વૈરાગ્ય

    ૦૫-જૂન-૨૦૧૮

 
 
રાજકુમારીનો સ્વયંવર હતો. દેશ-પરદેશથી અનેક રાજકુમારો તેને પરણવાના કોડ સાથે ઉપસ્થિત હતા. રાજકુમારી વરમાળા લઈને જે રાજકુમાર પાસેથી પસાર થાય ત્યારે ખાસ હજૂરિયાઓએ યુવરાજનાં વખાણ કરી, રાજકુમારીને લોભાવવાનો પ્રયત્ન કરતા હતા. અચાનક એક યુવા તેજસ્વી સંન્યાસી કુતૂહલવશ આ સમારંભ-સ્થાને આવ્યો. તેના તેજથી પ્રભાવિત થઈ રાજકુમારીએ વરમાળા તેને પહેરાવી કે સંન્યાસી ત્યાંથી ભાગવા પ્રયત્ન કરવા લાગ્યો. રાજાએ તેને પોતાનું અડધું રાજ્ય આપવાનું વચન આપ્યું પણ સંન્યાસી મૂઠી વાળી ત્યાંથી ભાગ્યો. મનથી તેને વરેલી રાજકુમારી તેની પાછળ દોડી. રાજા-રાણી પણ દીકરીની પાછળ ભાગ્યાં.
રાત વેળા સંન્યાસી સહિત સૌ એક ઝાડ નીચે થોભ્યાં. રાજા સંન્યાસીને વિવાહ માટે સમજાવતા હતા. રાતના ઠંડી વધતાં રાણીએ તાપણું સળગાવ્યું.
જે ઝાડ નીચે સંન્યાસી તથા રાજપરિવારે વિસામો લીધો હતો. તેના પર ચકો-ચકી ને તેનાં બચ્ચાં માળામાં હતાં. ચકાએ ચકીને કીધું આપણે આંગણે મહેમાન પધાર્યા છે. તેને ભોજન કરાવવું આપણી ફરજ છે, તેમ કહી ચકાએ તો તાપણામાં છલાંગ લગાવી. ખાનારા ચાર હોય. એક ચકાથી એમનું પેટ થોડું ભરાય ? - આમ વિચારી ચકી પણ પાછળ અગ્નિમાં કૂદી પડી. વડીલોએ જે ઉદાત્ત માર્ગ કંડાર્યો તેનું અનુસરણ એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ માની બચ્ચા પણ અગ્નિમાં કૂદી પડ્યાં.
સૌ અવાક હતા. ગૃહસ્થધર્મ એ ચકા-ચકીનું આત્મસમર્પણ માંગે ને સંન્યાસ પેલા સાધુના જેવું, કામિની અને કાંચન પ્રત્યે વૈરાગ્ય !! આવી સ્થિતિમાં બન્ને વંદનીય.