વિદેશી ઠંડા પીણાં... ઘૂંટડે ઘૂંટડે માંદગી…..દેશી ઠંડા પીણાં... ઘૂંટડે ઘૂંટડે તાજગી

    ૦૪-મે-૨૦૧૮

 
ઉનાળામાં અમીર હોય કે ગરીબ સૌ કોઈ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવાં ઠંડાં પીણાં પીતા હોય છે. આપણે ત્યાં આજે પણ એક વર્ગ ગરમીમાં રાહત મેળવવા લીંબુ શરબત, નાળિયેર પાણી, શેરડીનો રસ અને છાશ જેવાં પરંપરાગત પીણા પીવાનો આગ્રહ રાખે છે, જ્યારે કેટલાક લોકોને આસાનીથી પ્રાપ્ત એવા બોટલબદ્ધ વિદેશી ઠંડા પીણા પીવાનો શોખ છે, ત્યારે આવો વાંચીએ સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક સાબિત થઈ શકે છે તેમનો આ શોખ...
 
કોકા, મીરીંડા, પેપ્સીને કહો ના, આ આપણા પીણાંને કહો હા…..
 
સૂર્યદેવતા સર્વત્ર ગરમીનો પ્રકોપ બતાવી રહ્યાં છે, ત્યારે તમામ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાં સહિતનાં નવા નવા નુસખા અપનાવતાં હોય છે. ભારતીય જીવન પદ્ધતિની જેમ તેની ખાણી - પીણી અને પોષાક કલા પણ અદ્ભૂત છે ત્યારે આ આહાર કળામાં કાળઝાળ ગરમીમાં રાહત અને ઠંડક આપતાં અનેક સ્વાસ્થ્યપ્રદ પીણાનો ઉલ્લેખ છે, જે આપણી તરસ છીપાવવાની સાથે સાથે શરીરને પોષક તત્ત્વો પણ પૂરા પાડે છે. વળી આ પીણાની સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર પણ થતી નથી. આજે પણ આપણા દેશમાં આ પ્રકારના પરંપરાગત પીણાનો ક્રેઝ યથાવત્ છે. નાના ગામડાં, નગરોથી માંડી મહાનગરોમાં પણ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો આ પ્રકારના પરંપરાગત પીણાઓને પ્રાધાન્ય આપે છે. આ પ્રકારના ઠંડા પીણાઓની વાત કરીએ તો તેમાં લીંબુ શરબત, શેરડી રસ, આમળાં શરબત, નારંગી શરબત, આમલી અને કાચી કેરીનો રસ, અનાનસ શરબત, ગાજર રસ, નારીયેળ પાણી અને નીરો, દાડમ શરબત, મોસંબી શરબત, તરબૂચ શરબત, કેરીનો રસ, જલજીરા, બીટનો રસ, કાકડીનો જ્યુસ, છાશ, કોકમનો શરબત, ગાયનું દૂધ વગેરેનો સમાવેશ થાય છે. આ પીણાઓ શરીરને અનેક પ્રકારના પોષક તત્ત્વોથી સ્વસ્થ રાખે છે…
 

 
 
વાત વિદેશી ઠંડાં પીણાંની…સેહત કે લિયે તુ તો હાનિકારક હૈ….
 
