વિશ્વ પર્યાવરણ દિવસ : ઇકો-ફ્રેન્ડલી... ઇકો ફ્રેન્ડલી.. ઇકો ફ્રેન્ડલી…આપણે થોડા તો જાગૃત થયા છીએ!

    ૦૫-જૂન-૨૦૧૮

છેલ્લા દોઢ દાયકાની વાત કરીએ તો લોકો હવે પર્યાવરણને સમજતા તો થયા જ છે. થોડી બહુ જાગૃતિ પર આવી છે. કારણ કે જે રીતે પર્યાવરણ બચાવોની વાત આ સમય દરમિયાન લોકો સમક્ષ મૂકવામાં આવી તેની અસર થઇ છે. લોકોના મગજમાં ઇકોફ્રેન્ડલી શબ્દ પ્રવેસી તો ગયો જ છે. આવો થોડી ચર્ચા કરીએ…
 

 
 
પહેલા એક આંદોલનની વાત….
 
પહેલી વાત, ઉત્તરાખંડ રાજ્યની એક અદ્ભુત ઇકો-ફ્રેન્ડલી આંદોલનની. તે સમયે ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશનો એક ભાગ હતો. વાત છે અહીંની હિમાલયની પર્વતમાળામાં વસેલા ગઢવાલની. 1962ના ચીની આક્રમણ પછી સરહદોની રક્ષા કરવા સફાળી જાગેલી સરકારે અહીં માર્ગ બનાવવા આડેધડ જંગલો કાપવાનું શરૂકરી દીધું. આ જોઈ સ્થાનિક લોકોએ ઝાડ કપાતા રોકવા વિરોધ કર્યો. પણ સરકાર એટલી સરળતાથી માની જાય તો તે સરકાર શાની? લોકોનાં વિરોધને કાને ન ધરતાં ઝાડ કપાતાં રહ્યાં. વળી ઝાડ તો કાપવાં જ પડે કારણ કે ઝાડ કાપવાનો કોન્ટ્રાક્ટ મોટી મોટી કંપનીઓને આપી સરકારે બહુ મોટો નફો કમાઈ લીધો હતો. આ કંપનીઓએ રૂપિયાની નોટોથી સરકારના કાન બંધ કરી દીધા હતા, પછી સ્થાનિક લોકોનો વિરોધ ક્યાંથી સંભળાય? અંતે સ્થાનિક મહિલાઓ રણચંડી બની, સરકાર વિરુદ્ધ સત્યાગ્રહ કર્યો. ઝાડ કાપનાર જ્યારે પણ ઝાડ કાપવા જતા ગામની મહિલાઓ ઝાડને બથ ભરીને ચોટી જતી. રાત-રાત સુધી આ મહિલાઓ ઝાડને ચોંટીને ઊભી રહેતી અંતે ઝાડ કાપનારા થાકીને પાછા જતા રહેતા. પછી તો ‘પેડોં પર હથિયાર ઉઠેંગે, હમ ભી ઉન કે સાથ મરેંગે’, ‘લાઠી-ગોલી ખાયેંગે, પેડ કો બચાયેંગે’, ‘પહેલે હમેં કાટો ફિર જંગલ કો’ના નારાઓ સાથે આંદોલન ફેલાતું ગયું. આ આંદોલન એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પછી બીજા રાજ્યમાં પહોંચી ગયું. સમગ્ર દેશમાં, દુનિયામાં તેની ચર્ચા થવા લાગી. આ ઇકો-ફ્રેન્ડલી આંદોલન એટલે ‘ચિપકો આંદોલન’, જેને આજે સૌ કોઈ ભૂલી ગયા છે.
 
