રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - પશ્ર્ચિમ ક્ષેત્ર સંઘ શિક્ષા વર્ગ દ્વિતિય વર્ષ વડોદરા ખાતે સંપન્ન

    ૦૫-જૂન-૨૦૧૮   

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ વખતે દ્વિતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ ગુજરાતના વડોદરા મહાનગર ખાતેના નવરચના વિદ્યાલય ખાતે યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને શારીરિક, બૌદ્ધિક શ્રમાનુભવ સહિતના વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તા. ૨ જૂનના રોજ આ શિક્ષાવર્ગનો સાર્વજનિક સમારોપ યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે જે.બી. કેમિકલ એન્ડ ફાર્મા કંપની લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી કમલેશભાઈ ઉદાની તેમજ મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ર્ચિમ ક્ષેત્રના સંઘચાલક મા. ડૉ. જયંતિભાઈ ભાડેસિયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત છે... સમાપન સમારોપનો અહેવાલ અને વક્તવ્યના પ્રમુખ અંશો... 
 

 
 
 સંઘને ઓળખવા માટે સંઘની નજીક આવવું પડશે : ડૉ. જયંતિભાઈ ભાડેસિયા
 
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા રા.સ્વ.સંઘના પશ્ર્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયાએ જણાવ્યું હતું કે, વડોદરા નગરી એ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં સંઘની સૌપ્રથમ શાખા પણ આ જ વડોદરા નગરમાં લાગી હતી. એટલે કે ગુજરાતમાં સંઘનો પાયો વડોદરા નગરમાં જ નખાયો હતો. વડોદરા નગરના મહારાજા ગાયકવાડ પોતાનાં સાંસ્કૃતિક ધાર્મિક પ્રજાકીય કામો માટે પ્રખ્યાત છે. આ એ જ નગર છે જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહર્ષિ અરવિંદે પોતાના કાર્યકાળનો પ્રારંભ કર્યો હતો. એ જ ધરતી પર સંઘના સ્વયંસેવકોએ ૨૦ દિવસ જે પ્રશિક્ષણ મેળવ્યું છે તેનું તમારી સામે પ્રદર્શન કર્યું છે ત્યારે સવાલ થશે કે આ લોકો છે કોણ ? સંઘના પ્રચારક દત્તોપંત ઠેંગડીજી કહેતા હતા કે આ પાગલ લોકો છે, કેમ પાગલ છે ? ગરમીની મૌસમ છે. અને હાલ તો લોકો ગરમીની મોસમમાં કોઈ કુલુમનાલી, કોઈ ઊટી જાય છે, હવે તો વિદેશોમાં ફરવા જવાનું પણ ચલણ વધ્યું છે. પોતાના પરિવાર સાથે આનંદ કરે છે જ્યારે આ લોકો સંઘ સ્વયંસેવકો છે, તે ખરેખર પાગલ છે. ૨૦-૨૦ દિવસ સુધી ૪૪ ડિગ્રી તાપમાનમાં સવારે ૫ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ‘ભારત માતાની જય’ માટે આ લોકો સંઘકાર્યનું પ્રશિક્ષણ મેળવે છે. ત્યારે શું છે આ સંઘકાર્ય ? હાલ સંઘનું નામ ન સાંભળ્યું હોય તેવી કોઈ વ્યક્તિ નહીં મળે, કારણ કે સંઘ કાશ્મીરની ઘાટીઓથી માંડી કેરલની ધરતી પર પૂર્વોત્તર ભારતમાં સિક્કિમ અરુણાચલથી અને મણિપુરથી લઈ કચ્છની ધરતી સુધી વિસ્તરી ચૂક્યો છે. ૫૭ હજારથી વધુ સંઘની શાખાઓ ૧૫,૦૦૦થી વધુ સાપ્તાહિક મિલન અને અનેક માસિક મિલનોમાં કામ કરતા સંઘના સ્વયંસેવકો દરરોજ ભારતમાતાની જય, ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. પરંતુ સંઘને લોકો કેવી રીતે જાણે છે? કોઈ કહે છે કુદરતી-અકુદરતી આફતો સમયે દોડે છે, કામ કરે છે, સેવા કરે છે. કોઈ કહે છે સંઘ અદ્ભુત ‚માર્ચ-પથસંચલન કરે છે, તેમનું અનુશાસન અદ્ભુત હોય છે. તો સંઘવિચારના વિરોધીઓ કહે છે કે, ભાઈ, સંઘ તો કટ્ટરવાદી છે, તે હિન્દુ રાષ્ટ્ર અને લોકો હિન્દુત્વની વાત કરે છે. કટ્ટર લોકોનું સંગઠન છે. સંઘને જોવાની દૃષ્ટિ અલગ અલગ હોવાને કારણે આવું થાય છે.
 

