અને સિકંદરે સ્વયંસેવકોને કહ્યું… આ દિવસ મને જિંદગી ભર યાદ રહેશે

    ૨૦-જુલાઇ-૨૦૧૮

 
 
તા. 17 સપ્ટેમ્બર, મુંબઈમાં વર્ષેલા અનરાધાર વરસાદને કારણે ગુજરાતથી મુંબઈ તરફ જતી ટ્રેનોને દ.ગુજરાતના રેલવે સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. પરિણામે અનેક મુસાફરો રસ્તામાં જ રઝળી પડ્યા હતા. આ વાતની જાણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થતા વલસાડ, વાપી, ઉદરવાડા, નવસારી વગેરે સ્ટેશનો પર સ્વયંસેવકો પહોંચી, મુસાફરોને મદદ કરવા લાગ્યા હતા. અટવાઈ પડેલા એ મુસાફરોમાં 15 જેટલાં મુસ્લિમ મુસાફરો પણ હતા. તેમને કચવાટ હતો કે, કદાચ એ લોકો આપણા ધર્મને કારણે આપણી મદદ નહીં કરે. પરંતુ રા. સ્વ. સંઘના સ્વયંસેવકોએ સામે ચાલી મુસ્લિમ મુસાફરોને રહેવા-જમવાની વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂકતાં. પેલા મુસાફરો એ હાશકારો અનુભવ્યો હતો.
 
રાત્રે અહીંની ઇચ્છાબેન વાડીમાં તમામ લોકો માટે રહેવાની જમવાની વ્યવસ્થા કરાઈ હતી. સ્વયંસેવકો ભોજન પીરસતા હતા ત્યારે વાતમાંથી વાત નીકળતા ખબર પડી કે આમાના સિકંદર નામના યુવાનનો આજે જન્મ દિવસ છે. સ્વયંસેવકોએ બજારમાંથી તરત જ કેક મંગાવી અને સિકંદરને સરપ્રાઈઝ બર્થ-ડે પાર્ટી આપી. સ્વયંસેવકોના બંધુત્વની આ ભાવનાએ સિકંદરને ગળગળો કરી દીધો અને તે માત્ર એટલું જ બોલી શક્યો કે “આ દિવસ મને જિંદગી ભર યાદ રહેશે.”