***
 
અન્ય દેશો કરતા આપણે સૌથી ઇકોફ્રેન્ડલી…
 
બીજી વાત. નેશનલ જ્યોગ્રાફ્કિ સોસાયટી એન્ડ ઇન્ટરનેશનલ પોલિંગ ફર્મ ગ્લોબસ્કેન દ્વારા થયેલ ઇકો ફ્રેન્ડલી સર્વેની. ગ્રાહકોના વર્તન અને પર્યાવરણીય અસરને ધ્યાનમાં રાખીને વિશ્ર્વના 17 દેશોના 17000 ગ્રાહકો પર પ્રયોગ કરીને કરાયેલા આ સર્વેમાં ભારતીય ગ્રાહકોને વિશ્ર્વભરમાં સૌથી શ્રેષ્ઠ ‘ઇકો-ફ્રેન્ડલી’ જાહેર કરવામાં આવ્યા છે.
આ સર્વેમાં પર્યાવરણ પર અસર કરતા ગ્રાહકોના વર્તનને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. ગ્રાહકોના આ વર્તનમાં પરિવહન પદ્ધતિ, ઘરેલુ ઊર્જા, તેના સ્રોતોનો ઉપયોગ અને રોજબરોજની વપરાશની વસ્તુઓ સહિતની બાબતોને ધ્યાનમાં લેવાઈ હતી. સર્વેે કહે છે કે છેલ્લાં બે વર્ષથી ભારતીય ગ્રાહકોએ પર્યાવરણીય મિત્રતા વર્તનમાં સુધારો કર્યો છે.
સર્વેમાં અપાયેલા ગ્રીન ઇન્ડેક્ષમાં ભારત 62.6 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. જ્યારે 58 પોઇન્ટ સાથે બ્રાઝિલ બીજા અને 57.3 પોઇન્ટ સાથે ચીન ત્રીજા ક્રમે છે. આ સર્વેમાં 45 પોઇન્ટ સાથે જગત જમાદાર, જગત સલાહકાર અમેરિકા સૌથી છેલ્લા સ્થાને છે.
 
***
 

 
 
ઈકો ફ્રેન્ડલી કેમ્પેઈન
 
ઇકો-ફ્રેન્ડલીનું એક આખું કેમ્પેઈન ભારતમાં ચાલ્યું છે. પરિણામે ઇકો-ફ્રેન્ડલી વસ્તુ આજે ભારતના બજારોમાં ઝડપથી ખપી જાય છે. ગ્રાહકો ઇકો-ફ્રેન્ડલી બન્યા છે. ઇકો-ફ્રેન્ડલી વસ્તુ વાપરતાં હવે તેમને ગર્વ થાય છે. એટલે એક આખો વ્યાપાર, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ, ઔદ્યોગિક જગત ઇકો-ફ્રેન્ડલી તરફ વળ્યા છે.
 
આઈએસઆઈના માર્કા કરતાં આજે ‘ઇકોમાર્ક’નો માર્ક ગ્રાહકોને વધુ લોભાવે છે. પરિણામે આજે સાબુ, શેમ્પુ, હેરઓઈલ, મેચબોક્સ, ડિટરજન્ટસ પાઉડર, કોસ્મેટિક્સ, ગાર્મેન્ટસ જેવી અનેક ચીજવસ્તુઓ ઇકો-ફ્રેન્ડલીના લેબલ સાથે ભારતીય બજારમાં આવી ગઈ છે. ભારતની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ પણ ઇકો-ફ્રેન્ડલી, ગ્રીન કંપની બની રહી છે.
 