 
 
સંઘને ઓળખવા માટે સંઘની નિકટ આવવું પડશે અને વડોદરાવાસીઓને એ અવસર મળ્યો છે. સંઘ તરફ જોવાની દૃષ્ટિને કારણે કેટલીક વખત સંઘને રાજકારણ સાથે જોડી દેવામાં આવે છે. તાજેતરમાં જ પરમપૂજ્ય સંઘચાલકજીનો પ્રવાસ વડોદરામાં થયો હતો. ત્યારે સંઘને પ્રેસનોટ પ્રસિદ્ધ કરવી પડી હતી. આવું કેમ કરવું પડ્યું ? કારણ કે જ્યારે સંઘના કોઈ સમારોહ કે અધિકારીનો પ્રવાસ થાય છે ત્યારે ચૂંટણી આવી રહી છે, રાજકીય પ્રવાસ હોઈ શકે છે. નો ગણગણાટ શરૂ થઈ જાય છે. પરંતુ સંઘનું કામ રાજકારણ નથી. સંઘનું એક જ કામ છે. વ્યક્તિનિર્માણ અને સમાજનું સંગઠન. સંઘના કાર્યકર્તાઓના પ્રશિક્ષણનો આ વર્ગ છે. ૧૯૨૫માં નાગપુરમાં ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારજીએ સંઘની સ્થાપના કરી. અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવવાની ક્રાંતિ ચલાવતા ક્રાંતિવીરો સાથે મળીને કાર્ય કર્યું. કોંગ્રેસમાં પણ કાર્ય કર્યું. આ કામ કરતાં તેઓએ અનુભવ્યું કે આ દેશના સર્વસામાન્ય વ્યક્તિમાં જ્યાં સુધી સ્વાર્થ નહીં છૂટે, પોતાની પરંપરા, ઇતિહાસ અંગે સ્વાભિમાનની ભાવના નહીં જાગે, સમાજમાં સંગઠિતતાની ભાવના નહીં પેદા થાય ત્યાં સુધી અંગ્રેજો પણ ચાલ્યા જશે તો પણ આપણો દેશ જે અગાઉ વિશ્ર્વગુરુના સ્થાને બિરાજતો હતો. તે સ્થાને બિરાજી શકશે નહીં અને આ કામ સંઘ કરશે. આજે સૌથી મોટી જ‚રિયાત વ્યક્તિઓમાં સંસ્કારનિર્માણની છે.
 
અહીં એક વાત યાદ આવે છે. એક મોટા રાજાએ કોઈ મોટા ચિત્રકારને ભગવાન શ્રીકૃષ્ણ એ કંસનું ચિત્ર બનાવવા કહ્યું. એક કૃષ્ણ જેવા દેખાતા બાળકને કૃષ્ણની વેશભૂષામાં સજાવી તેનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું, પરંતુ કંસ જેવો દેખાતો કોઈ માણસ તેમને મળ્યો નહીં. દિવસો મહિનાઓ, દસ વર્ષ સુધી કંસ જેવા દેખાવવાળા વ્યક્તિની શોધખોળ ચાલી, પરંતુ તે મળી શક્યો નહીં? છેવટે રાજાએ કહ્યું, હવે તો માત્ર એક જ જગ્યા બચી છે, જ્યાં કદાચ આપણને કંસ જેવો વ્યક્તિ મળી જાય અને એ આ રાજ્યની જેલ છે. ચિત્રકાર જેલમાં ગયો ત્યાં તેને આબેહૂબ કંસ જેવો જ દેખાતો એક વ્યક્તિ મળી ગયો. ચિત્રકારે તેને કંસની વેશભૂષા પહેરાવી તેનું ચિત્ર બનાવવાનું શ‚ કરતાં અચાનક પેલા વ્યક્તિની આંખમાંથી આંસુઓ ટપકવા માંડ્યા. ચિત્રકારે તેને રડવાનું કારણ પૂછ્યું, પેલા વ્યક્તિએ જવાબ આપ્યો કે, આજથી દસ વર્ષ પહેલાં તમે જે બાળકને કૃષ્ણ બનાવી તેનું ચિત્ર દોર્યું હતું હું એ જ અભાગી બાળક છું, જેને આજે કંસ બનવું પડ્યું છે. વ્યક્તિમાં કૃષ્ણ પણ હોય છે, પરંતુ સમાજમાં જો તેનું યોગ્ય રીતે લાલનપાલન ન થાય તો તેનામાં કુસંસ્કારો આવી જાય છે. જે તેને કંસ પણ બનાવી શકે છે. વ્યક્તિને સ્વની વિચારધારામાંથી ઉપર ઉઠાવી સમાજ માટે કામ કરવાનું વિચારતો કરવાનું કામ એટલે વ્યક્તિનિર્માણ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને ૧૦૦ નચિકેતા આપો, હું ભારતનું ભાગ્ય બદલી નાખીશ. આવાં વ્યક્તિત્વોનું નિર્માણ કરવાનું કામ સંઘનું છે. આ શિક્ષાવર્ગમાંથી બહાર જઈ સંઘ સ્વયંસેવકોએ સમાજની ઉન્નતિ અને સંગઠનનું કામ કરવાનું છે. ભારત દેશમાં અનેક પરાક્રમી શાસકો હતા, પરંતુ આપણા રાષ્ટ્રના સામાન્ય નાગરિકોમાં સંગઠિતતાના અભાવને કારણે આપણે અનેક પરકીય આક્રમણોના ભોગ બનવું પડ્યું અને ગુલામ બનવું પડ્યું. ડૉ. સાહેબ પણ વારંવાર કહેતા કે અંગ્રેજો આપણા ઉપર રાજ કરી રહ્યા છે. તે તેમનો સદ્ગુણ નથી, પરંતુ આપણો દુર્ગુણ, આપણામાં સંગઠિતતાનો જે અભાવ છે તેનું પરિણામ છે.
 
