શું સરકારે લાલ કિલ્લાને વેચી માર્યો છે ! હેરિટેજ સ્મારક : એક આવકાર્ય પહેલ

    ૦૮-મે-૨૦૧૮

 
સરકારે લાલ કિલ્લાને વેચી નાંખ્યો છે તે પ્રકારનો ભ્રમ દેશમાં કેટલાક તત્ત્વો દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે. વાસ્તવિક્તા શું છે તે આ લેખમાં દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
 
શેરેલ કૂક (Sharell Cook) નામનાં એક ખૂબ જાણીતાં પ્રવાસ લેખિકા છે. મૂળ ઑસ્ટ્રેલિયન, પરંતુ ભારત જોયા પછી ભારતના પ્રેમમાં પડીને અહીં જ વસી ગયેલાં સુશ્રી કૂકે થોડાં વર્ષ પહેલાં લખેલું વિધાન આજે મને યાદ આવે છે. તેમના પ્રવાસન બ્લોગમાં તેમણે લખ્યું હતું, ભારતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પ્રવાસી આવે છે. મોટાભાગના વિદેશી પ્રવાસીને તેમના પોતાના દેશમાં બીચ અને રિસોર્ટ્સ જોવા-માણવા મળે છે. એ વિદેશીઓ અહીં પ્રાચીન ભારતીય સ્મારકો અને પ્રાચીન ઈતિહાસ જાણવા આવે છે, પરંતુ કમનસીબે આ સ્મારકો અને ઐતિહાસિક સ્થળો જાળવણી (મેન્ટેનન્સ)ના અભાવે વિદેશી પ્રવાસીઓ નિરાશ થાય છે. આટલું લખીને સુશ્રી કૂકે તે સમયની ભારત સરકારે હેરિટેજ સ્મારકોની જાળવણી ઉપર ધ્યાન આપવું જોઈએ એવું સૂચન કર્યું હતું.
 
બીચ અને રિસોર્ટ્સ વિકસાવવામાં કંઈ ખોટું નથી કેમકે જે ભારતીય પ્રવાસીઓ વિદેશ નથી જઈ શકતા તેઓ અહીં જ તેનો આનંદ માણી શકે, પરંતુ મુદ્દો હેરિટેજ સ્મારકોનો છે. વિદેશીઓ અહીં ભારતને જાણવા આવતા હોય છે અને એ પ્રાચીન સ્મારકો દ્વારા જાણી શકાય. આ સ્થળો જાળવણીના અભાવે કેવી સ્થિતિમાં છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ હવે સ્થિતિ બદલાશે. નરેન્દ્ર મોદી સરકારે મોન્યુમેન્ટ મિત્ર નામે જે યોજના અમલમાં મૂકી છે તેનાથી એકાદ વર્ષમાં આ સ્મારકોનું આખું ચિત્ર બદલાઈ જશે એવી આશા રાખવી અસ્થાને નથી. સૌપ્રથમ કામગીરી લાલ કિલ્લા માટે શ‚ થઈ રહી છે. દાલમિયા ભારત કોર્પોરેટ ગૃહ લાલ કિલ્લાની આસપાસનો વિસ્તાર સુંદર બનાવી, તેમાં જાહેર સુવિધાઓ ઊભી કરીને તેને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવશે. દેશના અલગ અલગ ક્ષેત્રમાં આવાં અન્ય વિખ્યાત સ્મારકોને દત્તક આપવાની પ્રક્રિયા ચાલુ છે. અને હવે તો છેલ્લા સમાચાર પ્રમાણે ગુજરાતમાં પણ આવાં પ્રાચીન રાષ્ટ્રીય સ્મારકો દત્તક આપવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
 
વાસ્તવમાં હેરિટેજ સ્મારકોની જાળવણી માટે વીસ-બાવીસ વર્ષ પહેલાં એટલે કે ૧૯૯૬માં તત્કાલીન સરકારે નેશનલ કલ્ચરલ ફંડ નામે આવી જ યોજના અમલમાં મૂકી હતી પરંતુ તે સમયે દેશમાં રાજકીય સ્થિતિ એટલી બધી અસ્થિર હતી કે કોઈ સરકાર કે વડાપ્રધાન પાંચ વર્ષ પૂરાં કરી શકતા નહોતા. એ સ્થિતિમાં યોજનાઓના અમલની શી હાલત થાય એ સમજી શકાય તેમ છે. પણ હવે એ યોજના નવા નામે રિલોન્ચ થઈ છે અને આ વખતે તેની સફળતા વિશે શંકા રાખવાને કોઈ કારણ નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે આ વખતની મોન્યુમેન્ટ મિત્ર યોજના મોદી સરકારે સપ્ટેમ્બર ૨૦૧૭માં અમલમાં મૂકી હતી અને વિવિધ કોર્પોરેટ ગૃહે તેમાં સક્રિય રસ લઈને કામગીરી શરૂ પણ કરી દીધી છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે પણ રાષ્ટ્રીય સ્મારકો અને તેની સાથે સંકળાયેલી પ્રવાસન પ્રવૃત્તિ અંગે આવો જ અભિગમ ધરાવતા હતા એ જાણીતી વાત છે. (ઉપરાંત અહીં એક આડવાત કરી લેવી જોઈએ કે નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન તરીકેના શાસનકાળ દરમિયાન ગુજરાતે મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે પ્રચંડ સફળતા મેળવી હતી અને હજુ પણ એ ટ્રેન્ડ ચાલુ છે.)
 