ટાટા બીપી, સોલર, સુજલોન એનર્જી, રીલાયન્સ, પીએનબી, એલજી ઇલેક્ટ્રોનિક્સ, ટાટા મોટર્સ, ડેલ્ટા, હીરો હોન્ડા મોટર્સ, કેરિયર એરકંડિશનર એન્ડ રેફિજરેટર્સ અને આવી તો અનેક કંપ્નીઓ આજે પોતાને ઇકો ફ્રેન્ડલી સ્થાપિત કરી ચૂકી છે. મહત્ત્વની વાત એ છે કે આ કંપ્નીઓ માત્ર પોતાને ઇકો-ફ્રેન્ડલી કહેવડાવવા પૂરતી જ નહિ પણ ગ્રીન કંપ્ની જેવાં કામ પણ કરે છે. પ્રદૂષણ ન ફેલાય તેવા પદાર્થોનો ઉપયોગ કરે છે. ઇકો-ફ્રેન્ડલી બનવાના તમામ પ્રયત્નો કરે છે, આ ઇકો-ફ્રેન્ડલીનું પરિવર્તન ભારતના માર્કેટમાં ખૂબ જ ઝડપથી આવી રહ્યું છે. આજે ભારતની મહત્ત્વની 20 ગ્રીન કંપ્નીઓમાંથી 13 ખાનગી કંપનીઓ છે. બીટી-એસી નીલ્સન ઓઆરજીના સર્વે અનુસાર ભારતની ઓએનજીસી નંબર વન ઇકો-ફ્રેન્ડલી કંપની છે, જ્યારે રીલાયન્સ ઇન્ડસ્ટ્રી બીજા નંબરે આવે છે. ઇકો-ફ્રેન્ડલી થવા માટે આ કંપ્નીઓ છેલ્લા કેટલાક સમયથી પોતાની કાર્યપદ્ધતિમાં વ્યવહારિક બદલાવ પણ લાવી છે. આ ગ્રીન કંપ્નીઓ કંપ્નીમાં વપરાતા અને વાતાવરણને પ્રદૂષિત કરતાં બળતણની જગ્યાએ કુદરતી ગેસનો ઉપયોગ કરતી થઈ છે. આ ગ્રીન કંપ્નીઓ બાયોડિગ્રેડેબલ વેસ્ટને રિસાઈકલ કરે છે, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે છે, પેકેજિંગ મટીરિયલને રિસાઈકલ કરે છે. સૂર્ય ઊર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરે છે. ઘણી કંપ્નીઓ પોતાના પ્લાન્ટમાં હરિયાળીને વધુ મહત્ત્વ આપતી થઈ છે. કંપ્નીઓ પોતાની આજુબાજુનું વાતાવરણ સ્વસ્થ રહે તે માટે કાળજી રાખે છે.
 
પ્રદૂષણરહિત કોલસાનો ઉપયોગ
 
ઊર્જા મેળવવા ઉદ્યોગ જગત હવે સૂર્ય ઊર્જા, પવન ઊર્જા તરફ વળ્યું છે, ત્યારે પ્રદૂષણરહિત કોલસાનો ઉપયોગ પણ હવે થવા લાગ્યો છે. કોલસાના ઉપયોગ દરમિયાન પ્રદૂષણ ન ફેલાવે તેવા ‘ઇ-કોલ’ અને ઇકો ક્લીન કોલનો વિકલ્પ હવે કંપનીઓ અપનાવવા જઈ રહી છે. ઇકો ટોંરિફૈક્ટિયો અને ઇકો ડેંસિફિકેશન વિધિથી આ ‘ઇકો ક્લીન કોલ બનાવાય છે. ન્યૂ અર્થ રીન્યૂએબલ એનર્જી ઇન્કે બાયો માસ બળતણની શોધ કરી આ ઇકો ક્લીન કોલસો બનાવ્યો છે; જે ધુમાડો પેદા કર્યા વિના સળગી શકે છે. જોકે હાલ આ ઇ-કોલનો ઉપયોગ ઇંગ્લન્ડમાં જ થાય છે.
 

 
 
ઇકો ફ્રેન્ડલી ગેઝેટ્સ
 
વિશ્ર્વના એન્જિનિયરો, વૈજ્ઞાનિકો પણ પર્યાવરણ-મિત્ર સાધનોનું નિર્માણ કરવામાં લાગી ગયા છે. ઇકો-ફ્રેન્ડલી હોય અથવા તેનો ઉપયોગ કરવાથી પર્યાવરણને અન્ય કરતા ઓછું નુકસાન થાય તેવાં ગેઝેટ્સ સાધનો શોધવા લાગ્યા છે. ઇકો-ફ્રેન્ડલી મીડિયા પ્લેયર, ઇકો-ફ્રેન્ડલી પ્રિંટર, આઇપોર્ડ જેવાં ગેઝેટ્સ બજારમાં આવી ગયા છે.
 
ગ્રીન મોબાઈલ
 
હવે ઘણી દેશી-વિદેશી કંપ્નીઓએ ઇકો-ફ્રેન્ડલી બનવા ગ્રીન (હરિયાળો) મોબાઈલ બજારમાં ઉતારી દીધો છે. મોટોરોલા, સૈમસંગ, એલજી, સોની, એરીક્સન જેવી કંપ્નીઓ સૂર્ય ઊર્જાથી ચાલતા મોબાઈલ બજારમાં લઈને આવી છે. ઘણા મોબાઈલમાં તો આ કંપ્નીઓએ એવાં સ્પીડોમીટર પણ લગાવ્યાં છે કે જે તેમને એવી જાણકારી આપે છે કે જો તમે ક્યાંથી ક્યાં સુધી કારને બદલે પગપાળા જાત તો કેટલું કાર્બન ડાઈઑક્સાઇડનું ઉત્સર્જન રોકી શક્યા હોત. આ સુવિધાનું નામ ‘ઇકોવાક’ છે. એલજી કંપ્નીનો તો એક એવો મોબાઈલ છે જેને દસ મિનિટ સૂર્યનાં કિરણો નીચે મૂકો તો તે ચાર્જ થઈ જાય. આવા મોબાઈલ કુદરતી ઊર્જા ચાર્જ થઈ શકે છે.
 
