તંત્રી સ્થાનેથી : નાગરિકતા વિધેયક : ઘૂસણખોરીનો માર્ગ તો નહીં બની જાય ને ?

    ૨૯-મે-૨૦૧૮
 
 
નાગરિકતા (સંશોધન) વિધેયક મુદ્દે આસામમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. નાગરિકતા (સંશોધન) વિધેયક - ૨૦૧૬માં થઈ રહેલા નવા પ્રાવધાન મુજબ ભારતમાં છ વર્ષ રહી ચૂકયા હોય તેવા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાય - હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ નાગરિકોને અવૈધ નાગરિક નહીં માનવામાં આવે, તેમને નાગરિકતા પ્રદાન કરવામાં આવશે. ધ્યાનાકર્ષક છે કે આમાં મુસ્લિમ સમુદાયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમ છતાં આસામમાં આ વિધેયકનો જોર-શોરથી વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષો સાથે ભાજપનો સહયોગી પક્ષ આસામ ગણ પરિષદ પણ વિરોધમાં ઊતરી તર્ક આપે છે કે આવું કરવાથી ખોટી પરંપરા શરૂ થવાનો અને ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓનો મુદ્દો વધારે પેચીદો બની જવાનો ભય છે. આસામના મૂળ નાગરિકોનો દાવો છે કે અહીં વસતા ગેરકાયદે લોકોએ સમગ્ર પૂર્વોત્તરના સ્થાનિકોના નોકરી, ધંધા સહિત અનેક હકોને છીનવી લીધા છે.
 
આસામમાં ભલે આક્રોશ હોય પરંતુ આ બદલાવનાં પરિણામો રાજ્ય સુધી સીમિત ના રહેતાં પાડોશી રાજ્યો સુધી અસર કરવાના છે. આ વિધેયકથી આસામની આબાદીમાં વિભાજનકારી જૂના મતભેદો ફરી પેદા થાય તેવી આશંકા છે, કારણ કે આસામમાં નાગરિકતા બાબતે ૧૯૭૦ના દશકથી બહારના લોકોને હટાવવા માટેના આંદોલનોની આગ વ્યાપ્ત છે. ૧૯૮૦ના દાયકામાં રાજ્યની રાજનીતિમાં નાગરિકતાના મુદ્દે ભારે ધ્રુવીકરણ ઊભું થયેલું. અસમિયા લોકો માત્ર બહારના સાથે જ નહીં અંદરો અંદર પણ એકબીજાની વિરુદ્ધ થઈ ગયા હતા. તેમાંથી હિંસા ફેલાઈ અને રાજ્યના વિકાસ પર માઠી અસર પડી. સૌથી મોટી સ્ટુડન્ટ મુવમેન્ટ થઈ અને અસમ ગણ પરિષદ અને તત્કાલીન રાજીવ ગાંધી સરકાર વચ્ચે સમજૂતી થઈ કે ૧૯૭૧ સુધી જે બાંગ્લાદેશી આસામમાં ઘૂસ્યા તેમને નાગરિકતા અપાય અને બાકીના નિર્વાસિતોને દૂર કરવામાં આવે. બાદમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર નેશનલ રજીસ્ટર ઑફ સિટિજનનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું ઠરાવાયું. વર્તમાનમાં ૧૯૫૧ બાદ આસામમાં વસતાં કાનૂની ભારતીય નાગરિકોના રેકર્ડ, ધ નેશનલ રજીસ્ટર ફોર સિટિજન્સ (એનઆરસી) અપડેટ કરવામાં આવી રહ્યું છે. હેતુ ગેરકાયદે બાંગ્લાદેશી હિજરતીઓને અલગ તારવવાનો છે. એ ડ્રાફ્ટ આવતા મહિને પ્રસારિત થવાનો હતો પરંતુ તે દરમિયાન કેન્દ્ર સરકારે રજૂ કરેલ આ વિધેયકથી ઘટનામાં નવો રાહ ફંટાયો કે ગેરકાયદેસર ઘૂસનારાઓ માટે વર્ષ ૧૯૭૧ના બદલે ૨૦૧૪ કરવામાં આવે, જેના કારણે વિરોધનો વંટોળ ફૂંકાયો.
 
