પોતાના રાષ્ટ્રના હિતોનું સમર્થન દેશભક્તિની વ્યાખ્યા છે : પ્રણવ મુખર્જી

    ૨૨-જૂન-૨૦૧૮

 
 
આજે હું અહીં ભારતમાતાના મહાન સપુતને શ્રધ્ધાંજલિ આપવા આવ્યો છું
 
તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ‚પે ઉપસ્થિત રહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીએ તેમનાં ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આજે હું આપ સૌની સમક્ષ ઇન્ડિયા એટલે કે ભારતના સંદર્ભમાં રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ અંગે મારા વિચારો વ્યક્ત કરવા ઉપસ્થિત થયો છું. આ ત્રણેય સંકલ્પનાઓ પરસ્પર એટલી તો સંકળાયેલી છે કે એ ત્રણેયનો અલગ અલગ વિચાર થઈ શકે નહીં. આપણે સૌ પ્રથમ આ ત્રણેય શબ્દોની શબ્દકોષમાં દર્શાવેલી વ્યાખ્યા જોઈશું. ‘રાષ્ટ્ર’ની વ્યાખ્યા છે -
 
"કોઈ એક નિશ્ર્ચિત દેશ અથવા તો વિસ્તારમાં રહેતા અને એકસમાન સભ્યતા, ભાષા અને ઇતિહાસ ધરાવતા લોકોનો વિશાળ સમૂહ. રાષ્ટ્રવાદની વ્યાખ્યા છે : ‘રાષ્ટ્ર સાથે વ્યક્તિનું તાદાત્મ્ય અને વિશેષ કરીને અન્ય રાષ્ટ્રોના હિતોના સંદર્ભમાં પોતાનાં રાષ્ટ્રનાં હિતોનું સમર્થન દેશભક્તિની વ્યાખ્યા છે. "પોતાના દેશ માટે આત્યંતિક ભક્તિની લાગણી.
હવે આપણે આપણા મૂળની પણ વાત કરીએ. ભારતીય સમાજ તો સદીઓથી મુક્ત સમાજ હોવાથી સદીઓથી વેપારના કારણે સમુદ્રમાર્ગો દ્વારા સમગ્ર વિશ્ર્વ સાથે જોડાયેલો હતો. આના પરિણામે ભારતને સાંસ્કૃતિક અને ધાર્મિક આદાન-પ્રદાનનો લાભ મળતો રહ્યો છે. ભારતના જ્ઞાતિજનો અને ઋષિમુનિઓ પર્વતો, રણપ્રદેશો અને મહાસાગરો પાર કરીને આદાન-પ્રદાનના નિમિત્ત બન્યા હતા. બૌદ્ધ પંથના માધ્યમથી મધ્ય એશિયા, ચીન અને અગ્નિ એશિયાના પ્રદેશોમાં હિન્દુ વિચારોની અસર પ્રસરી. ઈ.સ. પૂર્વે ૪થી સદીમાં ગ્રીસથી આવેલા મેગેસ્થિનિસ ચીનથી ૫મી સદીમાં આવેલા ફાહિયાન તથા ૭મી સદીમાં આવેલા હ્યુ એન ત્સંગ જેવા પ્રવાસીઓએ ભારતમાં તે સમયે પ્રવર્તમાન અસરકારક વ્યવસ્થાતંત્ર, સુનિયોજિત નગર વસાહતો અને સુંદર માળખાગત સુવિધાઓ વિશે સુંદર લખાણો લખ્યાં છે. પ્રાચીન ભારતના તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલ્લભીપુર, સોમપુરા તથા ઓદંતપુરી જેવાં વિશ્ર્વવિદ્યાલયોનો ઈ.સ. પૂર્વે ૬ઠ્ઠી સદીથી લઈને ૧૮૦૦ વર્ષો સુધી વિશ્ર્વભરમાં ડંકો વાગતો હતો. આ વિશ્ર્વવિદ્યાલયોના મુક્ત વાતાવરણમાં વિશ્ર્વના શ્રેષ્ઠ વિચારકો અને વિદ્વાનોએ કલા, સાહિત્ય અને જ્ઞાનનાં સર્વ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. રાજનીતિ વિષયનું સૌથી અધિકૃત ગણાતું ચાણક્યનું ‘અર્થશાસ્ત્ર’ આ યુગમાં જ લખાયું હતું.
 