મૂળ મુદ્દો ઉપેક્ષાનો ભોગ બનીને ભુલાઈ રહેલાં પ્રાચીન ભારતીય રાષ્ટ્રીય સ્મારકો પ્રત્યે દેશના નાગરિકો ઉપરાંત વિદેશી પ્રવાસીઓમાં આકર્ષણ અને જાગૃતિ ઊભી કરવાનો છે. આ દેશની કમનસીબી એ છે કે ખાસ કરીને મે, ૨૦૧૪ પછી દરેકેદરેક નાની નાની બાબતોને રાજકીય રંગ આપીને વિરોધ શરૂ કરી દેવામાં આવે છે. જો સરકારના દરેકેદરેક પગલાને રાજકીય દૃષ્ટિકોણથી જ જોવામાં આવશે અને તેનો વિરોધ કરવામાં આવશે તો આ દેશ ક્યારે પ્રગતિ કરશે ?
 
વિપક્ષ ભલે પોતાની રીતે આવી બાબતોને રાજકીય રંગ આપે, પરંતુ દેશની પ્રજાએ અહીં કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. જેમ કે, દેશના અર્થતંત્રમાં પ્રવાસનનો એક ખૂબ મોટો હિસ્સો છે. પ્રવાસન અર્થતંત્રને તો વાયબ્રન્ટ બનાવે જ છે, સાથે સાથે રોજગારી સર્જનમાં પણ તેનો નોંધપાત્ર હિસ્સો રહેલો છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલના અહેવાલ અનુસાર ૨૦૧૭માં ભારતમાં પ્રવાસનને કારણે ‚. ૧૫.૨૪ લાખ કરોડની આવક થઈ હતી અને પ્રવાસનને કારણે સીધી અને આડકતરી રીતે ચાર કરોડ કરતાં વધારે લોકોને રોજગારી મળી હતી. અન્ય એક અહેવાલ પ્રમાણે ૨૦૧૭ના પ્રથમ છ મહિનામાં જ ૧૫ ટકા વધારા સાથે ૫૬ લાખ કરતાં વધુ વિદેશી પ્રવાસી ભારત આવ્યા હતા. હવે આ તમામ આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો દીવા જેવું સ્પષ્ટ છે કે અર્થતંત્ર માટે પ્રવાસન અત્યંત જરૂરી છે. અને પ્રવાસન માટે પ્રાચીન રાષ્ટ્રીય સ્મારકો સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર હોવાં જોઈએ. કોર્પોરેટ ગૃહો તેમની સીએસઆર પ્રવૃત્તિના ભાગરૂપે આગળ આવે તો એમાં ખોટું શું છે !
 
આ ક્ષેત્ર ઉપર આટલા દાયકાથી ખાસ ધ્યાન આપવામાં નથી આવ્યું. આપણાં રાષ્ટ્રીય સ્મારકોની હાલત આવી હોવાનાં ચાર કારણ છે. એક તો અત્યાર સુધીની સરકારોની ઉદાસીનતા. બીજું, વહીવટીતંત્રની ઉદાસીનતા અને ભંડોળનો અભાવ. ત્રીજું, આવાં સ્મારોકની અંદર અને તેની આસપાસ ખૂબ મોટાપાયે થયેલાં ગેરકાયદે દબાણો. અને ચાર, પ્રાચીન સ્મારકોની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ દ્વારા કરવામાં આવતી ગંદકી અને નુકસાન. આપણે સૌ આ ચાર કારણોથી વાકેફ છીએ. અત્યાર સુધીની સરકારોએ તાજ મહલ કે એવાં બીજા બે-ચાર સ્મારકો સિવાય મોટાભાગનાં પ્રાચીન રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતાં સ્મારકો અંગે કોઈ ધ્યાન આપ્યું નથી. આવાં મોટાભાગનાં સ્મારકો પુરાતત્વ વિભાગના નેજા હેઠળ છે. પુરાતત્વ વિભાગ પાસે તમામ સ્મારકોની જાળવણી માટે મેનપાવર અને નાણાં ન હોય એ સ્વાભાવિક છે. આમ સમગ્રતયા સ્થિતિ એવી આવીને ઊભી રહી કે સરકાર અને સરકારી તંત્ર એ બંને પ્રાચીન વારસાની જાળવણીનું મહત્ત્વ સમજવામાં અને તેની સાથે જોડાયેલી આર્થિક પ્રવૃત્તિઓને સમજવામાં ઊણા ઉતર્યા.
 
