ભારતે અમેરિકા ભણી ઢળવું કે રશિયા તરફ ?

    ૧૮-જુલાઇ-૨૦૧૮

 
 
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી તેઓ વિશ્ર્વના દેશો વિરુદ્ધ આક્રમક બન્યા છે. ભારત પણ આમાંથી બાકાત નથી. ટ્રમ્પ ભારતને રશિયા પાસેથી શસ્ત્રો તથા બીજો સંરક્ષણ સરંજામ નહીં ખરીદવાનું દબાણ કરી રહ્યા છે. પરંતુ ભારત માટે રશિયા પણ અમેરિકા જેટલું જ મહત્ત્વનું અને જૂનું મિત્ર છે. ત્યારે ભારત માટે આ સમય ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાની વિદેશનીતિ પર આગળ વધવાનો છે.
 
અમેરિકાની નીતિ વરસોથી પોતાનાં હિતો સાચવવાની છે અને પોતાનાં હિતો સાચવવા અમેરિકા ગમે તે હદે જઈ શકે છે. પોતાની સાથે તાલ ના મિલાવી શકતા દેશોને દબડાવવાથી માંડીને તેમના પર આક્રમણ કરવા સુધીના ધંધા અમેરિકા કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી તેમણે વધારે આક્રમકતા બતાવવા માંડી છે અને દુનિયાના દેશોને દબાવવા રીતસરની ધમકીઓ જ આપવા માંડી છે. ભારત પણ ટ્રમ્પની આ નીતિનો ભોગ બન્યું છે ને ટ્રમ્પે ભારતને રશિયા પાસેથી શસ્ત્રો તથા બીજો સંરક્ષણ સરંજામ નહીં ખરીદવા દબાણ કરી રહ્યું છે.
 
રશિયામાં બનેલાં હથિયારો અને બીજો સંરક્ષણ સરંજામ ભારતની સુરક્ષાની જ‚રિયાતોને લાંબા સમયથી સંતોષે છે પરંતુ અમેરિકાને સીરિયાના મામલે રશિયા સાથે વાંકું પડ્યું પછી અમેરિકાએ ભારતને રશિયા સાથેના સંબંધોમાં કાપ મૂકવા દબાણ શરૂ કર્યું છે. અમેરિકાના આ દબાણને કારણે ભારતની હાલત બગડી છે ને ભારતે વચલો રસ્તો શોધવો પડે તેવી સ્થિતિ છે કેમ કે ભારત માટે અમેરિકા અને રશિયા બંને મહત્ત્વનાં છે. અમેરિકાનું દબાણ એટલું બધું છે કે, અમેરિકાએ ભારત રશિયા સાથેના શસ્ત્ર સોદાઓ પર પ્રતિબંધ ના મૂકે ત્યાં લગી ભારત અને અમેરિકાના સંરક્ષણ મંત્રીઓ તથા વિદેશ મંત્રીઓની સંયુક્ત ટુ પ્લસ ટુ મંત્રણા પણ સ્થગિત કરી દીધી છે. આ મંત્રણા ગયા મહિને થવાની હતી પણ રશિયા મામલે મડાગાંઠ પડી પછી અમેરિકાએ આ મંત્રણા મામલે ઠાગાઠૈયા શરૂ કર્યા અને મંત્રણા રદ કરી. એ પછી જૂનમાં ફરી મંત્રણા કરવાનું નક્કી થયું પણ અમેરિકાએ ફરી દાવ કરીને મંત્રણા રદ કરી. એ પછી ૧૬ જુલાઈએ વોશિંગ્ટનમાં ફરી મંત્રણા કરવાનું નક્કી કર્યું પણ અમેરિકાએ આ વખતે ફરી મંત્રણા સ્થગિત કરી દીધી છે. આમ અમેરિકાએ ત્રીજી વાર આ મંત્રણા સ્થગિત કરી છે. અમેરિકાએ આ દાવ કરીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, રશિયા સાથેના સંબધો મર્યાદિત નહીં કરાય તો આવું જ થતું રહેશે.
 
અમેરિકાને માફક ન વર્તે તે દેશો પર અમેરિકા પ્રતિબંધો લગાવે છે
 
અમેરિકામાં કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્ઝરિઝ થ્રુ સેન્ક્શન્સ એક્ટ (CAATSA) નામનો કાયદો છે. અમેરિકી પોતાને માફક ના આવે તેવા દેશો પર આ કાયદા હેઠળ પ્રતિબંધો ઠોકે છે. અમેરિકાના આ કાયદા અનુસાર રશિયા સાથે મોટો સંરક્ષણ સંબંધી સોદો કરતા દેશ પર અમેરિકી પ્રતિબંધ લગાવી શકાય છે. અમેરિકા આ કાયદા અંતર્ગત જ દબાણ સર્જીને ભારતને રશિયા પાસેથી હથિયારો ખરીદતું અટકાવવા માંગે છે પણ ભારત માટે એ શક્ય નથી. તેનું કારણ એ કે ભારત વર્ષોથી રશિયન હથિયારોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતું રહ્યું છે અને ભારતીય લશ્કર રશિયન હથિયારો પર નિર્ભર છે. છેક ૧૯૬૦ના દાયકાથી જ રશિયા ભારતની હથિયાર અને સુરક્ષા સંબંધી નાનીમોટી જ‚રિયાતો પૂરી કરતું આવ્યું છે. રશિયામાં નિર્માણ થયેલા હથિયારોનો ઉપયોગ ભારતીય સેનાની ત્રણેય પાંખોમાં વ્યાપક રીતે થઈ રહ્યો છે. ભારતના સૌથી મોટા શસ્ત્રોના સપ્લાયર તરીકે રશિયા ભારતને મોટા પ્રમાણમાં મદદ કરે છે. ભારતની અનેક સુરક્ષા સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. આમ માત્ર હથિયારો જ નહીં પણ સંરક્ષણની ટેકનોલોજી માટે પણ ભારત રશિયા પર નિર્ભર છે.
લશ્કરી રીતે ભારતે સ્વાનિર્ભર રહેવું જ પડશે
 