ઇકો-ફ્રેન્ડલી વાહનો
 
કાર કંપ્નીઓએ પણ પર્યાવરણ સંબંધી ચિંતાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની શ‚આત કરી દીધી છે. જનરલ મોટર્સ, ફોર્ડ અને ડાયમલર, ક્રાયસલર જેવી કંપ્નીઓએ ભવિષ્યમાં ફ્યુઅલ એફિશિયન્ટ અને પર્યાવરણ અનુકૂળ કારો બનાવાનો ઇરાદો જાહેર કર્યો જ છે. બાયોફ્યૂલ અને હાઇડ્રોજનથી ચાલતાં એન્જિનો પણ કારમાં લગાવવામાં આવી રહ્યાં છે. ટૂ વ્હીલર કંપ્નીઓ પણ ઇકો-ફ્રેન્ડલી બનવા આ જ માર્ગે છે. આ ટૂ વ્હીલર કંપ્નીઓએ તો બટરીથી ચાલતી બાઇક્સ, ઈ બાઇક્સ, સોલર બાઇક્સ, ગેસથી ચાલતી બાઇક્સ બજારમાં ઉતારી પણ દીધી છે.
 
ગ્રીન બિલ્ડિંગ (હરિયાળા ભવન)
 
ગ્રીન બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ઇકો-ફ્રેન્ડલી હોય છે. બિલ્ડિંગથી લઈને તેની ગટર વ્યવસ્થા સુધી તેને પર્યાવરણ અનુકૂળ આવે છે. બિલ્ડિંગ તૈયાર કરવા માટે ફ્લાય અશ, એલ્યુમિનિયમ, સ્ટીલ, જિપ્સમ, એમવીએફ વોર્ડ જેવા પદાર્થોનો ઉપયોગ થાય છે કે જેથી તેનો ફરી ઉપયોગ કરી શકાય. ગ્રીન બિલ્ડિંગ બનાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે દિવસ દરમિયાન બિલ્ડિંગના કોઈ પણ ખૂણે લાઇટ ચાલુ રાખવાની જ‚ર ન પડે. સૂર્ય ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બિલ્ડિંગમાં એ બાબત પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય, શક્ય રીતે ભૂગર્ભમાં ઊતારાય. ગુજરાત સરકારે હરિયાળા ભવનનો વિચાર આવકાર્યો છે.
 

 
 
ગ્રીન ક્લોથિંગ............................................................................................................
 
પર્યાવરણપ્રેમી કપડાં
 
કાપડ ઉદ્યોગે ઇકો-ફ્રેન્ડલી કપડાને નામ આપ્યું છે ગ્રીન ક્લોથિંગ. જીન્સ, કોટન જીન્સ, સિલ્ક અને જ્યુટ (શણ)ના કાપડની યુરોપ્ના બજારમાં ધૂમ માગ નીકળી છે. શણના કોથળાથી દૂર ભાગતા અમીર લોકો હવે હોંશે હોંશે શણનાં ફેશનેબલ જાકીટ, બ્લાઉઝ, સ્કર્ટ, શર્ટ પહેરતા થયા છે. આ બધાની વચ્ચે દેશી-વિદેશી ડિઝાઇનરો પણ આ ગ્રીન ક્લોથિંગનો ખૂબ પ્રચાર કરી રહ્યા છે.
 
