હલકી માનસિકતા પ્રદર્શિત કરતા મેસેજીસ તથા ભાન ભુલેલા સંજય નિરૂપમે અને રાહુલ ગાંધીએ રાજ્યપાલ તથા પ્રધાનમંત્રી માટેના ઉચ્ચારણો તેમનું નિમ્ન સ્તરનું ચરિત્ર પ્રકાશિત કરે છે. મતદારોને બહેકાવવાના પ્રયાસોમાં રાજનેતાઓ સન્માનીય રહેતા નથી. લોકતંત્ર નબળું પડે છે અને કટ્ટરતા વધતી જાય છે. શાબ્દિક, માનસિક-હિંસા ખૂબ થઈ. શારીરિક હિંસા થઈ, કર્ણાટકને અભિનંદન.

૧૦૪ સભ્યો હોવાં છતાં સૌથી મોટો પક્ષ વિપક્ષ અને ૩૭ સભ્યવાળો પક્ષ ૭૮ની મદદથી રાજ્યનું સંચાલન કરશે. તે પણ એટલું અસામાન્ય જેટલું ભાજપા અસાધારણ સંજોગો, ટૂંકો ગાળો અને ન્યાયપાલીકાના હસ્તક્ષેપથી બહુમતી પૂરવાર કરી શક્યો. કોંગ્રેસે આને પોતાની જીત માની હોય તો પણ તેના રાજનૈતિક સ્વભાવે કર્ણાટકને સ્થિર સરકાર મળી તે ૨૦૧૯ પછીનો સમય કહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ વગેરેમાં તો માત્ર ભાજપા-કોંગ્રેસ આમને-સામને છે. વિપક્ષની એકતા, નવી ધરી વગેરે લખાય ભલે ઘણું બધુ, માત્ર પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની પંજાબ-પોંડિચરી સિવાયના પ્રદેશોમાંથી હકાલપટ્ટી અને ભાજપાનું સ્વચ્છ છબી-વિકાસની રાજનીતિ સાથેનું મોદી-મેજીક, કોંગ્રેસને ૨૦૧૯માં સ્વપ્નથી વધારે ભારતની જનતા બતાવે તેવું અત્યારે તો નથી .

મુકેશ શાહ