આ ઝઘડો મૂળ નિવાસી વિરુદ્ધ બહારના લોકો વચ્ચે ધખી રહ્યો છે. આ વિધેયક સાથે જોડાયેલી એક વિડંબના એ પણ છે કે તેના કારણે બ્રહ્મપુત્ર અને બરાક ઘાટી વચ્ચેની પુરાણી ખાઈ ફરી ઊંડી બનતી દેખાઈ રહી છે. આ વિભાજન માત્ર ક્ષેત્રીય જ નહીં ભાષાકીય પણ બની રહ્યું છે. બરાક ઘાટીના હિન્દુઓમાં એક મોટી આબાદી બાંગ્લાદેશથી આવેલા વિસ્થાપિતોની છે અને આ બાંગ્લાભાષીઓ આ વિધેયકનું સમર્થન કરે છે. જ્યારે બ્રહ્મપુત્ર ઘાટીના મૂળ અસમિયા લોકો વિધેયકનો વિરોધ કરતાં કહે છે કે, આને કારણે બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે અસમમાં આવી જશે. એક રીપોર્ટ પ્રમાણે અસમના ૯ જેટલા જિલ્લાઓમાં તો મુસ્લિમો બહુમતિમાં છે. અંદાજે ભારતમાં બે કરોડ બાંગ્લાદેશી ગેરકાયદે રીતે ઘૂસી ગયા છે અને દેશના ૧૭ રાજ્યોમાં ફેલાયેલા છે. આ બાંગ્લાદેશીમાંથી સૌથી વધુ ૫૭ લાખ બાંગ્લાદેશીઓ પ. બંગાળમાં છે અને બીજા નંબર ૫૦ લાખ જેટલા અસમમાં સ્થાઈ થયા છે. જે ચિંતાનો વિષય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે પૂર્વોત્તરની કુલ વસ્તી ૩.૪૩ કરોડ જેટલી હતી જેમાં મુસ્લિમોની સંખ્યા ૯૦ લાખ જેટલી હતી. આજે આ પૂર્વોત્તરની વસ્તી ૪.૫૫ કરોડની આસપાસ છે.
 
ભારતમાં સંવૈધાનિક રૂપે ધર્મનિરપેક્ષતાને અપનાવીને ‘હિન્દુ ભારત’ અને ‘મુસ્લિમ પાકિસ્તાન’ની દેશની અવધારણાને પણ ખતમ કરી દીધી છે. એ બધી જ વાત આવકાર્ય. પરંતુ ભલમનસાઈમાં ભારત અનેક વખત સમસ્યાઓનો ભોગ બન્યું છે. આ વિધેયક બાબતે દેશ પર સૌથી મોટો ખતરો ઘૂસણખોરીનો છે. આ કાનૂનનો લાભ લઈને બનાવટી ડોકયુમેન્ટને અધારે અન્ય લોકો ભારતમાં નહીં ઘૂસી જાય તેની જડબેસલાક કોઈ તૈયારી થઈ છે ખરી ? મુસ્લિમોને આમાં સમાવિષ્ટ નથી કરાયા પણ કાયદાનું ઓઠું લઈને જાલી કાગળો પર અનેક લોકો ઘૂસી જવાનો ભય નથી? એક વાત નિશ્ર્ચિત છે કે આ વિધેયકથી કોઈ પણ સંજોગોમાં ઘૂસણખોરોને મોકળું મેદાન ન મળવું જોઈએ. જે ઘૂસણખોરો ગેરકાયદે વસવાટ કરી રહ્યાં છે તેમને નાગરિકત્વ ના જ મળવું જોઈએ. ગેરકાયદે લોકોને પહેલાં તગેડી મૂવામાં આવે. આ નાગરિકતા વિધેયક ઘૂસણખોરીનો માર્ગ ના બની જાય તે જોવું રહ્યું.
 
ભારતનો પ્રવર્તમાન નાગરિક કાનૂન ભારતીય નાગરિકતા ઇચ્છનારા વ્યક્તિ સાથે ધર્મના આધારે કોઈ ભેદભાવ નથી કરતો. ધર્મનિરપેક્ષ ગણતંત્રમાં બધા ધર્મનો આદર છે પરંતુ ભારત માટે ખતરારૂપ, ભારતનું અહિત ઇચ્છનારા દુશ્મનો, ઘૂસણખોરો કોઈ કાળે મંજૂર ન જ હોવા જોઈએ એ એક વિચારને કેન્દ્રમાં રાખીને જ તમામ કાયદા-કાનૂન, યોજનાઓ ઘડાય તો જ હિન્દુસ્થાનમાં ડાળ ડાળ પર સોનાની ચીડિયાઓ વસે અને બુલબુલના ટહુકાઓ સંભળાય.