તંત્રી સ્થાનેથી : પાકિસ્તાનની હાલત જુઓ : જિન્હાના ફોટામાંથી પ્રેરણા નહીં મળે !

    ૦૮-મે-૨૦૧૮

 
મહંમદઅલી જિન્હાને રાષ્ટ્રનાયક માનતું પાકિસ્તાન મુસ્લિમ હારાકીરી તરફ આગળ વધી રહ્યું છે. ત્યાંની સામાજિક માનસિક્તા ષડયંત્રના સિધ્ધાંતો, અન્ય રાષ્ટ્રોની જવાબદેહી, આડંબરવાદ, ધર્માંધતા, રાષ્ટ્રીય તાકાત અંગે ખોટા ખ્વાબ અને દરેક મુશ્કેલીમાંથી રસ્તો નીકળશે તેવી અંધશ્રધ્ધા સાથે એક તૂટતો દેશ છે. જ્યાં ૭૬% લોકોને લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલ સરકાર સામે મિલિટરીમાં ભરોસો હોય, સુપ્રિમ કોર્ટ જેવી સંસ્થાઓમાં ધાર્મિક પૂર્વગ્રહ સાથે માત્ર મુસ્લિમ ગ્રાહ્ય રાખી ઇસ્લામિક રાજ્યની છડેચોક હિમાયત કરતા હોય ત્યાં કહેવાતી સરકાર એ રાજ્યનું સંચાલન કરવાનો પ્રયત્ન કરે છે જે સંચાલન કરવા જ અયોગ્ય છે.
પાકિસ્તાનની આ પડતી ન જોઈ શકતી ભારતીય સંસ્થાઓ અને કેટલાક રાષ્ટ્રવિરોધી તત્ત્વો, જિન્હાને મહાનાયક બનાવી ભારતની અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટિમાં તેની તસવીરો ટાંગી, તેમાંથી પ્રેરણા મેળવવાની કોશિશ - જીદ - હઠાગ્રહ કરે છે. જેણે ભારતની ધરતી ચીરીને, અંગ્રેજોની કૂટનીતિમાં ફસાઈને, જન્મે હિન્દુ છતાં ધર્માંતરણે મુસ્લિમ બની, એવી પ્રજા માટે પાકિસ્તાન ઊભું કર્યું જે પ્રજા કે શાસકો એકબીજા માટે લાયકેય નથી, અન્ય રાષ્ટ્રો સાથે ગર્વભેર ઉભા રહી શકે તેમય નથી અને તેમનો ભૂભાગ માત્ર તાકાતવર રાષ્ટ્રોની આંતરરાષ્ટ્રીય કૂટનીતિના ભાગરૂપે વાપરવા ક્યાંક ઉછીના કે ક્યાંક ધર્માદા નાણાં લઈ, એકબીજાનો દ્રોહ કરી રહ્યા છે.
મદ્રેસામાં ભણતા બાળકો જેમ આગળ વધે તેમ સંકુચિત માનસિક્તા ધરાવતા ધર્માંધ ત‚ણો બનતા જાય છે. જેમને યુવાન વયે નોકરીએ રાખવા માટે સંસ્થાઓ તૈયાર નથી. ૯૧% જેટલાં આર્થિક વ્યવહારો અનૌપચારિક છે. જ્યાં ૯૦ના દાયકામાં ભારત અને બાંગ્લાદેશ આર્થિક ઉદારીકરણને અપનાવતા ઉત્પાદન તથા આવક વધારી શક્યા ત્યાં પાકિસ્તાન ઘણું પાછળ રહ્યું. તેના ૪૨%થી વધુ લોકો દિવસના ૪ ડોલરથી વધુ કમાતા નથી. ત્યાંની સમાંતર અર્થવ્યવસ્થા બિનકાયદાકીય શસ્ત્રો અને નશીલી દવાઓમાં જ અટવાઈ રહીં છે. આ જનરલ ઝીયા-ઉલ-હક્ના જમાનાથી ચાલતું આવ્યું છે.
પાકિસ્તાન સ્ટેટ બેંકના ગવર્નર ઈશરત હુસૈનના મતે છેલ્લા ત્રણ દાયકાથી ત્યાંની પ્રજા વધુ અસહિષ્ણુ બનતી જાય છે. સરકાર કે તેના દ્વારા કહેવાતા લોકોપયોગી કામો કે આંતરિક ઉત્પાદનના દરોને કોઈ સાચા માનવા તૈયાર નથી. પરંતુ મોંઘવારી સૂચકાંકનો કોઈપણ વધારો તેમને ૧૦-૧૨%ની આસપાસ ખૂબ ઝડપથી માન્ય છે. માત્ર પંજાબ-સિંધ વિસ્તારમાં જ શાસન સ્વિકાર્ય છે. ખાયબર-પખ્તુનમાં ૩૮%, બલોચમાં ૨૫% લોકોને જ શાસનથી સંતુષ્ટી છે.
ભ્રષ્ટ રાજનીતિજ્ઞો અને ન્યાયપાલિકામાં ઘુસેલા ‘મુસ્લિમ પ્રથમ’ માન્યતા ધરાવતા ન્યાયાધીશો, સંવિધાનને મચડીને, સંપૂર્ણ ‘ઇસ્લામિક સ્ટેટ’ તરફ ઘસડી રહ્યા છે. શૌકત સીદ્દીક નામના ન્યાયાધીશે સંવિધાનના આર્ટીકલ ૫ માં ‘Faithful‘ શબ્દનો આશરો લઈને દરેક નાગરિકને સરકારની કોઈપણ સર્વિસ માટે આઈડી અને વોટર લીસ્ટ, પાસપોર્ટ વિ.માં. Faith (ધર્મ) ફરજીયાત લખવાની હિમાયત કરી, લઘુમતીને જુદી તારવી છે. મુસ્લિમ-મુલ્લા અલાયન્સ ‘એમએમએ’ તરીકે ઓળખાતી આ રણનીતિમાં ‘અહમદી’ જે મુસ્લિમ નથી તેવા લોકોને જુદા તારવાયા છે. લાહોરના કેટલાક માર્કેટમાં ‘અહમદી પ્રવેશ બંધ’ના બોર્ડ માર્યા છે.
જેમને સ્વતંત્ર રાષ્ટ્ર મળ્યું તેવા હવે ૨૧ કરોડ લોકોએ જો પાકિસ્તાનની દેશ તરીકે આ દશા કરી હોય તો જાવેદ અખ્તર તેમના માટે ‘મુસ્લિમ નેશનાલિસ્ટ’ શબ્દ વાપરી શકે ખરા ? ભારતનું અન્ન ખાઈને ઉછરતા અલિગઢ યુનિવર્સિટીના પ્રોફેસર - વિદ્યાર્થીઓ કઈ લાલસાએ જિન્હાના ફોટામાંથી પ્રેરણા મેળવે ? ઔવેસી રાષ્ટ્રપ્રેમી લોકો જિન્હાનો ફોટો કાઢવાનો આગ્રહ કરે તો આ વિરોધને ‘મુસ્લિમ વિરોધ’ ગણાવી શકે ખરા ? સંપૂર્ણ ભારતે આ અંગે જાગૃત થઈ, કોંગ્રેસે પાળેલ, આ લઘુમતી યુનિવર્સિટીની શાન ઠેકાણે લાવવી જ રહી.