બાળકોના અભ્યાસ માટે કર્ણાટકના શિક્ષક રાજારામ બન્યા બસ ડ્રાઇવર

    ૨૭-જુલાઇ-૨૦૧૮

 
શિક્ષણ દરેક બાળકો માટે જરૂરી છે તે વાત સૌ કોઈ જાણે છે, પરંતુ શિક્ષણ લેવા માટે બાળકોને શાળાએ જવું પણ જરૂરી છે. બાળકોને શાળાએ પહોંચાડવા અંગેનો એક કિસ્સો કર્ણાટકમાં સામે આવ્યો છે, જેમાં એક શિક્ષકે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદથી એટલે બસ ખરીદી કે તેના વડે બાળકોને શાળાએ લઈ આવી શકાય. આ વાત છે ઉડૂપીના બારાલી ગામની શાળાની. જ્યાં રાજારામ બાળકોને ગણિત અને વિજ્ઞાન ભણાવે છે અને બાળકોના બસ ડ્રાઇવરની જવાબદારી પણ નિભાવે છે.

 
 
બાળકોને શાળાએ પહોંચાડવા માટે તેઓ વહેલી સવારે ઊઠે છે અને બાળકોને ઘરે તેડવા માટે રવાના થાય છે. આ માટે તેઓ બસમાં દિવસના ચાર ચક્કર કાપે છે. રાજારામના કહેવા પ્રમાણે બારાલી ગામના બાળકો માટે શાળા દૂર હતી અને શાળાએ પહોંચવાનો માર્ગ પણ બિસ્માર હતો, જેના પરિણામે અભ્યાસ અધવચ્ચે છોડતા બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો. જેમ જેમ શાળામાં છાત્રોની સંખ્યા ઘટવા લાગી તેમ ચિંતામાં પણ વૃદ્ધિ થઈ હતી અને શાળા બંધ કરવાની નોબત આવી શકે તેમ હતી. આ દરમિયાન એક વખત રાજારામની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિજય હેગડે સાથે વાત થઈ હતી અને વિજયને તમામ મુશ્કેલી વર્ણવી હતી. જેમાં હેગડેએ બાળકોને ઘરે તેડવા જવાની સલાહ આપી હતી, જેથી બાળકોની ભણવામાં રુચિ વધી હતી. ત્યાર બાદ અન્ય ભૂતપૂર્વ છાત્રોએ બસ ખરીદવા માટે મદદ કરી હતી. જો કે બસ ખરીદ્યા બાદ સવાલ ઊઠ્યો હતો કે બસ ચલાવશે કોણ ? ડ્રાઇવરનો પગાર શાળાને પરવડે તેમ હતો નહીં. આ કારણથી જ રાજારામે ખુદ બસ ચલાવીને બાળકોને તેડવા જવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સફળ સાબિત થતાં શાળામાં બાળકોની સંખ્યા પણ વધવા લાગી હતી અને ૬૦ બાળકોની સંખ્યા રાજારામ બસ ડ્રાઇવર બન્યા બાદ ૯૦એ પહોંચી છે.