અશોકચક્રને ચૂમી તિરંગાને માઉન્ટ એવરેસ્ટ પર ફરકાવવો એ મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ હતી : મેહુલ જોશી

    ૨૨-જૂન-૨૦૧૮   


 
આજના યુવાનો નાની-નાની વાતમાં અને મુશ્કેલીઓમાં નાસીપાસ થઈ હિંમત હારી જતા હોય છે. આવા યુવા માટે સાબરકાંઠાના હિંમતનગરના ૩૬ વર્ષીય યુવાન મેહુલ જોશી પ્રેરણા સમાન છે. મેહુલે એવી સિદ્ધિ મેળવી છે કે જેને સાંભળી દરેક ગુજરાતીની છાતી ગજ-ગજ ફૂલી જાય. મેહુલ તાજેતરમાં જ વિશ્ર્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ફતેહ કરી પરત ફર્યો છે. તેને આ સફળતા અને સિદ્ધિ આમ જ નથી મળી. તેની પાછળ તેની સતત મહેનત અને પોતાના સ્વપ્નને કોઈપણ ભોગે પૂર્ણ કરવાનું ઝનૂન છે. આ જ મહેનતે અને ઝનૂને તેને માઉન્ટ એવરેસ્ટ સર કરતા એક માત્ર ગુજરાતી યુવાનું ગૌરવ અપાવ્યું છે. આ શાનદાર સફરને લઈને તેઓએ ‘સાધના’ સાપ્તાહિક સાથે વાતચીત કરી હતી. પ્રસ્તુત છે એ વાતચીતના પ્રમુખ અંશો...
 
# માઉન્ટ એવરેસ્ટ સર કરનારા એક માત્ર ગુજરાતી તમે બની ગયા છો. તમે કેવી લાગણી અનુભવો છો ?
 
માઉન્ટ એવરેસ્ટ સર કરવો મારા બાળપણનું સ્વપ્ન હતું. મારા જીવનનું એ સ્વપ્ન પૂર્ણ થયું છે ત્યારે આનંદનો કોઈ પાર ન જ હોય. મને જે આનંદ, જે ગર્વ થઈ રહ્યો છે, તેને શબ્દમાં વર્ણવવો અશક્ય છે.
 
# તમે કહ્યું કે, માઉન્ટ એવરેસ્ટ સર કરવો એ તમારું બાળપણનું સ્વપ્ન હતું.
 
જી બિલકુલ. ત્યારે હું લગભગ દસેક વર્ષનો હોઈશ. તે વખતે શાળામાં એક પ્રશ્ર્ન પુછાયો કે, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌ પ્રથમ મહિલા કોણ... મને એનો જવાબ ન આવડ્યો પરંતુ માઉન્ટ એવરેસ્ટ અંગેના સવાલે મારા મગજના તારા ઝણઝણાવી નાખ્યા. માઉન્ટ એવરેસ્ટ શું હશે ? કેમ તેના પરના ચડાણને આટલું મહત્ત્વ અપાતું હશે ? ત્યાં જઈ કેવું લાગતું હશે ? વગેરે પ્રશ્ર્નો મારા મનમાં ઊઠ્યા. મેં મારા પિતા પાસેથી માઉન્ટ એવરેસ્ટ અને બચેન્દ્રીપાલ વિશે જાણ્યું. બસ ત્યારથી જ મેં મનોમન નક્કી કરી લીધું કે, ભાઈ, ગમે તે થાય આપણે માઉન્ટ એવરેસ્ટ સર કરવો જ છે અને પરિણામ આજે સૌની સામે છે.
 
# એક સમયે તમે ગંભીર બીમારીઓનો પણ ભોગ બન્યા હતા.
 
હા, કેટલીક પરિસ્થિતિઓ એવી સર્જાઈ હતી કે, ૩૧ વર્ષની ઉંમરે જ હું ડાયાબિટીઝ, તણાવ અને હાઈબીપી જેવી બીમારીઓનો ભોગ બન્યો હતો. ડૉક્ટરે મને કહી દીધું હતું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તારી પાસે બે વિકલ્પ છે. તત્કાળ દવા ચાલુ કરી દે કે, પછી તને કોઈ ગમતી કસરત કે પ્રવૃત્તિ ચાલુ કરી દે. ત્યારે અચાનક જ મને બાળપણનો સાયકલપ્રેમ યાદ આવ્યો અને મેં સાયક્લિગં શ‚ કરવાનું નક્કી કર્યંુ. ૩ મહિના સુધી મેં સતત અને સખત સાયકલિંગ કર્યંુ અને આશ્ર્ચર્યજનક રીતે મારા તમામ રિપોર્ટો સામાન્ય આવ્યા અને મારા માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્નને નવું બળ મળ્યું. મેં એ વખતે દવાને નકારી અને વ્યાયામને સ્વીકાર્યો, જેને પરિણામે હું આજે એવરેસ્ટ સર કરવાની સિદ્ધિએ પહોંચી શક્યો છું.
 