વિશ્ર્વમાં પીણાંઓનું જે વેચાણ થાય છે તેમાં ઠંડાં પીણાંનું સ્થાન ત્રીજા નંબરે છે. હાલના અંદાજ મુજબ દર વર્ષે તેમાં 8 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2001માં વિશ્ર્વમાં દર વર્ષે લગભગ 41,200 લાખ લીટર કાર્બોદિતવાળાં ઠંડાં પીણાંનું વેચાણ થતું હતું જ્યારે હાલ આપણા દેશમાં જ 11,000 કરોડનાં ઠંડાં પીણાંનું વેચાણ થાય છે અને આ વેચાણમાં 95% પેપ્સી અને કોકાનો (58% કોકાકોલા અને 37% પેપ્સી) સિંહફાળો છે.
આપણા દેશમાં કોકાકોલાનાં પર જેટલાં ઉત્પાદન કેન્દ્રો છે, જેમાંનાં 20 કેન્દ્રો પર કંપ્ની સીધેસીધું જ ઉત્પાદન કરે છે, જ્યારે બાકીનાં કેન્દ્રો પર અન્ય કંપ્નીઓ પાસે કોન્ટ્રાક્ટ દ્વારા પોતાની પ્રોડક્ટસનું ઉત્પાદન કરાવે છે. આ જ રીતે દેશમાં પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડરીંગ પ્રા. લિ.નાં 28 કેન્દ્રો છે, જેમાંથી 17 પર પેપ્સી દ્વારા સીધું જ ઉત્પાદન કરવામાં આવે છે, જ્યારે બાકીનાં કેન્દ્રો પર કંપ્ની કોન્ટ્રાક્ટ દ્વારા પોતાનું ઉત્પાદન કરાવે છે. આ થઈ કોકાકોલા અને પેપ્સી જેવાં ઠંડાં પીણાંના ઉત્પાદન અને ભારતમાં તેના બજારની વાત. હવે એક નજર આ ઠંડાં પીણાંની બનાવટની રીત પર.
 

 
 
અનેક ઝેરી તત્ત્વોની કોકટેલ હોય છે વિદેશી ઠંડાં પીણાં
કોલામાં 90% સુધી પાણી હોય છે. જ્યારે બાકીના ઘટકોમાં, સુગંધ માટે કેફીન, સ્વાદ માટે ખાંડ, એસ્પોર્ટસેક્રીન જેવાં દ્રવ્યો ભેળવવામાં આવે છે. પીણાના ઘટ્ટ રંગ માટે કેરમેલ બીટા, કેરોટીન તો સ્વાદના સંતુલન માટે ફોસ્ફરિક એસિડ જેવા તીવ્ર પદાર્થો મિશ્રિત કરવામાં આવે છે. પીણાને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેમાં પોટેશિયમ સાર્બેટ, સલ્ફર ડાયોક્સાઇડ, બેન્ઝોનેટ અને સ્વાદ જળવાઈ રહે તે તે માટે એસ્કોરોબીક એસિડ ભેળવવામાં આવે છે. પીણામાંનાં તમામ દ્રવ્યોનું પ્રમાણ યોગ્ય સ્તરે જળવાઈ રહે તે માટે પેક્ટીન નામનું દ્રવ્ય ઉમેરવામાં આવે છે અને છેલ્લે તેમાં બડબડિયા ફુવારા ઊડે એ માટે કાર્બન ડાયોક્સાઇડને ખાસ દબાણ આપીને ઉમેરવામાં આવે છે. આમ તૈયાર થાય છે આપણા શરીરમાં ઝણઝણિયા બોલાવી દેનાર ઠંડાં પીણાંની કોકટેલ.
 
વિદેશી ઠંડાં પીણાંનું સેવન કરતા પહેલાં આટલું જરૂર યાદ કરજો
આગળ જણાવ્યું તે મુજબનાં વિદેશી ઠંડાં પીણાંમાં જે દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામે તમામ આપણા શરીરને અને સ્વાસ્થ્યને ગંભીર અસરો પહોંચાડવા પૂરતાં છે. જાણવા જેવી વાત એ છે કે, આ પ્રકારનાં પીણાંઓમાં એક તરફ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક તત્ત્વો ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે, જ્યારે બીજી તરફ તેના કાચા માલ પાણીમાંથી જીવનના આધાર ઘટક એટલે કે પ્રાણવાયુનું પ્રમાણ લગભગ ન હોવા બરાબર કરી નાખવામાં આવે છે. એટલું જ નહીં, પાણીમાંથી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન કાઢી નંખાયા બાદ એ જ પાણીમાં પીણામાં બડબડિયાં ઊડે એટલા માટે તેમાં ભારે દબાણપૂર્વક કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે છે, જેને આપણું શરીર સતત ઉચ્છ્વાસ મારફતે બહાર ફેંક્યા કરે છે, પરંતુ આપણે કોકાકોલા અને પેપ્સી જેવાં વિદેશી ઠંડાં પીણાં મારફતે સતત આપણા શરીરમાં ઠાલવે રાખીએ છીએ.
 

