હોંગ કોંગના લોકો ચીન સામે કેમ ભડક્યા છે ?

    ૧૩-જુલાઇ-૨૦૧૮

 
હોંગ કોંગા લોકો ચીન સામે પડી તેની સામ્યવાદી અને અન્યાયી નીતિઓને પડકારી રહ્યા છે. ચીન વિરુદ્ધ હોંગ કોંગના લોકો શું કામ રસ્તા પર ઊતરી આવ્યા છે. કેમ તેઓ ચીનના આધિપત્યમાં રહેવા માંગતા નથી? જાણીએ આ વિશેષ છણાવટમાં...
ચીનની સામ્રાજ્યવાદી નીતિઓ સામે દુનિયાભરમાં આક્રોશ વધી રહ્યો છે ત્યારે તેના તાબા હેઠળના હોંગ કોંગમાં તો રીતસરના બળવાની જ સ્થિતિ થઈ ગઈ છે. ચીન સામે આમ તો લાંબા સમયથી હોંગ કોંગના લોકોમાં આક્રોશ હતો જ પણ એ બહાર નહોતો આવતો. ૨૦૧૬માં મોંગ કોક નામના વિસ્તારમાં હોંગ કોંગની પોલીસે ફેરિયાઓને ફટકાર્યા એ સાથે જ ભડકો થઈ ગયો. મોંગ કોક હોંગ કોંગનું સૌથી મોટું બજાર છે. આ બજારમાં નીચે ખાણી-પીણીની દુકાન છે જ્યારે ઉપર કોમર્શિયલ ઓફિસો છે. પોલીસના અત્યાચાર સામે લોકોએ પણ પ્રતિકાર કર્યો તેમાં હોંગ કોંગ ભડકે બળ્યું.
 
આ ઘટનાએ હોંગ કોંગના લોકોમાં રહેલા આક્રોશને બહાર લાવી દીધો અને હોંગ કોંગનું મીડિયા જેને ફિશબોલ રીવોલ્યુશન કહે છે તેવી ચળવળની શ‚આત થઈ. ફિશબોલ હોંગ કોંગનું અત્યંત જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આ ઘટનાને ચીને રાયોટ એટલે કે રમખાણ જાહેર કરી. હોંગ કોંગના કાયદા પ્રમાણે રમખાણો ભડકાવવા માટે આકરી સજા છે. ચીન સામેના વિરોધની આગેવાની લેનારા હોંગ કોંગના યુવા નેતાઓ સામે કેસ ઠોકી દીધા તેથી લોકો વધારે ભડક્યા. આ આક્રોશને દબાવવા ચીનની સરકાર દમન કરતી હતી તેથી લોકોનો આક્રોશ વધતો જતો હતો. દરમિયાનમાં ગયા મહિને ત્રણ યુવા નેતાઓને રમખાણો માટે છ-છ વર્ષની સજા થઈ તેથી લોકો રસ્તા પર આવી ગયા. આ યુવા નેતાઓ માંડ ૨૭-૨૮ વર્ષના છે.
 

 
 
હોંગ કોંગ પર ચીનનું આધિપત્ય
 
જો કે ફિશબોલ રીવોલ્યુશન તો હોંગ કોંગનાં લોકોના આક્રોશને બહાર લાવવામાં નિમિત્ત બન્યું પણ મૂળ કારણ ચીનની દાદાગીરી છે ને એ સમજવા હોંગ કોંગનો ઈતિહાસ સમજવો જરૂરી છે. હોંગ કોંગ એક શહેર છે ને તેની વસતી ૭૫ લાખની આસપાસ છે. હોંગ કોંગનો ઈતિહાસ બહુ જૂનો છે ને હોંગ કોંગ પહેલાં સ્વતંત્ર હતું. ઈસવી સનની ત્રીજી સદીમાં ચીનના ક્વિન વંશે હોંગ કોંગ જીત્યું પછી સદીઓ સુધી હોંગ કોંગ પર ચીનનું આધિપત્ય રહ્યું. શાસન કરનારા વંશો બદલાતા રહ્યા પણ હોંગ કોંગ ચીની સામ્રાજ્યનો હિસ્સો રહ્યું. છેક ઓગણીસમી સદી સુધી આ સ્થિતિ હતી. ઈસવી સન ૧૮૩૯માં અફીણ પર ટેક્સ લાદવાના મામલે બ્રિટિશ લશ્કર અને ક્વિંગ વંશના ડાઉગુઆંગ વચ્ચે આંટી પડી. બંનેના સંબંધો વણસ્યા અને બ્રિટન તથા ચીન વચ્ચે પહેલું અફીણ યુદ્ધ (ફર્સ્ટ ઓપિયમ વોર) થયું. ચીનનો શાસક ક્વિંગ બ્રિટિશ લશ્કર સામે ના ટકી શક્યો ને તેણે ૧૮૪૨માં શરણાગતિ સ્વીકારી. એ વખતે તેણે હોંગ કોંગ બ્રિટનને આપી દીધેલું.
 