પણ આ સ્થિતિ હવે બદલાઈ શકે તેમ છે. કોર્પોરેટ ગૃહો દ્વારા તે દત્તક લેવામાં આવશે તો અગાઉ જણાવી તેવી સુવિધાઓ ઊભી થવા ઉપરાંત આ સ્મારકો વિશેની સચોટ માહિતી દેશ અને દુનિયા સુધી પહોંચી શકશે કેમકે દત્તક લેનાર કોર્પોરેટ ગૃહને પોતાનું નામ તેમાં સંકળાયેલું હોવાથી માર્કેટિંગ કરવાની પણ તક મળશે. એ રીતે આપણા પ્રાચીન રાષ્ટ્રીય સ્મારકો પ્રવાસનની દૃષ્ટિથી આંતરરાષ્ટ્રીય સ્તરનાં બનશે કેમકે સૌંદર્યકરણની કામગીરી પૂરેપૂરી પ્રોફેશનલ રીતે થશે. હેરિટેજ સાઈટને દત્તક લઈને તેની જાળવણીની જવાબદારી લેનાર કોર્પોરેટ ગૃહને સરકારી ફાઈલિંગ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે, એટલું જ નહીં પરંતુ કામગીરી કરવા માટે નાણાંની રાહ પણ નહીં જોવી પડે.
 
આ બાબતના કેટલાંક શ્રેષ્ઠ ઉદાહરણ અમદાવાદના છે. તેમાં એક છે શાહીબાગ વિસ્તારમાં આવેલું સરદાર પટેલ સ્મારક ભવન. છેલ્લા એક દાયકામાં આ સ્મારક ભવનને જે રીતે ડેવલપ કરવામાં આવ્યું અને તેની જાળવણી કરવામાં આવી તે અચૂક જોવા જેવી છે. એ સિવાય કોર્પોરેટ સામેલગીરીના બે ઉત્તમ ઉદાહરણ અમદાવાદમાં જ મળી રહે છે. એક છે કેલિકો મિલ ટેક્સટાઈલ મ્યુઝિયમ તથા લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ. આ બંને સ્થળ પ્રાચીન રાષ્ટ્રીય સ્મારકની કક્ષામાં નથી આવતાં, પરંતુ તેની નોંધ લેવાનું કારણ એ છે કે તેની જાળવણી જે તે ઉદ્યોગગૃહ દ્વારા થાય છે, પરિણામે અનેક દાયકા પછી પણ તે એવાં જ આકર્ષક અને સુંદર રહી શક્યાં છે. આ બંને મ્યુઝિયમે એક સદી પહેલાંના આ શહેરના ઈતિહાસ અને વારસાને જાળવવામાં જે ભૂમિકા ભજવી છે એ મોડેલને વિસ્તૃત ફલક ઉપર લઈ જઈને રાષ્ટ્રીય સ્મારકોની જાળવણી ઉદ્યોગગૃહોને સોંપવામાં કશું જ ખોટું નથી. આ પગલાથી રોજગારીના ક્ષેત્રમાં અને તેના દ્વારા અર્થતંત્રને ફાયદો થવાનો છે એ નિશ્ર્ચિત છે. બસ, આપણે સૌએ એટલું જ યાદ રાખવાનું છે કે ઉદ્યોગગૃહો ભલે આ સ્મારકો દત્તક લે, પરંતુ તેના મૂળ સત્વરૂપ વારસાના જતનની જવાબદારી તો પુરાતત્વ વિભાગ અર્થાત્ સરકાર પાસે જ રહેવાની છે અને તેથી વારસા સાથે છેડછાડની આશંકાઓ કરવાનું અથવા આ યોજનામાંથી જે તે ઉદ્યોગગૃહ અબજોની કમાણી કરી લેશે એવી આશંકા રાખવાનું કોઈ કારણ નથી.
 
-  અલકેશ પટેલ