# તમારા આ મિશન પાછળ ખર્ચ પણ મોટો આવ્યો હશે, તેમાં તમને કોણે મદદ કરી હતી ?
 
ખર્ચ તો ઘણો જ થયો. એજન્સીના, શેરપાના, વીમો, અન્ય પરચૂરણ ખર્ચ સહિત ૩૭ લાખ ‚પિયા જેટલો ખર્ચ આવ્યો હતો. આ ખર્ચ મારા જેવા મધ્યમવર્ગી માટે લગભગ અશક્ય હતો. પરંતુ કહેવાય છે ને જ્યારે તમે કોઈ વસ્તુની દિલથી ઇચ્છા કરો છો ત્યારે તેને તમને મેળવી આપવા માટે સમગ્ર કાયનાત કામે લાગી જાય છે. મારી સાથે પણ આમ જ બન્યું. માતા-પિતાએ આખી જિંદગીની કમાણી મને ધરી દીધી. લોન, સગાંવ્હાલાંની મદદ, વિશેષ કરીને મિત્રોએ, જેમાંના કેટલાકે તો તેમના ફરવા-જવા માટે નાણાં બચાવી રાખેલાં તેમને આપી કહ્યું હતું કે લે મેહુલ, તું તારું સ્વપ્ન પૂરું કર. ૧૦,૦૦૦ ‚પિયાથી માંડી ૫૦૦ ‚પિયા સુધીની મદદ મને મળી છે. મારા પરિવાર સાથે મિત્રો અને સંબંધીઓનો મારા સ્વપ્ન માટેના આ ભાવે જ મને હાલ માઉન્ટ એવરેસ્ટના શિખરે પહોંચાડ્યો છે.
 
જુવો એક મુલાકાત.......
 
 
 

# માઉન્ટ એવરેસ્ટના ચઢાણની આ સમગ્ર સફર દરમિયાન કેવી મુશ્કેલીઓ આવી ?
 
પરંતુ એક સમયે એવી પરિસ્થિતિ આવી કે જ્યારે લાગ્યું કે બસ હવે એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. ઉપરથી શેરપાએ કહ્યું કે, હજી તો બે કલાક સુધી ચાલવાનું છે. આ સમય મારા માટે ખૂબ જ કપરો હતો, પરંતુ આ સમયે મેં ધૈર્ય રાખ્યું. મારા બેઝ કેમ્પમાં પહોંચી આજે એવી તો કઈ ભૂલ થઈ તેનું નિરીક્ષણ કર્યંુ. ત્યારબાદ ફરી ક્યારેય એવી પરિસ્થિતિ આવી નથી.
 
# તમારી આ સફળતામાં ડાયેટની ભૂમિકા ?
 
ખૂબ જ મોટી ભૂમિકા ડાયેટની રહે છે. શાકાહારી લોકો કરતાં માંસાહારીઓમાં વધુ એનર્જી અને તાકાત હોય તે વાત તદ્દન જુઠ્ઠાણું છે. હું અણીશુદ્ધ શાકાહારી છું. અમારી ૩૬ લોકોની ટીમમાં પણ હું એક માત્ર શાકાહારી હતો. ઘરે હોઉં ત્યારે પણ સવારે ફળ ત્યાર બાદ ચણા-ગોળ, ત્યાર બાદ રોટલો-દાળભાત અને ખીચડી જેવો શુદ્ધ દેશી ગુજરાતી ખોરાક જ લઉં છું. એવરેસ્ટ ચઢાણ વખતે પણ ફળ અને દાળ ભાત જ લેતો હતો.
 
# કહેવાય છે કે, માઉન્ટ એવરેસ્ટ પર અનેક સ્થળોએ પર્વતારોહીઓના મૃતદેહ પડેલા હોય છે, અને પ્રદૂષણ-કચરો પણ એટલો જ હોય છે..
 
મને એક પણ મૃતદેહ જોવા મળ્યો નથી. ખરેખર કહું તો મૃત પામેલા એ પર્વાતરોહીઓ સાગરમાતા (માઉન્ટ એવરેસ્ટ)નાં વ્હાલાં બાળકો છે, જેઓ તેમને પૂરેપૂરા અર્પિત થઈ ગયા છે. એટલે મારા માટે એ મૃતદેહ નથી. કારણ કે એવરેસ્ટ એ એમની માતા છે, મેં પણ એવરેસ્ટને મારી માતા જ માની છે.
 