 
 
આ પ્રકારના વિદેશી કાર્બોદિત ઠંડાં પીણાંમાં જે ફોસ્ફરિક એસિડ મોટી માત્રામાં ભેળવવામાં આવે છે તેને આપણું વૈદિકશાસ્ત્ર હંમેશાં નકારવાની વાત કરે છે. વૈદિકશાસ્ત્ર કહે છે કે, બીમારીને આમંત્રણ આપ્નારા જંતુઓને એસિડ વધુ માફક આવતા હોવાથી સ્વાસ્થ્ય ઇચ્છનાર લોકોએ એસિડિક તત્ત્વોથી પોતાના શરીરને મુક્ત રાખવું અને કોક અને પેપ્સી જેવાં વિદેશી ઠંડાં પીણાંમાં આવાં એસિડિક તત્ત્વો એટલી બધી માત્રામાં હોય છે કે, આપણો એક દાંત જો અઠવાડિયા સુધી તેમાં નાખી રાખવામાં આવે તો અઠવાડિયા બાદ દાંત તેમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે. કોકાકોલાને પથ્થર પર નાખીએ તો પથ્થર પણ એકદમ સફાચટ થઈ જાય છે. યોગગુરુ બાબા રામદેવ એટલે જ કોકાકોલાને ટોઇલેટ ક્લિનર કહે છે. દેશના અનેક ખેડૂતો પાકમાંની જીવાતો મારવા માટે દવાઓમાં આ પ્રકારનાં કાર્બોદિત પીણાં ભેળવી છાંટે છે ત્યારે આ પ્રકારનાં વિદેશી ઠંડાં પીણાં પીવામાં પોતાનું સ્ટેટસ જોતા લોકોએ જ વિચારવું રહ્યું કે જે ઠંડા પીણાંમાં ભેળવાતાં એસિડિક તત્ત્વોને આપણાં વૈદિકશાસ્ત્રોએ બીમારીનું ઘર કહ્યાં છે, જેના સંપર્કમાં આવવા માત્રથી પથ્થર પણ સફાચટ થઈ જાય છે તે પીણાં આપણા શરીરમાં ઠલવાતાં શરીર અને પેટની તો શી હાલત કરશે ?
 

 
 
પેરુમપટ્ટી ગામના લોકોએ લડાઈ લડી...
કેરળના પેરુમપટ્ટી ગામના લોકો તો છેલ્લા એક દાયકાથી અહીંની કોકાકોલા ફેક્ટરી વિરુદ્ધ લડી રહ્યા છે. લોકોનો આરોપ છે કે, કંપ્ની દ્વારા અહીં દૈનિક 15 લાખ લીટર પાણી કાઢી લેવામાં આવે છે. પરિણામે અહીંના ભૂગર્ભજળમાં ગંભીર ઘટાડો નોંધાયો છે. કંપ્ની દ્વારા ઠલવાતા કચરાને કારણે ખેતીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. લોકો વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યા છે. અહીંની સ્થાનિક પંચાયતે પણ કંપ્નીને આપેલું લાઇસન્સ રદ કરી નાખ્યું છે. લોકોના ગુસ્સાને ધ્યાનમાં લઈ જિલ્લા અધિકારીએ પણ કંપ્નીને અમુક નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું કહી ચેતવણી આપી હતી, પરંતુ કંપ્ની પંચાયત અને જિલ્લા અધિકારીની એ ચેતવણીને ઘોળીને પી ગઈ છે.
 