 
 
વર્ષ ૧૬૪૮માં અમલમાં આવેલી વેસ્ટફેલિયા સંધિથી યુરોપમાં રાષ્ટ્ર-રાજ્યની સંકલ્પના પ્રચલિત થઈ તેનાં અગણિત વર્ષો પૂર્વે ભારત એક દેશ તરીકે અસ્તિત્વમાં હતો. સમાન ભાષા અને પંથ, નિશ્ર્ચિત ભૂભાગ અને સમાન શત્રુમિત્રની ભાવના જેવાં પરિમાણોને અનુસરીને યુરોપમાં અનેક રાષ્ટ્રોનો ઉદ્ભવ થયો, પરંતુ આ પાશ્ર્ચાત્ય પરિમાણોથી વિપરીત ભારતે વસુધૈવ કુટુંબકમ્ તથા સર્વે ભવંતુ સુખિન: અનુસરીને સમગ્ર વિશ્ર્વ એક પરિવાર જ છે તેવા વિચારનો પ્રસાર કર્યો. એટલે કે આપણે સમગ્ર વિશ્ર્વને એક પરિવાર ગણીને સૌના સ્વાસ્થ્ય અને મંગળ માટે પ્રાર્થના કરીએ છીએ. આમ આપણા દેશમાં અનાદિકાળથી સર્વ વિચારોના સંગમસ્થાન, સહજ સમાવેશકતા સહઅસ્તિત્વની પરંપરા આપણા દેશની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત થઈ હતી. ભાષા, સંસ્કૃતિ અને પંથવૈવિધ્યને કારણે ભારત એક વિશેષ દેશ બન્યો છે. સહિષ્ણુતા એ જ આપણી શક્તિ છે. તેથી આપણે વૈવિધ્યનો સ્વીકાર અને સન્માન કરી શકીએ છીએ. વૈવિધ્યનું સન્માન એ ભારતીય માનસમાં અનાદિકાળથી વણાઈ ગયેલો સંસ્કાર છે. તેથી પંથ-ધર્મના જડ સિદ્ધાંતો કે પ્રાદેશિકતા, ધિક્કાર તથા અસહિષ્ણુતાને આધારે રાષ્ટ્રિયતાની વ્યાખ્યા કરવામાં આવે તો તે આપણી રાષ્ટ્રીય અસ્મિતાને નિર્બળ બનાવી દેશે. બાહ્ય દૃષ્ટિએ જણાતા મતભેદો હોવા છતાં ભારત એક સમાન ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ ધરાવતો એક આગવો દેશ બની રહ્યો છે. સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ્ વિન્સેન્ટ સ્મિથ નોંધે છે. નિ:શંક રીતે ભારત એક સશક્ત આંતરિક એકતા ધરાવતો દેશ છે. ભારતની આ આંતરિક એકતા ભૌગોલિક વૈશિષ્ટ્ય અને રાજકીય સર્વોપરિતાથી પણ વધુ શક્તિશાળી છે. ભારતની આ એકતાને તો ભારતના ભાષા, રંગ, વેશ, રીતરિવાજો જાતિઓ વગેરે જેવા અગણિત વૈવિધ્ય પણ ભારતની આ આંતરિક એકતાને ખંડિત કરી શકતી નથી.
 