ગ્રીન ઊર્જા
 
પર્યાવરણ બચાવવા સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા પરિણામદાયી વિકલ્પ ગણાવી શકાય. સૂર્ય ઊર્જાનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં કરી જ રહ્યા છીએ. સૂર્યકૂકર અને વૉટર હિટર ભારતના બજારમાં અદ્ભુત ટેક્નોલોજી સાથે આવી ગયાં છે. આ ઉપરાંત પવન ઊર્જા પણ પર્યાવરણને બચાવવા કારગત સાબિત થઈ શકે તેમ છે. ગુજરાતે પવન ઊર્જા પેદા કરવામાં પહેલ કરી જ છે. દેશનાં અનેક રાજ્યો અને દુનિયા ગ્રીન ઊર્જાનોે ઉપયોગ કરવા આગળ વધી રહ્યાં છે.
આ ઉપરાંત ઇન્ટરનેટ પણ ગ્રીન થતું જાય છે. ગ્રીન વેબસાઇટ્સ, ગ્રીન બ્લોગ્સ, ગ્રીન ઇ-મેઈલ થકી પર્યાવરણની રક્ષાના સંદેશા અસંખ્ય લોકો સુધી પહોંચી રહ્યા છે. આ વેબસાઇટ્સમાં પર્યાવરણને બચાવવાના અનેક નુસખાઓની સાથે પર્યાવરણ બચાવવા થતી રાષ્ટ્રીય આંતર્રાષ્ટ્રીય ચર્ચાઓને પણ મૂકવામાં આવે છે. ઇકો-ફ્રેન્ડલીના નામે ગ્રીન જોબ્સનો કોન્સેપ્ટ પણ બહાર આવ્યો છે. વેસ્ટ રિસાઇક્લિંગ, વૉટર સિક્યુરિટી, એગ્રિકલ્ચર (કૃષિ) અનેક ગ્રીન જોબ્સ (નોકરી)ની તકો ઊભી થઈ છે કેલિફોર્નિયામાં હમણાં જ એક જોબ ફેર (નોકરીનો મેળો) યોજાયો જેનું નામ હતું ‘ડ્રીમ ગ્રીન જોબ’.ઇકો-ફ્રેન્ડલી... ઇકો ફ્રેન્ડલી.. ઇકો ફ્રેન્ડલી
 
ઇકો-ફ્રેન્ડલીનું બજાર ભારત સહિત વિશ્ર્વના ખૂણે ખૂણે પહોંચી ગયું છે. પર્યાવરણ પ્રત્યે લોકો જાગ્રત થયા છે. પણ પર્યાવરણ બચાવવાના આવા નુસખા માત્ર વિકાસશીલ દેશોમાં જ વધુ જોવા મળે છે.
 
ઉપરના સર્વેની જ વાત કરીએ તો ભારત, ચીન, બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશ પર્યાવરણપ્રેમમાં (ઇકો ફ્રેન્ડલી) નંબર વન છે. જ્યારે અમેરિકા, બ્રિટન જેવા વિકસિત દેશોના લોકો ઓછા પર્યાવરણપ્રેમી છે. જે દેશો વિશ્ર્વને સૌથી વધુ પ્રદૂષિત કરે છે ત્યાંના લોકો પર્યાવરણની ચિંતા તો કરે છે પણ પર્યાવરણને પ્રદૂષિત કરતા રોકવાની કોઈ કાર્યવાહી કરતા નથી. કાર્યવાહી કરે છે તો માત્ર ભારત જેવા વિકાસશીલ દેશના લોકો જ. ગ્લોબલ વોર્મિંગની પણ આ જ સમસ્યા છે.
 
ભારત પ્રદૂષણ ઘટાડવા કાર્બન ઉર્ત્સજનમાં કાપ મૂકવા તૈયાર છે પણ અમેરિકા જેવા વિકસિત દેશો આગળ આવતા નથી. એટલે સલાહ બધાને આપવાની પણ તેનું અનુકરણ પોતે કરવાનું નહિ. ટૂંકમાં ઇકો-ફ્રેન્ડલી... ઇકો-ફ્રેન્ડલી, ઇકો-ફ્રેન્ડલીની હવા હવે ચારે તરફ ફેલાઈ ચૂકી છે. લોકો હવે પર્યાવરણપ્રેમી બનવામાં ગર્વ અનુભવતા થયા છે.
 
હવે એવા દિવસો આવી રહ્યા છે જેમાં વપરાશકારો ઇકો-ફ્રેન્ડલી ચીજવસ્તુ ખરીદવાનો જ આગ્રહ રાખશે