વિશ્ર્વના સૌપ્રથમ ગ્લોબલ વિવાહ, અયોધ્યાની લાડી ને કોરિયાનો વર

    ૧૮-જુલાઇ-૨૦૧૮

 
અયોધ્યાની રાજકુમારી સુરિરત્ના કોરિયાના રાજકુમાર સૂરોને પરણી હતી
 
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે ઈન તાજેતરમાં જ ભારતના પ્રવાસે હતા. પ્રવાસ દરમિયાન તેઓશ્રીએ ભારત સાથેના દ. કોરિયાના પૌરાણિક સંબંધોને યાદ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, ભારત અને કોરિયા વચ્ચે પૌરાણિક સંબંધ છે, કારણ કે અયોધ્યાની રાજકુમારીનો વિવાહ અમારા દેશના રાજકુમાર સાથે થયો હતો. ત્યારે આવો, આપણે જાણીએ ભારત અને દ. કોરિયાના પૌરાણિક સંબંધો વિશે...
દક્ષિણ કોરિયા પૂર્વી એશિયામાં સ્થિત એક દેશ છે. કોરિયાઈ દ્વીપના લગભગ અડધોઅડધ ભાગને ઘેરીને બેઠેલ આ દેશ શાંત અને સવારની ભૂમિ તરીકે ઓળખાય છે. તેની પશ્ર્ચિમે ચીન, પૂર્વે જાપાન અને ઉત્તરે ઉત્તર કોરિયા દેશો આવેલા છે. ઐતિહાસિક ‚પે આ દેશની સંસ્કૃતિ પર તેના પડોશી દેશ ચીનનો મોટો પ્રભાવ છે. આમ છતાં પોતાની અલગ સંસ્કૃતિને પાંગરવામાં આ દેશે સફળતા પણ મેળવી છે. હવે વાત અયોધ્યા અને દ. કોરિયાના સબંધોની.
 
લગભગ બે હજાર વર્ષ પહેલાં થયેલા એક વિવાહે ભારતની ધાર્મિક નગરી અયોધ્યાને હજારો માઈલ દૂર દક્ષિણ કોરિયા સાથે અતૂટ સંબંધથી જોડી દીધું હતું. ઇતિહાસકારો આ વિવાહને વિશ્ર્વના સૌપ્રથમ ગ્લોબલ વિવાહ તરીકે જુએ છે, જેને પરિણામે બે દેશો સાંસ્કૃતિક રૂપે જોડાયા ! કહેવાય છે કે બે હજાર વર્ષ પહેલાં અયોધ્યામાં જન્મેલી રાજકુમારી સુરિરત્નાને તેના પિતાએ સમુદ્રની યાત્રાએ મોકલી હતી. રાજકુમારી યાત્રા દરમિયાન કોરિયા પહોંચી અને તેના વિવાહ ત્યાના રાજા ‘સૂરો’ સાથે થયા. આ લગ્ન બાદ અહીં ‘કારા’ વંશની સ્થાપના થઈ. વર્તમાનમાં આ વંશના વંશજો પોતાની આગળ કિમ નામનો ઉપયોગ કરે છે.
 
એક વાત એવી પણ આવે છે કે, ઈ.સ. ૪૮માં ભારતના અયોધ્યા રાજ્યની રાજકુમારી સુરિરત્નાનો વિવાહ કોરિયાના રાજા કિમ સૂરો સાથે થયો હતો. જે બાદમાં રાણી હુહ હવાંગ-ઓક નામે પ્રસિદ્ધ થઈ. આ શાહી પરિવારના સદસ્યોની સંખ્યા હાલ દ. કોરિયાની કુલ આબાદીમાં ૫ મિલિયન જેટલી છે.
 