ઈ.સ. પૂર્વે ૬ઠ્ઠી સદીમાં અસ્તિત્વ ધરાવતાં ૧૬ જેટલાં મહાનજનપદોના સમયથી એક રાજ્ય તરીકે ભારતનું અસ્તિત્વ હતું. તે પછી ઈ.સ. પૂ. ૪થી સદીમાં ગ્રીક આક્રમકોને પરાજિત કરીને ચંદ્રગુપ્ત મૌર્યે એક શક્તિશાળી સામ્રાજ્ય સ્થાપ્યું હતું. સમ્રાટ અશોક ભારતના એક શ્રેષ્ઠ શાસક હતા. ઈ.સ. ૫૫૦ સુધી ગુપ્તવંશનું સામ્રાજ્ય રહ્યું. ૧૨મી સદીમાં મુસ્લિમ આક્રમકોએ દિલ્હી ઉપર અંકુશ મેળવ્યો તે પૂર્વે ભારતમાં અનેક રાજવંશોએ શાસન કર્યંુ હતું. વર્ષ ૧૫૨૬માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં લોદી વંશને પરાસ્ત કરીને બાબરે મોગલવંશની સ્થાપના કરી. તે પછી ૧૭૫૭માં પ્લાસીનું યુદ્ધ તથા વર્ષ ૧૭૪૬થી ૬૩નાં વર્ષોમાં આર્કોટનાં ત્રણ યુદ્ધો જીતીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પૂર્વ દક્ષિણ અને પશ્ર્ચિમ ભારતના વિશાળ ભૂભાગ ઉપર આધિપત્ય સ્થાપ્યું. લગભગ ૧૪૦ વર્ષો સુધી કલકત્તા અંગ્રેજ શાસકોનું કેન્દ્ર રહ્યું. પરંતુ ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ૧૮૫૮માં કંપની સરકારના શાસકીય અધિકારો ઇંગ્લેન્ડના શાસકોએ લઈ લીધા અને ભારતના શાસકની નિમણૂક અંગ્રેજ મંત્રીમંડળ દ્વારા થવા માંડી.
 

 
 
લગભગ ૨૫૦૦ વર્ષો સુધી ચાલેલાં આક્રમણો અને સત્તા-પરિવર્તનો છતાં ભારતની ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિ અક્ષુણ્ણ રહી છે. એટલું જ નહીં. ભારત ઉપર આવેલા અગણિત વિદેશી આક્રમકોને પણ આ ભૂમિએ પોતાનામાં સમાવી લીધા. તેને પરિણામે ભારતીય સમાજમાં વૈવિધ્ય જોવા મળે છે. ‘ભારત તીર્થ’ નામની જાણીતી કવિતામાં કવિવર રવીન્દ્રનાથ ઠાકુર લખે છે. કોણ જાણે કોના આમંત્રણથી હજારો વર્ષોથી વિશ્ર્વભરમાંથી અગણિત માનવસમૂહો ભારતમાં આવ્યા અને અને જેમ અનેક નદીઓ મહાસાગરમાં ભળી જાય છે તેમ આ ભારત‚પી મહાસાગરમાં ભળી જાય છે.
 
એક આધુનિક દેશ તરીકે ભારતના અસ્તિત્વનો ઉદ્ઘોષક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહિત અનેક સંગઠનોએ કર્યો છે. વર્ષ ૧૮૯૫માં પુણે અધિવેશનના અધ્યક્ષ શ્રી સુરેન્દ્રનાથ બેનર્જીથી લઈને બધા જ અધ્યક્ષોએ ભારતનો એક રાષ્ટ્ર તરીકેનો સ્વીકાર કરેલો છે. બેરિસ્ટર જોસેફ બેપ્ટિસ્ટના ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એ સૂત્રની ભારતમાં સિંહગર્જના કરનારા લોકમાન્ય ટિળકના મનમાં ‘સ્વરાજ્ય’ એ સર્વ જાતિપંથથી યુક્ત ભારતીય સમાજના અર્થમાં જ અભિપ્રેત રાષ્ટ્રવાદમાં કોઈનાય અસ્વીકારને સ્થાન ન હતું. ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તકમાં પં. નહેરુ પણ રાષ્ટ્રીયતાની તેમની સંકલ્પનામાં સર્વ સમાવેશકતાની વાત કરે છે.
 