બીજા વિશ્ર્વયુદ્ધ વખતે ૧૯૪૧માં ચાર વર્ષ માટે જાપાનનો કબજો હોંગકોંગ પર રહ્યો. બ્રિટને ૩૦ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ ફરી હોંગ કોંગ પર કબજો કર્યો અને છેક ૧૯૯૭ સુધી હોંગ કોંગ બ્રિટનના તાબા હેઠળ હતું. બ્રિટને હોંગ કોંગને એક સમૃદ્ધ શહેર બનાવ્યું. હોંગ કોંગમાં ઉદ્યોગો અને નાણાંકીય પ્રવૃત્તિઓ વિકસાવીને તેમણે એવો વિકાસ કરાવ્યો કે કોઈએ તેની કલ્પના પણ નહોતી કરી. ૧૯૭૯માં ચીને હોંગ કોંગ પોતાનો પ્રદેશ હોવાથી તે પોતાને સોંપવા દાવો કર્યો. બ્રિટન અને ચીન વચ્ચે મંત્રણાઓ શ‚ થઈ. છેવટે ૧૯૮૪માં બ્રિટન ૧૫ વર્ષ પછી એટલે કે ૧૯૯૭માં હોંગ કોંગ છોડી જવા માટે સંમત થયું. બ્રિટન અને ચીન વચ્ચે કરાર થયો ને આ કરાર હેઠળ ૧૯૯૭માં હોંગ કોંગ બ્રિટનના તાબા હેઠળથી ચીનના તાબા હેઠળ આવી ગયું.
 

 
 
 
હોંગ કોંગ પર ચીન અનેક નિયંત્રણો લાદી રહ્યું છે
 
બ્રિટિશ શાસનના કારણે હોંગ કોંગમાં ભવ્ય ઈમારતો બની અને આજે દુનિયામાં સૌથી વધારે ગગનચુંબી ઈમારતો એટલે કે સ્કાયસ્ક્રેપર્સ હોંગ કોંગમાં છે. વિક્ટોરિયા હાર્બર હોંગ કોંગનું સૌથી લોકપ્રિય આકર્ષણ છે પણ અહીંની તોતિંગ ઈમારતોનો પણ ભારે દબદબો છે. હોંગ કોંગનો કુલ વિસ્તાર માત્ર ૧૧૦૪ ચોરસ કિલોમીટર છે અને તેની વસતી ૭૫ લાખ છે પણ વિશ્ર્વનાં સૌથી સમૃદ્ધ શહેરોમાં તે એક છે. હોંગ કોંગમાં માથાદીઠ આવક ૪૮ હજાર પ્રતિ ડૉલર છે. મતલબ કે દરેક વ્યક્તિ મહિને ત્રણ લાખ રૂપિયા સરેરાશ કમાય છે. હોંગ કોંગ સમૃદ્ધ છે છતાં ત્યાં જીવન શાંત છે અને પ્રદૂષણમુક્ત છે કેમ કે ૯૦ ટકા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે. ધનિકો જ કાર વાપરે છે, બાકી સામાન્ય લોકો તો ટ્રેનમાં જ મુસાફરી કરે છે.
હોંગ કોંગના લોકો શાંતિથી જીવતા હતા પણ ચીનનું શાસન આવ્યું પછી તેમની તકલીફોની શ‚આત થઈ. ચીને હોંગ કોંગને સ્વાયત્ત પ્રદેશ તરીકે માન્યતા આપી છે અને તેનું વહીવટીતંત્ર અલગ છે. હોંગ કોંગનું ચલણ પણ ચીનના સત્તાવાર ચલણ યુઆનથી અલગ હોંગ કોંગ ડોલર છે. આ બધું કરીને બાહ્ય રીતે ચીને એવું સ્થાપિત કર્યું કે, હોંગ કોંગના લોકો પહેલાં જે રીતે જીવતા હતા એ રીતે જ પોતે તેમને જીવવા દેશે. ચીનમાં સામ્યવાદ છે જ્યારે હોંગ કોંગમાં લોકશાહી છે. ચીનમાં લોકો પર અસંખ્ય નિયંત્રણો છે. લોકો પોતાની મરજીથી સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ના કરી શકે તેવી સ્થિતિ છે.
 
