કુદરત ભણી મોઢું

    ૨૯-મે-૨૦૧૮

 
 
કલ્યાણકારી શિવજીનાં દર્શન તથા પ્રદક્ષિણા કરીને મંદિરના પગથિયે બેઠો હતો. મિત્ર પણ તેના પુત્રને લઈને દર્શને આવ્યા. નંદી અને કાચબાને હાથથી સ્પર્શ કરતાં જ દીકરો બોલ્યો : અહીંયાં કાચબો કેમ ? પિતાએ કહ્યું કે આગળ વધવા માટે અને પોષણ મેળવવા માટે સહજ વાતાવરણમાં હાથ-પગ હલાવવા, મોઢું બહાર કાઢવું અને મુશ્કેલી વખતે તેને સંકોરી લેવા એ કાચબો બહુ સારી રીતે જાણે. ઇન્દ્રિયો ક્યારે વિસ્તારવી અને ક્યારે સુરક્ષિત કરવી એ કાચબો આપણને શીખવે. આવું સંયમી જીવન જીવે તેનું મોઢું ભગવાન ભણી થાય. એ ભગવાનનો વહાલો દીકરો તેથી તે તેને પોતાની પાસે સ્થાન આપે. મિત્રએ તેના દીકરાના સવાલનો જવાબ આપ્યો, પણ મારી સમસ્યાનું સમાધાન કરી દીધું. વાત જાણે એમ છે કે મારા વાંચવામાં આવેલું કે કાચબાની એક પ્રજાતિ છે, ગીન સી ટર્ટલ. બ્રાઝીલનો સમુદ્રકિનારો તેનું વતન. પણ આ પ્રજાતિની માદા પ્રસવ માટે સૌરાષ્ટ્રના જામનગરથી પોરબંદર સુધીના દરિયાકિનારે આવે. છે ને નવાઈ ? આવું કેમ ? જવાબ મેળવવા જુલોજીસ્ટ મિત્રનો સંપર્ક કર્યો. તેમણે મને સમજાવતાં કહ્યું કે કાચબાના ઈંડાને સેવન માટે ૩૮થી ૪૦ ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાનની જ‚ર પડે જે તેને સૌરાષ્ટ્ર અને ઓરિસ્સાના સાગરકાંઠાની રેતીમાં મળે, એટલે કાચબી રેતીમાં ઈંડાં, માથે રેતી ઢાંકી દે જેથી ઈંડાં સુરક્ષિત પણ રહે. યોગ્ય તાપમાન મળતાં તેમાંથી બચ્ચાં બહાર આવી જાય અને દરિયામાં જતાં રહે. મિત્રનો આભાર માની ફોન મૂક્યો, તો મનમાં બીજો સવાલ ઊભો થયો. મને તો પ્રાણીશાસ્ત્રીએ સમજાવ્યું પણ એ કાચબીને કોણે સમજાવ્યું હશે ? એ સવાલ મનમાં ધરબાયેલો પડ્યો હતો. ‘કુદરત ભણી મોઢું’ શબ્દોના પડઘામાં મળ્યો મને જવાબ કે કાચબીને કુદરત સમજાવે, કારણ કે કુદરતમાં જ જીવે, તે કુદરતી જ જીવે. ગર્ભવતી કાચબી બ્રાઝીલથી સૌરાષ્ટ્ર કે ઓરિસ્સાના સમુદ્રતટની યાત્રા એક જ લક્ષ્ય સાથે કરે. પોતાની પેઢીનો સુરક્ષિત પર્યાવરણમાં પ્રસવ. અને એ માટે ૪થી ૫ હજાર નોટીમાઈલના દરિયાઈ અંતરમાં અનેક પ્રાકૃતિક ફેરફારો અને પડકારોમાં પણ પોતાના ગર્ભની સુરક્ષા કરે, કેટલો પરિશ્રમ ! પોતાની કૂખમાં રહેલા જીવ સાથેની માતાની તાદામ્યતા-એક‚પતા નવી પેઢીમાં સંસ્કાર‚પે વિકસે એટલે યોગ્ય સાગરતટની શોધ હવે સમજ બને અને સમજ સંસ્કાર બને એટલે શૃંખલા પરિપૂર્ણ થાય છે અને સંસ્કારવારસાની નિરંતરતા પેઢી દર પેઢી બની રહે છે. મિત્રો, આ પણ એક વિજ્ઞાન છે.