ભારત અને રશિયાની નિકટતાનાં કારણો બધાં જાણે છે. ૧૯૫૦ના દાયકાથી જ ભારત અને અમેરિકા વચ્ચે અંતર બનવા માંડેલું કેમ કે અમેરિકાને લશ્કરી રીતે સંપૂર્ણપણે પોતાના પર નિર્ભર દેશો સાથી તરીકે જોઈતા હતા ને ભારતને એ મંજૂર નહોતું. શીત યુદ્ધ દરમિયાન અમેરિકા ભારતને પોતાનું લશ્કરી સહયોગી બનાવવા માંગતું હતું પરંતુ ભારતે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો અને પોતાની સૈન્ય જ‚રિયાતોને સંતોષવા સોવિયેત સંઘની નિકટ રહેવાનું પસંદ કર્યું. ભારતના ઇન્કાર પાછળનું કારણ એ કે ભારત જાપાન કે યુરોપની જેમ અમેરિકાનું ભાગીદાર બની શકે એમ નથી. આ દેશોને અમેરિકા સુરક્ષા પૂરી પાડે છે અને લશ્કરી રીતે આ દેશો સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર છે. ભારત પરમાણુ હથિયારોથી સજ્જ અને લશ્કરી રીતે અત્યંત બળવાન છે. તેથી ભારતને અમેરિકાના સુરક્ષા છત્રની જરૂર નથી. ભારતની પોતાની સુરક્ષા ચિંતાઓ છે અને વ્યૂહાત્મક જ‚રિયાતો છે જે અમેરિકા, જાપાન કે યુરોપના દેશો કરતાં અલગ છે. ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોના કારણે પણ ભારતે લશ્કરી રીતે સ્વનિર્ભર જ રહેવું પડે તેથી ભારતની નીતિ વ્યાજબી જ છે.
 
અત્યારે જે સ્થિતિ છે તેમાં ભારતે મક્કમ વલણ લેવું પડે તેમ છે. તેનું કારણ એ કે અમેરિકા ગમે તેટલું દબાણ સર્જે પણ ભારતની અવગણના કરવી તેને પરવડે તેમ નથી. એશિયામાં અમેરિકા નવા દોસ્તને શોધી રહ્યું છે. ભારતને પોતાનું વ્યૂહાત્મક ભાગીદાર બનાવવાના અમેરિકાના પ્રયાસો ઓબામાના કાર્યકાળ દરમિયાન જ શ‚ થઈ ગયા હતા અને એટલે જ પરમાણુ કરાર કર્યા હતા. અમેરિકાની એકાધિકારવાદી વિદેશ નીતિઓના કારણે તેમણે દુનિયાના દરેક ખૂણામાં કોઈ ને કોઈ સાથીદારની જરૂર હોય છે. અમેરિકાને ચીનની પણ ચિંતા છે. ચીન માત્ર આર્થિક મહાસત્તા જ નહીં લશ્કરી મહાસત્તા પણ છે. વિશ્ર્વકક્ષાએ ચીનના વધી રહેલા પ્રભાવને રોકવા અમેરિકા ભારત સાથે સહયોગ વધારવા ઇચ્છે છે. બીજું એ પણ છે કે ભારતનું બજાર એટલું મોટું છે કે, અમેરિકા કે કોઈ પણ બીજો દેશ ભારતની અવગણના ના કરી શકે. ભારતે બીજી પણ એક વાત સમજવી પડે કે, અમેરિકાના દબાણ હેઠળ ભારત રશિયાથી દૂર જાય તો રશિયા ચીન તરફ ઢળે. ચીન અત્યારે પાકિસ્તાન સાથે નિકટતા ધરાવે છે એ સંજોગોમાં રશિયા, ચીન અને પાકિસ્તાનની ધરી રચાય. આ ધરી ભારતને ફાયદાકારાક નથી. ભારત રશિયા પાસેથી સસ્તાં શસ્ત્રો ખરીદે છે તે ફટકો તો પડે જ પણ એ શસ્ત્રો પાકિસ્તાન પાસે જાય તો વધારે નુકસાન થાય. આ સંજોગોમાં રશિયા સાથેની દોસ્તી આપણ માટે જરૂરી છે.
 
મોદી સરકારે આ મામલે યોગ્ય નીતિ અપનાવી છે. અમેરિકાના દબાણમાં આવીને રશિયા સાથેના સુરક્ષા સોદા સીમિત કરવાના બદલે તેમણે અમેરિકાને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે વ્યૂહાત્મક બાબતોમાં ભારતની પોતાની અલગ નીતિઓ છે અને એના ભોગે અમેરિકા સાથે સંબંધ રાખવાનું ભારતને પરવડે એમ નથી. ભારત આઝાદીથી અત્યાર લગી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વર્ત્યું છે ને આ નીતિ તેને અનરૂપ જ છે.