અઢી રૂપિયાની બોટલ 10 રૂપિયાની!
એક અહેવાલ મુજબ આપણા દેશનાં મોટાં શહેરોમાં જ દર વર્ષે આ પ્રકારનાં ઠંડાં પીણાંઓની 50થી 60 લાખ બોટલ્સ વેચાય છે અને કંપ્નીઓ વાર્ષિક વકરો 11,000 કરોડ રૂપિયાનો રળી લે છે. આ પીણાંઓની પડતર કિંમતની વાત કરીએ તો માત્ર 80 પૈસાની આસપાસ છે. ત્યાર બાદ તેમાં વિતરણ કમિશન અને ઉદ્યોગ અંગેના અન્ય ખર્ચાઓ ઉમેરીએ તો પણ એક બોટલની કિંમત માત્ર 2.50 રૂ. જેટલી જ થાય છે. જ્યારે કંપ્ની આ બોટલ બજારમાં 10 રૂ.માં વેચે છે. આનો અર્થ એ થયો કે એક તરફ આ કંપ્નીઓ આપણા પીણાને મફતમાં કે સાવ મફતના ભાવમાં મેળવે છે, ઉપરથી દરવર્ષે આપણા ગજવામાંથી 11,000 કરોડ રૂપિયા ખેરવી લે છે. ઉપરથી વિપુલ માત્રામાં પાણી ખેંચી લેવાને કારણે આપણા દેશના સામાન્ય માનવી અને ખેડૂતો પાણી માટે વલખાં મારે છે એ ખોટમાં.
 
બધી ખાંડ આ કંપ્નીઓ ખરીદી લે છે
વાત હજુ આટલેથી જ અટકતી નથી. આપણા દેશમાં કોકાકોલા અને પેપ્સી ખાંડની સૌથી મોટી ખરીદદાર કંપ્નીઓ છે. કોકાકોલા વર્ષે 2.5 લાખ ટન ખાંડ ખરીદી લે છે, જ્યારે પેપ્સી વાર્ષિક 1.5 લાખ ટન ખાંડ ખરીદે છે. આમ બંને થઈ વાર્ષિક 4 લાખ ટન જેટલી ખાંડ ખરીદી લે છે. જો આ ખાંડ દેશના ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને આપવામાં આવે તો દેશના 28 કરોડ પરિવારોને મળી શકે છે.
 
ઠંડા પીણાનો બહિષ્કાર કેમ નહિ?
જોકે આગળ જણાવ્યું તેમ કેટલાંક સામાજિક સંગઠનોના સતત જાગૃતિ અભિયાનને કારણે શહેરોમાં ફરી એક વખત વિદેશી ઠંડાં પીણાંના વેચાણમાં 20%નો ઘટાડો જરૂરથી નોંધાયો છે, પરંતુ ચાલાક કંપ્નીઓએ પોતાની આ ખોટને સરભર કરવા માટે ગામડાંઓને નિશાન બનાવી ઠેર-ઠેર ફ્રીજ મુકાવી આ 20 ટકાની ખોટ સરભર કરી લીધી છે. આટઆટલાં અભિયાનો છતાં પણ આપણે આપણા સ્વાસ્થ્ય માટે જાગ્રત બની આ પ્રકારની હાનિકારક વસ્તુઓ ત્યજવાનું નામ જ નથી લેતા. ક્યારેક તેનાં ગંભીર પરિણામોની અસર વર્તાતાં સરકાર અને આપણે થોડા સમય માટે આ મુદ્દે સંવેદનશીલ જરૂર બની જઈએ છીએ, પરંતુ બધું જ થોડા સમય માટે જ, બાદમાં જિંદગી એની એ બેફિકર લયમાં ચાલતી રહે છે અને આપણી સરકાર પણ અર્થવ્યવસ્થાની મજબૂરી આગળ ધરી આ મુદ્દે કોઈ સંવેદનશીલતા ન દાખવે ત્યારે આ પ્રકારનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવાં ઠંડાં પીણાંનો બહિષ્કાર આપણે આપણા ઘરમાંથી જ કરવો પડશે. અમેરિકા સહિતની પશ્ર્ચિમ જગતની જનતા હવે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બની કાર્બોદિકીય ઠંડાં પીણાંનો અઘોષિત બહિષ્કાર કરી રહી છે ત્યારે આશા રાખીએ કે આપણા દેશની જનતા પણ આ મુદ્દે પશ્ર્ચિમનું અનુકરણ કરે.
 