સંઘ સમાજનાં આ જ સંગઠનનું કાર્ય કરી રહ્યો છે. અહીંનો જે પુત્રવત્ હિન્દુ સમાજ છે, તે સંગઠિત કરવાનું ધ્યેય સંઘનું છે. અહીં જ્યારે હિન્દુ શબ્દ આવે છે ત્યારે અનેકોનાં ભવાં તણાઈ જાય છે. આજે એક તરફ હિન્દુત્વની વાતો કરનારા ઊભા છે. તો બીજી તરફ હિન્દુત્વનો વિરોધ કરનારા ઊભા થઈ ગયા છે. લોકોને આજે ‘વ્હાઈ આઈ એમ હિન્દુ’ જેવાં પુસ્તક લખવાં પડે છે. આ દેશનું ભલું જો કોઈ કરી શકે છે. તો આ દેશનો હિન્દુ જ છે. અમેરિકામાં ટ્વિન ટાવર પરના આતંકવાદી હુમલા બાદ હટિંગ્ટન નામના લેખકે એક પુસ્તક લખ્યું Who are We ?’ કોણ અમેરિકન... તેમાં તે લખે છે કે, આપણે ખુદને જ ઓળખવાનો સમય છે. જ્યાં સુધી આપણે આપણી ઓળખ નક્કી કરી શકીએ ત્યાં સુધી આપણી પ્રાથમિકતા નક્કી નહીં કરી શકીએ. આપણા દેશની પણ પ્રથમ જ‚રિયાત આપણી ઓળખ છે. માટે જ સંઘની પ્રાર્થનામાં ‘વયં હિન્દુ રાષ્ટ્રાંગ ભૂતા’ કહેવામાં આવે છે. એટલે કે હિન્દુ રાષ્ટ્રના આપણે અંગભૂત ઘટક છીએ.
 
 
 