 
 
કોરિયાની લોકવાયકા
 
કોરિયન લોકોમાં દંતકથા પ્રચલિત છે કે, અયોધ્યાની એક રાજકુમારી કોરિયાની મહારાણી બની હતી. લગભગ બે હજાર વર્ષ પહેલાં અયોધ્યાની રાજકુમારી સુરિરત્નાની હુ હવાંગ ઑક, અયુતા એટલે કે અયોધ્યાથી દ.કોરિયાના ગ્યોગસાંગ પ્રાંતમાં સ્થિત ‘કિમહયે’ શહેરમાં આવી હતી. મંદારિન ભાષામાં લખાયેલા કોરિયાના પૌરાણિક દસ્તાવેજ ‘સામ ગુક પુસા’માં એક કથા આવે છે, જે મુજબ અયોધ્યાની રાજકુમારીના પિતાના સ્વપ્નમાં સ્વયં ઈશ્ર્વર પ્રકટ થયા હતા અને કહ્યું હતું કે, તે તેના રાજકુમાર અને રાજકુમારીને સાથે વિવાહ માટે ‘કિમ હયે’ શહેરમાં મોકલે. જ્યાં સુરિરત્નાનો વિવાહ રાજા સુરો સાથે સંપન્ન થશે. ૧૬ વર્ષની ઉંમરમાં રાજકુમારી સુરિરત્નાનો વિવાહ કિમહયે રાજવંશના રાજકુમાર સુરો સાથે થયો. કિમહયે રાજવંશના નામ પરથી જ કોરિયાનું નામાંકરણ થયું છે. કોરિયાના લોકો માને છે કે, સુરિરત્ના અને રાજા સુરોના વંશજોએ જ ૭મી સદીમાં કોરિયામાં વિવિધ રાજઘરાનાની સ્થાપના કરી હતી. તેમના વંશજો ‘કારક’ તરીકે ઓળખાય છે. જે માત્ર કોરિયામાં જ નહીં વિશ્ર્વભરમાં ફેલાયેલા છે, આજે પણ દ.કોરિયાનાં ઉચ્ચ પદો પર આ વંશના વંશજો આસીન છે. આમ તો કોરિયાનાં ઇતિહાસમાં અનેક મહારાણીઓ થઈ છે, પરંતુ તે તમામમાં સૌથી વધુ માન-સન્માન સુરિરત્નાને મળ્યું છે. આજે પણ કોરિયાના લોકો માટે સુરિરત્નાએ તેમની પવિત્ર રાણી છે, કારણ કે તે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યાની હતી.
 

 
 
કોરિયાના પૌરાણિક દસ્તાવેજ સામ કુક પુસામાં ઉલ્લેખ
 
કોરિયાના પૌરાણિક દસ્તાવેજ ‘સામ કુક પુસા’માં પણ રાજા સૂરો અને સુરિરત્નાના વિવાહની વાત આવે છે, જે મુજબ પ્રાચીન કોરિયામાં કારક વંશની સ્થાપના કરનાર રાજા સુરોની પત્ની રાણી ‘હૌ’ એટલે કે સુરિરત્ના મૂળ આયુત (અયોધ્યા)ની રાજકુમારી હતી. સુરો સાથે વિવાહ કરાવવા માટે તેના પિતાએ તેને સમુદ્રમાર્ગે કોરિયા સ્થિત કારક રાજ્યમાં મોકલી હતી. આજે પણ કોરિયામાં કારક ગોત્રના લગભગ ૬૦ લાખ લોકો ખુદને રાજા સુરો અને અયોધ્યાની રાજકુમારીના વંશજો ગણે છે. સુરો અને સુરિરત્નાના વંશજોની સંખ્યા કોરિયાની કુલ આબાદીમાં લગભગ ૧૦% છે.
 
કોરિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ‘કિમ દેઈ જુગ’ અને પ્રધાનમંત્રી હિયો જિયોગ અને જોગ પિલ કિમ કારક વંશના જ વંશજો હતા. કારક વંશના લોકોએ પથ્થર પણ સાચવી રાખ્યો છે, જેને લઈને કહેવામાં આવે છે કે અયોધ્યાની રાજકુમારી સુરિરત્ના પોતાની સમુદ્રીયાત્રા દરમિયાન નાવને સંતુલિત રાખવા માટે તેમાં મૂકી લઈ આવી હતી. કિમ હયે શહેરમાં રાજકુમારી ‘હૌ’ની પ્રતિમા પણ છે. કોરિયામાં રહેતા કારક વંશના અનેક લોકો દર વર્ષે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન પોતાની માનીતી રાણી સુરિરત્નોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની જન્મભૂમિ અયોધ્યામાં આવે છે. સંબંધિત કથાઓ મુજબ સુરિરત્નાનું નિધન ૫૭ વર્ષની ઉંમરમાં થયું હતું.