રહી વાત પ્રદૂષણની તો મને તો ત્યાં કોઈ જ સ્થળે કચરો કે પ્રદૂષણ જણાયું નથી. ત્યાં સુધી કે પર્વતારોહીના ટોઈલેટની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યાં ટોઈલેટ (મળ)ને ડ્રમમાં સીલપેક કરી નીચે મોકલવામાં આવે છે.
 
# એવરેસ્ટ સર કરવામાં શેરપાના રોલ વિશે વાત કરશો ?
 
તમારા ઑક્સિજનથી માંડી જમવા સુધીની તમામ બાબતોમાં શેરપાની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. તે તમારી દરેક પ્રવૃત્તિ પર નજર રાખે છે. સમયે સમયે તમને માર્ગદર્શન આપી તમારા પરનું જોખમ ટાળી દે છે. એમ કહીએ કે આ સફરમાં શેરપા તમારા માટે જીવનરક્ષક પ્રણાલીનું કામ કરે છે.
 

 
 
# એવરેસ્ટ આરોહણ દરમિયાનની સૌથી યાદગાર પળ?
 
અમે શિખર પર પહોંચ્યા અને મેં મારી બેગમાંથી આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો કાઢી તેમાંના અશોક ચક્રને ચૂમી માથે ચડાવી રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો એ ક્ષણે મને જે ગર્વની લાગણી થઈ તે આજ દિન સુધી ક્યારેય અનુભવી નથી.
કહેવાય છે કે માઉન્ટ એવરેસ્ટ પરથી ૪થી ૫ હજાર કિ.મી. સુધી સ્પષ્ટ જોઈ શકાય છે.
આની તો મને ખબર નથી, પરંતુ હું જ્યારે માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચ્યો તો ત્યાં જ્યાં સુધી મારી નજર પહોંચતી હતી ત્યાં સુધી સ્પષ્ટ જોઈ શકતો હતો. કાંચનજંગા, ભારતની સરહદ પરના ફિનાઈલ પર્વત, ચીનનો ચેગ્સે નામનો પર્વત, કાંચનજંગા જેવાં શિખરો ત્યાંથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અહીં તમે પૃથ્વીની વક્રતાને પણ જોઈ શકો છો.
 
# તમારી આ સિદ્ધિની ગુજરાત સરકાર દ્વારા કોઈ નોંધ લેવાઈ છે ખરી ?
 
રાજ્ય સરકારે ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે. હું બેઝ કેમ્પ પર હતો ત્યારે જ મુખ્યમંત્રીશ્રીએ ટ્વીટર પર ટ્વીટ કરી પ્રાઉડ ઑફ યુ લખ્યું હતું. આ ક્ષણ મારા માટે ખરેખર ગર્વની ક્ષણ હતી. આ સિવાય સ્થાનિક સંસદસભ્ય, ધારાસભ્ય અને નગરપાલિકાનાં મેયર બહેન પણ મને મળવા આવ્યાં હતાં અને અભિનંદન પાઠવ્યાં હતાં. ગુજરાત સરકાર દ્વારા ઠરાવ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર માટે ૩૦ લાખ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે અને આમાંથી મને ૧૫ લાખ ‚પિયા આપવાની રજૂઆત પણ થઈ છે.
 
# એવરેસ્ટ આરોહણની ફતેહ બાદ હવે તમારી આગળની યોજના શું છે ?
 
ગુજરાતીઓ બધા દાળ-ભાતિયા હોય છે. તેઓ સાહસિક કામો કરી જ ન શકે એવું ગુજરાતીઓ પરનું આ મ્હેણુ મારે ભાંગવું છે. મારે એવરેસ્ટ સર કરી શકે તેવા બીજા ૧૦૦ ગુજરાતી યુવાનો તૈયાર કરવા છે. માત્ર એવરેસ્ટ જ નહીં, વિશ્ર્વનાં અનેક શિખરો એવાં છે, જ્યાં આપણા ગુજરાતીઓનું નામ નથી. માટે તે તમામ શિખરો પર ગુજરાતીઓનું નામ પહોંચાડવું છે.
 
# તમારો યુવા વર્ગને કાંઈ સંદેશ ?
 
માત્ર સ્વપ્નાં જોઈને બેસી ન રહો. તેને સાકાર કરવા હાથ ધોઈને મચી પડો. સ્વપ્નાને સાકાર કરવા અન્ય તમામ બાબતો ભૂલી જાઓ. તમારું ધ્યાન માત્ર તમારા સ્વપ્નને સાકાર કરવા પર જ કેન્દ્રિત કરો. લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષ્યને પૂરેપૂરા સમર્પિત થઈ જાઓ.