* * *
 

રીસર્ચ કહે છે... ઠંડા મતલબ ઝેરી પીણાં
# અમેરિકન હાર્ટ અસોસિયેશનના સંશોધન મુજબ વિશ્ર્વમાં દર વર્ષે 1 લાખ 80 હજાર મૃત્યુ કાર્બોદકીય ઠંડાં પીણાં પીવાને કારણે થાય છે.
 
# ફોર્ટિસ હાસ્પિટલના ડા. નીતુ તલવાર મુજબ સોફ્ટ ડ્રિંકમાં હયાત કેરેમલ શરીરને ઇન્સ્યિુલિન અવરોધક બનાવે છે, તેનાથી ઠંડાં પીણાંની ખાંડ પચતી નથી.
 
# અમેરિકાના ભૂતપૂર્વ એફડીએ કમિશનર ડા. જેરેઈન ગોયન
કહે છે કે, જે પીણાંની 12 ઔંસની બોટલમાં 50 મિલિગ્રામથી વધારે કેફીન હોય તેનું સેવન ગર્ભવતી મહિલા કરે તો જન્મ લેનાર બાળક માટે કાયમી અપંગ બનવાનો ખતરો વધી જાય છે.
 
# મેરીરૂથ નામના અમેરિકી ડાક્ટર કહે છે કે, કાબોદકીય ઠંડાં પીણાંમાં જે સોડિયમ હોય છે એ લોહીના દબાણનો વિકાર, મૂત્રવિકાર, એડ્રેનીલ, થાઇરોઈડ, પિચ્યુટરી ગ્રંથિ, રક્તવાહિનીઓની સખતાઈવાળા દર્દીઓ માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.
 
# 2004માં લંડનના વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનને ટાંકી ચેતવણી આપી હતી કે, કુમળી વયનાં બાળકોને કાર્બોદકીય ઠંડાં પીણાંથી દૂર જ રાખજો, નહિ તો તેમના દાંત અને પેઢાંને લગતી ગંભીર બીમારીઓનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
વૈદિકશાસ્ત્ર કહે છે કે, બીમારીને આમંત્રણ આપ્નાર જંતુઓને એસિડ વધુ માફક આવતું હોવાથી સ્વાસ્થ્ય ઇચ્છનારા લોકોએ આ પ્રકારનાં એસિડિક તત્ત્વોથી પોતાના શરીરને મુક્ત જ રાખવું. વિદેશી ઠંડાં પીણાંમાં આ પ્રકારનાં એસિડિક તત્ત્વો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે.
 
ધીમું ઝેર...

વિદેશી ઠંડાં પીણાં ગળામાં ઊતરતાંની સાથે જ જે અસર કરે છે
એ કોઈ ધીમા ઝેરથી કમ નથી ત્યારે એક નજર એ વિશેની અસર પર
 
# ઠંડાં પીણાંની એક બોટલ પીધા બાદ 10 મિનિટમાં 10 ચમચી જેટલી ખાંડ આપણા શરીરની અંદર જતી હોય છે, પરંતુ આ પીણાંઓમાં રહેલું ફોસ્ફરિક એસિડ આપણને આ વધારાની મીઠાશનો અનુભવ થવા દેતું નથી. જો આ એસિડ તેમાં ન હોય તો આપણું શરીર ઊલટી દ્વારા એ મીઠાશને બહાર ફેંકી દે છે.
 
# 20 મિનિટ બાદ બ્લડસુગર ઝડપથી વધવા માંડે છે જે શરીરને આટલી ખાંડ પંચાવવા માટે ઇન્સ્યુલિન વિસ્ફોટ માટે મજબૂર કરે છે. લિવર તેની પ્રતિક્રિયાના ભાગરૂપે શર્કરાને ફેટમાં પરિવર્તિત કરે છે એટલે સફળતા વધે છે.
 
# 40 મિનિટ બાદ સોફ્ટ ડ્રિંકનું કેફીન શરીરમાં સમાઈ જાય છે. આંખોની કીકીઓ વધુ ખુલ્લી થાય છે. બ્લડપ્રેશર વધી જાય છે. હૃદયને વધુ ઊર્જાની જરૂર પડે છે, પરિણામે લિવર શર્કરાને લોહીમાં પંપ કરે છે.
 