પરમપૂજ્ય સંઘચાલકજીએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે, આ દેશમાં વસનારા તમામ લોકો હિન્દુ છે. ત્યારે લોકોએ વિવાદ ઊભો કર્યો, પરંતુ સર સંઘચાલકજીએ અનેક વખત કહ્યું છે કે, આપણા દેશમાં કેટલાક હિન્દુઓ એવા છે. જે ખુલ્લેઆમ કહે છે કે, હા, અમે હિન્દુ છીએ. કેટલાક લોકો છાના-માના સ્વીકારે છે કે, હા અમે હિન્દુ છીએ. કેટલાક લોકો પોતાના સ્વાર્થને કારણે પોતે હિન્દુ છે એવું સ્વીકારતા નથી અને કેટલાક લોકો એવા છે કે, જેઓ ભૂલી ગયા છે કે તેઓ હિન્દુ છે. આ દેશમાં વસનાર દરેક નાગરિકનું ડીએનએ હિન્દુ જ છે. આ હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે સંઘે દરેક ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યો છે.
સંઘનું કાર્ય અહીંના સમાજને સ્વયંને રાષ્ટ્રીયતાથી અવગત કરાવવાનું છે. મહર્ષિ અરવિંદે એક ભાષણમાં કહ્યું હતું કે, આ દેશની રાષ્ટ્રીયતા સનાતન ધર્મ છે. હિન્દુત્વ છે, વૈદિક છે, આર્ય છે. વૈભવ સાથે અધ્યાત્મ એ આપણી રાષ્ટ્રીયતા છે. ભારત એ કોઈ એક દેશ નથી તે તો અનેક સંસ્કૃતિઓના સમૂહ હોવાની જે વાતો ફેલાવાઈ રહી છે તે સદંતર જૂઠાણું છે. જેએનયૂમાં સેમિનાર થાય છે કે, રાષ્ટ્રવાદની વાતોને કારણે જ દેશમાં અસહિષ્ણુતા વધી છે. એક ભૂમિ પર રહેનારા આપણે તમામ એક છીએની વાતોથી અસહિષ્ણુતા કેવી રીતે વધવાની ? જે વાત શાસ્ત્રોમાં કહેવામાં આવી છે તે જ વાત સંઘ કરે છે. દેશમાં જ્યારે ભાષાના નામે, પ્રાંતના નામે, નોકરીઓનાં નામે પાણીના નામે સંઘર્ષ થાય છે ત્યારે સંઘ કહે છે કે, ના આપણે તમામ એક જ છીએ. ભારતથી પણ આગળ વધી વસુધૈવ કુટુંબમકમ્ની ભાવનાવાળો આ દેશ છે.
સંઘ દેશભક્તિ જગવવાનું કામ કરે છે અને આ દેશભક્તિ એટલે માત્ર ફાંસીના માંચડે ચડી જવું જ નહીં. સ્વચ્છતા, પ્રામાણિકતા, સ્વાનુશાસન માટે ખપી જવું એ પણ દેશભક્તિ છે અને આ જ સંસ્કારોનું નિર્માણ કરવાનું કામ રા. સ્વ. સંઘ કરી રહ્યો છે.
 

 
 
સંઘ શિક્ષા વર્ગો થકી ભારતીય મૂલ્યોનું પુન: સ્થાપન થઈ રહ્યું છે : કમલેશભાઈ ઉદાની
 
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા જે.બી. કેમિકલ એન્ડ ફાર્મા લિ.ના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી કમલેશભાઈ ઉદાની શિક્ષાર્થીઓનાં સ્વઅનુશાસન અને વિવિધ કરતબો - પ્રયોગો જોઈ અભિભૂત થઈ ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સંઘશિક્ષા વર્ગના સમાપન સમારોહમાં આવવું એ મારા માટે ગૌરવની વાત છે. વર્તમાન સમયમાં આપણાં પારંપરિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે ત્યારે સંઘ શિક્ષાવર્ગમાં કેવી રીતે રાષ્ટ્રભાવના અને પારંપરિક મૂલ્યોના સંવર્ધનનું કામ થઈ રહ્યું છે એ જોઈ-જાણી ગર્વ અનુભવું છું. આજે ભારતમાં એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, એક સામાન્ય વ્યક્તિ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી જેવાં ગરિમાયુક્ત પદોને સાંભાળી રહ્યા છે અને આ પદ સુધી પહોંચવા માટે તેમની કર્તવ્યનિષ્ઠા, સમાજ અને રાષ્ટ્રપ્રેમની મહત્ત્વની ભૂમિકા છે. અહીં હમણા મેં સંસ્કૃતમાં પ્રાર્થના સાંભળી ને મને વિદેશનો એક પ્રસંગ યાદ આવી ગયો. ગ્રામોફોનની પ્રથમ રેકોર્ડિંગ પણ ઋગ્વેદના સંસ્કૃત મંત્રમાં જ થઈ હતી. વિદેશોમાં સંસ્કૃત ભાષાનું આટલું સન્માન હોય એ આપણી સંસ્કૃતિ માટે ગૌરવજનક છે. અહીં જે શારીરિક કરતબો પ્રદર્શિત થયાં તે પણ એક સમયે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જ ભાગ હતા એ જાણી ગૌરવ થાય છે.
 
આપણે આપણી જે અસલી મૂડીને વીસરી ગયા છીએ તેને પુન:જીવિત કરવાનો આ સંકેત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે તે કાર્ય આગામી દસ-પંદર વર્ષમાં ભારતને પ્રગતિના નવા શિખરે પહોંચાડી દેશે તે નક્કી છે.