ભીષ્મ પિતામહની આ વાત આજે પણ એટલી જ પ્રાસંગિક છે.

    ૦૫-જૂન-૨૦૧૮

 
 
સત્યનું મુખ સોનાના આવરણથી બંધ થાય છે!!
 
મહાભારતનો જાણીતો પ્રસંગ છે. ભીષ્મ પિતામહ બાણશય્યા પર પોઢ્યા છે. એમને ઇચ્છા મૃત્યુનું વરદાન છે, સૂર્ય ઉત્તર તરફ ગમન કરે - ઉત્તરાયણ થાય તે પછી જ દેહ છોડવાનો સંકલ્પ છે. શ્રીકૃષ્ણે પાંડવોને કહ્યું કે શુદ્ધ રાજનીતિના પાઠ ભણવાનો આ અવસર છે. પિતામહને વિનંતી કરો.
પાંડવો અને દ્રૌપદી ભીષ્મ પાસે ગયાં. કહે છે કે ભીષ્મના કહેવાથી અર્જુને બાણ મારીને જમીનમાંથી પાણીનો ફુવારો કાઢી તેમને જળ પાયું. પછી યુધિષ્ઠિરે ઉપદેશની વિનંતી કરી. પિતામહ રાજનીતિનો બોધ આપવા લાગ્યા, સારા-ખોટાનો ભેદ સમજાવવા લાગ્યા. દ્રૌપદી હસી પડી. ધર્મરાજ નારાજ થયા. પણ પિતામહે કહ્યું કે દ્રૌપદી શાણી છે, અકારણ ન હસે. તેમણે તેને કારણ પૂછ્યું. દ્રૌપદી બોલી : ‘ક્ષમા કરજો પિતામહ, પણ મને વિચાર આવ્યો કે ભરી સભામાં મારાં વસ્ત્ર ખેંચાતાં હતાં ત્યારે આપ્ની આ સુબુદ્ધિ ક્યાં હતી?’
પિતામહે કહ્યું : ‘પુત્રી, મારા પેટમાં તેમનું અન્ન હતું. સાદી ગુજરાતીમાં તેમનું લૂણ ખાધું હતું. તેથી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. આજે લોહી વહી જતાં શુદ્ધ થઈ છે.’
ભીષ્મના શબ્દો હતા,सुवर्णमयेन पात्रेण सत्यस्य विहितं मुखम्
એટલે કે સત્યનું મુખ સોનાના આવરણથી બંધ થાય છે. આ સોનાનું આવરણ એટલે અનૈતિક રીતે પ્રાપ્ત કરેલી ધન-સંપત્તિ. કાળું નાણું કાળાં કામ કરાવે છે. ભીષ્મ પિતામહની વાત આજે પણ એટલી જ પ્રાસંગિક છે.