જોગીન્દરસિંઘની ગજબની કર્મનિષ્ઠા

    ૨૮-જૂન-૨૦૧૮

 
‘કલા સંગમ સંસ્થા દ્વારા આપ સન્માનિત થવા માટે પસંદગી પામ્યા છો. ૨૮ જૂન, ૨૦૧૮ના યોજાનાર ઍવોર્ડ વિતરણ સમારોહમાં, ઍવૉર્ડ સ્વીકારવા ઉપસ્થિત રહેશો.’ આ મતલબનો સંદેશો પ્રાપ્ત થયો. હિમાચલ પ્રદેશના સરકારી વાહન-વ્યવહાર વિભાગ - ‘હિમાચલ પ્રદેશ રોડવેઝ’માં કંડક્ટર તરીકે ફરજ બજાવતા જોગીન્દરસિંઘને.
 
૧૩ વર્ષની સરકારી નોકરી દરમિયાન એક પણ દિવસની રજા જેણે લીધી નથી, એટલું જ નહીં રવિવારે પણ જેણે ફરજ બજાવી છે અને તેને કારણે તેના ખાતે ૩૦૩ રવિવારની રજા પણ જમા છે એવા કર્મવીર જોગીન્દરસિંઘ માટે ધર્મસંકટ ઊભું થયું ! ઍવોર્ડ સ્વીકારવા સમારોહમાં જવું પડે, નોકરીમાં રજા કરવી પડે !
 
ધર્મસકંટ કેમ ન થાય ? એમને ઍવોર્ડ એમની અનન્ય ફરજનિષ્ઠા માટે જ મળનાર છે. હું નહીં જાઉં સમારોહમાં - આવા જોગીન્દરસિંઘના નિર્ણયથી ગૌરવાન્વિત તેના પિતા, પોતાના પુત્ર વતી સન્માન સ્વીકારશે.
 
મિત્રો, સન્માન અને એ પણ ભવ્ય સમારોહમાં થતું હોય તો કોને ન ગમે ? એને જ જે જોગીન્દરસિંઘ જેવા કર્મનિષ્ઠ તથા પ્રતિષ્ઠાથી દૂર રહેવાવાળા-નિ:સ્વાર્થી હોય.