ચીન ધીરે ધીરે હોંગ કોંગમાં પણ એ નિયંત્રણો લાદીને લોકોની સ્વતંત્રતા છીનવી રહ્યું છે તેથી લોકોમાં આક્રોશ છે. બીજું કારણ ચીનાઓની હોંગ કોંગમાં ઘૂસણખોરી છે. હોંગ કોંગમાં આખી દુનિયામાંથી આવીને લોકો વસેલા છે ને તેમણે હોંગ કોંગને સધ્ધર બનાવ્યું. ચીનનું શાસન આવ્યું પછી ચીના અહીં વર્ચસ્વ જમાવવા લાગ્યા છે. તેના કારણે માહોલ બગડ્યો છે. ચીનાઓમાં પણ આર્થિક રીતે નીચલા સ્તરના લોકો આવવા માંડ્યા છે તેથી ઝૂંપડપટ્ટીઓ બનવા માંડી છે તેથી લોકોમાં આક્રોશ છે. આ ઝૂંપડટ્ટીઓના કારણે હોંગ કોંગની શાનને ઝાંખપ આવવા માંડી છે ને હોંગ કોંગ તેની ઓળખ ગુમાવી બેસશે એવું લોકોને લાગે છે. આ લોકો અહીં ઠલવાય છે અને મોટા ભાગે સ્ટ્રીટ ફૂડ વેચે છે. તેમના માટે નવી માર્કેટ્સ બાંધવાની માગણી હોંગ કોંગના લોકો કરે છે પણ તંત્ર એ સાંભળતું નથી. તેના કારણે લોકો ભડક્યા છે. બીજું મોટું કારણ પ્રદૂષણ છે. ચીને હોંગ કોંગની પાસેના વિસ્તારોમાં બાંધેલાં મોટાં કારખાનાંના કારણે હોંગ કોંગમાં પ્રદૂષણ ખતરનાક હદે વધ્યું છે. હોંગ કોંગ વિશ્ર્વમાં સૌથી સ્વચ્છ દેશ ગણાતો કેમ કે ૯૦ ટકા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે છે. હવે ચીનનાં કારખાનાંના કારણે બેફામ પ્રદૂષણ થાય છે ને શિયાળાના ચાર મહિના તો કશું દેખાય જ નહીં એવી હાલત થઈ જાય છે. આ બધાં કારણોસર હોંગ કોંગમાં લોકો ચીન સામે પડ્યા છે ને ચીનને હટાવીને પોતાનું શાસન સ્થાપવા માગે છે.
જો કે ચીનનો ઈતિહાસ જોતાં એ આ વિરોધને ગાંઠે એ વાતમાં માલ નથી. ચીન પોતાની લશ્કરી તાકાતથી આવા વિરોધને દબાવી દેવામાં માને છે. ચીને તો લોકશાહીની માગ કરનારા પોતાના વિદ્યાર્થીઓ પર ટેંકો ચલાવીને ટિનાનમેન સ્ક્વેરમાં લોહીની નદીઓ વહાવી હતી તો હોંગ કોંગના લોકો તો બહારના છે. હોંગ કોંગ પાછું નાનકડું શહેર છે તેથી આ વિરોધ પણ બહુ ઉગ્ર ના બની શકે એ જોતાં હોંગ કોંગના લોકોની ઇચ્છા ફળે તેવી શક્યતા ઓછી છે.