# 45 મિનિટ બાદ શરીરમાં ડોયામાઇન નામનું કેમિકલ બને છે. હેરોઈનનો નશો કર્યા બાદ પણ આ જ રીતે ડોયામાઇન પેદા થાય છે. તેનાથી મગજને નશાની અનુભૂતિ થાય છે અને મગજને ધીમે-ધીમે આ પીણાંઓની લત લાગી જાય છે.
 
# 60 મિનિટ બાદ ફોસ્ફરિક એસિડ શરીર માટે મહત્ત્વપૂર્ણ એવા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંકને આંતરડામાં બાંધી દે છે. તેના પર કેફીન અસર કરે છે અને પેશાબ દ્વારા તેને શરીરની બહાર ફેંકી દે છે, એટલે થાક અને ડિહાઇડ્રેશન થાય છે.
અને ઉંદરના દાંત ઓગળી ગયા
અમેરિકાની નેવલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડા. ક્લાઇવએ કોલામાં વપરાતાં એસિડિક તત્ત્વો દાંત માટે કેટલાં નુકસાનકારક સાબિત થઈ શકે છે તે જાણવા કોલાથી ભરેલા એક ગ્લાસમાં દાંતનો એક ટુકડો નાખ્યો, બે દિવસ બાદ એ ટુકડો નરમ થવા લાગ્યો હતો. તેઓએ આગળ વધી કેટલાક ઉંદરોને પીવાના પાણીને બદલે છ માસ સુધી કોલા આપી, છ મહિના બાદ એ તમામ ઉંદરોના દાંત ઓગળી ગયા હતા.
 

 
અને અમિતાભે પેપ્સી સાથેનો કરાર તોડી નાખ્યો
બોલિવુડના મેગાસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, તેણે પેપ્સી સાથે 24 કરોડનો કરાર એટલા માટે તોડી નાખ્યો હતો, કારણ કે એક બાળકીએ તેઓને કાલીઘેલી ભાષામાં પૂછ્યું હતું કે અમારા ટીચર ઠંડાં પીણાંઓ ઝેરી હોવાનું કહે છે, તો પછી તમે પેપ્સીની જાહેરાત કેમ કરો છો ? નિર્દોષ બાળકીના આ સવાલ બાદ બચ્ચને પેપ્સી સાથેનો કરાર રદ કર્યો હતો, પરંતુ બોલિવુડના બધા જ અભિનેતાઓ અમિતાભ બચ્ચન જેવા નથી. હાલ આપણાં અભિનેતા-અભિનેત્રીઓ અઢળક નાણાં માટે પેપ્સી અને કોકાકોલા જેવી ઠંડાં પીણાંની જાહેરાત કરવા પડાપડી કરે છે. દીપિકા પદુકોણ જે 2009 સુધી પેપ્સીની બ્રાન્ડ એમ્બેસેડર હતી, તે હવે કોકાકોલાનાં ગુણગાન ગાઈ રહી છે. આમીરખાન, સચિન તેન્ડુલકર, શાહરૂખખાન, અક્ષયકુમાર, ઋતિક રોશન, ઐશ્ર્વર્યા રાય, કરીના કપૂર, કાજોલથી માંડી લગભગ તમામ અભિનેતા-અભિનેત્રીઓ, પૈસા લઈ જનતાને જે તે કંપ્નીનાં ઠંડાં પીણાં પીવાની અપીલ કરતાં હોય છે. આ માટે તેમને કરોડો રૂપિયા મળે છે, પરંતુ જનતાને શું મળે છે ? અનેક ગંભીર બીમારીઓ અને આ પ્રકારનાં ઠંડાં પીણાં પીવાની કાયમની લત ?
(સંદર્ભ : અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની ‘ઠંડી બોટલમાં બંધ ઝેરીલી આગ’ પુસ્તિકા, અમેરિકન હાર્ટ અસોસિયેશન, ડબલ્યુએચઓ અહેવાલ, હેલ્થ ઇન્ડિયા ડોટકોમ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ)