રથયાત્રા પર્વની શરૂઆત સાથે જોડાયેલ ધર્મકથા જાણવા જેવી છે

    ૧૪-જુલાઇ-૨૦૧૮

 
 
શ્રી જગન્નાથપુરીની રથયાત્રા
 
રથયાત્રાનું પર્વ ભગવાન શ્રીકૃષ્ણ, જ્યેષ્ઠભાઈ બલરામ તથા બહેન સુભદ્રાના સંદર્ભમાં છે. આ ત્રણે એક સાથે રથમાં આરૂઢ થઈ રથયાત્રા શરૂ કર્યાનો ઉલ્લેખ ધર્મકથાઓમાં છે. ત્રણે ભાઈ-બહેનની આ ભવ્ય રથયાત્રા હજારો વર્ષો વીતવા છતાં અમર છે. આપણા ધર્મગ્રંથો, પુરાણો તથા લોકસાહિત્યમાં આ રથયાત્રાઓનું વર્ણન માણવા મળે છે. રથયાત્રા પર્વની શરૂઆત સાથે જોડાયેલ કેટલીક ધર્મકથાઓ આ પ્રમાણે છે...
 
રથયાત્રા પર્વની શરૂઆત સાથે જોડાયેલ ધર્મકથા
 
શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રા પિયર દ્વારકામાં પધાર્યાં હતાં. પિયરમાં આનંદ-ઉલ્લાસથી દિવસો પસાર થતા હતા. એક રાત્રે ભગવાનશ્રી કૃષ્ણ નિદ્રામાં રાધે-રાધેનું રટણ કરવા લાગ્યા. આ સાંભળી રુક્મિણી તથા અન્ય રાણીઓને આ ઘટનાનું રહસ્ય જાણવાનું મન થયું. સવાર થતાં સૌએ ભગવાનને આ ઘટના જણાવી તથા તેની રહસ્યકથા સંભળાવવા વિનંતી કરી. પણ શ્રીકૃષ્ણએ આ વાતને ટાળી. છતાં રુક્મિણી તથા અન્ય રાણીઓથી રહેવાયું નહી. તેમણે માતા રોહિણીને આ રહસ્યકથા સંભળાવવા વિનંતી કરી. આ રહસ્ય પિયરમાં આવેલ બહેન સુભદ્રા તથા શ્રીકૃષ્ણ અને બલરામ જાણે તે યોગ્ય નથી. તેથી માતા રોહિણીએ સુભદ્રાને અંત:પુરની બહાર ઊભાં રાખ્યાં અને કહ્યું કે કોઈપણ આવે, અરે ! કૃષ્ણ અને બલરામ આવે તો પણ તેમને અંદર આવવા દેશો નહીં. સુભદ્રા પહેરો કરતાં ઊભાં હતાં. માતા રોહિણી ખૂબ જ રસમય રીતે વૃંદાવનની રાસલીલા, રાધા પ્રત્યે શ્રીકૃષ્ણની ભાવકથાઓ સંભાળવતાં હતાં. સુભદ્રા પણ ધ્યાનથી રસપૂર્વક આ કથાઓ સાંભળતાં હતાં. એવામાં શ્રીકૃષ્ણ તથા બલરામ પણ ત્યાં આવી ચઢ્યા. બહેન સુભદ્રાએ તેમને રોક્યા. ત્રણે ભાઈ-બહેન માતા રોહિણી દ્વારા સંભળાવતી શ્રીકૃષ્ણની રાસલીલાની શૃંગારકથા સાંભળવામાં તલ્લીન થઈ જાય છે. તેમનામાં અદ્ભુત પ્રેમરસ જાગે છે. કહેવાય છે પ્રેમરસમાં ત્રણેનાં અંગો તરબોળ થઈ ગયાં હતાં. એ રસમાં તરબોળ થઈને ભગવાનનું સુદર્શન ચક્ર પણ પીગળીને લાંબો આકાર ધારણ કરવા લાગ્યું. આ પ્રેમરસના મહાભાવની દશામાં ત્રણે ભાઈ-બહેન ઓતપ્રોત હતાં. એવામાં અચાનક નારદજી દ્વાર આગળ આવી ચઢ્યા. નારદજીને જોતાં જ તેઓ પૂર્વવત્ સ્થિતિમાં આવી ગયાં. શ્રી નારદજી પણ શ્રીકૃષ્ણ, બલરામ તથા સુભદ્રાના અલૌકિક મહાભાવનાં દર્શન કરીને ધન્ય થયા. પૃથ્વી પરના લોકો પણ આ ત્રણે ભાઈ-બહેનનાં એકસાથે દર્શન કરી ધન્ય થાય અને પુણ્યને પામે તેવી પ્રાર્થના નારદમુનિએ મહાપ્રભુને કરી. ભગવાને નારદમુનિને તથાસ્તુ ! કહી વચન આપ્યું કે, ‘અમે ત્રણે ભાઈ-બહેનો રથ પર આરૂઢ થઈ નગરયાત્રા કરીશું અને નગરમાં લોકોને દર્શન આપશું.’ ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ હોવાનું મનાય છે.
 

 
 
એક માન્યતા એવી પણ છે કે માતા રોહિણી રુક્મિણી તથા મહારાણીઓને રાસ-લીલા તથા રાધા-કૃષ્ણની વાર્તાઓ સંભળાવતાં હતાં ત્યારે, બહેન સુભદ્રાને શ્રીકૃષ્ણ તથા બલરામની સાથે નગરયાત્રા કરવા મોકલ્યાં હતાં. તેથી રથયાત્રાની શ‚આત થઈ હતી. એવું પણ કહેવાય છે કે બહેન સુભદ્રા પિયરમાં આવ્યાં ત્યારે તેમણે ભાઈ શ્રીકૃષ્ણ અને બલરામને દ્વારકા નગરી જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બહેન સુભદ્રાની માગણીને સ્વીકારી ત્રણે ભાઈ-બહેનો દ્વારકા નગરીમાં સર્વેને દર્શન આપવા નીકળ્યાં હતાં. ત્યારથી રથયાત્રા શરૂ થઈ હોવાનું મનાય છે.
 
- શ્રીકૃષ્ણને મામા કંસે મથુરા બોલાવ્યા હતા. આકાશવાણી પ્રમાણે શ્રીકૃષ્ણ જ કંસનો સંહાર કરશે. તેથી શ્રીકૃષ્ણને મથુરામાં બોલાવવાનું કપટ કંસ મામાએ ગોઠવી એક સુંદર-આકર્ષક રથ ગોકુળમાં તેમને લેવા મોકલ્યો. શ્રીકૃષ્ણ પરિસ્થિતિને પામી ગયા. ભગવાન બાળશ્રીકૃષ્ણે તેમના મોટાભાઈ બળદેવજી તથા બહેન સુભદ્રાને લઈ આ રથમાં બેસી મથુરા તરફ પ્રયાણ કર્યું. તેમની રથયાત્રા જોવા ગોકુળ-મથુરા તથા વૃંદાવનનાં ગોપ-ગોપીઓ ઊમટી પડ્યાં. ભગવાન શ્રીકૃષ્ણ મથુરા આવી મામાશ્રી કંસનો સંહાર કરે છે. તેથી ચારેબાજુ ભગવાન શ્રીકૃષ્ણનો જયજયકાર થાય છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખી ત્રણે ભાઈ-બહેન રથમાં આરૂઢ થઈ રથયાત્રામાં બેસી મથુરાનગરીમાં સર્વેને દર્શન આપે છે. ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ હોવાની ધર્મકથા છે.
 
# શ્રીકૃષ્ણનાં માસી તેમના નિવાસસ્થાન પર પધારવા શ્રીકૃષ્ણ, બલરામ તથા સુભદ્રાને આમંત્રણ આપે છે. આ આમંત્રણને માન આપી રથમાં બેસી શ્રીકૃષ્ણ, બલરામ તથા બહેન સુભદ્રા માસીને ઘેર જાય છે અને દસ દિવસ રોકાય છે. માસી ત્રણે ભાણેજને ભાવતાં ભોજન જમાડે છે. માસીના નિવાસસ્થાનની આસપાસના નગરજનો આ ત્રણેનાં દર્શને આવે છે. અગિયારમા દિવસે રથમાં બેસી ત્રણે પોતાના નિજસ્થાનમાં પધારે છે અને નગરજનોને દર્શન આપે છે. આમ સામાન્યત: ભક્તો ભગવાનનાં દર્શને મંદિરે જાય છે. પણ અષાઢ સુદ બીજનો એકમાત્ર દિવસ એવો છે કે જ્યારે ભગવાન પોતે રથમાં આરૂઢ થઈ નગરજનોને દર્શન આપવા રથયાત્રામાં બિરાજે છે.
 

 
 
#  ભાલકાતીર્થમાં પારધીના બાણથી ભગવાન શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો હતો. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને દ્વારકામાં લવાયું હતું. ત્યારે ભાઈ બલરામથી આ સહન થયું નહીં. તે પણ કૃષ્ણના પાર્થિવ શરીર સાથે સમુદ્રમાં કૂદી જાય છે. પાછળ બહેન સુભદ્રા પણ ભાઈઓની પાછળ સમુદ્રમાં કૂદકો મારે છે. ત્રણે ભાઈ-બહેન સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે. આ સમયે પૂર્વ ભારતમાં સ્થિત પુરીના રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નું આવે છે કે ભગવાનનું શરીર સમુદ્રમાં તરી રહ્યું છે. રાજા વિષ્ણુ-પુરુષોત્તમ જે પુરીમાં જગન્નાથ તરીકે પૂજાય છે તેમના પરમ ભક્ત હતા. તેમને થયું કે ભગવાન કૃષ્ણ તથા બલરામજી અને તેમની બહેન સુભદ્રાજીની ભવ્ય મૂર્તિઓ બનાવીને ભવ્ય મંદિરનું નિર્માણ થાય અને મૂર્તિઓની પાછળ ભગવાન શ્રીકૃષ્ણના અસ્થિઓનો સંગ્રહ થાય.
 
રાજાનું સ્વપ્ન સાચું પડે છે. રાજાને સમુદ્રતટ પર શ્રીકૃષ્ણના પાર્થિવ શરીરનાં અસ્થિ મળે છે અને એક વિશાળ કાષ્ટ પણ જણાય છે. જેમાં ભગવાનનાં ચિહ્નો પણ હતાં. રાજા ઇન્દ્રદ્યુમ્ન આ કાષ્ટને લઈ તેમાંથી મૂર્તિઓના નિર્માણ માટે શિલ્પકારની શોધ કરે છે. ભગવાન વિશ્ર્વકર્મા પોતે સુથારનું સ્વરૂપ લઈ રાજાના દરબારમાં પધારે છે. શિલ્પી સુથાર સ્વરૂપી વિશ્ર્વકર્મા આ કાષ્ટમાંથી ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ તથા સુભદ્રાની મૂર્તિઓનું નિર્માણ કરવાનું વચન આપે છે. પણ એક શરત મૂકે છે કે જ્યાં સુધી જે ‚મ-ઓરડામાં બેસી આ મૂર્તિઓનું પૂર્ણ સ્વ‚પે નિર્માણ પૂરું ન થાય ત્યાં સુધી ઓરડો ખોલવો નહીં. આમ ભગવાન વિશ્ર્વકર્મા પોતે મૂર્તિઓ ઘડવાનું કાર્ય શરૂ કરે છે. એકાદ મહિને વીતવા છતાં સુથાર ઓરડામાંથી બહાર આવતા જણાતા નથી. તેથી રાજા-રાણીને ચિંતા થાય છે. સુથારના ભોજનનું શું ? તેમની સારવાર અથવા સંભાળ આપણે રાખી શક્યાં નથી. એવું વિચારી જ્યાં મૂર્તિઓનું નિર્માણ થતું હતું તે ઓરડો ખોલવામાં આવ્યો. આશ્ર્ચર્યનો પાર રહ્યો નહીં. વિશ્ર્વકર્મા સુથાર અદૃશ્ય હતા, પણ શ્રીકૃષ્ણ, બલરામ તથા સુભદ્રાની અપૂર્ણ મૂર્તિઓ જ હતી. રાજા ઇન્દ્રદ્યુમ્ન ખૂબ દુ:ખી થયા. તેમણે આ ત્રણે અપૂર્ણ મૂર્તિઓને તે જ ઓરડામાં પધરાવી અને તેમની પાછળ ભગવાન શ્રીકૃષ્ણનાં અસ્થિ જાળવ્યાં. તેની આસપાસ ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરનું નિર્માણ થયું. આ મંદિરમાં ત્રણે મૂર્તિઓને અષાઢ સુદ બીજના દિવસે લોકોનાં દર્શન માટે પુરીમાં રથયાત્રાના રૂપમાં ફેરવવામાં આવે છે એવું મનાય છે. રાજા ઇન્દ્રદ્યુમ્ને રથયાત્રાની શરૂઆત કરી હતી.