વર્ષ ૧૯૪૭માં અંગ્રેજોથી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યા પછી ૨૬ જાન્યુ. ૧૯૫૦ના દિવસથી ભારતીય બંધારણ અમલમાં આવ્યું, જેમાં સૌ ભારતીયો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતોનો સ્વીકાર થયો. આ સિદ્ધાંતો આધુનિક ભારતના પથદર્શક છે. આપણા માટે લોકતંત્ર એ કોઈ ઉપહાર નથી પરંતુ એક પવિત્ર શ્રદ્ધા છે. ભારતીય બંધારણ એ કેવળ ૩૯૫ કલમો અને ૧૨ અનુસૂચિઓના કાયદાકીય દસ્તાવેજ નહીં, પરંતુ દેશના આર્થિક - સામાજિક પરિવર્તન માટેનો મહા-અધિકારપત્ર છે. આ બંધારણ જ આપણા રાષ્ટ્રવાદનો મૂળસ્રોત છે. તેથી ભારતીય રાષ્ટ્રવાદને તો ‘બંધારણીય દેશભક્તિ’ જ કહી શકાય.
 
હવે હું મારા ૫૦ વર્ષના સાંસદ અને વહીવટકર્તા તરીકેના જાહેર જીવનના અનુભવના આધારે કેટલાંક તથ્યો આપ સૌની સમક્ષ મૂકવા ઇચ્છું છું.
 
સહિષ્ણુતા અને બહુલતા વૈવિધ્ય એ ભારતનો આત્મા છે. સદીઓ સુધી ભારતમાં બાહુલ્ય વિવિધતા જોવા મળે છે. ભારતમાં સાંસ્કૃતિક વૈવિધ્ય હોવા છતાં આપણે એક રાષ્ટ્ર છીએ. આ સાત મુખ્ય ધર્મોથી બનેલા ૧૨૨ ભાષાઓ અને ૧૬૦૦થી વધુ બોલીઓ બોલતા ૧૩૦ કરોડ ભારતીયોનો સાર્વત્રિક દૃષ્ટિકોણ છે.
 
આવા વૈવિધ્યપૂર્ણ લોકતંત્રમાં રાષ્ટ્રીય મહત્ત્વની બધી જ બાબતો અંગે સંવાદ અનિવાર્ય છે. જાહેરજીવનમાં વિરોધી વિચારોનો પણ સ્વીકાર થવો જોઈએ. આપણને સ્વીકાર્ય ન પણ હોય તેવા અનેક વિચારોના અસ્તિત્વને લોકતંત્રમાં આપણે નકારી શકીએ નહીં. આવા સંજોગોમાં સંવાદ દ્વારા જ જટિલ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. વિશ્ર્વના ૧૫૬ દેશોના સુખાકારી આંકમાં ભારતવર્ષ ૨૦૧૮માં ૧૩૩ સ્થાને છે. આ સંદર્ભમાં હું અંતમાં અર્થશાસ્ત્રમાંથી કૌટિલ્યનો એક શ્ર્લોક ટાંકું છું, જે સંસદ ભવનનાં ૬ નંબરની લિફ્ટની પાસે અંકિત કરવામાં આવ્યો છે.
 
प्रजासुखे सुखं राजः प्रजानां च हिते हितं । 
नात्मप्रिय हितं  राजः प्रजानां तु प्रियं हितं ॥
 
અર્થાત્ પ્રજાના સુખમાં અને હિતમાં જ રાજાનું સુખ સમાયું છે. રાજાને પોતાનું પ્રિય કે અપ્રિય કશું જ હોઈ શકે નહીં, જે વસ્તુ પ્રજાને પ્રિય છે, હિતકારી છે, તે જ રાજા માટે પ્રિય અને હિતકારી હોય છે.